તારા માટે તો હું કંઈ પણ કરી શકું!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
જિંદગીમાં તું હજી કાંઈક વધારો કરજે, 
દૂર નૌકાથી સમંદરનો કિનારો કરજે,
કોલ આપીને ગયા છે એ ફરી મળવાનો, 
ઓ વિધિ! ભાગ્યમાં થોડોક સુધારો કરજે.
-‘સાકિન’ કેશવાણી
તમે કોના માટે જીવો છો? આવો સવાલ તમને કોઈ પૂછે તો તમે શું જવાબ આપો? ક્યા ચહેરા તમારી સામે આવે? આમ તો એવું જ કહેવાતું આવ્યું છે કે માણસ માત્ર પોતાના માટે જ જીવે છે. આ દુનિયામાં એકલા આવ્યા હતા અને એકલા જવાનું છે એવું આખી દુનિયા જાણે છે. કંઈ જ સાથે લઈ જવાનું નથી. સિકંદરે એવું કહ્યું હતું કે હું મરી જાવ ત્યારે મારા બંને ખાલી અને ખુલ્લા હાથ બહાર રાખજો. આખી દુનિયાને ખબર પડે કે સિંકંદર જેવો સિકંદર પણ ખાલી હાથે જ ગયો છે. આમ છતાં, એક હકીકત એ છે કે માણસ માત્ર પોતાના માટે જીવતો નથી. માણસ કોઈના માટે પણ જીવતો હોય છે. અમુક એવી વ્યક્તિઓ આપણી જિંદગીમાં હોય છે, જેના માટે આપણે કંઈ પણ કરી શકીએ. ગમે એવું જોખમ લઈ શકીએ. દરેકે પોતાની જિંદગી કોઈના નામે કરી રાખી હોય છે.
દરેક માણસને જીવવાનો કોઈ આધાર જોઈતો હોય છે. જીવવાનું કોઈ કારણ હોય ત્યારે જ જિંદગી જીવવા જેવી લાગતી હોય છે. તમારા માટે કોણ જિંદગીનું કારણ છે? હમણાં એક ઘટના બની. એક પતિ-પત્ની હતાં. લગ્નનાં વીસ વર્ષ પછી પણ બંને નવદંપતીની જેમ જ જીવતાં હતાં. ઉંમર કંઈ એટલી બધી થઈ ન હતી. પત્નીને અચાનક ગંભીર બીમારી થઈ. ડોક્ટરે કહ્યું કે તમારી પત્ની પાસે વધુમાં વધુ છ મહિના છે. પતિ પત્નીની કેર તો પહેલેથી કરતો હતો પણ આ વાતની ખબર પડી પછી એ તેની વધુ કેર કરવા લાગ્યો. પત્નીએ એક દિવસ કહ્યું કે, “હું મરી જાવ પછી તું બીજા લગ્ન કરજે. હજુ એટલો બુઢ્ઢો નથી થયો કે બીજું કોઈ ન મળે!” પત્નીએ આગળ કહ્યું કે “મને ખબર છે તને એકલા રહેવાની આદત નથી!” પતિએ કહ્યું કે “હા, તારી વાત સાચી છે. મને એકલા રહેવાની આદત નથી પણ સાથોસાથ સાચી વાત એ પણ છે કે મને તારા વગર રહેવાની આદત નથી!” અંતે એક દિવસ એવો આવ્યો કે પત્ની દુનિયા છોડીને ચાલી ગઈ. પત્નીના મોતના પંદર દિવસ પછી જ પતિનું મૃત્યુ થઈ ગયું. એક સવારે એ ઊઠયો જ નહીં. હા, એને એકલા રહેવાની આદત ન હતી. જીવવાનું કારણ જ ચાલ્યું ગયું હતું. પતિના મિત્રએ કહ્યું કે “અમને ખબર હતી કે આવું જ કંઈક થશે. એ બંનેનું એટેચમેન્ટ જ એવું હતું. પત્ની તો બીમાર હતી. એને તો ડોક્ટરે પણ કહ્યું હતું કે હવે તો છ જ મહિના છે. પતિ તો સાજાનરવો હતો. એને તો કોઈએ કહ્યું ન હતું કે હવે તો પંદર જ દિવસ છે! એને તો જાણે ઉતાવળ હતી! એક વખત તેણે હસતાં હસતાં કહ્યું હતું કે ઉપર મળવાનું થતું હશે કે કેમ એ તો ખબર નથી પણ અહીં નીચે એના વગર જીવાતું નથી એ હકીકત છે.”
