ના, હું તૂટી જવા માટે સર્જાયો નથી

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
સમંદર પી જવાની હરક્ષણે તાકાત રાખું છુંમને પડકાર ના હું સજ્જ મારી જાત રાખું છું,
સહજ રીતે ઘટે છે સર્વ ઘટના ભીતર મારીસતત જોયા કરું હું ને મને બાકાત રાખું છું.
ત્રિલોક મહેતા

જિંદગી કરવટ બદલતી રહે છે. રંગ બદલવા એ જિંદગીની ફિતરત છે. એકધારું કંઈ પણ જિંદગીને મંજૂર નથી હોતું. જિંદગીને ઓલવેઝ ચેન્જ જોઈએ છે. તમે જિંદગીના આ સતત બદલાતા મિજાજ સાથે મનમેળ કરવા તૈયાર છો? એક માછીમારે કહ્યું હતું કે, જિંદગી તો હવા જેવી છે. પવન ક્યારે દિશા બદલે એ નક્કી હોતું નથી. આપણે એટલું જ કરવાનું હોય છે કે જ્યારે પવન બદલાય ત્યારે સઢ ફેરવી નાખવાનું હોય છે. પવન ભલે આપણા હાથની વાત નથી પણ સઢ તો આપણા હાથમાં છેને ? જે સઢ નથી બદલતા એ ક્યારેય કિનારે નથી પહોંચતા. ઘણા તો મધદરિયે અને કેટલાંક તો કિનારે આવીને ડૂબી જાય છે. જિંદગી રંગ બદલે ત્યારે આપણે પીંછી અને કેનવાસ બદલીને નવા ચિત્રની શરૂઆત કરવાની હોય છે.
જિંદગીને ક્યારેય દોષ ન દો. જિંદગીને દોષ દેવાનો કોઈ મતલબ નથી. જિંદગી ક્યારેય દોષી હોતી જ નથી. ઘણી વખત આપણે તેને પૂરી રીતે સમજતા નથી એટલે તેનો દોષ કાઢતા રહીએ છીએ. જિંદગીએ તો ક્યારેય કહ્યું જ નથી કે હું એકસરખી રહીશ. યાદ રાખો, ક્યારેય કંઈ એકસરખું રહેવાનું નથી. ન પ્રેમ, ન દોસ્તી, ન સંબંધ, ન કરિયર, ન સફળતા. બધું જ બદલાતું રહેવાનું છે. આપણે પણ દરરોજ થોડા થોડા બદલાતાં હોઈએ છીએ. માત્ર સારું જ નહીં, ખરાબ પણ બદલાતું રહેવાનું છે. નફરત, દુશ્મની કે નિષ્ફળતા પણ કાયમ રહેવાની નથી. આપણે બસ જે સમય હોય એને જીવી લેવાનો છે.
એક માણસ સંત પાસે ગયો. તેણે કહ્યું કે હું માંડ માંડ એક સરખું કરું ત્યાં બીજું તૂટી જાય છે. એક મુસીબત પૂરી ન થઈ હોય ત્યાં બીજી શરૂ થાય છે. હું થાકી ગયો છું આ બધી જંજાળથી. સંત કંઈ જ ન બોલ્યા. બાજુના ખૂણામાં એક કરોળિયો જાળું બનાવતો હતો. સંતે એક સળી લીધી અને કરોળિયાનું જાળું વીંખી નાંખ્યું. કરોળિયો દૂર સરકી ગયો. થોડી વાર પછી આવીને પાછો જાળું બનાવવા લાગ્યો. થોડી વાર પછી પાછું સંતે જાળું વીંખી નાખ્યું. સંતે કહ્યું કે આ કરોળિયો મારો મિત્ર છે, એ મારો ગુરુ છે. આજે તે જે રમત જોઈ એવી રમત અમે રોજ કરીએ છીએ. હું એનાં જાળાં વિખેરીને થાકી જાઉં છું પણ એ નવું જાળું બનાવવાથી થાકતો નથી. ક્યારેય ભાગતો નથી કે ક્યારેય મને કરડવા દોડતો નથી. એક વખત એ કરોળિયો મને સપનામાં આવ્યો. એ મારી સામે હસ્યો. મને કહ્યું કે,કર તારે જે કરવું હોય તે, હું કંઈ થાકવાનો નથી. તું તારું કર્મ કર અને હું મારું કર્મ કરીશ. તું મારી જાળ વિખેરી શકે છે પણ મારી જ જાળમાં મને ફસાવી નહીં શકે. મારી આંખ ખૂલી ત્યારે એ કરોળિયો ફરીથી ખૂણામાં એનું જાળું બનાવી રહ્યો હતો. કેવું છેને, કરોળિયો નથી થાકતો પણ માણસ થાકી જાય છે. પેલો માણસ સંતને વંદન કરીને ચાલ્યો ગયો. જતી વખતે એટલું જ બોલ્યો કે હું નહીં થાકું.
માણસે સમય સાથે લડવાનું હોય છે. સમય મુજબ બદલવાનું હોય છે. માણસ સમય મુજબ બદલાતો નથી પણ રડતો હોય છે. સખત તડકો હોય ત્યારે માણસ છાંયો શોધે છે, કાતિલ ઠંડી હોય ત્યારે માણસ તડકો શોધે છે. જિંદગીનું પણ આવું જ છે. તમારે સ્થળ,સંજોગ અને માનસિકતા બદલતાં રહેવાં પડે છે. દરેક ઘા ટટ્ટાર રહીને નથી રમાતા, કોઈક ઘા નીચા નમીને પણ ચૂકવી દેવાના હોય છે.
સમય અલગ અલગ શસ્ત્ર લઈને તમારી સામે આવે છે. તમારે પણ શસ્ત્ર સામે એવું જ શસ્ત્ર વાપરવું પડે છે. પ્રાચીન સમયની વાત છે. એક રાજકુંવર યુદ્ધવિદ્યા શીખવા માટે ઋષિના આશ્રમે ગયા. ઋષિએ શસ્ત્ર ચલાવવાનું શીખવાડયું. ગુરુએ ભાલો લીધો અને રાજકુંવરને પણ ભાલો આપ્યો. થોડી વાર બંને દાવપેચ રમ્યા. અચાનક જ ગુરુએ ભાલો મૂકીને તલવાર લઈ લીધી. રાજકુંવર ભાલાથી લડતો હતો પણ તલવાર સામે તેનો મેળ ખાતો ન હતો. અચાનક રાજકુંવરે ભાલો મૂકી તલવાર હાથમાં લઈ લીધી. ગુરુએ કહ્યું કે બસ આ જ શીખવાનું છે. યુદ્ધ હોય કે જિંદગી, સમય અને સંજોગ મુજબ તમારે શસ્ત્ર બદલવાનું હોય છે. ઠંડીમાં આપણે રેઈનકોટ પહેરતા નથી અને વરસાદમાં સ્વેટર પહેરીએ તો કોઈ મૂર્ખ સમજે. બસ આટલી વાત જે સમજી જાય છે એ ક્યારેય હારતો કે થાકતો નથી.
જિંદગી સામે સવાલ ન કરો, કારણ કે જિંદગી ખુદ જ સવાલ કરતી હોય છે. સવાલ સામે સવાલ કરવાથી જવાબ મળતો નથી. આપણે તો જિંદગીને જવાબ જ આપવાના હોય છે. જે જવાબ નથી આપતો એ જ નાપાસ થાય છે. ખોટા જવાબ સામે જિંદગીને વાંધો હોતો નથી, કારણ કે ખોટા જવાબોમાંથી જ કદાચ એક જવાબ સાચો પડવાનો છે. તમારે પાસ થવું છેને? તો જિંદગીના જવાબો આપતા રહો. જવાબો શોધતા રહી બસ એટલું જ નક્કી કરો કે જિંદગીનો સવાલ સહેલો હશે કે અઘરો હું હારવાનો કે નાપાસ થવાનો નથી, કારણ કે હું પાસ થવા જ સર્જાયો છું. તૂટી જવું મને મંજૂર નથી. જ્યાં સુધી તમે હારશો નહીં ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. શરણે થઈ જનારને ગુલામી ભોગવવી પડતી હોય છે.
માણસ પોતે મક્કમ હોય ત્યાં સુધી કોઈ તાકાત તેને નબળી પાડી શકતી નથી. એક જહાજનો કેપ્ટન હતો. જિંદગી અને સફળતાનું રહસ્ય શું? એવો પ્રશ્ન એક વખત તેને પૂછવામાં આવ્યો. કેપ્ટને કહ્યું કે આ દરિયો અને મારું જહાજ જ એ રહસ્ય છે. દરિયો કેટલો વિશાળ છે? એ દરિયામાં મોજાં અને તોફાન આવતાં જ રહે છે. દરિયામાં અઢળક પાણી છે છતાં એ જહાજને ડુબાડી શકતું નથી. જહાજ ક્યારે ડૂબે એ તમને ખબર છે? જ્યારે જહાજમાં કાણું પડી જાય ત્યારે. બહારનું પાણી તમે અંદર આવવા દો તો ડૂબી જાવ. બસ, આવું જ જિંદગીનું છે. બહાર તો ઝંઝાવાત છે જ, તમારે એ ઝંઝાવાતથી ડરવાનું નથી, ધ્યાન એટલું જ રાખવાનું છે કે આપણામાં કોઈ ખામી ન રહેવી જોઈએ. આપણા જહાજમાં કાણું ન પડવું જોઈએ. માણસની મક્કમતા જ તેને જીવતો રાખે છે. જે દિવસે જરાકેય કાણું પડયું તો ડૂબવાની શરૂઆત થઈ જાય છે. તમે માત્ર તમારા જહાજની ચિંતા કરો. દરિયાની ઉપાધિ કરવાની જરૂર નથી… જેને પડકારો પ્રિય નથી, એનો પરાજય નિશ્ચિત છે. જિંદગીને પડકાર કરો કે તું તારે સવાલો કરતી રહે હું જવાબ આપવા તૈયાર જ છું, કારણ કે હું તૂટવા માટે સર્જાયો નથી.
છેલ્લો સીન
લોખંડ ગરમ હોય ત્યારે એને ટીપવું એવો એક નિયમ છે પણ જ્યારે લોખંડ ગરમ ન હોય ત્યારે એને ટીપી ટીપીને ગરમ કરવાનું હોય છે. -ક્રોમવેલ
(‘સંદેશ’ તા. 17મી ફેબ્રુઆરી,2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *