લગ્નની ઉંમર અને મોટી ઉંમરે થતાં લગ્ન – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

લગ્નની ઉંમર અને
મોટી ઉંમરે થતાં લગ્ન

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

એક કે બે વખત ડિવોર્સ લેનારા લોકો બીજી કે ત્રીજી
વખત પણ મેરેજ કરે છે. આવી ઘટનાઓ એવું પણ સાબિત
કરે છે કે, માણસને પોતાનું કહી શકાય એવું કોઈ જોઈતું હોય છે.
જિંદગી સાવ એકલા જીવી શકાતી નથી.


———–

લગ્ન અને દાંપત્ય સામે આજના આધુનિક સમયમાં જેટલા સવાલો છે એટલા અગાઉ ક્યારેય નહોતા. હવે તો લગ્નસંસ્થાના અસ્તિત્વ સામે પણ લોકો પ્રશ્નો ઉઠાવવા લાગ્યા છે. હમણાં જયા બચ્ચને એક ટીવી ટોકમાં કહ્યું કે, મેરેજ આઉટડેટેડ ઇન્સ્ટિટ્યૂશન છે. તેમણે પોતાની દોહિત્રી નવ્યા માટે પણ એવું કહ્યું કે, હું નથી ઇચ્છતી કે નવ્યા મેરેજ કરે! નવ્યા નંદા 28 વર્ષની છે. અત્યારનો યંગસ્ટર્સ લગ્ન કરવાથી દૂર ભાગી રહ્યો છે. કોઇને કમિટમેન્ટમાં બંધાવું નથી. કેટલાક યંગસ્ટર્સને મેરેજ કરવામાં જ ડર લાગે છે. આપણું નહીં ચાલે તો? એવો સવાલ એને થાય છે. પોતાની આજુબાજુનાં કપલ્સની હાલત જોઇને પણ ઘણા એવું વિચારે છે કે, લગ્ન કરવામાં કંઇ માલ નથી. કોણ સુખી છે? ખરા અર્થમાં કેટલાં કપલ સુખી છે અને પોતાનું દાંપત્ય સોળે કળાએ જીવે છે એ સવાલ છે. આપણે ત્યાં લગ્નની સત્તાવાર ઉંમર છોકરા માટે 21 અને છોકરી માટે 18 વર્ષ છે. એક સમય હતો જ્યારે દીકરી કે દીકરો લગ્ન કરવા જેવડાં થાય એટલે મા-બાપ મુરતિયો કે કન્યા શોધવા લાગતાં હતાં. હવે મા-બાપ બહુ ઉતાવળ કરતાં નથી. દીકરો હોય કે દીકરી પગભર થાય પછી જ લગ્નનું વિચારે છે. લગ્ન માટે સંતાનોને પૂછવું પડે છે કે, હવે તારા માટે શોધીએ? કોઇ હોય તો કહી દેવાનું પણ મા-બાપ કહે છે. આવા કિસ્સાઓમાં પણ એવા જવાબ મળવા લાગ્યા છે કે, મારે લગ્ન નથી કરવા. હજુ વિચારવા દો. શું ઉતાવળ છે?
એક તરફ યંગસ્ટર્સ લગ્નથી ભાગી રહ્યા છે અને બીજી તરફ અનેક લોકો મોટી ઉંમરે લગ્ન કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના 62 વર્ષના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે હમણાં જોડી હેડન સાથે મેરેજ કર્યા. બંનેના અગાઉ ડિવોર્સ થઇ ગયા હતા. 93 વર્ષના મીડિયા મુગલ રૂપર્ટ મર્ડોકે 67 વર્ષની ગર્લફ્રેન્ડ એલના ઝુકાવા સાથે કરેલાં લગ્ન ખૂબ ગાજ્યાં હતાં. રૂપર્ટ મર્ડોકના એ પાંચમા મેરેજ હતા. સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાએ પોતાના 80મા જન્મદિવસે ગ્રેસા માસેલ સાથે ત્રીજાં લગ્ન કર્યાં હતાં. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ 73 વર્ષની ઉંમરે રોજાગેલા ડોસ સાંતોસ સાથે ત્રીજાં લગ્ન કર્યાં. સેવન્ટીઝમાં મેરેજ કરનારાઓનું લાંબું લિસ્ટ છે. એક તરફ યંગસ્ટર્સ મેરેજ કરવાથી દૂર થતા જાય છે અને બીજી તરફ મોટી ઉંમરના લોકો બીજાં, ત્રીજાં કે ચોથાં લગ્ન કરે છે! આવું કેમ થાય છે? એ વિશે એવું કહેવાય છે કે, મોટી ઉંમરે જીવનસાથીની જરૂરિયાત સમજાય છે. કોઇ વાત કરવાવાળું જોઇતું હોય છે. કોઇ કેર કરે, હૂંફ આપે એવી ઇચ્છા હોય છે. જો લગ્ન સાવ નક્કામી ચીજ જ હોત તો આ લોકોએ એક વારમાં જ માંડી વાળ્યું હોત. ઉપર જે દાખલા આપ્યા છે એના વિશે કહેવાવાળા એવું પણ કહી શકે કે, એ તો વિદેશમાં આવું બધું થાય, આપણે ત્યાં મોટી ઉંમરે લગ્ન શક્ય બનતાં નથી. સાચી વાત છે. સમાજ અને આબરૂ-ઇજ્જતના નામે મોટી ઉંમરે લગ્ન કરવાની ઇચ્છા હોય તો પણ આપણે ત્યાં કોઇ ઇચ્છા વ્યક્ત કરતું નથી. છોકરાઓ શું કહેશે? સમાજના લોકો કહેશે કે, શું હાલી નીકળ્યા છો!
પતિ કે પત્નીની વિદાય પછી માણસ સાવ એકલો પડી જાય છે. સંતાનો અને પરિવારના લોકો હોય છે એમાં ના નહીં, પણ એની સાથે જીવવાની કેટલીક મર્યાદાઓ હોય છે. સંતાનો પોતાનામાં બિઝી થઇ જાય છે. જેને પોતાનું કહી શકાય એવું કોઇ ન હોય ત્યારે જિંદગી નોધારી થઇ ગઇ હોય એવું લાગે છે. આપણે ત્યાં કેટલાક કિસ્સાઓમાં સંતાનો જ એકલા પડી ગયેલા પિતા કે માતાનાં લગ્ન કરાવે છે. અલબત્ત, આવી ઘટનાઓ પણ આપણે ત્યાં ન્યૂઝ બને છે. આપણે ત્યાં ડિવોર્સ કોમન થતા જાય છે, પણ મોટી ઉંમરે લગ્નને હજુ સહજતાથી લેવાતાં નથી. અમુક ઉંમર થયા પછી આપણે ત્યાં પુરુષ કે સ્ત્રી પોતાની રીતે નિર્ણય કરી શકતાં નથી. એને છોકરાઓનું વિચારવું પડે છે અને કેટલાક કિસ્સામાં છોકરાઓને પૂછવું પણ પડે છે.
ડિવોર્સ થયા પછી પણ સ્ત્રી કે પુરુષ ફરી લગ્ન કરવાનું વિચારે છે એનો એક અર્થ એવો તો કરી જ શકાય કે, હજુ લોકોને લગ્નસંસ્થા પર ભરોસો છે. દરેક લગ્ન માત્ર ને માત્ર જરૂરિયાતોને જ ધ્યાનમાં રાખીને નથી કરવામાં આવતાં, એક સાથી જોઇતો હોય છે જેની સાથે જિંદગી જીવવા જેવી લાગે. આપણે ત્યાં જે રીતે લગ્નો તૂટી રહ્યાં છે અને યંગસ્ટર્સ કોઇ બંધનમાં બંધાવવા રાજી નથી એ જોઇને સમાજશાસ્ત્રીઓ પણ ચકરાવે ચડ્યા છે કે, આખરે આ બધું શું થઇ રહ્યું છે? અત્યારના યંગસ્ટર્સની પોતાની વ્યક્તિ પાસેથી અપેક્ષાઓ વધી ગઇ છે. આટલું તો જોઇએ જ, આમ તો કરવાનું જ, એવું બધાને થતું રહે છે. કેટલાક કિસ્સાઓમાં તો બાકાયદા શરતો મૂકવામાં આવે છે. અગાઉના સમયમાં જતું કરવાની ભાવના હતી. હવે જતું કરવાની વાત તો દૂર રહી, નાની નાની બાબતોમાં પતિ-પત્ની એકબીજા સામે બાંયો ચડાવી લે છે. સોશિયલ મીડિયાએ પણ પતિ-પત્નીના સંબંધોમાં બહુ મોટી ભૂમિકા ભજવી છે. લોકો ફરવા જવાના ફોટાઓ મૂકતા રહે છે. લગ્નની ધામધૂમના ફોટા પણ મૂકે છે. દેખાદેખીમાં ઘણું બધું થતું રહે છે. ડિવોર્સ કે બ્રેકઅપના ફોટો કે સ્ટેટસ કોઇ મૂકતું નથી. વાસ્તવિકતાથી બધા ભાગે છે. ડિવોર્સ પાર્ટી અને બ્રેકઅપ સેલિબ્રેશનની વાતો બહુ થાય છે, પણ એ ગણ્યાગાંઠ્યા લોકો જ કરે છે. એવું કરવા પાછળ પણ છેલ્લે ઇરાદો તો સોશિયલ મીડિયા પર દેખાડો કરવાનો જ હોય છે.