માત્ર બે ઘડી ખાતર એક ખરાબ વિચાર કરી જુઓ. તમે જેને સૌથી વધુ પ્રેમ કરો છો એ વ્યક્તિ અચાનક જ આ દુનિયામાંથી ચાલી જાય તો? આવા વિચારથી જ આપણને ધ્રુજારી આવી જાય છે. આવું ન થાય એની કોઈ ગેરન્ટી છે ખરી? આ એક સાવ સાચી ઘટના છે. એક પત્નીએ એના પતિને કહ્યું કે “મારે એ રીતે નથી મરવું કે મરતી વખતે હું તને ઓળખી ન શકું. મારે તો તારા ખોળામાં હસતાં હસતાં મરવું છે. મને હા પાડી દે.” અમેરિકાના ઓરેગોનમાં રહેતી ૨૯ વર્ષની બ્રિટની મેનાર્ડ ચક્કર ખાઈને પડી ગઈ પછી એવું નિદાન થયું કે તેને બ્રેઈન ટયુમર છે. હવે વધુમાં વધુ એક વર્ષનો સમય તેની પાસે છે. સમય જશે તેમ ટયુમર મોટું થતું થશે અને પેઈન વધતું જશે. છેલ્લા દિવસોમાં કંઈ ભાન નહીં રહે. પત્નીએ કહ્યું, “મારે એવી રીતે નથી મરવું. તારો બર્થ ડે સેલિબ્રેટ કરી બીજા દિવસે ચાલી જઈશ.” ગઈ તારીખ ૧ નવેમ્બરે બ્રિટનીએ કાયદેસરની મંજૂરી અને પ્રિસ્ક્રાઈબ્ડ પોઈઝન દ્વારા પતિ ડેનડિયાઝના ખોળામાં જ અંતિમ શ્વાસ લઈ લીધો. એના ચહેરા ઉપર છેલ્લી ઘડી સુધી સ્માઈલ હતું અને પતિનો હાથ હાથમાં હતો. બ્રિટની તો એની ઇચ્છા મુજબ ચાલી ગઈ. ડેનડિયાઝને શું થતું હશે? એ દૃશ્ય આંખ સામે કેવું તરવરી જતું હશે? કેટલાય લોકો એવા હશે જે પોતાની પ્રિય વ્યક્તિની વિદાય બાદ જીવતા તો હશે પણ એમાં જિંદગી જેવું બહું ઓછું લાગતું હશે!
એક પતિ-પત્ની હતા. બંનેએ લવમેરેજ કર્યાં હતાં. બંને માતા-પિતા સાથે જ રહેતાં હતાં. વર્ષો થઈ ગયાં. એક દિવસ મધરનું અવસાન થયું. એ પછી પિતાની જે માનસિક હાલત હતી એ દીકરા અને વહુથી જોવાતી ન હતી. લાખ પ્રયત્નો છતાં એ બંને પિતાને ખુશ રાખી શકતા ન હતાં. કંઈ કરે તો પણ કહે કે તારી મધર વગર ક્યાંય ચેન પડતું નથી. પતિ-પત્ની દરરોજ આવી વાત સાંભળે. એક દિવસ પત્નીએ પતિને બહુ સહજ રીતે પૂછી નાખ્યું કે “હું મરી જાવ તો તને પણ આવું થાય?” પતિએ પત્નીને બાંહોમાં લઈ લીધી, “આવું ન બોલ. અમુક વેદનાએ કલ્પના બહારની હોય છે.” પોતાની વ્યક્તિ થોડોક સમય દૂર હોય તો પણ સહન નથી થતું, એ વ્યક્તિ સાવ જ દૂર ચાલી જાય તો?
