જિંદગી ભરપૂર જીવવા માટે
થોડુંક પાગલપન પણ જરૂરી છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
લય, તાલ, સ્વરમાં હોઈએ, બીજું શું જોઈએ,
આઠે પ્રહરમાં હોઈએ, બીજું શું જોઈએ!
નિર્દોષ જો નહીં તો ગુનેગારની રીતે,
એની નજરમાં હોઈએ, બીજું શું જોઈએ!
– હિરેન ગઢવી
સંસ્કાર અને સંયમનો અર્થ જરાયે એવો નથી કે સતત ભારમાં જીવવું. કેટલાક લોકો સારા હોય છે, પણ એ સતત ભાર લઇને જ ફરતા હોય છે. ના, મારાથી કંઇ આડુંઅવળું ન થાય, આપણે એકદમ સીધા જ રહેવાનું, કોઇ બદમાશી કે ચાલાકી નહીં કરવાની. આપણી ખરાબ છાપ પડવી ન જોઇએ. રાઇટ, કંઇ ખોટું કે ખરાબ ન કરવું જોઇએ એ વાત તદ્દન સાચી છે, પણ એનો મતલબ એવો નથી કે, આપણી મસ્તીમાં ન રહેવું. ઘણા લોકો કોઇ ભૂલ ન થાય એનું એટલું બધું ધ્યાન રાખતા હોય છે કે, સહજ રીતે જીવી જ નથી શકતા. જિંદગીમાં થોડીક મસ્તી જરૂરી છે. તમે જો તમારા અંગત લોકો સાથે સહજ અને થોડાક મસ્તીખોર બની ન શકતા હોય તો એ મોટી ખામી છે. બીજી સેન્સની જેમ જ સેન્સ ઓફ હ્યુમર જિંદગીમાં જરૂરી છે. દરેક ઉંમરની કેટલીક ખાસિયતો અને ખૂબીઓ હોય છે. બાળક હોઇએ ત્યારે કેટલાંક તોફાનો સહજ હોય છે. યુવાનીમાં તો તરવરાટ અને થનગનાટ હોવા જ જોઇએ. કંઇક કરી છૂટવાની ભાવના, થોડીક મસ્તી, થોડૂંક ઝનૂન, થોડોક થનગનાટ જિંદગીને જીવવા જેવી બનાવે છે. જેમ હેલ્ધી ગોસિપ જિંદગીમાં જરૂરી છે એવી જ રીતે થોડા પાગલપન ભી ચાહિયે. ક્યાંય એવું નથી લખ્યું કે, સારા હોવું એટલે ચૂપ રહેવું. નમ્ર માણસ પણ રમૂજી હોઈ શકે છે. બધા સાથે આપણે ભલે જુદા હોઇએ, પણ અમુક લોકો અપવાદ હોવા જોઇએ. એની પાસે બધું ચાલે.
એક છોકરીની આ સાવ સાચી વાત છે. ખૂબ જ ડાહી અને હોશિયાર. કોઇ બાબતમાં જરાકેય આછકલાઇ નહીં. બધાના મોઢે તેના વિશે સારું જ સાંભળવા મળે. છોકરી હોય તો એના જેવી એવાં ઉદાહરણ આપવામાં આવે. એક વખત તેનાં વખાણ થતાં હતાં ત્યારે તેની અંગત ફ્રેન્ડે કહ્યું કે, એક નંબરની નટખટ છે. એવી મજાક કરે કે આપણું મગજ કામ ન કરે. નખરાં અને લટકા મટકા કરવામાં પણ તેને કોઇ ન પહોંચે. આ વાત સાંભળીને તેનાં વખાણ કરનાર વડીલે કહ્યું કે, પોતાના મિત્રો સાથે જુદી હોય એમાં જરાયે ખોટું નથી. દોસ્તો સાથે તો મસ્તીમાં જ રહેવાનું હોયને. એ જે કરે છે એ બરાબર છે. તમારી સાથે ગંભીર રહેતી હોત તો કદાચ એ તમારી આટલી ક્લોઝ પણ ન હોત. દરેક માણસમાં એક તોફાની વ્યક્તિ જીવતી હોય છે. એ અમુક લોકોની સાથે અને અમુક વાતાવરણમાં જ જીવતો થતો હોય છે. એક ફેમિલીની આ વાત છે. ઘરમાં માતા-પિતા, દીકરો અને દીકરી રહેતાં હતાં. પિતા એકદમ ગંભીર પ્રકૃતિના હતા. પોતાના કામમાં એકદમ સિરિયસ, ખૂબ જ માયાળુ અને એટલા જ સમજદાર. દીકરો અને દીકરી મોટાં થયાં પછી બંનેએ પિતાના બર્થડે વખતે પિતાના મિત્રોની પાર્ટી રાખી. પિતાના મિત્રો આવ્યા. પોતાના મિત્રો સાથે મજાક મસ્તી કરતા પિતાને જોઇને બંને સંતાનોના આશ્ચર્યનો પાર ન રહ્યો. પપ્પાને આવા મૂડમાં તો કોઇ દિવસ જોયા જ નહોતા. તેમને થયું કે, પપ્પાનું આજે નવું જ રૂપ જોવા મળ્યું. દીકરીએ પપ્પાના મિત્રને પૂછ્યું, તમે યંગ હતા ત્યારે કેવાં તોફાનો કર્યાં હતાં. પપ્પાનો ફ્રેન્ડ કંઇ બોલે એ પહેલાં જ તેના પિતા બોલ્યા, રહેવા જ દેજે, કંઇ કહેવાની જરૂર નથી. એ ઉંમર અલગ હતી. અત્યારનો સમય અલગ છે. આ વાત સાંભળીને દીકરીએ કહ્યું, પપ્પા મારે એ જ જાણવું છે કે, તમે તમારી જિંદગી જે તે ઉંમરે તો મસ્ત રીતે જીવ્યા છોને? પિતાએ કહ્યું, દીકરા માણસની હંમેશાં બે ઇમેજ હોય છે. એક જાહેર અને બીજી ખાનગી. જાહેરમાં આપણે જુદી રીતે જીવવું પડતું હોય છે. એ લોકો સાથે એને ગમે એવી રીતે જીવવાનું હોય છે. પોતાના લોકો સાથે આપણને પોતાને ગમે એ રીતે જીવવાનું હોય છે. મિત્રોની મજા જ એ છે કે, એ ક્યારેય આપણને જજ નથી કરતા. ક્યાં કેવી રીતે રહેવું એ શીખવું પણ જિંદગીમાં ખૂબ જરૂરી છે.
માણસને સૌથી વધુ મજા ત્યાં જ આવે છે જ્યાં એ પોતાની રીતે રહી શકે છે. જ્યાં બંધન કે મર્યાદા આવે છે ત્યાં માણસ થોડુંક કૃત્રિમ જીવતો હોય છે. આપણે ક્યાંય જઇએ ત્યારે પણ આ વાત લાગુ પડે છે. એક યુવાનની આ વાત છે. એ બહારગામ જાય ત્યારે પોતાનાં સગાંવહાલાંના ઘરે રોકાય. પરિવારના એક સભ્યના ઘરે એને બહુ મજા આવતી. એક વખત તેને એનું કારણ પૂછવામાં આવ્યું. એ યુવાને કહ્યું કે, ત્યાં કોઇ રોકટોક નથી. મારે રહેવું હોય એમ એ રહેવા દે છે. આપણા બધા સાથે આવું થયું જ હોય છે. કેટલાક ઘરે આપણને પોતાનું ફીલ થાય છે. કેટલાંક ઘરોમાં બહુ ધ્યાન રાખવું પડે છે. આપણને રીતસરનો ભાર લાગે. કેટલાંક ઘરોમાં તો આપણા પર નજર જ રહેતી હોય છે. એવા ઘરે જવાની વાત આવે ત્યારે આપણે જ ના પાડી દઇએ છીએ. મારે નથી આવવું, મને ત્યાં કંટાળો આવે છે. નાની નાની વાતમાં શિખામણો આપવા લાગે છે. એટલી બધી સૂચનાઓ મળે છે જાણે મને કંઇ આવડતું જ નથી. આજના યંગસ્ટર્સ અમુક ઘરે જવાનું ટાળે છે એનું સૌથી મોટું કારણ એ જ છે. અગાઉના સમયમાં મા-બાપ આગળ સંતાનોનું કંઇ ચાલતું નહોતું. ગમે કે ન ગમે, મા-બાપ કહે એ માનવું પડતું હતું, એ કહે ત્યાં જવું પડતું. હવેનાં સંતાનો પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપી દે છે. અલબત્ત, એમાં કશું ખોટું નથી. બધાને બધે ફાવે એવું જરૂરી નથી. ધરાર કંઇ કરવું પડે અને કરીએ એ વસ્તુ અલગ છે, પણ મરજીની વાત હોય ત્યારે મરજી પડે એમ કરવામાં કંઇ ખોટું હોતું નથી.
કરિયર, ગોલ, અચીવમેન્ટ, સફળતા વગેરે માટે કામ પ્રત્યે નિષ્ઠા, પ્રામાણિકતા અને સખત મહેનત ચોક્કસપણે જરૂરી છે, પણ એના માટે એટલા સિરિયસ ન રહો કે, જિંદગી જીવવાની મજા જ ન આવે. આપણે કામ કરતા હોઇએ ત્યાં પણ અમુક માણસો એવા હોય છે જેને જોઇને આપણને એમ થાય કે, આખી ઓફિસનો ભાર જાણે એના પર જ છે. એ પોતે તો સિરિયસ રહેતા જ હોય છે, બીજા મજામાં હોય એ પણ એનાથી સહન નથી થતું. એ પોતે એવું માનતા હોય છે કે, કામના સ્થળે તો ગંભીર જ રહેવાનું. કામમાં ધ્યાન આપવું, કામ સમયસર પૂરું કરવું. બધા કરતાં શ્રેષ્ઠ કામ કરવું એ બરાબર છે પણ માત્ર સિરિયસ રહેવાથી જ એવું થાય એવું જરૂરી નથી. જિંદગીની મજા એ છે કે, દરેક પરિસ્થિતિમાં થોડાક હળવા રહી શકાય. કામ કરવાનું જ છે, ફરજ બજાવવાની જ છે, પરિવારની જવાબદારીઓ નિભાવવાની જ છે. જો હળવા રહેવાની આદત હશે તો બધું વધુ ઇઝી રહેશે.
જિંદગીમાં થોડીક ક્રેઝીનેસ હોવી જોઇએ. ફરવા જઇએ ત્યારે અને મિત્રો સાથે મસ્તીની જ તો મજા છે. ફ્રેન્ડ્સનું એક ગ્રૂપ હતું. બધા બચપણથી દોસ્ત હતા. મોટા થયા પછી બધા પોતપોતાના કામમાં બિઝી થઇ ગયા. વર્ષો પછી બધાએ નક્કી કર્યું કે, ચલો આપણે બધા ફરીથી ભેગા થઇએ અને મોજમજા કરીએ. બધા ભેગા થયા. એક મિત્ર સિરિયસ જ રહે. બધા મસ્તી કરતા હોય તો પણ એ ચૂપ જ રહે. બીજા મિત્રએ પૂછ્યું, તું કેમ કંઇ બોલતો નથી? એ મિત્રએ કહ્યું, મને વિચાર આવે છે કે, આવું બધું આપણને શોભે છે? હવે આપણે નાના નથી. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું, મોટા થઇ ગયા એટલે મજા નહીં કરવાની? આપણે ક્યાં કોઇને નુકસાન થાય કે કોઇને ન ગમે એવું કરીએ છીએ? આપણને ગમે એવું કરવામાં કશું ખોટું નથી. ખોટા ભ્રમ સેવવાનું બંધ કર. મજા કરવા આવ્યા છીએ તો મજા કર. આ રજા પૂરી થાય પછી પાછું કામે જ ચડવાનું છે. કામ કરતી વખતે કામ કરીએ જ છીએને, તો મજા કરતી વખતે મજા કેમ ન કરીએ? કારણ વગરના ગંભીર રહેનારા ઘણા લોકો દંભી હોય છે. એણે પોતે જ નક્કી કરી લીધું હોય છે કે, શું સારું અને શું ખરાબ, મોટાભાગે એણે જે નક્કી કર્યું હોય છે એ ખોટું હોય છે. જિંદગીને પણ કેટલાક લોકો વધુ પડતી ગંભીરતાથી લેતા હોય છે. જિંદગી હળવાશ લેવાની અને મજાથી જીવવાની હોય છે. ખોટા ભાર રાખીએ તો ઘણી વખત આપણે આપણા જ ભાર નીચે દબાઇ જતા હોઇએ છીએ.
છેલ્લો સીન :
ઘણા લોકો પોતાના વિશે જ જાતજાતના ભ્રમમાં હોય છે. આપણો ભ્રમ આપણને સાચી જિંદગી જીવવા દેતો નથી. ભ્રમના ભેદ પણ પારખવા અને પામવા પડે છે. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 13 જુલાઇ, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