લીવ ઇનનો ટ્રેન્ડ પણ બહુ વિચિત્ર રીતે બદલાઈ રહ્યો છે. એક વખત ડિવોર્સ થઇ ગયા હોય તેવા કિસ્સામાં વડીલો જ બીજાં લગ્ન કરાવતા પહેલાં એવી સલાહ આપે છે કે, થોડોક સમય સાથે રહો પછી નક્કી કરજો કે, લગ્ન કરવાં છે કે નહીં? ન ફાવે તો બીજી વખત ડિવોર્સ લેવાની તો નોબત ન આવે. લીવ ઇનમાં રહ્યા બાદ જો ખરેખર એકબીજા પર પ્રેમ હોય તો પ્રેમી કે પ્રેમિકા કહે છે કે, હવે આપણે મેરેજ કરી લેવા જોઇએ.
એવું બિલકુલ નથી કે, હેપી કપલ્સ છે જ નહીં, ઘણાં દંપતીઓ મસ્તીની જિંદગી જીવે છે. સોસાયટીમાં જે ચાલી રહ્યું છે એ જોઇને જે કપલ્સ ખરેખર સુખી છે એને પણ ડર લાગવા માંડે છે કે, ક્યાંક કોકની અમને નજર ન લાગી જાય. કેટલાંય કપલ એવું કહે છે કે, આપણે બહુ પ્રેમથી રહીએ છીએ એનો દેખાડો નહીં કરવાનો, હવે કોઇ સહન કરી શકતું નથી. કોને ખબર છે કોની નજર કેવી હોય! જોઇને આંખો ઠરે એવી જોડીઓ હવે બહુ ઓછી જોવા મળે છે. સાથે રહે છે, સરસ ફોટા અપલોડ કરે છે, પણ ખરેખર કેટલા સુખી છે એ સવાલ હોય છે. ઘણાં કપલ્સના ફોટા સોશિયલ મીડિયા પર જોઇને એવું સાંભળવા મળે છે કે, ફોટો તો સરસ અપલોડ કરે છે, બાકી બંનેને કેટલું બને છે એ તો નજીકના લોકોને જ ખબર છે. એક્સ્ટ્રા મેરિટલ અફેર વળી જુદો જ ઇશ્યૂ છે. પોતાના સંબંધમાં જેને કંઇક ખૂટે છે એ બીજે ફાંફાં મારે છે અને કેટલાક કિસ્સામાં પરિણામો ખરાબ પણ આવે છે.
લગ્ન વિશે એવું પણ કહેવાતું રહ્યું છે કે, આ લાકડાનો લાડુ છે. ખાય એ પણ પસ્તાય અને ન ખાય એ પણ પસ્તાય. ઘણા લોકો એવું ભલે કહેતા હોય કે લગ્નસંસ્થા પડી ભાંગવાની છે, પણ એવું થાય એવી શક્યતાઓ બહુ ઓછી છે. લગ્નો થતાં જ રહેવાનાં છે. લગ્નની સીઝનમાં હજુયે પાર્ટીપ્લોટ કે વાડીઓ મળતા નથી. હા, એ વાત ચોક્કસપણે સાચી છે કે, પ્રભુતામાં પગલાં માંડનારાં થોડુંક એવું વિચારે કે આપણે કઇ દિશામાં જઇ રહ્યા છીએ. એકબીજાને સમજીને પૂરી વફાદારીથી લગ્નજીવનની શરૂઆત કરવામાં આવે તો કોઇ પ્રોબ્લેમ થતા નથી. આપણી સપ્તપદીનું પાલન કરવાનો ભરોસો એકબીજા પર હોવો જોઇએ, તો જ કુર્યાત સદા મંગલમ્ થાય.


————

પેશ-એ-ખિદમત
હૈ વફા શર્ત ઉનકી બાત રહે,
અપને દિલ કી કહી સુની ન કરું,
જિક્ર ઉનકા ભી છીડ ન જાયે કહીં,
ચૂપ રહું અપના જિક્ર ભી ન કરું.
– યૂસુફ જફર


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 10 ડિસેમ્બર 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *