ઘણા સંબંધો પૂરા થવા માટે જ સર્જાયા હોય છે 

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,ખાલી થયેલા ગામમાં જાસો ન મોકલાવ,
થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ, તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.
-રમેશ પારેખ

સંબંધો અત્યંત સેન્સેટિવ હોય છે. દરેક ક્ષણે સંબંધ આપણને અહેસાસ કરાવે છે કે કોઈ છે જેના દિલમાં તમારું સ્થાન છે. કોઈ તમારા વિશે વિચારે છે, કોઈ તમારી ચિંતા કરે છે, કોઈ તમારું ભલું ઇચ્છે છે, કોઈ તમારા માટે પ્રાર્થના કરે છે. અચાનક કોઈ યાદ આવે છે અને આપણે સપનાં અને સ્મરણોની દુનિયામાં ખોવાઈ જઈએ છીએ. કેટલોક સમય એવો હોય છે જે ચાલ્યા ગયા પછી પણ આપણામાં જીવંત હોય છે. એ સમય ફરીથી આવી જાય તો કેવું સારું એવું આપણે વિચારીએ છીએ, પણ એ પાછો નથી આવતો. આપણે તેને પંપાળતા રહીને આપણામાં જીવતો રાખવો પડે છે. એક્શન ઓલવેઝ એકસ્ટ્રીમ હોય છે અને એક્શન રિપ્લે હંમેશાં સ્લો મોશનમાં હોય છે. જિવાઈ ગયેલી ઘટનાઓ નજર સામે તરવરી જાય ત્યારે થોડીક ટાઢક મહેસૂસ થતી હોય છે. ક્યારેક આવી જ યાદો દિલમાં છરકા પણ પાડી દેતી હોય છે. ક્યાં હશે એ? શું કરતો કે શું કરતી હશે? ખુશ તો હશેને? હું યાદ આવતો હોઈશ? મને યાદ કરતી હશે? ફોટોગ્રાફ્સ અને વીડિયો ક્લીપમાં જે આપણી સાથે હસતાં-રમતાં અને મસ્તી કરતાં હોય છે, એ અચાનક ગુમ થઈ જાય છે. આપણે ઇચ્છતા હોઈએ છીએ કે આ રિલેશનશિપમાં ક્યારેક કોઈ ફુલપોઈન્ટ ન આવે એ જ સંબંધ જિંદગીના અમુક વળાંકે જુદો પડી જતો હોય છે.
કોઈ સંબંધ જ્યારે જન્મે છે ત્યારે આયુષ્યનું ટેગ લઈને આવતો નથી. પરપોટો ગમે એટલો ગમતો હોય તો પણ એ લાંબું ટકતો નથી. અમુક સંબંધો મેઘધનુષ્ય જેવા હોય છે, એ આપણા જીવનના આકાશમાં રંગોળી પૂરે છે અને પછી અચાનક જ ચાલ્યા જાય છે. કોઈ મેઘધનુષ કાયમી રહેતું નથી. કેવું છે? પ્રકૃતિમાં જે સૌથી સુંદર છે એ લાંબું ટકતું નથી. પરપોટો ફટ દઈને ફૂટી જાય છે અને મેઘધનુષ્ય આંખ ઠરે એ પહેલાં અલોપ થઈ જાય છે. પતંગિયું થોડા સમય માટે જ હોય છે અને કાચબો દીર્ઘ આયુષ્ય ભોગવે છે. કેટલાંક સંબંધો પથ્થર જેવા સખત હોય છે અને કેટલાંક રૂ જેવા મુલાયમ હોય છે. કેટલાંક સંબંધો ફૂલની પાંખડી જેવા દેખાતા હોય છે પણ એની નીચે કાંટો છુપાયેલો હોય છે, જેવો પાંખડીને સ્પર્શ કરીએ કે તરત જ કાંટો વાગે છે અને આપણે બોલી દઈએ છીએ કે આવું? આ માસૂમિયત છેતરામણી હતી? હા, હોઈ શકે છે.
કોઈ સાથ અને એકાદ હાથ આપણને હૂંફ આપતો હોય છે. અચાનક એ હાથ ગરમ થઈ જાય છે અને હૂંફની જગ્યા દાહ લઈ લે છે. રોમેરોમ બળવા લાગે છે. જિંદગી આગનો ગોળો બની જાય છે. આપણે તાપણું સમજતા હોઈએ એ પ્રચંડ આગ નીકળે છે.વળી કોઈ આવે છે અને પાણીનો છંટકાવ કરે છે. ટાઢક વળે છે. શીતળતા મહેસૂસ થાય છે. હવે તરબતર થઈ જવાશે એવું લાગે ત્યાં એ પાણી પણ સુકાવવા માંડે છે. આવાં કેટલાં સુકાયેલાં પાણી આપણી આંખોમાં પછી જીવતાં થઈ જાય છે? આંખ વરસતી હોય છે ત્યારે અંદર કંઈક તરસતું હોય છે. માથે ફરતો હાથ ક્યારેક ગળાની ભીંસ બની જાય છે ત્યારે માણસ મુક્ત થવા તરફડે છે. મુક્ત થઈ ગયા પછી કયો હાથ આપણને યાદ હોય છે? માથા પર ફરતો હતો એ કે પછી જે ગળે ભીંસ આપતો હતો એ?
એક છોકરી બગીચામાં ઉદાસ બેઠી હતી. બુઢ્ઢા માળીએ આવીને પૂછયું કે તું કેમ આટલી ઉદાસ છે? તારા ચહેરાનું નૂર કેમ ઉડી ગયું છે? છોકરીએ કહ્યું કે, મારો એક સંબંધ ખતમ થઈ ગયો છે. એ સંબંધનું માતમ ચહેરા પર પથરાઈ ગયું છે. કંઈ જ ગમતું નથી. માળીએ એક છોડ સામે આંગળી ચીંધીને કહ્યું કે, ત્યાં એક સુંદર ફૂલ ઊગ્યું હતું, એ ખરી ગયું છે. મેં બહુ જતનથી એને ઉગાડયું હતું. મને દુઃખ થયું. હવે હું એ દુઃખને ખંખેરીને ફરીથી નવું ફૂલ ઉગાડીશ. એને જીવીશ. એક દિવસ એ પણ ખરી જશે. દીકરા, કંઈ જ પરમેનન્ટ નથી તો પછી સંબંધ ક્યાંથી કાયમી હોવાના?
સંબંધો વાર્તા જેવા હોય છે. અમુક લઘુકથા છે, અમુક ટૂંકી વાર્તા છે, અમુક નવલિકા છે, અમુક નવલકથા જેવા હોય છે અને અમુક મહાકાવ્ય જેવા. દરેક સંબંધ લાંબા હોય એ જરૂરી નથી. આમ છતાં દરેકનું એક મહત્ત્વ છે, દરેકનું એક માહાત્મ્ય છે, દરેકની એક સંવેદના છે અને દરેકનું એક સત્ય છે. જ્યાં સુધી જે છે એને જીવી લેવું એ જ સંબંધની સાર્થકતા છે. દરેક સંબંધને પૂરી રીતે જીવી લો, કારણ કે એ ક્યારે ખતમ થઈ જશે એ ખબર હોતી નથી. કોલેજ બદલે, નોકરી બદલે, શહેર બદલે અને જિંદગી બદલે ત્યારે કેટલું બધું પાછળ છૂટી જતું હોય છે? દરેક સંબંધ ખરાબ રીતે જ પૂરા થાય એ જરૂરી નથી. કેટલાંક સંબંધનો અંત નેચરલ હોય છે અને કેટલાંકનો એન્ડ એક્સિડેન્ટલ. સંબંધોના અકસ્માતો થતાં રહે છે. કેટલાંક સંબંધો માત્ર મેકઅપ જેવા જ હોય છે. રાતે ફેસવોશથી એને ધોઈ નાખવા પડે છે અને બીજા દિવસે પાછા લગાવી લેવાના હોય છે. આવા મેકઅપ કરતી વખતે ખાસ ખુશી નથી થતી પણ એ હટાવતી વખતે વેદના થઈ આવતી હોય છે. કેવું સુંદર લાગતું હતું? પણ એ નેચરલ ન હતું! કુદરતી ન હોય એને કાઢવું જ પડતું હોય છે.
સૌથી મહત્ત્વની વાત એ હોય છે કે પૂરાં થઈ ગયેલા સંબંધને તમે કેવી રીતે તમારી સાથે જોડેલા રાખો છો? યાદ કરો, તમારો એવો કયો સંબંધ છે જે ખતમ થઈ ગયો છે? એ સંબંધની કઈ વાત, કઈ ઘટના, કયો પ્રસંગ અને કયો સમય તમને યાદ છે? છૂટા પડયાં એ સમયની વેદના તમે જીવતી રાખી છે કે એ સંબંધ હતો એની સંવેદના તમારામાં તરવરે છે? સંબંધો ભુલાતા તો નથી જ, એ યાદ આવતા રહે છે. કોઈ વાતે, કોઈ સ્થળે, કોઈ પ્રસંગે અને કોઈ ક્ષણે એ ચમકારો કરે છે અને થોડા સમય માટે આંખોમાં એ ફરીથી ઝળકી ઊઠે છે. કઈ વાત યાદ આવી ત્યારે તમે ઊભા થઈ વોશબેસિનમાં મોઢું ધોવા ચાલ્યા ગયા હતા? એ સમયે અરીસામાં ચહેરો જોઈને તમારી જાત સાથે થયેલો સંવાદ શું હતો? ધોઝ વેર ધ ડેઈઝ. કેવા સરસ દિવસો હતા. કેવો સરસ સમય હતો. બાઈકની એ સફરમાં કેવું ઉડાતું હતું? કારમાં ડ્રાઈવિંગ સીટની બાજુની સીટ જાણે સ્વર્ગનો જ કોઈ ખૂણો હતો. સ્પર્શ માત્ર હાથને થતો હતો અને આખું શરીર જાણે ખીલી જતું. સંબંધ પ્રેમનો હોય, દોસ્તીનો હોય, કામનો હોય કે માત્ર નામનો હોય પણ એ હોય ત્યારે હન્ડ્રેડ પર્સન્ટ હોય છે, એટલે જ એ હન્ડ્રેડ પર્સન્ટ ક્યારેય ભુલાતો નથી. ક્યારેક ઓછા તો ક્યારેક વધુ પ્રમાણમાં એ ફરીથી જીવતો થાય છે.
કેટલાંક સંબંધો સમય સાથે દફન થઈ જાય છે. આપણે પછી સંબંધોની એ કબર ઉપર શું ઉગાડીએ છીએ? ફૂલ કે કાંટા? આપણે જે ઉગાડીશું તેનો જ અહેસાસ આપણા દિલમાં જીવતો રહેશે. છૂટી ગયેલાં હાથ પછી હાથ જોઈએ ત્યારે પરસેવો તરવરી જાય છે. સંબંધ ભલે ખતમ થાય ‘ગ્રેસ’ ખતમ ન થવો જોઈએ. બ્રેકઅપ, ડિવોર્સ કે વિદાય પછી જુદા પડયાની વેળાને ભૂલી જઈ સાથે ફર્યાની ક્ષણો તાજી રાખવાની હોય છે. કોઈ અફસોસ નહીં, કોઈ ફરિયાદ નહીં અને કોઈ ઉદાસી પણ નહીં. થોડોક સમયનો હતો જે તારી સાથે વિતાવ્યો છે. એક ટુકડો હતો જે ચમકતો હતો. એને મેં સુકાયેલા ફૂલની પાંદડીઓની જેમ મારા દિલમાં સાચવી રાખ્યો છે. થોડાક સમય માટે તો થોડાક સમય માટે પણ મારું દિલ તારા માટે ધબક્યું છે, તારા માટે તરસ્યું છે, તારી રાહ જોઈ છે અને તારી સાથે જિવાયું છે. જીવું છું ત્યાં સુધી એ સાચવીને રાખીશ અને યાદ આવશે ત્યારે એ પાંખડીઓને ફરીથી હાથમાં લઈને પંપાળીશ. હા,એમાં હવે પહેલાં જેવી કુમાશ નથી પણ એક અહેસાસ તો છે. આ સૂકું પાંદડું મારો ભૂતકાળ છે. એને યાદ કરીને મારે મારો આ સમય બગાડવો નથી પણ એ વીતી ગયેલા સમયને પાછો તાજો કરવો છે અને છૂટાં પડવાની ઘટના યાદ આવે એ પહેલાં જ એ પાંદડાને પાછું સાચવીને મૂકી દેવું છે. જે જિવાઈ ગયું છે એને મારે મરવા નથી દેવું, એને કોસવું પણ નથી. ગમે એમ તોયે એ ક્ષણો મહાન હતી, ગમતી હતી. તમે તમારા ખતમ થઈ ગયેલા સંબંધની કબર પર શું વાવ્યું છે? ઊગી ગયેલા કાંટાને દૂર કરીને ફરીથી ફૂલ વાવી શકાય છે. એના માટે પહેલાં કાંટા હટાવી દેવાના હોય છે. તમારી તૈયારી છે?  
છેલ્લો સીન :
દુનિયા મૂર્ખ કહે એની પરવા ન કરશો પણ દુર્જન ન કહી જાય તેની કાળજી રાખજો.    -અજ્ઞાાત.
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 22 જુન, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *