બોલવા જેવું ન હોય ત્યાં ચૂપ રહેવામાં જ ડહાપણ છે : ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

બોલવા જેવું ન હોય ત્યાં
ચૂપ રહેવામાં જ ડહાપણ છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


જે માણસ હતો આ નગરનો જ હિસ્સો,
એ માણસનો પત્તો હવે ક્યાં મળે છે?
કયું, કોણ, ક્યારે, ક્યાં, કેમ, કેવું?
કશાયે જવાબો હવે ક્યાં મળે છે?
– અદમ ટંકારવી



ક્યાં બોલવું, કેટલું બોલવું, શું બોલવું, એની સમજ માણસે કેળવવી પડે છે. મૌનથી જ્યાં ચાલતું હોય ત્યાં શબ્દોના ઉપયોગની જરૂર નથી. શબ્દોને બહુ જાળવી જાળવીને વાપરવા પડે છે. આપણા મોઢેથી જ્યાં સુધી અમુક શબ્દો બોલાયા નથી હોતા ત્યાં સુધી આપણે તેના માલિક હોઇએ છીએ. શબ્દો બોલાઇ ગયા પછી આપણે તેના ગુલામ થઇ જઇએ છીએ. શબ્દો તીર જેવા છે, છૂટી ગયા પછી પાછા વાળી શકાતા નથી. વાત કરતા પહેલાં એ પણ વિચારવું પડે છે કે, આપણે જેની સાથે વાત કરીએ છીએ એ આપણા શબ્દો માટે લાયક છે ખરા? માણસ કોઇના માટે રૂપિયા ખર્ચતા પહેલાં સો વાર વિચાર કરે છે, પણ શબ્દો વાપરવામાં ઘણી વખત નયા ભારનો વિચાર કરતા નથી. એક સાવ સાચો કિસ્સો છે. એક ભાઇ દુકાને ખરીદી માટે ગયા. હિસાબ કિતાબમાં કંઇક ગેરસમજ થઇ. દુકાનદાર રાડો પાડવા લાગ્યો. તમે મને પચાસ રૂપિયા ઓછા આપ્યા છે. એ સિવાય પણ એ જેમ તેમ બોલ્યો. એ ભાઇએ કંઇ દલીલો કર્યા વગર પચાસ રૂપિયા આપી દીધા. એ જોઇને તેની પત્નીએ કહ્યું, તમે હિસાબ સમજ્યા વગર પચાસ રૂપિયા આપી દીધા. એમણે પત્નીને કહ્યું કે, કેટલાક લોકો પાસે શબ્દો વેડફવા એના કરતાં રૂપિયા વેડફવામાં ડહાપણ હોય છે. શબ્દો તમારી શક્તિ છે. એનો દુરુપયોગ થવા દેવો ન જોઇએ. એવી જગ્યાએ જ બોલો જ્યાં બોલવું જરૂરી છે અને જ્યાં તમારા બોલવાની કદર છે. બોલવા અને બક બક કરવા વચ્ચેનો ભેદ જેને સમજાતો નથી એનું અપમાન થવાની શક્યતા વધુ રહે છે.
સંવાદમાં શબ્દોનો ઉપયોગ કરતા ન આવડે તો વિવાદ સર્જાતા વાર નથી લાગતી. આપણે એવા ઘણા કિસ્સાઓ જોયા હોય છે કે, લોકો ભેગા થયા હોય છે સમાધાન કરવા માટે અને થઇ જાય છે સંઘર્ષ. વાત હોય એના કરતાં વધુ વણસી જાય છે. કેટલાક લોકોમાં વાત કરવાની એવી આવડત હોય છે કે, સામેવાળો માણસ લડવાનું નક્કી કરીને ગયો હોય તો પણ વાત સાંભળીને ટાઢો પડી જાય છે. માણસ કેવી રીતે વાત કરે છે તેના પરથી તેનું માપ નીકળતું હોય છે કે, એનામાં કેટલી ડેપ્થ છે. બધા માણસમાં ઊંડાણ હોતું નથી. કેટલાક લોકો સાવ છીછરા હોય છે. કેટલાક લોકો સાથે પનારો ન પાડવામાં જ આપણી ભલાઇ હોય છે, કારણ કે એને કંઇ ફેર પડવાનો નથી. આપણું મગજ અને સમય બગડે છે. એક વડીલે કહેલી આ વાત છે. તેમણે કહ્યું કે, અમુક લોકો આવે એટલે એને કહી દેવાનું કે જે કંઇ કામ હોય એ ફટ દઇને કહી દે. ગોળ ગોળ વાતો કરવાની કંઇ જરૂર નથી. એનું કામ વાજબી હોય અને આપણાથી થાય એમ હોય તો કરી પણ દેવાનું, પણ એની સાથે કોઇ પંચાતમાં નહીં ઊતરવાનું. ઘણા લોકો વાતો કરવામાં પણ માહેર હોય છે. આપણે જો ધ્યાન ન રાખીએ તો એ તેની વાતોમાં આપણને લપેટી લે છે. આપણને એમ લાગે કે એ આપણા કામની વાત કરે છે, પણ એ પોતાનું કામ કઢાવવા માટે બધું કરતા હોય છે.
કોઇની પણ સાથે વાત કરો ત્યારે સારી રીતે જ કરો. ઘણા લોકો તોછડાઇથી વાત કરતા હોય છે. શાંતિથી વાત કરવાને બદલે તોછડાઇથી વાત કરવામાં વધુ એનર્જી ખર્ચાય છે. વાતને ક્યારેય ઇગો પર લાવવી ન જોઇએ. ક્યારેક ગમ ખાઇ જવામાં પણ માલ હોય છે. એક સાવ સાચો કિસ્સો છે. એક ભાઇ ટ્રેનમાં સફર કરતા હતા. એનું ધ્યાન નહોતું અને તેના પગ બાજુમાં બેઠેલા ભાઇને અડી ગયો. જેવો પગ અડ્યો કે તરત જ એ ભાઇનું મગજ ગયું. દેખાતું નથી? આંધળો છે? એ માણસ જેમ તેમ બોલવા લાગ્યો. એણે બોલી લીધું એ પછી એ ભાઇએ એટલું જ કહ્યું કે, મારું ધ્યાન નહોતું, હું માફી માંગું છું. તેણે વાત પૂરી કરી દીધી. એની સાથે સફર કરતા તેના મિત્રએ કહ્યું કે, તારા સંયમને દાદ દઉં છું. મારું તો મગજ છટકતું હતું કે, એને સામી ચોપડાવી દઉં. એ ભાઇએ કહ્યું કે, ચોપડાવી દેવામાં કોઇ મોટી વાત નથી. જેને આપણે ઓળખતા નથી, આપણું સ્ટેશન આવી જાય અને ઊતરી જઇએ એ પછી એ માણસ જિંદગીમાં કોઇ દિવસ મળશે કે કેમ એ નક્કી નથી, તેની સાથે કંઇ લેવાદેવા નથી, એની સાથે માથાકૂટ કરવાનો મતલબ શું છે? સોરી કહી દેવાથી આપણે કંઇ નીચા કે નાના થઇ જવાના નથી.
તમારા શબ્દો પર તમારો કેટલો કાબૂ છે? તમે બોલતા પહેલાં કંઇ વિચારો છો? કુદરતે આપણને બુદ્ધિ વિચારીને બોલવા માટે જ આપી છે. એક માણસ સંત પાસે ગયો. તેણે સંતને પૂછ્યું, માણસ સૌથી વધુ ક્યારે ઓળખાય? સંતે સરસ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, માણસ ગુસ્સામાં હોય ત્યારે જેવો હોય એવો પરખાઇ આવે છે. સજ્જન માણસ ગમે એવો ગુસ્સે થશે તો પણ અમુક શબ્દો અને ભાષા નહીં જ વાપરે. દુર્જન માણસ રાડારાડી અને ગાળાગાળી પર ઊતરી આવશે. માણસ ગુસ્સામાં હોય ત્યારે એ જેવો હોય એવા જ અસલી રૂપમાં આવી જાય છે. ડાહ્યા અને સમજુ માણસને એ ખબર હોય છે કે, મારાથી આવું ન બોલાય, મને આ ન શોભે. જેને એ ખબર છે કે મને શું શોભે અને શું ન શોભે એ માણસ બુદ્ધિશાળી છે. ઘણા લોકો આખા બોલા હોય છે. આખા બોલા અને સાચા બોલા હોય તો પણ શબ્દો વાપરવાની સમજણ તો હોવી જ જોઇએ.
એક પતિ-પત્નીની આ વાત છે. પતિ પત્ની સાથે તોછડાઇથી જ વાત કરે. પત્નીથી કંઇ ભૂલ થાય તો એનું આવી જ બને. એક વખત પત્ની તેની ફ્રેન્ડ સાથે વાત કરતી હતી. તેની ફ્રેન્ડે પૂછ્યું, તારા પર હાથ ઉપાડે છે? એ યુવતીએ કહ્યું, ના, હાથ નથી ઉપાડતો, પણ એ જે રીતે બોલે છે એના ઘા બહુ ઊંડા હોય છે. કેટલાક ઘા દેખાતા નથી, પણ એના પડઘા સતત પડતા રહે છે. આવો જ એક બીજો સાવ સાચો કિસ્સો છે. એક પતિ-પત્ની હતાં. પત્ની કર્કશા હતી. કંઇ પણ વાત હોય તો એ લડવા પર જ ઊતરી આવે. મનમાં આવે એ બોલવા લાગે. પહેલાં તો પતિ સામે દલીલો કરતો હતો. ધીમે ધીમે તેને સમજાઇ ગયું કે, આની સાથે માથાકૂટ કરવામાં કંઇ માલ નથી. ધીમે ધીમે તેણે વાત કરવાનું જ ઓછું કરી નાખ્યું. વાત કરીએ તો માથાકૂટ થાયને? પત્ની કંઇ કહે તો પણ એ હા એ હા કરી દે. પતિ તેના મિત્રને બધી વાત કરતો હતો. એક વખત મિત્રએ પૂછ્યું, તું કેમ તેને કંઇ કહેતો નથી? તેના મિત્રએ એટલું જ કહ્યું કે, મને બોલવા કરતાં ચૂપ રહેવું સહેલું લાગે છે! આપણી વ્યક્તિ જ્યારે આપણી સાથે બોલવાનું ઓછું કરી નાખે કે દલીલ કરવાનું બંધ કરી દે ત્યારે સમજવું કે સંબંધમાં કોઇ સમસ્યા છે. સંવાદ સ્વસ્થ હોવો જોઇએ. બોલવાનું બંધ થાય ત્યારે સાંભળવાનું પણ બંધ થતું હોય છે. એને જે કરવું હોય એ કરે, મારે કંઇ બોલવું નથી. માણસને જ્યારે ફેર પડવાનું બંધ થઇ જાય ત્યારે સંબંધ જીવાતો હોતો નથી, ઢસડાતો હોય છે. સાચો સંબંધ ધબકતો હોય છે. સંવાદ થતો રહેતો હોય છે. વાતો થતી રહેતી હોય છે. ક્યારેક પોતાની વ્યક્તિ કંઇ બોલતી ન હોય ત્યારે પણ પૂછવાનું મન થાય છે કે, કેમ કંઇ બોલતો નથી? બધું બરાબર છેને? માણસના ન બોલવા સાથે ઘણા સંકેત હોય છે. ઇશારા હોય છે. તેને ઓળખવા પડે છે. સંબંધ જો સ્વસ્થ હોય તો ખબર પણ પડી જાય છે કે, આને કંઇક થયું છે. શું થયું છે એની ચિંતા પણ થાય છે. આપણો સંવાદ આપણા સંબંધોની કક્ષા નક્કી કરતો હોય છે. જેના પ્રત્યે લાગણી હોય એની સાથેનો સંવાદ સદાયે સ્વસ્થ, સક્ષમ અને સજીવન રહેવો જોઇએ.
છેલ્લો સીન :
આપણા શબ્દો આપણું ચારિત્ર્ય પ્રગટ કરે છે. માણસ એવું જ બોલે છે જેવું એના મનમાં ચાલતું હોય છે. સજ્જન દરેક સંજોગોમાં શાંત હોય છે. શેતાનનું વર્તન અને વાણી વિનાશકારી જ હોય છે. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 23 નવેમ્બર 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *