એ એવો જ છે પણ સારો છે
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
ચાર આંખો શું થઈ બસ એક બહાનું થઈ ગયું, એટલું કારણ જીવનભરની વ્યથાનું થઈ ગયું,
છે જો હમદર્દી તો બગડેલું સુધારી દો તમે, એમ આપોમા દિલાસા કે થવાનું થઈ ગયું.
– ‘નાઝ’ માંગરોળી
માણસ ટોળામાં હોય ત્યારે એકાંત ઇચ્છે છે અને એકલો હોય ત્યારે કોઈને ઝંખે છે. કોઈ પણ એક સ્થિતિમાં કાયમ માટે કોઈ ખુશ ન રહી શકે, પછી એ સુખ હોય કે દુઃખ, ટોળું હોય કે એકલતા, જાહેર હોય કે ખાનગી. સતત સુખનો પણ એક અજાણ્યો ભાર લાગતો હોય છે. માંગો એ મળી જાય તો પછી ખ્વાઈશ , ઇચ્છા, તમન્ના, સપના, ઉત્કંઠા કે કોઈ પ્રકારનો રોમાંચ રહેતો નથી. જે નથી એ પ્રાપ્ત કરવાની ઇચ્છામાં ક્યાંક જિંદગીનાં રહસ્યો છુપાયેલાં હોય છે. સંપૂર્ણ અભાવ પણ અઘરો અને આકરો હોય છે.
અત્યંત વ્હાલી અને સૌથી નજીકની વ્યક્તિ પણ ક્યારેય સંપૂર્ણ નહીં હોવાની. આપણે પણ ક્યાં સંપૂર્ણ હોઈએ છીએ? હન્ડ્રેડ પર્સન્ટ પરફેક્શન અસ્તિત્વ ધરાવતું નથી અને એટલે જ એડજસ્ટમેન્ટની આવશ્યકતા ઊભી થાય છે. બેલેન્સમાં જ ક્યાંક જિંદગીનું તાત્પર્ય અને માહાત્મ્ય છુપાયેલું છે. કુદરતે પણ એટલે જ કદાચ કણેકણમાં અપ ડાઉન અને વરાઇટીઝ આપેલી છે. વિચાર કરો કે રાત પડતી જ ન હોત તો? કે પછી દિવસ ઊગતો જ ન હોત તો ? ઊગવું – આથમવું, ખીલવું – મૂરઝાવું, હસવું- રડવું એ પ્રકૃતિનો પાયાનો સિદ્ધાંત છે. ભરતીનો રોમાંચ હોય તો ઓટનું પણ આકર્ષણ હોવું જોઈએ.
તમે તમારી અત્યારની પરિસ્થિતિથી ખુશ છો? તમને તમારી જિંદગીથી પૂરો સંતોષ છે? આવો પ્રશ્ન પૂછીએ ત્યારે પહેલો અને તરત જવાબ જે હોય છે એ મોટાભાગે ‘હા’ હોય છે પણ થોડાક સમય પછી એવુંય લાગે છે કે કંઈક તો એવું છે જે ખૂટે છે. દરેક વ્યક્તિને કોઈ ને કોઈ બાબતથી છુટકારો જોઈતો હોય છે. કોઈને ઓફિસ અવર્સનો પ્રોબ્લેમ છે તો કોઈને ઓફિસ એટમોસ્ફીયરનો,કોઈને ક્લીગ ગમતા નથી તો કોઈને બોસ સાથે પ્રોબ્લેમ છે, ક્યાંય પ્રેમિકા કે પ્રેમી સાથે તકરાર છે કે ક્યાંક પતિ કે પત્ની સાથે ગેરસમજ છે. ક્યાંક દુશ્મનોથી પરેશાની છે તો ક્યાંક દોસ્તીથી ખટરાગ છે. માંડ એક સુધરે ત્યાં બીજું બગડી જતું હોય છે. માણસને થાય છે કે બસ આ જ કરવાનું છે? ઘણું બધું છોડી દેવાનું મન થાય છે પણ છોડી શકાતું નથી. દરેક માણસ થોડાક ‘ભાવ’ અને થોડાક ‘અભાવ’માં જીવે છે અને એ જ જિંદગીનું સત્ય હોય છે.
