તારી બુદ્ધિનો થોડાક
તો ઉપયોગ કર!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
એ ભલેને કહેતા કે ખૂલીને જીવ્યો છું,
જિંદગીભર હું ઝઝૂમીને જીવ્યો છું,
ઠેસમાંથી જેણે ઉગાર્યો મને અહીં,
જિંદગી હું એને પૂછીને જીવ્યો છું.
-જિતેન્દ્ર પ્રજાપતિ
કુદરતે દરેક માણસને બુદ્ધિ આપી છે. જે પોતાની બુદ્ધિનો જેટલો ઉપયોગ કરે છે એટલા આગળ વધે છે. બુદ્ધિ કુદરતે આપણને વાપરવા માટે આપી છે. સાચવી રાખવા માટે નહીં. બુદ્ધિનો સંગ્રહ થઇ શકતો નથી. કોણ પોતાની બુદ્ધિનો કેટલો ઉપયોગ કરે છે એનું કોઇ માપ નથી. આમ છતાં અમુક માણસનાં વાણી, વર્તન જોઇને આપણે જ કહેતા હોઇએ છીએ કે, એ બુદ્ધિશાળી માણસ છે. કેટલાક વિશે આપણે એવું પણ કહેતા હોઇએ છીએ કે, સાવ બુદ્ધિ વગરનો છે, એને કંઇ ખબર જ નથી પડતી. ઉંમરની સાથે સમજણમાં વધારો થવો જોઇએ. જેમ જેમ જિંદગી આગળ વધે છે એમ એમ માણસ પર જવાબદારીઓ પણ વધવાની છે. ચેલેન્જીસ પણ આવવાનાં છે. કોઇ આંગળી ચીંધી શકે, પણ એ રસ્તે તો આપણે પોતે જ ચાલવાનું હોય છે. ક્યારેક કોઇનું વર્તન જોઇને આપણે એવું કહીએ છીએ કે, તારી બુદ્ધિ બહેર મારી ગઇ છે કે શું? કંઇ સમજ પડે છે કે નહીં? કંઇ આંધળૂકિયાં કરતા પહેલાં ધ્યાન રાખજે, ક્યાંક ઊલમાંથી ચૂલમાં પડવાનો વારો ન આવે. બુદ્ધિ એટલે શું? બુદ્ધિની સાવ સરળ વ્યાખ્યા એ છે કે, ક્યારે શું કરવું એની સમજ. કોની સાથે કેવો અને કેટલો સંબંધ રાખવો, કોની નજીક જવું અને કોને નજીક આવવા દેવા, કોનો ભરોસો કરવો અને કોનાથી સેફ ડિસ્ટન્સ રાખવું. આપણા સમયનો સદ્ઉપયોગ કેવી રીતે કરવો એની જેનામાં સમજ નથી એ ક્યારેય સુખ અને શાંતિની અનુભૂતિ કરી શકવાનો નથી.
એક યુવાનની આ સાવ સાચી વાત છે. એ વારેવારે કંઇક એવું કરે કે, તેના ઘરના બધા લોકો ટેન્શનમાં આવી જાય. ગમે તેની સાથે માથાકૂટ કરી આવે. એક વખત તેના પિતાએ તેને કહ્યું, તું કેમ બધાની ઊડતી લઇ લે છે? તારે બીજાની પંચાતમાં શા માટે પડવું જોઇએ? તું તારા કામથી કામ રાખને! તું અમને સુખ અને શાંતિ ન આપે તો કંઇ નહીં, અશાંતિ અને ઉપાધિ ન આપે તો પણ ઘણું છે. કેટલાક લોકોને એનું ભાન જ નથી હોતું કે પોતાની શક્તિ ક્યાં વાપરવી. કારણ વગર કૂચે મરવાની ઘણાને આદત હોય છે.
જિંદગી પર પણ માણસે નજર રાખવી પડતી હોય છે. બુદ્ધિનો ઉપયોગ એમાં પણ કરવો જોઇએ કે, હું આખા દિવસમાં જે કરું છું એ બરાબર તો છેને? મારી જિંદગી રાઇટ ટ્રેક પર જ જઇ રહી છેને? આપણે જો આપણી જિંદગીની કમાન આપણા હાથમાં ન રાખીએ તો બીજા લોકો આપણને ડિક્ટેટ કરવા લાગે છે. એક પતિ-પત્ની હતાં. પત્ની દરેકેદરકે વાત પતિને પૂછીને કરે. નાનામાં નાનું ડિસીઝન પણ એ પોતે ન લે. ક્યાંક મારાથી ખોટું થઇ જશે તો? મને ઠપકો મળશે તો? એના કરતાં બધું પૂછીને કરવું સારું. આપણો તો કોઇ વાંક ન કાઢે. એક વખત તેના પતિએ કહ્યું, તું પૂછ્યા વગર કેમ કંઇ કરી શકતી નથી? ભૂલ થવાનો ભય મનમાંથી કાઢી નાખ. થઇ થઇને શું થઇ જવાનું છે? હદ થઇ ત્યારે પતિએ એવું કહી દીધું કે, આજ પછી મને કંઇ પૂછતી નહીં, તું પૂછીશ તો પણ હું જવાબ નહીં દઉં. તું તારી રીતે કંઇક કર તો ખરી, આવી રીતે જિંદગી જીવે એ બિલકુલ વાજબી નથી. મુક્ત રીતે અને મસ્તીથી જીવ. કંઇ એવું થઇ જવાનું નથી. તેં જ તારી જાતને તારા ખોટા વિચારોમાં બાંધી રાખી છે. તારે જ એમાંથી મુક્ત થવું પડશે. આપણી આસપાસ પણ એવા ઘણા લોકો હોય છે, જે કોઇ જ નિર્ણય પોતાની જાતે લઇ શકતા નથી. તેને દરેકેદરેક બાબતમાં કોઇની મદદ કે સહારો જોઇએ છે. આવા લોકોની સ્થિતિ ખરેખર દયનીય હોય છે. કોઇનો સહારો ત્યારે જ લો જ્યારે આપણે તમામ પ્રયાસો કરી જોયા હોય અને કોઇ રસ્તો બચ્યો ન હોય. મદદ અને માર્ગદર્શન માંગવાની આદત પણ ન પડવી જોઇએ. કોઇ ભલે મદદ કરવા તૈયાર હોય, પણ મદદ લેવી કે ન લેવી એ આપણે નક્કી કરવાનું છે. વધુ પડતી મદદ ક્યારેક માણસને પાંગળા બનાવી દેતી હોય છે.
સંબંધમાં બીજી એક વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે, તમે કોઇને એટલી મદદ ન કરો એ પોતાની રીતે કંઇ કરી જ ન શકે. એક પિતાની આ સાવ સાચી વાત છે. તેની દીકરી એને અત્યંત વહાલી હતી. દીકરી બોલે એ બધું જ કરી છૂટે. દીકરીને નયા ભારની તકલીફ ન પડે એની કાળજી રાખે. ધીમે ધીમે એવું થવા લાગ્યું કે, પિતાની મદદ વગર દીકરી કંઇ જ કરી ન શકતી. કંઇ પણ હોય તરત જ પપ્પાને કહી દેતી. પપ્પા કરી પણ દેતા હતા. કોલેજમાં આવી એ પછી દીકરી ક્લાસમાં કોઇની સાથે મિક્સ જ ન થઇ શકતી. તેના એક પ્રોફેસર હતા. તેમણે છોકરીના પિતાને બોલાવીને કહ્યું કે, તમારી દીકરીનું બિહેવિયલર નોર્મલ નથી. બેસ્ટ વે એ છે કે, કોઇ સાઇકોલોજિસ્ટની મદદ લો. પિતા દીકરીને સાઇકોલોજિસ્ટ પાસે લઇ ગયા. બધી વાત સાંભળીને સાઇકોલોજિસ્ટે કહ્યું કે, આ છોકરીની જે સ્થિતિ છે એના માટે જો કોઇ જવાબદાર હોય તો એ તમે જ છે. તમે એને એની રીતે કંઇ કરવા જ દીધું નથી. એના વતી બધાં જ ડિસીઝન તમે લીધાં છે. એ તમારી મદદ વગર કંઇ કરી જ શકતી નથી. પ્રેમ એની જગ્યાએ છે. દરેક બાપને દીકરી વહાલી જ હોય છે, પણ એનો મતલબ જરાય એવો નથી કે, તમે જ એના વતી બધું કરી દો. એનામાં કોન્ફિડન્સ જ નથી રહ્યો. દરેક મા-બાપની એ જવાબદારી છે કે, પોતાના સંતાનને એની રીતે જીવવા દે, ઊડવા દે, ક્યારેક નિષ્ફળ જશે અને ક્યારેક ઠોકર પણ ખાશે. એમાંથી જ એ શીખશે. જરૂર પડે એટલું જ માર્ગદર્શન આપો. એને ચોક્કસ એવું કહો કે, કંઇ પણ જરૂર હોય તો હું બેઠો છું. એને ચોક્કસ તમામ મદદ કરો, પણ એ માંગે ત્યારે. એના વતી બધું કરી નાખવાની કંઇ જરૂર નથી. વધુ પડતો પ્રેમ પણ માણસને ઘણી વખત ગૂંગળાવી નાખે છે. આપણે ઘણા એવા લોકો જોઇએ છીએ જે પોતાની રીતે કંઇ કરી જ શકતા નથી. કંઇ કહીએ તો તરત જ કહેશે કે, મને ન આવડે, મેં તો ક્યારેય કર્યું જ નથી. એક યુવાનની આ વાત છે. એ પોતાની ઓફિસમાં બહુ જ સારું કામ કરે. એક વખત તેને બેસ્ટ કર્મચારીનો એવોર્ડ મળ્યો. તેના બોસે પૂછ્યું, તું આટલું સારું કામ કેવી રીતે કરી શકે છે? એ યુવાને કહ્યું કે, હું નાનો હતો ત્યારે મારામાં કોન્ફિડન્સનો અભાવ હતો. ઘરમાંથી મને કોઇ કંઇ કામ સોંપે તો હું કહેતો કે મારાથી નહીં થાય, મને ન આવડે. એક વખત મારા પિતા મારા પર અત્યંત ગુસ્સે થયા અને કહ્યું, તું શું વાતે વાતે મને ન આવડે એવું કહ્યા રાખે છે? આજ પછી કોઇ દિવસ એવું બોલ્યો છે કે, મને ન આવડે તો તારી ખેર નથી. કર તો ખરો, ન આવડે ત્યારે કહેજે, કંઇ કર્યા વગર જ તું કહે છે કે, મને ન આવડે! તારી જાતને એમ કહે કે, ન શું આવડે? આખી દુનિયાને આવડે છે તો મને શા માટે ન આવડે? એ પછી જ હું બધું કરવા લાગ્યો. બધું આવડતું ગયું અને કામ થતું ગયું.
જિંદગીની મજા જ એ છે કે, જિંદગીમાં ચેલેન્જીસ છે. પડકારો જ આપણને ઉકેલ શોધતા શીખવે છે. કંઇક થાય ત્યારે આપણે જ એવો વિચાર કરતા હોઇએ છીએ કે, હવે શું કરવું? આ સમસ્યામાંથી કેવી રીતે બહાર નીકળવું? એ વિચાર જ આપણને રસ્તો સુઝાડતા હોય છે. રસ્તો મળી જાય એ પછી પણ એ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે, મેં જે રસ્તો અપનાવ્યો છે એ સાચો, સારો અને વાજબી તો છેને? ઘણા લોકો ઊંધા રસ્તા અપનાવે છે અને હોય એના કરતાં પણ વધુ મુશ્કેલીમાં મુકાય છે. બુદ્ધિનો ઉપયોગ પણ વાજબી રીતે અને સાચા રસ્તે થવો જોઇએ. બુદ્ધિ વાપરતા ન આવડે તો બરબાદ થતા પણ વાર નથી લાગતી. બુદ્ધિ અને કબુદ્ધિનો ભેદ પણ સમજાવો જોઇએ. તો જ ખબર પડશે કે શું કરવા જેવું છે અને શું નહીં?
છેલ્લો સીન :
ખરા સમયે જો કામ ન લાગે તો સમજ, બુદ્ધિ કે જ્ઞાનનો કોઇ કોઇ અર્થ નથી. સાચા સમયે સાચો અને સારો નિર્ણય જ સમજદારી છતી કરે છે. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 31 ઓગસ્ટ, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
