રડવું ન આવે એટલે એવું
માની લેવાનું કે પ્રેમ નથી?

-કૃષ્ણકાંત ઉનડકટ
વારતા મનમાં ઘડાતી જાય છે,
એ રીતે બસ જિંદગી ભજવાય છે,
આદતો કઈ કઈ ઊઘઈ જેવી હશે,
જે મને અંદરથી કોરી ખાય છે.
– જય દાવડા
આંસુ સાથે માણસને જન્મથી જ નાતો છે. જન્મે ત્યારે બાળક ન રડે તો એને ધરાર રડાવવામાં આવે છે. દુનિયા પછી તેને આખી જિંદગી કોઇ ને કોઇ કારણોસર રડાવતી રહે છે. ક્યારેક આંખોમાં ચોમાસુ બેસી જાય છે, તો ક્યારેક આંસુઓનો દુકાળ સર્જાય છે. કોના માટે રડવું? શા માટે રડવું? કોને શું ફેર પડે છે? જાતજાતના સવાલો થાય છે. જેને આપણા હાસ્યથી ફેર ન પડતો હોય એને આપણા રડવાથી પણ કશો ફેર પડવાનો નથી. આંખો વરતી જનારા સંબંધો હવે બહુ ઓછા જોવા મળે છે. નજરની ભાષા બધાને આવડતી નથી. લાગણીના તાર પૂરેપૂરા જોડાયેલા હોય એ જ આંખોને ઓળખી, પરખી અને વાંચી શકે છે. કેટલીક આંખો બોલકી હોય છે. આ જ આંખો ક્યારેક મૌન થઇ જાય છે. સૂકી થઇ જાય છે. માણસ ભલે નાટક કરતો હોય, પણ આંખ ચાડી ફૂંકી દે છે. આંખમાં ક્યારેક ચુવાક થાય છે, તો ક્યારેક આંખો ધોધમાર વરસે છે. દરેક માણસ ક્યારેક ને ક્યારેક છાના ખૂણે રડ્યો હોય છે. બધાની સામે રડી પણ ક્યાં શકાતું હોય છે? રડવા માટે પણ પોતાની વ્યક્તિ જોઇએ. જેની સામે રડવામાં કોઇ સંકોચ ન થાય એ સંબંધ સાચો અને પવિત્ર હોય છે. આપણાં આંસુની પણ આપણને વેલ્યૂ હોવી જોઇએ. બધાની સામે અને બધા માટે રડવાનો કોઇ મતલબ હોતો નથી. એવું કહેવાય છે કે, રડવાથી હળવા થઇ જવાય છે. એની સામે સવાલ એ પણ છે કે, એટલા ભારે કોણે કરી દીધા કે રડી પડાય અને હળવા થવાની જરૂર પડે. આંસુ ક્યારેક એવા સવાલો કરે છે જેના જવાબો અઘરા હોય છે. કોઇ પૂછે કે, કેમ રડે છે ત્યારે સાચો જવાબ આપી નથી શકાતો. આંસુ દરિયા જેવું ગહન હોય છે. બધું ક્યાં દેખાતું હોય છે, માત્ર થોડુંક જ વર્તાતું હોય છે. એક છોકરીની આ વાત છે. તેના મેરેજ થવાના હતા. પપ્પાની ખૂબ જ લાડકી દીકરીને ક્યારેય રડવું ન આવતું. તેને એક વાતનો વિચાર આવ્યે રાખતો કે, મેરેજ પછી વિદાય વખતે પણ મને રડવું નહીં આવે તો? પપ્પા એવું માનશે કે મને તેમને અને ઘરને છોડવાનું કોઇ દુ:ખ નથી? મેરેજ થાય એ પહેલાં જ એ પપ્પા પાસે ગઇ અને કહ્યું કે, મારે તમને એક વાત કરવી છે. તમે મને એટલી લાડકી રાખી છે કે મને ક્યારેય કોઇ વાતે રડવું જ નથી આવવા દીધું. મને ક્યારેય રડવું જ નથી આવતું. હું સાસરે જતી હોઉં અને ન રડું તો પ્લીઝ તમે એવી ન માનતા કે, મને તમને છોડવાનું કંઇ દુ:ખ નથી. આટલું બોલી ત્યાં જ છોકરી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. દિલમાં કેટલાક બંધો એવા હોય છે જે ક્યારે છલકી જાય એનો અંદાજ નથી રહેતો. પપ્પા અને દીકરી ક્યાંય સુધી એક શબ્દ બોલ્યા વગર બેસી રહ્યાં. જે કંઇ બોલવાનું હતું એ બંનેનાં આંસુ જ બોલી રહ્યાં હતાં.
ક્યારેક એવો પણ સવાલ થાય કે, આંસુ શું પીડા, વેદના કે દર્દનું કોઇ માપદંડ હોય છે ખરું? હમણાંની એક સાવ સાચી ઘટના છે. એક યુવતીના પતિનું અવસાન થયું. એની બહેનપણીઓ તેને મળવા ગઇ. થોડી વાર બેસીને બહેનપણીઓ નીકળી ગઇ. બહાર આવીને એક બહેનપણીએ કહ્યું કે, એનો વર મરી ગયો છે, પણ એને તો રડવુંયે નહોતું આવતું. આ વાત સાંભળીને તેની બીજી બહેનપણીએ કહ્યું કે, રડવું ન આવે એટલે એવું થોડું છે કે, એને પતિ સાથે પ્રેમ નહોતો. એ એટલું રડી છે કે હવે તેની આંખોમાં આંસુ પણ નથી બચ્યાં. આપણે તેને સાંત્વના આપવા ગયાં હતાં કે રડાવવા? તને ખબર છે એણે પતિનું કેટલું ધ્યાન રાખ્યું છે? એનો પતિ કેટલાય સમયથી બીમાર હતો. પતિની કાળજી લેવામાં એણે કંઇ બાકી નથી રાખ્યું. રડવાથી કે ન રડવાથી કોઇને માપવા સારી વાત નથી.
આંસુ માત્ર દુ:ખનું નથી હોતું, ખુશીનું પણ હોય છે. તેની સાથોસાથ બધાં આસું દુ:ખનાં કે ખુશીનાં પણ નથી હોતાં. કેટલાંક આંસુ નાટકનાં પણ હોય છે. ઘણા લોકો પોતાનું કામ કઢાવવા માટે આંસુનો ઉપયોગ સાધન કે હથિયારની જેમ કરતા હોય છે. કામ પતે એટલે તરત જ તેના હાવભાવ બદલાઈ જાય છે. હવે તો કોઇને રડતા જોઇને માણસે નક્કી કરવું પડે છે કે, આ સાચું રડે છે કે ખોટું? રડવામાં કેટલાક તો એટલા પાવરધા હોય છે કે, આપણે નક્કી જ ન કરી શકીએ કે આ રિઅલ છે કે ડ્રામા? આ બધા વચ્ચે જિંદગીનો એક આહ્લાદક અનુભવ કોઇનાં આંસુ લૂછવાનો પણ છે.
એક કિસ્સો પણ માણવા જેવો છે. એક યુવાન હતો. એક દિવસે એ રોડ પર એક ઓટલે બેઠો હતો. કંઇક વિચારે ચડી ગયો અને રડવા લાગ્યો. કોઇ ન જુએ એ રીતે એ રડતો હતો છતાં એક ભાઇનું ધ્યાન તેના પર પડી ગયું. એ ભાઇએ યુવાન પાસે જઇને પૂછ્યું, કેમ રડે છે? એ યુવાન સાચું બોલી ગયો. મેં સવારથી કંઇ ખાધું નથી. પેલા ભાઇએ રૂપિયા આપવા માટે પાકીટ કાઢ્યું. એ યુવાને કહ્યું, મારે રૂપિયા નથી જોઇતા. પેલા ભાઇએ પૂછ્યું, તો તારે શું જોઇએ છે? એ યુવાને કહ્યું, મારે કામ જોઇએ છે. હું થોડું ભણેલો છું. મારા લાયક કામ મળી જાય એટલું જ હું ઇચ્છું છું. મારે મફતનું નથી ખાવું. મહેનતનું જ ખાવું છે. પેલા ભાઇની એક ફેક્ટરી હતી. એ યુવાનને તે પોતાની સાથે લઇ ગયા અને પોતાને ત્યાં જ કામ આપી દીધું. એ પછી જ્યારે પણ એ યુવાનને મળવાનું થતું ત્યારે એ યુવાનની આંખોમાં તેમના પ્રત્યે અહોભાવની લાગણી તરવરતી હતી. કોઇનાં આંસુ લૂછવાની ટાઢક ઘણી વખત આપણને ગજબનું સુકૂન આપે છે. ક્યારેક કોઇ માટે નિમિત્ત બનવાની પણ મજા માણવી જોઇએ. કોઇનાં આંસુ લૂછવા માટે ટેરવાં બની શકાય એના જેવું શુભ કાર્ય બીજું કશું હોતું નથી.