માણસ થોડોક સમય બ્રેકઅપ ઇચ્છે છે અને થોડોક સમય પેચઅપ. આ અઠવાડિયા દરમિયાન વેલેન્ટાઇન ડે આવે છે. એ એવા યુવાનની આ વાત છે જેણે ગયા વેલેન્ટાઇન દિને તેની પ્રેમિકાને પ્રપોઝ કર્યું હતું. કેટલી બધી તમન્નાઓ તરવરતી હતી, એ મારા માટે શું વિચારે છે? એ હા પાડશે કે ના? મારી જિંદગી રળિયામણી થશે કે રોળાઈ જશે? પ્રેમનો એકરાર એ જેટલી અઘરી ઘડી હોય છે એટલી જ રોમાંચક હોય છે. આખરે બધી જ હિંમત કરીને તેણે પ્રેમિકાને પૂછી નાખ્યું કે તું મને પ્રેમ કરે છે? સંબંધો સાચા હોય ત્યારે જવાબ અંદાજ મુજબનો જ મળતો હોય છે. પ્રેમિકા પણ આ જ ઘડીની રાહ જોતી હતી. એક હામાં જાણે જિંદગી જ બદલી ગઈ. પ્રેમમાં હોઈએ ત્યારે ફૂલો વધુ ખીલેલાં અને કોમળતા વધુ આહ્લાદક લાગે છે. પ્રેમમાં હોઈએ ત્યારે સૌંદર્યની તમામ વ્યાખ્યાઓ જિવાતી હોય છે. બે ઘડીમાં જાણે બધું જ મળી ગયું હોય એવી લાગણી માત્ર ને માત્ર પ્રેમમાં થાય છે. પ્રેમમાં વ્યક્તિ પોતે જ સુંદરતાનો પર્યાય બની જાય છે.
કલ્પનાની વ્યક્તિ અને હકીકતની વ્યક્તિમાં હંમેશાં તફાવત હોય છે. કલ્પના હંમેશાં ઉમદા અને શ્રેષ્ઠ હોય છે. વ્યક્તિ પણ કોઈ એક તબક્કે બેસ્ટ અને ગ્રેટ હોય છે પણ પરિસ્થિતિ, સંજોગો, સમય અને બીજું ઘણું બધું ક્યારેય એકસરખું રહેતું નથી, એટલે જ માણસ એકસરખો રહી શકતો નથી, હા, માણસ ધારે તો પ્રેમ એકસરખો રહી શકે છે, પણ પ્રેમને આપણે ચડાવ ઉતાર સાથે માપતા રહીએ છીએ. તું આવો ન હતો કે તું આવી ન હતી, પહેલાં તું બધું જ કરવા તૈયાર હતો અને હવે તું બદલાઈ ગયો છે. આવું બધા જ સાથે થયું હોય છે, થતું હોય છે અને થતું રહેવાનું છે. આવું થાય ત્યારે એક પ્રશ્ન વિચારવા જેવો છે કે બધું ભલે બદલાઈ ગયું હોય પણ પ્રેમ એવો ને એવો છે? પરિસ્થિતિ ભલે બદલાય, પ્રેમ ન બદલાવો જોઈએ.
પેલો યુવાન પણ પ્રેમ પામીને ખુશ હતો પણ થોડા જ સમયમાં ગમા- અણગમા, રીસામણાં – મનામણાં, જીદ અને જલ્દબાજી સામે આવવા લાગ્યાં. ઝંખનાઓ પછીના મિલનમાં ઝઘડા થવા લાગ્યા. તું આવું નથી કરતી કે તેં કેમ આવું ન કર્યું? તારા માટે શું વધુ મહત્ત્વનું છે, હું કે પછી તારું કામ? પ્રેમ ઓલ્વેઝ મહત્ત્વનો હોય છે પણ એ સિવાયનું બીજું ઘણું બધું હોય છે જેને સંભાળવું પડે છે. તને મારી પડી નથી, તને મારી કદર નથી, તું લાયક જ નથી, આવું બધું થયું અને બંને છ મહિનામાં જુદાં પડી ગયાં.
થોડી વાર લાગતી શાંતિ ક્યારે સન્નાટામાં ફેરવાઈ જાય છે એની માણસને ખબર નથી પડતી. અચાનક જ બધું અધૂરું લાગવા માંડે છે. એ બંને સાથે પણ એવું જ થયું. પ્રેમ હોય એના કરતાં એ ન હોય ત્યારે ઘણી વખત વધુ સમજાતો હોય છે. વિરહની વેદના ઘણી વખત મિલન વખતની અણસમજણથી વધુ આકરી બની જતી હોય છે. આખરે આ વેલેન્ટાઈન વખતે એ ફરીથી પ્રપોઝ કરવા તૈયાર થયો. તેણે કહ્યું કે હવે હું કલ્પનાની નહીં પણ હકીકતની વ્યક્તિને પ્રેમ કરીશ, કારણ કે હકીકત જ સત્ય છે, થોડીક અધૂરપ જ સત્ય છે અને એ બધું મારામાં પણ ક્યાં નથી?
પ્રેમ હોય કે દાંપત્યજીવન, એક વાત યાદ રાખવા જેવી એ છે કે બધું ભલે બદલાય, પ્રેમ ન બદલાવો જોઈએ. તમારી વ્યક્તિને એ જેવી છે એવી જ સ્વીકારવાની છે. એ ગમે એવો છે પણ સારો છે, એ ગમે એવી છે પણ સારી છે, કારણ કે એ મારી છે. માત્ર ગમાને માણવામાં જ પ્રેમ નથી.પણ અણગમાનેય આદર આપવામાં જ સાચો પ્રેમ છે. લાગણીઓમાં ચડાવ-ઉતાર આવતા રહેવાના છે, માણસનો મૂડ બદલાતો રહેવાનો છે, બધું જ ક્યારેય આપણી ઇચ્છા મુજબ સેટ નથી રહેવાનું. અપસેટ આવવાના જ છે.પ્રેમ સારા સમયમાં અનુભવાય છે અને ખરાબ સમયમાં ઓળખાય છે.
બે વ્યક્તિ દરેક સમયે એકસરખું જ વિચારે, એકબીજા જેવું જ અનુભવે એ શક્ય નથી પણ પોતાની વ્યક્તિના સમય, સંજોગ, સ્થિતિ, માનસિકતા અને માન્યતાને આપણે કેટલા અપનાવીએ છીએ. એના પરથી જ આપણા પ્રેમનું માપ નીકળતું હોય છે. આઈ લવ યુ કહેવું બહુ સહેલું છે, આપણે એવું કહી શકીએ છીએ કે હું તને પ્રેમ કરતો રહીશ, દરેક પરિસ્થિતિમાં હું તારી સાથે હોઈશ. દરેક પરિસ્થિતિમાં હું પ્રેમ કરીશ. તારી નારાજગીને પણ અને તારી ઉદાસીને પણ, કારણ કે હું નારાજ હોઉં છું ત્યારે તું મને મનાવી લે છે, કારણ કે હું ઉદાસ હોઉં ત્યારે તું મને હસાવી દે છે. હું તને સ્વીકારું છું. તારી તમામ ખામીઓ, મર્યાદાઓ અને તમામ અધૂરપ સાથે, કારણ કે તેં પણ મને એ બધાની સાથે જ અપનાવ્યો છે.
હા, એવું થાય છે કે આપણને જે જોઈતું હોય છે એ ઘણી વખત આપણી વ્યક્તિ પાસેથી આપણને મળતું નથી પણ જે મળતું હોય છે એની આપણને કેટલી કદર હોય છે? બે વ્યક્તિ જુદું જુદું માનતી હોય અને સાથે મળીને ત્રીજો રસ્તો કાઢે એ પ્રેમ છે. પ્રેમ મુશ્કેલીઓમાં સૌથી વધુ ઝળકવો જોઈએ. બસ તું છે તો બધું છે. પ્રેમ બધાંને જોઈતો હોય છે, એ મળે પણ છે પણ એ ક્યારેય આપણે ઇચ્છીએ એવો હન્ડ્રેડ પર્સન્ટ હોતો નથી. બાંધછોડ કરવાની જ હોય છે,પણ આપણે કંઈ છોડતા નથી, બાંધતા જ રહીએ છીએ. બાંધતા જ રહીશું તો ગાંઠ મોટી જ થતી રહેવાની છે અને છૂટે જ નહીં એવી થઈ જાય એ પહેલાં ગાંઠ છોડી નાખવાની હોય છે. અપેક્ષાઓ એટલી બધી વધારી ન દો કે કોઈ ક્યારેય પૂરી જ ન કરી શકે, પૂરી કરી શકે એટલી અપેક્ષા રાખો તો અધૂરપ નહીં લાગે, બધું જ આપણી ઇચ્છા મુજબ જ થાય એવું જરૂરી નથી, કારણ કે આપણેય આપણી વ્યક્તિની ઇચ્છા મુજબ બધું કરતાં નથી.
પ્રેમ ક્યારેય ગેરહાજર હોતો નથી. આપણે જ આપણી જીદ, ઇચ્છાઓ, માન્યતાઓ, અને આગ્રહોથી પ્રેમ ઉપર થરના થર જમાવી દઈએ છીએ અને પછી કહીએ છીએ કે પ્રેમ અલોપ થઈ ગયો છે. તમે જ લાદી દીધેલું થોડુંક હટાવી દો, પ્રેમ તો હતો ત્યાંનો ત્યાં જ છે. તમારો પ્રેમ તમારી પાસે છે? ન હોય તો શોધી કાઢો, આસપાસમાં જ ક્યાંક હશે. થોડાક થર હટાવી દો, એકાદ ગાંઠ છોડી નાખો, થોડોક ભાર હળવો કરી દો. કોઈના હાથ બાંધીને તમે આલિંગનનો આગ્રહ ન રાખી શકો.. હેપ્પી વેલેન્ટાઇન ડે.
છેલ્લો સીન :
તમારે પ્રેમ કરવો છેને? તો પ્રેમ માટે યાચક નહીં પણ લાયક બનો.
(‘સંદેશ’ તા 10મી ફેબ્રુઆરી,2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ. ‘ચિંતનની પળે’ કોલમ )