તમે જેને પ્રેમ કરો છો, તમને જેના પ્રત્યે લાગણી છે, તમને જેની પરવા છે, જેના માટે તમે કંઈ પણ કરી શકો, એની સાથે જીવી લો. ફરી આ ક્ષણ મળે ન મળે? સમય હોય છે પણ આ સમય ક્યાં સુધી છે, ખબર નથી. એક વાત એ પણ યાદ રાખો કે જેના માટે જીવ્યા હોય એનો અફસોસ પણ ન કરો. ક્યારેક એવું પણ બનતું હોય છે કે જેના માટે આપણે કંઈ પણ કરવા તૈયાર હોઈએ એ જ વ્યક્તિ દૂર થઈ જાય! જે જિંદગી જીવાતી હોય છે એ જ મહત્ત્વની હોય છે. બે પ્રેમીઓ હતાં. એક-બીજા માટે કંઈ પણ કરી શકે. જીવ જાય તો પણ મંજૂર છે એવી બંનેની લાગણી હતી. કંઈક એવું થયું કે બંને જુદા પડી ગયાં. યુવાનના મિત્રએ તેને કહ્યું કે “ગાંડાની જેમ એને તું પ્રેમ કરતો હતો. એના સિવાય તને કંઈ દેખાતું જ ન હતું. આખરે તને મૂરખ બનાવીને ચાલી ગઈને?” યુવાને કહ્યું કે “હા, એ ચાલી ગઈ પણ અમે બંને સાથે જે જીવ્યાં એ ખોટું હતું એમ કેવી રીતે કહી શકાય? એને મળવા હું બેતાબ રહેતો હતો. એ મળે ત્યારે સમય ઉડવા લાગતો. મેં એના સાથનું સુખ અનુભવ્યું છે. જો એ ચાલી ગઈ એ સાચું છે તો હું એની સાથે જે જીવ્યો એ પણ એટલું જ સાચું હતું. હવે મારે નક્કી કરવાનું છે કે મારે ક્યા’સાચા’ને મારી સાથે જીવતાં રાખવાનું છે. હા, હું તેની પાછળ પાગલ હતો પણ હું એવું ક્યારેય નહીં કહું કે હું મૂરખ હતો!”
સંબંધોનો હિસાબ-કિતાબ નથી હોતો. પ્રેમની કોઈ ગણતરી નથી હોતી. આજે જે વ્યક્તિ છે એ જ જિંદગીનું કારણ છે. તમે જેના માટે કંઈ પણ કરી શકો એમ હોવ એના માટે બીજુ કંઈ પણ ન કરો તો કંઈ નહીં પણ એને પ્રેમ કરી લો. એક પ્રમિકાને તેના પ્રેમીએ કહ્યું કે “હું તારા માટે કંઈ પણ કરી શકું છું.” પ્રેમિકાએ આ વાત સાંભળીને એટલું જ કહ્યું કે “તો બસ તું મને પ્રેમ કરી લે. પ્રેમ કરવાની કોઈ પળ ન ગુમાવ! સમય ક્યારેક આપણને છેતરી જાય તો કોઈ અફસોસ તો ન થાય!”              
છેલ્લો સીન :     
પ્રેમ કરવાનું પેન્ડિંગ ન રાખો. સમયની રાહ જોવા બેસશો તો સમય છેતરી જશે. સમયનું રિઝર્વેશન કયારેય થઈ શકતું નથી. ‘સમ’ અને ‘મય’ થતાં કોઈ સમય રોકતો નથી. -કેયુ
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 21 ડિસેમ્બર, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

Krishnkant Unadkat

Krishnkant Unadkat

One thought on “

Leave a Reply

%d bloggers like this: