તમને ‘ગલીપચી’ થાય છે? ગલગલિયાં વિશે અવનવું – દૂરબીન

તમને ‘ગલીપચી’ થાય છે?

ગલગલિયાં વિશે અવનવું

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

ગલીપચી કે ગલગલિયાં એ તમામ લોકો સાથે

જોડાયેલી ખૂબ જ સાહજિક ઘટના છે.

તમને ખબર છે, ગલીપચી થાય છે શા માટે?

ગલીપચી કરીએ તો ઘણાનું છટકે પણ છે!

 

માણસ પોતાના હાથે પોતાને જ

ગલીપચી કરી શકતો નથી.

પ્રાણીઓને ગલીપચી થતી હોય છે ખરી?

 

રેવા દેજે હોં, જરાયે નજીક નહીં આવતો… ઘણા લોકોને એટલી બધી ગલીપચી થતી હોય છે કે એના પેટની સામે તમે આંગળા હલાવો એટલે એ ઊંચા-નીચા થવા માંડે. ગલીપચીમાં સ્ત્રી-પુરુષનો ભેદ નથી. ગલીપચી બંનેને એકસરખી લાગુ પડે છે. જોકે ઘણા લોકો એવા પણ હોય છે જેને ગલીપચી થતી નથી. એવા લોકોના પેટમાં કે પગના પંજામાં તમે ગમે એટલા હાથ ફેરવો તો પણ એ જરાયે ચલિત કે વિચલિત થતા નથી. બાળકોને સૌથી વધુ ગલીપચી થાય છે. કદાચ એ મોટા લોકો કરતાં વધુ હળવા હશે એટલે! બાળકને રમાડવાના કે હસાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જાય ત્યારે આપણે તેને ગલગલિયાં કરીએ છીએ. બાળકને ગલીપચી કરીએ ત્યારે એ મુક્ત મને ખડખડાટ હસે છે, એના હસવાનો અવાજ આપણને હળવા કરી દે છે. મોટા લોકોનું આવું નથી. ઘણાને ગલગલિયાં કરો તો એનું મગજ છટકે છે. આપણે આપણી નજીકની વ્યક્તિને જ ગલીપચી કરવાનો અધિકાર આપતા હોઇએ છીએ. અજાણ્યા માણસને અમુક અધિકારો અપાતા નથી. ઘણા લોકોને ખબર હોય છે કે આને ગલીપચી વધુ થાય છે એટલે એની મશ્કરી કરવા માટે પણ ગલીપચી કરવાની સ્ટાઇલનો ઉપયોગ થાય છે.

તમને ખબર છે, ગલીપચી કોઇ કરે તો જ થાય છે. માણસ પોતાના હાથે પોતાને ગલીપચી કરી શકતો નથી. ગલીપચીમાં ‘સરપ્રાઇઝ એલિમેન્ટ’ હોય છે અને કોઇ માણસ પોતાને જ સરપ્રાઇઝ આપી શકતો નથી. પગ કોઇ દબાવી આપે તો જ રાહત લાગે. માણસ પોતાના પગ પોતે દબાવે તો રિલેક્સ ફીલ ન થાય. ખંજવાળનું ઊંધું છે. ખંજવાળ માણસ પોતે કરે તો જ એને હાશ થાય. કોઇ ખંજવાળી દે તો ખંજવાળ મટતી નથી. ગલીપચીનું એવું છે કે કોઇ કરે તો જ થાય!

ગલીપચી, ગલીગલી, ગલગલી, ગલગલિયાં, ગુદગુદી, ટીકલ જેવાં જાતજાતનાં નામે આપણે તેને ઓળખીએ છીએ. ઓક્ષફોર્ડ ડિક્ષનરીમાં ‘ટીકલ’નો અર્થ એવો અપાયો છે કે, લાઇટલી ટચ ઇન અ વે ધેટ કોસિઝ માઇલ્ડ ડિસકમ્ફર્ટ એન્ડ ઓફન લાફ્ટર. ગુજરાતીમાં અર્થ થાય છે, શરીરના અમુક ભાગો પર આંગળીઓ ફેરવવાથી થતી હર્ષની લાગણી. સૌથી વધુ ગલીપચી પેટ અને પગના પંજામાં થાય છે, તેનું કારણ એ કહેવાય છે કે, એ હાડકાથી થોડે દૂર હોય છે અને નસો કે રગો વધુ હોય છે. એમ તો ઘણાને બગલમાં અને ગળામાં દાઢીની નીચે વધુ ગલીપચી થાય છે.

ગલીપચીની માનસિક અસરો ચિત્ર-વિચિત્ર હોય છે. ઘણા લોકોનું તો રીતસરનું મગજ છટકે છે. ઘણા લોકો એવું સમજે છે કે કોઇ ગલીપચી કરે તો આપણો કંટ્રોલ આપણા હાથમાં નથી રહેતો, એ એનાથી સહન નથી થતું. ગલીપચીને ઇઝીલી લઇ શકતા હોય એવા લોકો પણ ગુસ્સે હોય ત્યારે કોઇ ગલીપચી કરવાની ચેષ્ટા કરે તો ધગધગી જાય છે અને ક્યારેક થપ્પડ પણ મારી દે છે. આ ઉપરાંત કોઇ ઊંઘમાં હોય અને તેને ગલીપચી કરો તો પણ કોઇને ગમતું નથી. ગલીપચી થતી હોય છે બધાને પણ એના રિએક્શન જુદાં જુદાં હોય છે.

થોડીક સાયન્ટિફિક રીતે ગલીપચીને જોઇએ તો ચામડીના સૌથી ઉપરના ભાગને એપિડર્મિસ કહે છે, તેનો સીધો સંપર્ક નસો સાથે હોય છે. ત્યાં હળવો સ્પર્શ થાય એટલે એની સીધી અને ત્વરિત અસર મગજના બે હિસ્સાને થાય છે અને આપણું શરીર ઝણઝણી જાય છે. શરીર પર પીછું ફેરવવાથી કે કાનમાં દોરો કે બીજું કંઇ અચાનક ઘુસાડવાથી પણ આ જ પ્રક્રિયા થાય છે. રોમાંચ અલગ વસ્તુ છે. પ્રેમી કે જીવનસાથીના સ્પર્શથી શરીરના રોમેરોમમાં જે ઝણઝણાટી થાય છે એ તદ્દન અલગ જ ફીલિંગ છે.

એમ તો ટીકલને વૈજ્ઞાનિકો બે ભાગમાં વહેંચે છે. એક નિસમેસિસ અને બે ગાર્ગાલેસિસ. શરીરના કોઇપણ ભાગને સ્પર્શવાથી ટીકલ થાય એ નિસમેસિસ છે અને પેટ અને ગળાના સ્પર્શથી જે ગલીપચી થાય છે એ ગાર્ગાલેસિસ થાય છે. ગલીપચી વિશે ઘણા અભ્યાસો થયા છે અને હજુ પણ ચાલી રહ્યા છે.

માણસની જેમ પશુ-પક્ષીઓને પણ ગલીપચી થતી હશે? પશુ-પક્ષીઓને ગલગલિયાં થતાં હોય એવું તો હજુ બહાર આવ્યું નથી. હા, ઉંદરને ગલગલિયાં થાય છે એ વાત સાબિત થઇ છે. બર્લિનની હેમબોલ્ટ યુનિવર્સિટીના એનિમલ સાયકોલોજિસ્ટ સિમ્પેઇ ઇસિયામા અને મિશેલ બ્રેચ્ટે ઉંદરને ગલીપચી કરી તેના બ્રેઇનનું રેકોર્ડિંગ કર્યું હતું. ઉંદરને ઊંધો કરી તેના પેટમાં ગલીપચી કરવામાં આવે તો એને ગલગલિયાં થાય છે. ગલીપચી કરવામાં આવે ત્યારે ઉંદર ખુશીથી ચૂં ચૂં કરે છે અને તેનો બોલવાનો ટોન એ વાત સાબિત કરે છે કે ઉંદરને ગલીપચીથી મજા આવે છે.

ગલગલિયાંને એક જુદા અર્થમાં પણ ચર્ચવામાં આવે છે.  ઘણાની વાતો એવી હોય છે કે જેને સાંભળીને આપણે કહીએ કે એની દાનત ગલગલિયાં કરાવવાની હોય છે. હલકી, બીભત્સ કે સેક્સી વાતોને આ સંદર્ભમાં જોવામાં આવે છે. ઘણું સાહિત્ય પણ ગલગલિયાં કરાવે એવું હોય છે! જોકે એને અને ખરા અર્થમાં થતી ગલીપચીને કંઇ લાગતું-વળગતું નથી.

બાય ધ વે, તમને કેવીક ગલીપચી થાય છે? પોતાની વ્યક્તિના હાથે થતી ગલીપચી ઘણી વખત જિંદગીનું યાદગાર સંભારણું હોય છે તો ગલીપચીના મામલે કોઇ સાથે ગાળાગાળી કે મારામારી પણ થઇ ગઇ હોય છે. ગલીપચી સારાં કે નરસાં સ્મરણો પણ છોડી જતી હોય છે… નહીં?

 

પેશ-એ-ખિદમત

અગર મૌજ હૈ બીચ ધારે ચલા ચલ,

વગરના કિનારે કિનારે ચલા ચલ.

તુજે સાથ દેના હૈ બહરુપિયોં કા,

નયે સે નયા રુપ ધારે ચલા ચલ.

(વગરના-વિશ્વાસુ)         -હાફિઝ જાલંધરી

 

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 09 એપ્રિલ 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *