મને સમજાતું નથી કે, મને
ખોટું લાગવું જોઈએ કે નહીં?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
એટલો છે જિંદગીનો સાર જીવા,
અલ્પ સુખ ને દર્દ પારાવાર જીવા,
પાંજરામાં પાંખને પૂરી શકો પણ,
કેદ થોડો થઈ શકે ટહુકાર જીવા.
-રાકેશ હાંસલિયા
દરેક માણસ સંવેદનશીલ છે. સંવેદના વગરનો માણસ હોઈ જ ન શકે. કોઇ વધુ પડતા સંવેદનશીલ હોય છે તો કોઇ થોડા ઓછા. માત્રા ઓછી વધુ હોઈ શકે, પણ સંવેદના હોય તો છે જ. સંવેદનાને કંટ્રોલ કરી શકાતી નથી. સંવેદના સમય, સ્થળ, સંજોગ, પ્રસંગ અને મૂડ સાથે બદલે છે. કેટલીક ઘટનાઓ અવસરે આપણે ભાવુક થઇ જઇએ છીએ. શું બોલવું એ સૂઝતું નથી. બોલવું હોય છે પણ ઘણી વખત શબ્દો નથી મળતા, તો ઘણી વાર શબ્દો મોઢામાંથી નથી નીકળતા. ક્યારેક બોલતા રહેવાનું મન થાય છે તો ક્યારેક એવું પણ થાય છે કે, કંઇ જ નથી કહેવું. ક્યારેક કોઇનો પ્રેમ જોઇને આંખો ભીની થઇ જાય છે, તો ક્યારેક કોઇનું વર્તન જોઇને આઘાત લાગે છે. સંવેદના ક્યારેક ક્ષુબ્ધ થઇ જાય છે. એવું થાય છે કે, હવે કોઇના માટે વધુ પડતું લાગણીશીલ નથી થવું. કોઇને કંઇ ફેર નથી પડતો. આપણે મૂરખ બનતા હોય એવું લાગે છે. બધા આપણી લાગણીનો ફાયદો જ ઉઠાવે છે. કોઇને મારી લાગણીની તો પડી જ નથી. કંઇ બોલી દેતા પહેલાં વિચારેય નથી આવતો કે, આ સાંભળીને મને કેવી ઠેંસ પહોંચશે. ક્યારેક તો આપણી જ વ્યક્તિ એટલી બધી રૂડ થઇ જાય છે કે, તેના અવાજનો ડર પણ લાગવા માંડે. હમણાં કંઇક બોલશે. ધ્રાસ્કો પડતો હોય છે. આપણને વિચાર આવી જાય કે, આટલા ક્રૂર કોઇ કેવી રીતે થઇ શકે? આપણે બધાએ ક્યારેક ને ક્યારેક આવા આંચકા અનુભવ્યા જ હોય છે. પ્રેમ ક્યારેક ખૂબ જ ક્રૂર અને ઘાતકી બની જતો હોય છે. જેને સાથે જીવવું હોય છે એને જ જીરવવા પડે છે. ભગવાનને પણ ક્યારેક સવાલ કરવાનું મન થાય કે, મને આટલો સંવેદનશીલ કેમ બનાવ્યો કે આવી કેમ બનાવી? આના કરતાં તો જડ બનાવ્યા હોત તો સારું થાત! કોઇ માણસ કાયમ માટે જડ પણ રહી શકતો નથી. દરેક માણસની જિંદગીમાં કેટલીક એવી વ્યક્તિ હોય છે જ્યાં એ દિલથી જ કામ લે છે. કેટલાક સંબંધોમાં આપણે બુદ્ધિનો ઉપયોગ જ કરતા નથી. જેને અત્યંત પ્રેમ કરતા હોઇએ એના તરફથી કંઇક ન ગમવા જેવું વર્તન થાય ત્યારે ખરાબ લાગે છે, ખોટું લાગે છે, દુ:ખ થાય છે. તારી પાસેથી આવી અપેક્ષા નહોતી. જેની સાથે ખાસ કંઇ લેવાદેવા નથી હોતી એ લોકો કંઇ પણ કરે, કંઇ પણ બોલે તો ખાસ ફેર પડતો નથી. જેની સાથે આપણી સંવેદનાઓ જોડાયેલી છે એ નાનુંસરખું પણ કંઇક કરે તો લાગી આવી છે.
તમને કેવુંક ખોટું લાગે છે? આમ તો એવું કહેવાય છે કે, જેને આપણે પ્રેમ કરતા હોઇએ એનું ક્યારેય ખરાબ કે ખોટું ન લગાડવું જોઇએ. એની સામે એવો સવાલ પણ ઉઠાવવામાં આવે છે કે, તો શું કોઇ મૂરખ બનાવતું હોય તો મૂરખ બનતા રહેવાનું? કોઇ ગમે તે કરે એ ચલાવી લેવાનું? આપણને કોઇના પર લાગણી હોય તો આપણે તેના તરફથી પણ સારા વર્તનની અપેક્ષા રાખીએ તો એમાં ખોટું શું છે? આપણે બધાનું બધું ચલાવી જ લઇએ તો લોકો આપણને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા માંડે છે. એક છોકરીની આ સાવ સાચી વાત છે. તેને કોઇની વાતનું ખરાબ ન લાગે. તેની એક ખાસ ફ્રેન્ડ હતી. તેને ધીરે ધીરે એ વાતની ખબર પડી ગઇ કે, આને કોઇ વાતનું ખોટું લાગતું નથી. એ તેની સાથે મન ફાવે એમ વર્તવા લાગી. એક વખત તેણે તેની ફ્રેન્ડને ન ગમે એવું કર્યું. આખરે એ ફ્રેન્ડે કહ્યું, હું ખરાબ ન લગાડું એટલે તારે સારું લગાડવાની પણ દરકાર નહીં રાખવાની? હું ખરાબ નથી લગાડતી પણ મને હર્ટ તો થાય જ છે. પ્લીઝ, તું મારી સાથે આવું ન કર. તેની ફ્રેન્ડે સોરી કહ્યું. તેણે કહ્યું, તારી વાત સાચી છે. હું ધ્યાન રાખીશ.
કેટલાક લોકો ખરેખર એવા હોય છે જે ખરાબ નથી લગાડતા. એક સાવ સાચો કિસ્સો છે. બે ખાસ મિત્રો હતા. યોગાનુયોગ બંનેએ અલગ અલગ શહેરમાં રહેવા જવાનું થયું. દોસ્તી અકબંધ હતી. આ દરમિયાનમાં એક ફ્રેન્ડને તેના ફ્રેન્ડના સોશિયલ મીડિયા અપડેટથી એવી ખબર પડી કે, મારો મિત્ર મારા શહેરમાં આવ્યો હતો. તેને એવો વિચાર આવી ગયો કે, એ મારા શહેરમાં આવ્યો હતો ત્યારે મને મળવા તો ન આવ્યો પણ મને ફોનેય ન કર્યો? પછી તેને જ વિચાર આવ્યો કે, કદાચ વધુ પડતો કામમાં હશે, ફોન નહીં કરી શક્યો હોય. એ યુવાનની પત્નીએ તેને પૂછ્યું, તને ખરાબ નથી લાગતું કે, તારો ખાસ ફ્રેન્ડ આવ્યો હતો અને તને ફોન પણ ન કર્યો? એ યુવાને કહ્યું, ના, મને ખરાબ નથી લાગતું. મને ઘણી વખત એ જ નથી સમજાતું કે મને ખરાબ લાગવું જોઇએ કે નહીં? મને કેમ ખરાબ નથી લાગતું? કે હું કેમ ખરાબ નથી લગાડતો? મારા એ મિત્રને ખબર હોત કે જો એને ફોન નહીં કરું તો એને ખરાબ લાગશે તો એણે ફોન કર્યો હોત? ખરાબ લાગવાના ડરથી કોઇ ફોન કરે એનો પણ શું મતલબ છે? એના કરતાં તો ન કરે એ સારું. કદાચ મારા મિત્રને એમ પણ થયું હશે કે, હું ફોન કરું કે ન કરું, એને ખરાબ નહીં લાગે. છેલ્લે એ યુવાને પોતાની પત્નીને એમ પણ કહ્યું કે, ન આવ્યો એનાથી ખરાબ નથી લાગ્યું, પણ એ આવ્યો હોત તો સારું ચોક્કસ લાગ્યું હોત. આપણને કેટલી ખબર હોય છે કે, આપણાથી કોને કેટલો ફેર પડે છે? આપણું નાનું સરખું વર્તન પણ કોઇના માટે સારું હોઈ શકે છે. આપણે ઘણી વખત એવું પણ કરતા હોઇએ છીએ કે, જેને ખરેખર આપણી પડી હોય છે એની આપણે કેર કરતા નથી, એને ગંભીરતાથી લેતા નથી અને જેને આપણી કોઇ પડી હોતી નથી ત્યાં આપણે સારા થવાના પ્રયાસો કરતા હોઇએ છીએ. સંબંધોમાં આપણાં કાટલાં કેવાં છે એના વિશે આપણે કેટલું વિચારતા હોઇએ છીએ? કેટલાક સંબંધો એવા હોય છે જ્યાં ગણતરીઓને કોઇ અવકાશ હોતો નથી. સાચો સંબંધ એ છે જ્યાં સમય કે સંપત્તિનો વિચાર આવતો નથી. એના માટે કંઇ પણ. એ કહે ત્યારે હાજર અને એ માંગે એ કબૂલ.
