પ્રેમ : ઇક અહસાસ હૈ યે, રૂહ સે મહસૂસ કરો…
વેલેન્ટાઈન્સ ડે સ્પેશ્યિલ : કૃષ્ણકાંત ઉનડકટ.
આવતીકાલે વેલેન્ટાઈન્સ ડે છે. પ્રેમનો દિવસ. કાલે જ વસંતપંચમી પણ છે. પ્રેમ અને પ્રકૃતિનો અવસર. એક વિદેશી કન્સેપ્ટ છે અને બીજો દેશી વિચાર છે. બંનેના મૂળમાં પ્રેમ, લવ, ઇશ્ક, પ્યાર, મહોબત અને બીજું જે નામ આપવું હોય એ છે. આમ તો એવું કહેવાય છે કે પ્યાર કો પ્યાર હી રહને દો કોઈ નામ ન દો. પ્રેમીઓ માટે તો પ્રેમી કે પ્રેમિકાનું નામ જ પ્રેમનો પર્યાય હોય છે. માની લઈએ કે વેલેન્ટાઈન્સ ડે આધુનિક સમયની દેન છે પણ પ્રેમ પ્રાચીન છે. આદમ અને ઈવના સમયથી પ્રેમ ધબકતો રહ્યો છે. અને જબ તક સૂરજ ચાંદ રહેગા, પ્રેમ રહેવાનો છે. પ્રેમ સાથે સંવેદના અને વેદના જોડાયેલી છે. વિરહ વગરનું મિલન ન હોય એમ વિલન વગરની લવસ્ટોરી હોતી નથી. નિષ્ફળ અને કરુણાંત લવસ્ટોરી ચર્ચાતી હોય છે અને સફળ પ્રેમકહાની જિવાતી હોય છે. આમ છતાં દરેક લવસ્ટોરીમાં થોડુંક સસ્પેન્સ, થોડુંક થ્રિલ, થોડુંક એક્સાઈટમેન્ટ, થોડાક અપડાઉન, થોડીક છૂપાછૂપી, થોડીક ભાગાભાગી, થોડાક ઉજાગરા અને થોડાક ધજાગરા હોય છે. સીધી ને સટ હોય તો એ લવસ્ટોરી નથી…

પ્રે મ એટલે શું? આવો સવાલ કોઈ પૂછે તો એનો જવાબ શું હોય? સાવ સરળ શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે પ્રેમ એટલે ચાહવું. આ જવાબ ઉપરથી પણ સવાલ થાય કે ચાહવું એટલે શું? કોઈ કેમ અચાનક જ ગમવા લાગે છે? પ્રેમમાં એવું શું છે કે માણસ મરી ફીટવા કે ફના થઈ જવા પણ તૈયાર થઈ જાય છે? તું નથી તો કશું જ નથી. તારા વગર બધું જ વ્યર્થ છે. આખું અસ્તિત્વ એક વ્યક્તિ પર કેન્દ્રિત થઈ જાય છે. માણસ કવિતા કરતો અને ગઝલ ગાતો થઈ જાય છે. ગમે એવો ડાહ્યો,શાણો કે હોશિયાર માણસ પ્રેમમાં પડે પછી દીવાનગીની હદ સુધી પહોંચી જાય છે. પ્રેમની કોઈ ચોક્કસ વ્યાખ્યા ન થઈ શકે,કારણ કે પ્રેમ વ્યક્તિએ વ્યક્તિએ જુદો હોય છે. એટલે જ કદાચ કહેવાયું હશે કે, ઈક અહસાસ હૈ યે રૂહ સે મહસૂસ કરો…
કાલે વેલેન્ટાઈન્સ ડે છે. આમ જુઓ તો આ દિવસ તો એક બહાનું છે. બાકી પહેલી વખત આંખો મળે, પહેલી વખત દિલની ધડકન વધી જાય, શ્વાસમાં ગરમાવો આવી જાય, રૃંવાડે રૃંવાડું મહોરી જાય, કહેવું હોય કંઈ અને બોલાઈ જાય કંઈ, આંખોમાં ઉજાસ ચમકી જાય, પાંપણ પર પમરાટ છવાઈ જાય, ગાલ ઉપર ગુલાબી ઓઢણું ઓઢાડાઈ જાય, બધું જ સમજાતું હોવા છતાં કંઈ જ ન સમજાય એ પ્રેમ છે. પ્રેમનાં કોઈ કારણો નથી હોતાં, પ્રેમનું કોઈ લોજિક નથી હોતું, માત્ર પ્રેમ હોય છે.
તમે પ્રેમ કર્યો છે? આવો પ્રશ્ન કોઈ તમને પૂછે તો તેનો તમારી પાસે જવાબ શું છે? પ્રેમનો અંત સુખદ હશે તો તો તરત કહેશે કે હા મેં પ્રેમ કર્યો છે, અથવા તો હું પ્રેમ કરું છું. કોઈ હાથ નજીક આવીને છૂટી ગયો હશે કે પછી કોઈ સપનું અધૂરું રહી ગયું હશે તો એ વ્યક્તિ થોડોક સમય ખોવાઈ જશે, જૂની અને જિવાઈ ગયેલી થોડીક ક્ષણોમાં સરી જશે, એકાદ નિસાસો નીકળશે, દિલ એકાદ ધડકન ચૂકી જશે, થોડુંક ખળભળી જવાશે અને પછી મૌન થઈ જશે. અધૂરી રહી ગયેલી પ્રેમકહાનીઓ કદાચ એટલે જ વધુ ઇન્ટરેસ્ટિંગ હોય છે.
પ્રેમ વિશે એવું શું છે જે અગાઉ ક્યારેય કહેવાયું નથી કે જેના વિશે કોઈને ખબર નથી? આમ જુઓ તો નવું કંઈ જ નથી. છતાં પ્રેમમાં પડનાર વ્યક્તિને પોતાનો પ્રેમ તદ્દન નવો અને અનોખો લાગે છે. પ્રેમની ઉત્કંઠા, તીવ્રતા અને નજાકત દરેક માટે જુદી જુદી હોવાની. છતાં ભાગ્યે જ એવી કોઈ લવસ્ટોરી હશે જેમાં ટ્વિસ્ટ નહીં હોય. બધું જ સરખું હોય અને કોઈ નારાજ ન હોય તો સમય કે સંજોગ આડા ફાટે છે. એટલે જ કહેવાય છે કે પ્રેમ સાથે વેદના જોડાયેલી છે, એ કોઈ ને કોઈ સ્વરૂપમાં તમારી કસોટી કરે જ છે.ળકબીર કહે છે કે ઢાઈ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોય, પણ આ ઢાઈ અક્ષર પઢવા, સમજવા અને સહેવા બહુ અઘરા હોય છે અને એટલે જ કદાચ પ્રેમમાં બધા પંડિત નથી થઈ શક્યા. કબીરે પ્રેમની વાત વ્યાપક અર્થમાં કહી છે. સમગ્ર સૃષ્ટિ અને દરેક જીવતત્ત્વને પ્રેમ કરવાની વાત કબીરે કરી છે. માણસ તો એક વ્યક્તિને પણ આજીવન એકસરખો પ્રેમ કરી નથી શકતો.
કેટલા પ્રેમ સફળ થાય છે અને કેટલા નિષ્ફળ જાય છે? લવમેરેજ સારા કે એરેન્જ મેરેજ? કયાં લગ્ન વધુ સફળ થાય છે? પ્રેમ ખરેખર આંધળો છે? પ્રેમની દીવાનગી કે આવારગી પાછળનું રહસ્ય શું છે? આ અને આવા ઘણા સવાલોના કોઈ ર્તાિકક કે સ્પષ્ટ જવાબ નથી હોતા અને હોય તો એ કદાચ સાચા નથી હોતા. આપણે ત્યાં તો પ્રેમ વિશે પૂરતો અભ્યાસ કે સર્વે પણ થતો નથી. બાકી આ વિષય દરેકને રસ પડે અને સ્પર્શે તેવો છે.
અમેરિકામાં થયેલા એક સર્વેમાં ૭૦ ટકા લોકોએ કહ્યું હતું કે પ્રેમ એક અદ્ભુત લાગણી છે અને જીવન માટે એ જરૂરી છે. આમ તો એવું ભાગ્યે જ બને કે કોઈએ ક્યારેય પ્રેમ ન કર્યો હોય પણ જો કોઈએ પ્રેમ કર્યો જ ન હોય તો એ કમનસીબ વ્યક્તિ છે. હા,પ્રેમમાં સફળતા કે નિષ્ફળતા એ જુદી બાબત છે.
પ્રેમમાં ચડાવ-ઉતાર અને પડકારો તો આવવાના જ છે. હા, ક્યારેક એવું પણ બને છે કે પ્રેમ જ પીડાનું કારણ બની જાય છે. બ્રેકઅપ કે બેવફાઈ જિંદગીને અઘરી અને આકરી બનાવી દે છે. ઘણા કિસ્સાઓ તો એવા હોય છે જેનાથી માણસને પ્રેમના નામ સામે જ નફરત થઈ જાય છે. આમ છતાં પ્રેમ એ પ્રેમ છે. એક નિષ્ફળ પ્રેમીએ કહ્યું હતું કે, હા, અમે સાથે રહી ન શક્યાં,ભલે અમે ખરાબ રીતે જુદાં પડયાં, ભલે આજે એકબીજાનું મોઢું જોવા તૈયાર નથી, છતાં એક સાચી વાત એ પણ છે કે જ્યારે અમે પ્રેમમાં હતાં ત્યારે એક અલગ જ દુનિયામાં વિહરતાં હતાં. બંને એકબીજાં પાછળ પાગલ હતાં. એકબીજાને જોવા અને મળવા તલસતાં હતા, એ એક એવી અનુભૂતિ હતી જેને શબ્દોમાં બયાં કરવી અઘરી છે.
છેલ્લે ખલિલ જિબ્રાને તેના પુસ્તક ‘ધ પ્રોફેટ’માં પ્રેમ વિશે જે વાત કરી છે તેને વાગોળીએ. યાદ રહે, આ વાત આજથી સો વર્ષ અગાઉ કહેવાઈ છે. ખલિલ જિબ્રાન કહે છે, જ્યારે પ્રેમ તમને ઇશારો કરે ત્યારે તેની પાછળ જજો, જોકે તેના માર્ગો વિકટ અને ઊભા છે. જ્યારે પ્રેમ તમને પોતાની પાંખમાં સમાવવા આવે ત્યારે તેને વશ થજો, જોકે એના પડખામાં છુપાઈ રહેલી તલવારના કદાચ તમને ઘા લાગે. જ્યારે પ્રેમ તમારી જોડે બોલે ત્યારે તેમાં શ્રદ્ધા રાખજો, જોકે ગરમ પવન બગીચાને બાળી નાખે છે તેમ એના શબ્દો કદાચ તમારાં સ્વપ્નોનો નાશ કરી નાખે, પ્રેમ તમને આવું ઘણું બધું કરશે જેથી તમારા હૃદયમાં રહેલા ગુણો અને ગૂઢ તત્ત્વોને તમે જાણો અને જગજીવનના હૃદયના અંશ બનો. પ્રેમ પોતાના સિવાય બીજું કશું આપતો નથી અને પોતાના સિવાય બીજા કશામાંથી કશું લેતોય નથી. પ્રેમ કોઈને તાબેદાર કરતો નથી અને કોઈનો તાબેદાર બનતો નથી, કારણ કે પ્રેમ પ્રેમથી જ સંપૂર્ણ છે.
હેપ્પી વેલેન્ટાઈન્સ ડે…
ખર્ચ ભલે થતો, પણ પ્રેમ તો અભિવ્યક્ત કરવો જ છે!

ગિફ્ટ કે ફ્લાવર્સ આપવાથી પ્રેમ વધે છે? આ વિશેના એક સર્વેમાં એવી વાત બહાર આવી હતી કે પ્રેમ વધ્યો કે ઘટયો એ માપી શકાતું નથી પણ એટલી વાત તો ચોક્કસ છે કે ગિફ્ટ અને ફ્લાવર્સ પ્રેમ વ્યક્ત કરવાનું એક સાધન છે. ચોકલેટ્સ પ્રેમીઓને સૌથી વધુ આકર્ષે છે.
હમણાં જ અમેરિકામાં એક સર્વે થયો કે હજુ યંગસ્ટર્સને વેલેન્ટાઈન્સ ડેમાં વિશ્વાસ છે? મોટા ભાગના લોકોએ કહ્યું કે હા, અમને વિશ્વાસ છે અને અમારા માટે આ દિવસનું ખૂબ મહત્ત્વ પણ છે. અમે તો અત્યારથી જ આ દિવસની તૈયારીમાં અને અમારા લવર માટે શું ખરીદવું તેના પ્લાનિંગમાં લાગી ગયા છીએ.
અમેરિકાના ધ નેશનલ રિટેઈલ ફેડરેશને કરેલા એક સર્વેમાં એવું બહાર આવ્યું છે કે ગયા વર્ષે વેલેન્ટાઈન્સ ડેના દિવસે સરેરાશ એક પ્રેમીએ ગિફ્ટ પાછળ ૧૨૬. ૦૩ ડોલરનો ખર્ચ કર્યો હતો અને આ વખતે તેમાં વધારો થશે. આવતીકાલે એક વ્યક્તિ સરેરાશ ૧૩૦.૯૭ ડોલરનો ખર્ચ કરશે. વ્યક્તિગત ખર્ચ માટે કદાચ આ આંકડો નાનો લાગે પણ અમેરિકામાં વેલેન્ટાઈન્સ ડેની ગિફ્ટ પાછળનો ટોટલ ખર્ચ કેટલાનો થવાનો છે? ૧૮.૬ બિલિયન ડોલર. એમ તો આપણા દેશમાં પણ કહેવાવાળા એવું જ કહે છે કે વેલેન્ટાઈન્સ ડે તો ધંધા માટે ઉપજાવી કાઢેલું એક જબરદસ્ત ગતકડું છે, જે હોય તે પણ પ્રેમીઓ માટે તો આ મોકો છે, પ્રેમ વ્યક્ત કરવાનો.
ગિફ્ટ અને ફ્લાવર્સ આપવામાં સ્ત્રીઓ કરતાં પુરુષો બમણો ખર્ચ કરે છે એવું પણ એક સર્વેમાં બહાર આવ્યું છે. ગિફ્ટ,ચોકલેટ્સ અને ફ્લાવર્સ પાછળ પુરુષ સરેરાશ ૧૬૮.૭૪ ડોલર ખર્ચ કરે છે. તેની સામે યુવતીઓના ખર્ચનો ફીગર છે ૮૫.૭૬ ડોલર. આ વર્ષે ૫૧ ટકા લોકો પોતાના લવરને ચોકલેટ્સ, ૩૬ ટકા લોકો ફ્લાવર્સ અને ૨૦ ટકા લોકો જ્વેલરી ગિફ્ટ કરવાના છે.
એકલતા બીમારી નોતરી શકે છે!

પ્રેમ શા માટે જિંદગીમાં જરૂરી છે? પ્રેમ વિશેનો એક સર્વે ખરેખર મહત્ત્વનો છે અને આખી દુનિયાના લોકોને લાગુ પડે છે. અમેરિકાની સોસાયટી ફોર પર્સનાલિટી એન્ડ સોશ્યલ સાઇકોલોજી દ્વારા થયેલા એક સર્વે પછી એવું તારણ બહાર આવ્યું હતું કે દરેક વ્યક્તિ માટે પ્રેમ અને સાથી આવશ્યક છે, કારણ કે માણસ એકલો રહી શકતો નથી. આ સર્વેમાં એવું પણ બહાર આવ્યું હતું કે માણસ એકલો રહે કે એકલો પડી જાય તો એનો ઇમ્યુન પાવર ઘટે છે અને બીમાર પડવાના ચાન્સીસ વધી જાય છે. થોડા દિવસ માણસ એકલો રહી શકે પણ લાંબો સમય રહેવાનું થાય તો સ્ટ્રેસ વધે છે, હાર્ટ ડિસીઝ અને ક્રોનિક ડિસઓર્ડરની શક્યતાઓ પણ વધી જાય છે. માણસ નેગેટિવ થઈ જાય છે. આ અભ્યાસમાં આડકતરી રીતે એમ પણ કહેવાયું છે કે જો તમને કોઈ પ્રેમ કરતું હોય તો તમે નસીબદાર છો અને તમારી પાસે જો એવી કોઈ વ્યક્તિ હોય જેને તમે પ્રેમ કરો છો તો પણ તમે લકી છો. તમારી વ્યક્તિને સાચવી રાખો, કારણ કે પ્રેમ છે તો જ જિંદગી છે.
(‘સંદેશ’. તા.13મી ફેબ્રુઆરી,2013. બુધવાર. અર્ધસાપ્તાહિક પૂર્તિ ‘વેલેન્ટાઈન્સ ડે સ્પેશ્યિલ’)

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: