સફળ થઇ જવાથી તું સુખી થઇ જઇશ?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
તારે તો જાવું હશે દરિયા સુધી, ચાલ મૂકી દઉં તને રસ્તા સુધી,
તારી યાદોનો એ મીઠો છાંયડો, મારી સાથે આવશે તડકા સુધી.
–બાલુભાઈ પટેલ
તમને એવી ચોઇસ આપવામાં આવે કે તમારે સફળ થવું છે કે સુખી,તો તમે શું પસંદ કરો? સફળતા માટે માણસે સુખનું કેટલું બલિદાન આપવું જોઈએ? દરેક માણસને સફળ થવું છે. સફળ થવાની ઇચ્છા વાજબી પણ છે અને જરૂરી પણ છે. બધાને એક આગવી ઓળખ જોઈએ છે. બધાને જાણીતાં બની જવું છે. ‘સેલિબ્રિટી સ્ટેટસ’ માટે માણસ કંઈ પણ કરે છે. મારા વિશે બધાને બધી ખબર હોવી જોઈએ. પોતાના વર્તુળમાં માણસ મોટો અને મોખરે થવાની મહેનત કરતો રહે છે. આપણને બધા ઓળખવા જોઈએ. બહાર નીકળીએ અને લોકો ઘેરી વળે. સોશિયલ સાઇટ્સ પર સ્ટેટસ અપલોડ કરીએ તો ફટાફટ લાઇક મળે. બધાને પોપ્યુલર થવું છે. ક્યારેય એવો વિચાર કર્યો છે કે આખું ગામ તમને ઓળખતું હોય અને ઘરે રાહ જોવાવાળું કોઈ ન હોય તો? દુનિયામાં જેટલા માણસો સફળ છે એને જઈને પૂછો તો કદાચ કહેશે કે સફળતા કરતાં સુખ મહત્ત્વનું છે. હા, સફળતા સુખ આપે છે પણ એ સુખ પરમેનન્ટ હોતું નથી. કોઈ એવોર્ડ મળે તો એની અસર એક-બે અઠવાડિયાંમાં ખતમ થઈ જાય છે. સુખ અને સુખની અનુભૂતિમાં ફર્ક છે.
એક માણસની વાત છે. એની દીકરીએ એક એક્ઝામમાં ટોપ કર્યું. દીકરી એવોર્ડ લેવા ગઈ ત્યારે તેણે કહ્યું કે કેવું છે, સફળતા દીકરીને મળી છે અને સુખનો અહેસાસ મને થાય છે! સ્નેહ જેવું સુખ કોઈ ન આપી શકે! સફળતા મેળવનાર દીકરીને સફળતાનો મતલબ પૂછયો તો એણે એવું કહ્યું કે મારા ડેડીના ચહેરા ઉપરની ખુશી મારા માટે આ એવોર્ડથી અનેકગણી મહત્ત્વની છે. જ્યારે ડેડી એમ કહે કે પ્રાઉડ ઓફ યુ ત્યારે સફળતાનો નહીં પણ સુખનો સાચો મતલબ સમજાય છે. સફળ થઈએ ત્યારે બધા તાળીઓ પાડતાં હોય છે, પણ એકાદ-બે વ્યક્તિ એવી હોય છે જેની આંખો ભીની થઈ જતી હોય છે! માણસની નજર તાળીઓ ઉપર નહીં પણ એ ભીની આંખો તરફ જ સૌથી પહેલી જાય છે. તમે સફળ થાવ એ જોઈને કોઈની આંખો ભીની થાય છે ખરી? એવી આંખો ન હોય ત્યારે એવું લાગે છે કે આ સફળતાનો કોઈ મતલબ નથી!
સરકસનો સિંહ સફળ ગણાય કે જંગલનો? એક વખત સરકસ અને જંગલના સિંહનો ભેટો થઈ ગયો. સરકસના સિંહે કહ્યું કે હું જ્યારે ખેલ કરું છું ત્યારે લોકો તાળીઓ પાડે છે. મારે શિકાર પણ કરવો પડતો નથી. ભોજન મને તૈયાર મળે છે. તારે તો કેટલું દોડવું પડે છે શિકાર માટે! જંગલના સિંહે કહ્યું કે તારી વાત સાચી છે, પણ મારે પાંજરામાં પુરાઈ રહેવું પડતું નથી. રિંગ માસ્ટર હંટર લઈને મારા ઉપર ઊભો રહેતો નથી. તું કદાચ તારી જાતને ‘સફળ’ માનતો હોઈશ પણ સુખી તો હું જ છું. એક ગામડામાં બે મિત્રો રહેતા હતા. એક મિત્રને ફોરેનમાં જોબ મળી. એ વિદેશ ચાલ્યો ગયો. ચાર વર્ષે પાછો આવ્યો. મિત્રને કહ્યું કે હું ખૂબ કમાયો છું. ગામડાના મિત્રએ કહ્યું બહુ સારી વાત છે. ચલ આપણે બંને એક દિવસ બહાર જઈએ. જ્યાં આપણે જતા હતા ત્યાં જઈ એક દિવસ રહીએ. વિદેશથી આવેલા મિત્રએ કહ્યું કે, ના યાર, ચાર વર્ષે આવ્યો છું. ફેમિલી સાથે રહેવું છે. મારે એ લોકોની સાથે રહીને સુખ ફીલ કરવું છે. ગામડાના મિત્રએ કહ્યું કે હા તું સુખ ફીલ કર, કારણ કે એ ખૂબ મહત્ત્વનું છે. હું તો આ ગામડામાં રહીને રોજ ફેમિલી સાથે સુખ ફીલ કરું છું. સફળ થઈને સુખનો એક ટુકડો તેં માંડ ખરીદ્યો છે, મારી પાસે તો આખેઆખું સુખ છે!
‘હોડ’ અને ‘દોડ’માં માણસને એ ભાન જ નથી રહેતું કે સુખ ક્યાં અલોપ થઈ ગયું. માણસને એવું લાગતું હોય છે કે એ સુખ માટે સુખ તરફ દોડી રહ્યો છે, પણ હકીકતે એ ઊંધી દોડ લગાવી સુખથી જ દૂર ભાગી રહ્યો હોય છે. સફળતા ચોક્કસપણે જરૂરી છે. જો કોઈ માણસે સફળ થવાનું વિચાર્યું ન હોત તો દુનિયા આજે છે એ ન હોત. ઘરમાં બેઠા રહેવું એ જ સુખ નથી. દરેક માણસે સફળ થવાનો પ્રયાસ કરવો જ જોઈએ. વિચાર માત્ર એટલો જ કરવાનો હોય છે કે સફળતા માટે હું જે ભોગ આપવા તૈયાર થયો છું એ વાજબી છે?સફળ થઈને મારે કરવું છે શું? શાંતિ જરૂરી છે, સુખ મહત્ત્વનું છે, સફળતા માટે આપણે કેટલું ‘કોમ્પ્રોમાઇઝ’ કરીએ છીએ. બે મિત્રો હતા. એકસરખા હોશિયાર. મોટા થયા પછી એક મિત્રને એવું થયું કે આ બધી ભાગદોડનો કોઈ અર્થ નથી. એ સાધુ થઈ ગયો. જંગલમાં જઈ એક ઝૂંપડી બનાવી પોતાની મસ્તીમાં રહેવા લાગ્યો. બીજા મિત્રએ ખૂબ મહેનત કરી. ઉદ્યોગો સ્થાપ્યા. મોટા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટમાં એનું નામ હતું. એક દિવસ એ તેના જૂના અને સાધુ બની ગયેલા મિત્રને મળવા જંગલમાં ગયો. સાધુ મિત્ર પ્રેમથી મળ્યો. એ સુખ અને શાંતિની વાતો કરતો હતો. સાધુ મિત્રે કહ્યું કે, ઘણા ઉદ્યોગપતિઓ મારી પાસે આવે છે. એને ચેન નથી. ઉપાધિઓ જ છે. ટકી રહેવાની ચિંતા છે. સુખ અને શાંતિની શોધમાં મારી પાસે આવે છે. ઉદ્યોગપતિ મિત્રએ કહ્યું કે જો દોસ્ત, હું તારી પાસે સુખ અને શાંતિની શોધ માટે નથી આવ્યો. હું તો મારા એક મિત્રને મળવા આવ્યો છું. મારે તારી જેમ સાધુ નથી થવું! હું સુખી જ છું. તું અહીં વાતો કરીને બધાને સુખ અને શાંતિ આપતો હોવાનું માને છે, પણ મારા ઉદ્યોગમાં હજારો લોકો કામ કરે છે. હજારો ફેમિલીની જવાબદારી મારી છે. એ લોકોને ખુશ જોઉં છું ત્યારે મને સુખ મળે છે. મારું ફેમિલી, મારા સંબંધો અને મારા સુખને પણ મેં સાચવી રાખ્યાં છે. સુખ માત્ર દૂર ભાગી જવાથી નથી મળતું. સુખ તો નજીક આવવાથી મળે છે. હું સફળ થયો છું પણ સફળતા માટે મેં કોઈ સમાધાનો નથી કર્યાં. સફળતાની કિંમત ચૂકવવી પડે છે. સફળતા માટે એ કિંમત ચૂકવવી પણ જોઈએ. કેટલી કિંમત ચૂકવવી એ જ આપણે નક્કી કરવાનું હોય છે. સુખ જ વેચવું પડે એટલી કિંમત સફળતા માટે ન ચૂકવવી જોઈએ. સફળતા અને સુખ વચ્ચે ‘બેલેન્સ’ જાળવતાં આવડવું જોઈએ. સફળતા કાયમ રહેતી નથી. સુખ સનાતન છે. એક માણસ ફિલોસોફર પાસે ગયો. ફિલોસોફરને તેણે પૂછયું કે સફળતા અને સુખમાં ભેદ શું હોય છે? ફિલોસોફરે કહ્યું કે સફળતાનો નશો હોય છે અને સુખની અનુભૂતિ હોય છે. દુનિયાનો કોઈ નશો હંમેશાં રહેતો નથી. નશો ગમે તેવો હોય, આખરે તો ઊતરી જ જતો હોય છે. અનુભૂતિ અવિરત થતી રહે છે. નશો દિમાગ પર છવાયેલો રહે છે જ્યારે અહેસાસ દિલને સ્પર્શે છે. નશાનું હેંગઓવર હોય છે, અનુભૂતિમાં આહ્લાદકતા હોય છે.
મહાન, ધનિક અને સેલિબ્રિટી બની જશો તો કદાચ લોકો તમને ઓળખશે, પણ તમને તમારા લોકો ઓળખતા હોય અને તમે તમારા લોકોને ઓળખતા હોવ એ જરૂરી છે. આપણને જોઈને બધા હાથ હલાવતા હોય પણ એકેય હાથ જો આપણા હાથમાં ન હોય તો સમજવું કે સફળતા માટે તમે વધુ પડતી કિંમત ચૂકવી દીધી છે!
છેલ્લો સીન :
સુખી થવા માટે પહેલાં સુખનું કારણ શોધજો. એ કારણ ખોટું તો નથીને એની બે વખત ખરાઈ કરજો. -કેયુ
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 4 જાન્યુઆરી, 2015. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)