આંસુનો પણ એક સંબંધ હોય છે. એ આપણને ખબર ન પડે એમ નિભાવાતા હોય છે. એક છોકરીની આ સાવ સાચી વાત છે. એ જેની સાથે અટેચ હોય એ જો કોઇ વાતે રડી પડે તો એ પણ એની સાથે રડવા લાગે. એની એક ફ્રેન્ડ હતી. એક વખત એ પોતાની વાત કરતાં રડી પડી ત્યારે એ પણ રડવા લાગી. એની ફ્રેન્ડે પૂછ્યું, વાત મારી છે, પીડા મારી છે, તો તું કેમ રડવા લાગી? એણે કહ્યું કે, તારી પીડાનો અહેસાસ મને થાય છે. હું તારી વાત માત્ર સાંભળતી નથી, તારી વાત જીવું પણ છું. આપણું કોઇ રડતું હોય અને આપણી આંખના ખૂણામાં જરાયે ભેજ ન વર્તાય તો સમજવું કે, આપણા સંબંધમાં કંઇ ખૂટે છે.
આંસુને સંવેદના સાથે સીધો સંબંધ છે. આપણે કંઇ લાગતુંવળગતું ન હોય તો પણ ઘણી વખત આપણી આંખો ભીની થઇ જતી હોય છે. ઘટના ભલે બીજાની હોય, પણ એ આપણને સ્પર્શતી હોય છે. એક વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર હતો. તેની પત્ની પણ જંગલમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી વખતે તેની સાથે રહેતી. સિંહ, વાઘ, દીપડો કે ચિત્તો શિકાર કરતો હોય એવી વીડિયોગ્રાફી કરવી એ ફોટોગ્રાફરનું પેશન હતું. જ્યારે હરણ કે બીજા કોઇ પ્રાણીનો શિકાર થતો ત્યારે પતિ પત્નીને કહેતો કે, આ કુદરતનો નિયમ છે. પત્ની પણ આ વાત સમજતી અને સ્વીકારતી હતી. જોકે, પ્રાણી જ્યારે હરણ કે બીજા કોઇ પ્રાણીના બચ્ચાને પકડી લેતું ત્યારે એની આંખો ભીની થઇ જતી. એ કહેતી કે, એને તો એ વાતની પણ ખબર નથી કે મારો શિકાર થયો છે. મારે એનાથી બચવાનું હતું. જંગલના કાયદાઓની સમજ પડે એ પહેલાં તો એ કોઇનો કોળિયો બની ગયું. પતિ કહેતો, તારી સંવેદના સાચી છે, પણ કેટલુંક એવું હોય છે જે આપણે બદલી શકતા નથી. પત્ની ત્યારે એટલું જ બોલી, બદલી ન શકીએ તો કંઇ નહીં, થોડુંક રડી તો શકીએને? યુદ્ધમાં કોઇ બાળકનું મૃત્યુ થાય ત્યારે આંખો ભીની થઇ જાય છે. કોઇ બાળક ભૂખે ટળવળતું હોય ત્યારે પેટમાં ચૂંથાતું હોય એવું લાગે છે. પત્નીએ પતિને કહ્યું કે, તારી બધી વાત સાચી છે, પણ હું જ્યારે રડતી હોઉં ત્યારે પ્લીઝ મને રોકતો નહીં. આંસુ પણ અંદર ચાલી રહેલા વલોપાતની વાચા હોય છે. આંસુ ભલે બધાનાં એકસરખાં લાગતાં હોય, પણ કારણો જુદાં જુદાં હોય છે. એની જ આંખો ભીની થતી હોતી નથી જેનામાં સંવેદના જેવું કંઇ બચ્યું હોતું નથી. જિંદગીમાં ક્યારેક ભીની આંખોની પણ મોસમ બેસતી હોય છે. એ મોસમને પણ જીવી લેવાની હોય છે.
છેલ્લો સીન :
સંવાદ શબ્દો વગરનો પણ હોય છે. બધે બોલવાની કંઇ જરૂર નથી હોતી. આંખો જ ઘણી વખત બધું કહી દે છે. સ્પર્શ સંવેદના વ્યક્ત કરી દે છે. ખુલાસા, ચોખવટ અને બચાવ ત્યાં જ કરવો પડે છે જ્યાં સંબંધો સંપૂર્ણ નથી. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 21 જૂન 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
