ફોટો મેન્ટાલિટી : આલેલે, ફોટો
પાડવાનું તો રહી જ ગયું!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
લોકોની લાઇફ ફોટા આધારિત થઈ ગઈ છે.
કંઈ પણ હોય, ફોટો તો જોઈએ જ.
ફોટો પાડવાનો મેળ ન પડે, ફોટો પાડવાનું ભુલાઈ જાય કે
સારો ફોટો ન આવે તો લોકોનો મૂડ ઓફ થઈ જાય છે!
———–
દુનિયામાં એવા લોકોની સંખ્યા સતત વધતી જાય છે, જેઓ દરરોજ એક કરતાં વધારે ફોટા પાડે છે. કંઇ પણ હોય હવે માણસને ફોટો પાડવા જોઇએ છે. કંઇ પણ જુએ કે તરત જ ફોટો પાડી લે છે. માત્ર ફોટો પાડતા જ નથી, ફટાક દઇને સોશિયલ મીડિયા પર ચડાવી દે છે. સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા જોઇને આપણને એમ થાય કે, આમાં શું બતાવવા જેવું છે? અલબત્ત, અપલોડ કરવાવાળાને એનાથી કોઇ ફેર પડતો નથી કે, કોઇને ગમે કે ન ગમે, આપણને ગમ્યું એટલે ચડાવી દેવાનું. ગમે એવો ભંગાર ફોટો અપલોડ કરો તો પણ બે પાંચ લોકો તો લાઇક અને કમેન્ટ કરવાના જ છે. કોઇ મળે કે તરત જ માણસ એની સાથે ફોટો પાડી લેશે. તાત્કાલિક અપલોડ ન કરે તો એવું વિચારે છે કે, બર્થડે કે બીજું કંઇ હશે તો અપલોડ કરવા કામ લાગશે.
માત્ર સામાન્ય લોકોની જ વાત નથી, ઘણી સેલિબ્રિટીઓને પણ ફોટાનું વળગણ હોય છે. ભલે ના ના કરે, પણ લોકો એમની સાથે ફોટા પડાવે એ એમને ગમતું હોય છે. કાર્યક્રમ પતે અને કોઇ ફોટા પડાવવા ન આવે તો એમને આઘાત લાગે છે. આ શું? મારી પોપ્યુલારિટી ઘટી ગઇ છે? એક કરતાં વધુ સેલિબ્રિટીઓ સાથે હોય ત્યારે કોની પાસે વધુ લોકો ફોટા પડાવવા આવે છે એની પણ નોંધ લેવાતી હોય છે. એક સેબિબ્રિટીએ કહ્યું કે, આ જે લોકો આપણી સાથે ફોટા પડાવવા આવે છે એ બધા જ આપણા ફેન હોય એવું બિલકુલ જરૂરી નથી. એ લોકોને તો આપણી સાથેનો ફોટો અપલોડ કરીને વટ પાડવો હોય છે કે, હું આને મળ્યો હતો. એક સેલિબ્રિટીએ કહ્યું કે, આ ફોટા બીજા ક્યારેય કામ નહીં લાગે તો અમે મરીશું ત્યારે અપલોડ થશે. એક સેલિબ્રિટીએ તો એવું જ કહ્યું હતું કે, મરું ત્યારે કામ લાગે એટલા માટે જ ફોટા પડાવે છે. એ ફોટો પાડવા આવનાર કેટલાકને તો હળવાશમાં એવું કહેતા પણ ખરા કે, ગુજરી જાઉં ત્યારે તો ખાસ અપલોડ કરજો. સેલિબ્રિટીઓ લોકો સાથે ફોટો પડાવતી વખતે પણ એ વાતની કાળજી રાખે છે કે, તેમની ઇમેજ વધુ સારી થાય. એ લોકો ફોટા પડાવનારા સાથે નમ્રતાપૂર્વક વર્તશે. પોતાન હાથમાં મોબાઇલ લઇને સેલ્ફી પાડી દેશે, જેથી લોકોને એવું થાય કે, કેટલી સારી રીતે બિહેવ કરે છે. હવેના સમયમાં કેટલાક સેલિબ્રિટીઓ પોતાના ફોટોગ્રાફરને પોતાની સાથે જ રાખે છે. કોઇ કાર્યક્રમ હોય ત્યારે આયોજકનો ફોટોગ્રાફર તો બધા જ ફોટા લેવાનો છે. પોતાનો ફોટોગ્રાફર હોય તો એની જ દરેક મૂવમેન્ટ કેપ્ચર કરે. જેને પણ મળે એની સાથેનો ફોટો એની પાસે હોય. રાજકારણીઓ પણ હવે પોતાના ફોટોગ્રાફર રાખતા થઇ ગયા છે. સોશિયલ મીડિયા સર્વિસ પ્રોવાઇડ કરનાર એજન્સીઓ પણ હવે એવી ફેસેલિટી આપે છે કે, ફોટોગ્રાફરની જરૂર હોય તો કહેજો, અમારે ત્યાંથી માણસ આવી જશે.
હમણાંની એક સાવ સાચી વાત છે. એવોર્ડનો એક કાર્યક્રમ હતો. જેમને એવોર્ડ મળવાનો હતો તેણે એક-બે નહીં પણ ત્રણ ફોટોગ્રાફર હાયર કર્યા હતા. તેણે કહ્યું કે, એવોર્ડમાં ફોટાનું જ ઇમ્પોર્ટન્સ છે. એવોર્ડ જોવા ઘરે કોઇ નથી આવવાનું, ફોટો સોશિયલ મીડિયા પર બધા જોવાના છે. તેણે કહ્યું કે, એક એવોર્ડ મળ્યો ત્યારે હું એવોર્ડ લેતો હોય એ ફોટો જ સારો નહોતો આવ્યો. મારો તો મૂડ મરી ગયો હતો. એ સમયથી મેં નક્કી કર્યું કે, એવોર્ડ કે બીજો કોઇ કાર્યક્રમ હોય ત્યારે આપણા ફોટોગ્રાફરને સાથે જ રાખવાનો, જેથી મસ્ત ફોટા આવે. બીજું કંઇ પણ ચાલે, પણ ફોટો ચકાચક આવવો જોઇએ. કેટલાક લોકો તો કાર્યક્રમ ચાલતો હોય ત્યારે જ ફોટા અપલોડ કરી દે છે. તાજેતાજું હોય તો મજા આવે.
કાર્યક્રમમાં આવનાર કેટલાક લોકોનો ઇરાદો એવો જ હોય છે કે, મેળ પડે એટલે ફોટો પાડવો છે. જો ફોટો ન પડે તો એને એવું લાગે છે કે, ફેરો ફોગટ ગયો, કારણ વગરનો સમય બગડ્યો. અમુક લોકો એકવાર નહીં પણ જેટલી વાર મળે એટલીવાર ફોટા પાડે છે. હમણાંની એક વાત છે. એક છોકરી એના એક સ્વજનને મળવા ગઇ હતી. એના સ્વજનનું સમાજમાં સારું એવું નામ હતું. સ્વજને દીકરી સાથે સરસ રીતે વાત કરી. દીકરી ફોટો પાડે એ પહેલાં એક ફોન આવ્યો અને એ સ્વજને કહ્યું કે, મારે હવે જવું પડશે. તેણે બાય કહી દીધું. એ ગયા પછી છોકરીને યાદ આવ્યું કે, આલેલે ફોટો પાડવાનો તો રહી ગયો. હવે પાછા મળવા આવવું પડશે.
હવે તો સ્થિતિ એવી સર્જાય છે કે, ઘરે કોઇ વખતે ફોટા પાડતા હોઇએ અને ઘરના વડીલોમાંથી કોઇને ન બોલાવો તો એને ખોટું લાગી જાય છે. કેટલાય યંગસ્ટર્સ એ વાતનું ધ્યાન રાખે છે કે, ઘરમાં કંઇ હોય તો વડીલોના ફોટા પહેલાં પાડી લેવાના એટલે એને ખોટું ન લાગે. એમાં દાદા-દાદી કે કાકા-કાકી પણ બાદ નથી હોતા. ફોટો વખતે ન બોલાવો તો મોઢું ચડી જાય. ફોટા અપલોડ કર્યા હોય તો પણ એ ધ્યાનથી જુએ છે કે, મારો ફોટો અપલોડ કર્યો છે કે નહીં? એ આપણા બર્થડે પર ફોટો અપલોડ કરે ત્યારે અંદરખાને એની ઇચ્છા એવી જ હોય છે કે, એના બર્થડે વખતે આપણે પણ એનો ફોટો અપલોડ કરીએ. અમુક લોકો બધાના ફોટા અપલોડ કરતા જ રહેશે, જેથી એના ફોટા પણ અપલોડ થયા રાખે. બર્થડે હોય ત્યારે કેટલા લોકોએ સ્ટેટસ મૂક્યું એની પણ કેટલાક લોકો ગણતરી કરતા હોય છે.
પહેલાંના સમયમાં લગ્ન કે બીજો કોઇ પ્રસંગ હોય ત્યારે નેચરલ કોર્સમાં ફોટા પાડવામાં આવતા હતા. હવે તો રીતસરના ફોટોસેશન જ કરવા પડે છે. આજના ફોટોગ્રાફરો પણ બધાને વારાફરતી બોલાવતા રહે છે. ચાલો વહુના ઘરના લોકો આવી જાવ, વરરાજાના મિત્રો આવી જાવ. એક પછી એક બધાની હાજરી પુરાતી હોય એ રીતે ફોટા પડતા રહે છે. બહાર ફરવા જવાનું હોય ત્યારે મુખ્ય કામ તો ફોટા પાડવાનું જ હોય છે. સુંદર જગ્યાએ પણ ફોટા માટે એન્ગલ શોધવામાં લોકો વ્યસ્ત હોય છે. ફોટા અપલોડ કરવાની દરેકની પોતાની સ્ટાઇલ હોય છે. કેટલાક લોકોમાં તો સરસ આવડત પણ હોય છે. ભલે એક બે લાઇન લખી હોય, પણ સુંદર લખી હોય છે. લખતા ન ફાવતું હોય એ બીજાની લાઇનો ઉઠાવવામાં પણ સંકોચ અનુભવતો નથી. છેલ્લે ફિલ્મનાં ગીતો તો છે જ, એક બે પંક્તિ લખી નાખવાની. સીન સરખો પડવો જોઇએ.
હવે સૌથી મહત્ત્વની વાત, આવું બધું કરવામાં ખોટું શું છે? કંઇ જ ખોટું નથી. સોશિયલ મીડિયા એના માટે જ છે. મજા આવતી હોય તો એવું બધું કરવામાં જરાય ખોટું નથી. બસ એ ઘેલછા બની જવી ન જોઇએ. ફોટાના કારણે બહુ સુખી નહીં થઇ જવાનું અને કોઇ આડી તેડી કમેન્ટ કરે તો દુ:ખી નહીં થવાનું. ફોટા પાડવામાં બીજી મજા મરી ન જાય એનું પણ ધ્યાન રાખવાનું હોય છે. એક ગ્રૂપની આ વાત છે. એમાં એક છોકરી ફોટાની ક્રેઝી હતી. એક વખતે ગ્રૂપના બધા ભેગા થયા ત્યારે તેના ફ્રેન્ડે કહ્યું, તું પહેલાં તારે પાડવા હોય એટલા ફોટા પાડી લે, પછી શાંતિથી બેસ. આપણે પણ ઘણી વખત આપણી નજીકના લોકોને કહેવું પડે છે કે, હવે તેં ફોટા પાડી લીધા હોય તો શાંતિ રાખ. તું ફોટા પાડે એટલે અમારે એલર્ટ થઇ જવું પડે છે કે, બરાબર તો બેઠા છીએને! એક ભાઇ તો પોતાના દીકરાને જ એવું કહેતા કે, મારો ફોટો અપલોડ કરવાનો હોય ત્યારે પહેલાં મને બતાવી દેવાનો, સારો આવ્યો હોય તો જ મૂકવો. તમે ગમે એવા ફોટા ચડાવી દો છો અને ખરાબ અમારું લાગે છે.
ફોટા પાડવા કે ફોટા ન પાડવા, ફોટા સોશિયલ મીડિયા પર ચડાવવા કે ન ચડાવવા એના માટે દરેકની પોતાની ફિલોસોફી હોય છે. થોડાક દિવસ થાય અને એકેય ફોટો ન ચડાવ્યો હોય તો એ ખાસ એવું પ્લાનિંગ કરે છે અથવા તો કોઇ બહાનું શોધે છે જેથી ફોટો અપલોડ કરી શકાય. હવે દરેક પાસે મોબાઇલ છે અને દરેક મોબાઇલમાં કેમેરા છે. પોતાના મિત્ર પાસે સારો ફોન હોય તો એવું પણ કહેવાય છે કે, તારા ફોનમાં પાડ, તારા ફોનમાં ફોટા સારા આવે છે, પછી મને મોકલી આપજે. દુનિયા ફોટોમય થઇ ગઇ છે. મગજ બગડે એટલો અતિરેક ન થાય ત્યાં સુધી કંઇ વાંધો નથી. મજા આવતી હોય તો મજા માણી લેવામાં લિજ્જત છે.
—————-
પેશ-એ-ખિદમત
યે ઇક શજર કિ જિસ પે ન કાંટા ન ફૂલ હૈ,
સાએ મેં ઉસકે બૈઠ કે રોના ફુઝૂલ હૈ,
આઓ હવા કે હાથ કી તલવાર ચૂમ લે,
અબ બુઝદિલોં કી ફૌજ સે લડના ફુઝૂલ હૈ.
– શહરયાર
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 01 ઓકટોબર 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