આપણા માટે સારું જ વિચારનાર પ્રત્યે આપણે કેવા હોઇએ છીએ? આપણી જિંદગીમાં એવા લોકો પણ હોય છે જે આપણા માટે કંઇ પણ કરી છૂટે છે. આપણને એની કેટલી કદર હોય છે? જે આપણને પ્રેમ કરતા હોય તેની કાળજી લેવી એ પણ પ્રેમનો જ એક પ્રકાર છે. એને હર્ટ ન થાય, એને ઠેંસ ન પહોંચે, એ વાતનું ધ્યાન રાખવાનું હોય છે, કારણ કે એણે એ વાતનું ખૂબ ધ્યાન રાખ્યું હોય છે કે આપણને કોઇ વાતે જરાયે ઓછું ન આવી જાય. બીજી વાત એ પણ છે કે, બધાનું ખોટું લગાડવામાં પણ કંઇ માલ હોતો નથી. ઘણાને દરેકનું ખોટું લાગી જતું હોય છે. સાવ અજાણ્યો માણસ મોઢું મચકોડે તો પણ એને એવું થાય છે કે, આવું થોડું હોય? એનર્જી એની પાછળ જ બગાડવી જે એના માટે લાયક હોય. બધા આપણને લાયક હોય જ હોય એવું જરૂરી નથી. ખરાબ કે ખોટું લગાડવાનું પણ એક સ્ટાન્ડર્ડ હોવું જોઇએ. બધાનું સારું પણ ન લગાડાય અને તમામનું ખોટું પણ ન લગાડાય. કેટલાક લોકો આપણી નારાજગીને પણ લાયક હોતા નથી. એને પડતા મૂકવામાં જ માલ હોય છે. કોને કેટલું ઇમ્પોર્ટન્સ આપવું એની સમજ પણ ખૂબ જરૂરી છે. બધા સાથે સારી રીતે વર્તવું એ વાત સાચી, પણ બધા સાથે એકસરખું રહેવાનું હોતું નથી. આપણે નક્કી કરવું પડતું હોય છે કે, કોનું કેટલું રાખવું છે? આપણા પ્રત્યે જેને લાગણી હોય એના માટે તૂટી પડવામાં પણ વાંધો ન હોય, પણ જેને આપણી પરવા ન હોય તેની પાછળ કૂચે ન મરાય. સંબંધ, પ્રેમ, લાગણી બંને તરફ હોય એ જરૂરી છે. આપણે જેનું ધ્યાન રાખીએ છીએ તેની એને પણ ખબર હોવી જોઇએ અને તેનું વર્તન પણ આપણા જેવું હોવું જોઇએ. મૂરખ બનાવવાળા ઘણા હોય છે, આપણે મૂરખ ન બની જઇએ એની તકેદારી આપણે રાખવી પડતી હોય છે.
છેલ્લો સીન :
દરેક માણસે પોતાના વિશેની ધારણાઓ બાંધવામાં સાવચેતી રાખવી જોઇએ. જે પોતાની જાતને કંઇક સમજે છે એણે એટલો પણ વિચાર કરવો જોઇએ કે, બીજા તેમને શું સમજે છે. હવામાં રહેનારા ઘણાને ખબર નથી હોતી કે ધરતી પર રહેનારા તેને ગણકારતા જ નથી. ખોટા ભ્રમમાં રહેવાથી મૂરખ જ સાબિત થવાતું હોય છે. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 03 ઓગસ્ટ, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
