તમે ભૂલી જવા જેવું કેટલું યાદ રાખો છો? 

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

‘આવજો’ કીધું ન કીધું, સહેજમાં ચાલી ગયા, જિંદગીનાં બધાં અરમાન પણ હાલી ગયાં,

લઈ ગયા સર્વસ્વ મારું એ કહું કેવી રીતે? આમ તો બે હાથ ખંખેરી દઈ, ખાલી ગયા.
-મનહર મોદી
કુદરતે માણસને જે શક્તિઓ આપી છે, તેમાં એક અને સૌથી શ્રેષ્ઠ કોઈ શક્તિ હોય તો એ છે ભૂલી જવાની શક્તિ. માણસ ઇચ્છે એ યાદ રાખી શકે છે અને ન ઇચ્છે એ ભૂલી જઈ શકે છે. માણસ કરે છે ઊંધું. જે યાદ રાખવાનું હોય છે એ ભૂલી જાય છે અને જે ભૂલવાનું હોય એ યાદ રાખે છે. તમે યાદ કરો એવી કઈ વાત છે જે તમે ભૂલી નથી શકતા? કેમ ઓિંચંતાની એ વાત યાદ આવી જાય છે? કેમ એ વાત તમને વારંવાર પરેશાન કરે છે? તમે કેમ એનાથી પીછો છોડાવી શકતા નથી? મોટાભાગે એનું કારણ એ હોય છે કે આપણે તેને છોડતાં જ નથી. મનમાં ઘૂંટી ઘૂંટીને કોઈ ઘટનાને એવી ઘટ્ટ કરી દઈએ છીએ કે પછી એ ઓગળતી જ નથી. મનમાંથી કંઈ ભૂંસાય તો જ એ ભુલાય. દિલ પર પડેલા ઘાને આપણે એટલો ખોતરીએ છીએ કે એ ક્યારેય રૂઝાતો નથી. વાંક ઘાનો નથી હોતો,આપણી આંગળીઓનો હોય છે. આપણે ઘાને દોષ દેતા રહીએ છીએ. પણ આપણી આંગળીને ક્યારેય કાબૂમાં રાખતા નથી! માણસનું દુઃખી રહેવાનું એક કારણ એ પણ હોય છે કે એ કંઈ ભૂલતો નથી. આપણી તો માફી પણ નકલી અને આર્ટિફિશિયલ હોય છે. કોઈ આવીને એમ કહે કે મારાથી ભૂલ થઈ ગઈ. આઇ એમ એક્સ્ટ્રીમલી સોરી. આપણે ‘ઈટ્સ ઓકે’ કહી દીધા પછી પણ એ વાત ભૂલીએ છીએ ખરાં? ના. આપણાં મન અને મગજમાંથી એ વાત ખસતી નથી. તેણે મને હર્ટ કર્યું છે. તેણે મારી સાથે મિસબિહેવ કર્યું છે. તે મારી વિરુદ્ધ બોલ્યો છે. તેણે મારું અહિત કર્યું છે. આપણે એ વાત એટલી બધી યાદ કરીએ છીએ કે તેને ભૂલી જ નથી શકતા. માણસને માફ કરતાં નથી આવડતું.જો એટલું આવડી જાય તો ઘણું બધું શીખવું નથી પડતું.
માણસે યાદ રાખવા માટે વધુ મહેનત કરવી પડે છે કે ભૂલી જવા માટે? પરીક્ષા આપવાની હોય ત્યારે આપણે યાદ રાખવા માટે કેટલી બધી મહેનત કરીએ છીએ? એનાથી અડધી મહેનત પણ આપણે કંઈ ભૂલી જવા માટે કરીએ છીએ ખરાં? તમે જેટલી વાર કંઈ વિચાર કરો છો એટલી વાર તમારી જાત એ વિચારમાં રોકાઈ રહે છે. તમે ક્યારેય વિચાર કર્યો છે કે મારો સમય એના માટે વેડફ્વો જરૂરી છે? વિચારો પ્રોડક્ટિવ પણ હોય છે અને ડિસ્ટ્રક્ટિવ પણ હોય છે. વિચારોને પણ કાબૂમાં રાખવા પડે છે. વિચારોની લગામ જો છૂટી જાય તો એ છુટ્ટા ઘોડાની જેમ ગમે ત્યાં દોડતાં રહે છે અને છેલ્લે જ્યાં ન પહોંચવાનું હોય ત્યાં પહોંચી જાય છે.
દરેક નવી સવાર નવી શક્યતાઓ લઈને આવે છે. આપણે એ સવારને નવી ગણીએ છીએ ખરાં? ના, આપણે આજના એન્જિન સાથે ગઈકાલના ડબ્બા જોડી રાખીએ છીએ. આવા કેટલા ડબ્બાઓ આપણે દરરોજ ખેંચતા હોઈએ છીએ. આપણને એ વાતનો અંદાજ પણ નથી રહેતો કે પાછળ જોડાયેલા ડબ્બાને કારણે આપણી ગાડી ધીમી પડી ગઈ છે. એ ડબ્બામાં જે ભર્યું હોય છે એ કંઈ કામનું નથી હોતું અને એ બધું ધીમે ધીમે વજનદાર થતું હોય છે. આપણે એ ડબ્બાને છૂટા કરી દેવાના હોય છે. નાના હોઈએ ત્યારે રમકડાં આપણને ગમતાં હોય છે. તમને જે રમકડાં અત્યંત પ્રિય હતાં એમાંથી કેટલાં રમકડાં અત્યારે તમારી પાસે છે? કદાચ એકેય રમકડું નહીં હોય. રમકડાંથી રમવાની ઉંમર પૂરી થાય પછી આપણે તેને ભૂલી જઈએ છીએ. ગમતી વસ્તુ પણ ભૂલી જનારા આપણે ન ગમતી વસ્તુ, વાતો, ઘટનાઓ અને પ્રસંગો કેમ નથી ભૂલી શકતા?
માણસ કેવો છે? બીજાની ભૂલ તો જવા દો માણસ પોતાની ભૂલ પણ ભૂલી શકતો નથી. એક માણસ હતો. એકદમ પરફેક્ટ. ક્યારેય કોઈ વાતમાં કાચો પડે નહીં કે થાપ ખાય નહીં. પોતાની પરફેક્ટનેસ માટે તેને પણ બહુ ઊંચો અભિપ્રાય હતો. મારું બધું કામ ચોક્કસ જ હોય. એક દિવસની વાત છે. એ ભાઈ તેના મિત્રના ઘરે બેસવા ગયા. તેના ઘરેથી જતી વખતે તેણે એક બૂટ પોતાનું પહેર્યું અને બીજું બૂટ તેનામિત્રનું પહેરાઈ ગયું. મિત્રના પુત્રએ કહ્યું કે “અંકલ, તમે ડેડીનું બૂટ પહેરી લીધું છે.” એને ખૂબ હસવું આવ્યું. આ માણસને એ ઘટનાથી એટલો બધો આઘાત લાગ્યો કે મારાથી આવું થાય? હું કેવો મૂરખ બન્યો! તેણે પત્નીને કહ્યું કે મારા મનમાંથી આ વાત ખસતી જ નથી. પત્નીએ કહ્યું કે “આમાં યાદ રાખવા જેવું છે શું? આવંુ તો થાય! મેં ઘણી વાર શાકમાં બે વખત મીઠું નાખી દીધું છે, ઘણી વાર સાડી ઊંધી પહેરી લીધી છે, ઘણી વાર દીકરાને ઊંધું ટીશર્ટ પહેરાવી દીધુ છે. વાંક એ ઘટનાનો નથી, વાંક એ છે કે તું કંઈ ભૂલી શકતો નથી!” માણસે સૌથી પહેલાં પોતાને માફ કરતાં શીખવું જોઈએ. જે પોતાની જાતને માફ કરતો નથી એ કોઈને માફ કરી શકતો નથી.
આપણે એવું કહીએ છીએ કે એનાથી આવું થાય જ કેમ? થાય, દુનિયામાં આપણે ન ઇચ્છતા હોય, આપણને ન ગમતું હોય અને આપણે ન વિચાર્યું હોય એવું થતું હોય છે અને થતું રહેવાનું જ હોય છે. તમે એ સ્વીકારી શકો છો? તમે એ ભૂલી શકો છો? ન ભૂલો તો કોઈને કંઈ ફેર નથી પડવાનો, તમને ચોક્કસ ફેર પડશે, કારણ કે તમે એમાં રીબાતા જ રહેશો. આપણે અનેક વાર જે ભૂલ કરી હોય છે એ જ ભૂલ જ્યારે આપણી વ્યક્તિ કરે ત્યારે આપણે જતું કરી શકતા નથી. લવમેરેજ કરવાવાળાં ઘણાં પતિ-પત્ની જ્યારે એની દીકરી કે દીકરો પ્રેમમાં પડે ત્યારે સ્વીકારી શકતાં નથી. પોતાની વાત હોય ત્યારે ‘એવરિથિંગ ફેર’ થઈ જાય છે, સંતાનોનાં અફેરની વાત આવે ત્યારે ‘નથિંગ ફેર’ કહે છે!
તમે જતાં હોવ અને તમને એવું જોવા મળે કે તમારી ડોટર તેના બોયફ્રેન્ડ સાથે કોઈ ગાર્ડનના બાંકડે બેઠી છે તો તમારું પહેલું રિએક્શન શું હોય? તમારો સન કોઈ ગલીના છેડે સંતાઈને સિગારેટ પીતો હોય તો તમે શું કરો? એક માણસે તેની ડોટરને બોયફ્રેન્ડ સાથે એક સ્થળે બેઠેલાં જોયાં. એ ત્યારે તો કંઈ ન બોલ્યા. ઘરે ગયા. ડિસ્ટર્બ હતા. પત્નીએ કારણ પૂછયું. પતિએ સાચી વાત કરી કે આપણી દીકરી તેના બોયફ્રેન્ડ સાથે ત્યાં બેઠી હતી. પત્ની થોડો સમય કંઈ જ ન બોલી. એ પછી તેણે પ્રેમથી કહ્યું કે “આપણે પણ લગ્ન પહેલાં ત્યાં જ મળતાં હતાંને? પછી કહ્યું કે ડિસ્ટર્બ ન થા. એ આવશે એટલે આપણે એની સાથે વાત કરીશું. હા, તેને સાચી વાત કરે એટલી મોકળાશ આપજે. એ ન ભૂલતો કે આજે એ કરે છે એવું જ ભૂતકાળમાં મેં કર્યું છે અને તેના બોયફ્રેન્ડે જે કર્યું છે એવું જ તેં કર્યું છે. તને એ ડર છેને કે આપણે જે કંઈ કર્યું છે એ બધું જ એ કરશે તો? આપણે કરતાં હતાં ત્યારે કેમ કંઈ ખોટું લાગતું ન હતું? જસ્ટ રિલેક્સ, ડરાવવા કે ધમકાવવાનો કોઈ સવાલ જ નથી. વાત કરજે અને વાત સાંભળજે. યાદ રાખવાનું છે એ યાદ રાખ અને ભૂલી જવાનું છે એ ભૂલી જા!”
દરેક મા-બાપ સંતાનોને કોઈ સારી વાત કરે ત્યારે એને કહેતાં હોય છે કે આ વાત આખી જિંદગી યાદ રાખજે. યાદ રાખવા જેવી ન હોય ત્યારે કેટલાં મા-બાપ એનાં સંતાનોને એવું કહે છે કે આ વાત આખી િંજંદગી ભૂલી જજે. આપણે ભૂલવાનું આપણાં સંતાનોને શીખવી શકતાં જ નથી અને તેનું કારણ મોટા ભાગે એ હોય છે કે આપણને એ આવડતું જ હોતું નથી. ઘણી ઘટનાઓનો અંત દુઃખદ હોય છે, ઘણા સંબંધો કરુણતા સાથે પૂરા થાય છે, ઘણી વ્યક્તિઓ કડવાશ સાથે છૂટી પડે છે. તમે એ ભૂલી શકો છો? દરેક પાસે એક એવું ચેક રબર હોવું જોઈએ જેનાથી નકામી અને ન ગમતી વાતને ઈરેઝ કરી શકાય. પાટીમાં ખોટા લીટા થઈ ગયા હોય તો એને છેકી નાખવામાં જ સાર હોય છે. તમારી જિંદગીની પાટીમાં આવા કેટલા ખોટા લીટા છે? જ્યાં સુધી એ છે ત્યાં સુધી જિંદગીનું ચિત્ર સુંદર બનવાનું જ નથી. 
છેલ્લો સીન : 
આપણે આપણી ભૂલોના વકીલ હોઈએ છીએ જ્યારે બીજાની ભૂલોના જજ હોઈએ છીએ.  -અજ્ઞાાત
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 29 જુન, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *