બહુ મોડું થઈ જાય એ પહેલાં એક વાર આવી જા – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

બહુ મોડું થઈ જાય એ
પહેલાં એક વાર આવી જા

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ


રાત જેવી રાત મૂળથી ખળભળી,
સ્વપ્ન સાથે જ આંખો પણ બળી,
માત્ર ખિસ્સામાં વધ્યા’તા શ્વાસ બે,
મન મુજબ જીવવાની જ્યાં ફુરસદ મળી.
-ચંદ્રેશ મકવાણા `નારાજ’


અફસોસ બહુ ખરાબ વસ્તુ છે. અફસોસ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પીછો છોડતો નથી. એને મળી લીધું હોત તો સારું હતું, એને સોરી કહી દેવાની જરૂર હતી, મારે એની સાથે આવું વર્તન કરવું જોઇતું નહોતું, એની વાત માની લીધી હોત તો સારું હતું. જિંદગીની કેટલીક વાતો, ઘટનાઓ અને પ્રસંગો એવા હોય છે જેમાં આપણે જેવું કરવું જોઇએ એવું કરતા નથી. કેટલીક વખત કરવું હોય છે પણ કરી શકતા નથી. ક્યારેક એવું વિચારીએ છીએ કે, કરીશું આરામથી, હજુ ક્યાં બધું પતી ગયું છે? મોડું કરવામાં ક્યારેક એટલું મોડું થઇ જાય છે કે પછી અફસોસ સિવાય કશું બચતું નથી. આપણે માનતા હોઇએ છીએ કે, ઘણો સમય છે, આખી જિંદગી પડી છે. અલબત્ત, ક્યારે શું થઇ જાય એ નક્કી હોતું નથી. અમુક વાતોને આપણે બહુ લાઇટલી લેતા હોઇએ છીએ. કેટલીક વ્યક્તિઓને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હોઇએ છીએ. આપણો ઇરાદો ખરાબ હોતો નથી, પણ આપણે કેટલી બાબતો માટે બિન્ધાસ્ત હોઇએ છીએ. આપણને ભાન થાય ત્યારે પસ્તાવા સિવાય કશું જ બચતું નથી. આપણે મન મનાવવું પડે છે કે, કિસ્મતમાં આવું જ લખ્યું હશે. મન પણ દરેક વખતે ક્યાં આપણું કહ્યું માનતું હોય છે? મન પણ ઘણી વખત સામા સવાલો કરે છે, જવાબો માંગે છે. તારે જે કરવું જોઇતું હતું એ કેમ ન કર્યું? વાંક તારો જ છે. તેં ધ્યાન જ ન આપ્યું. કેટલાક ગિલ્ટ આપણને જ કોરી ખાતા રહે છે.
એક સાવ સાચી ઘટના છે. એક પિતાએ દીકરાને ભણવા માટે વિદેશ મોકલ્યો હતો. દીકરો સારો અભ્યાસ કરી શકે એ માટે પિતાએ રાત-દિવસ એક કર્યા હતા. દીકરાએ ભણી લીધું એ પછી તેને વિદેશમાં જ સારી જોબ મળી ગઇ. એ વિદેશમાં જ સેટ થઇ ગયો. પિતા પણ ખુશ હતા કે, દીકરા માટે જે કર્યું હતું એ લેખે લાગ્યું. દીકરો વર્ષે બે વર્ષે વતન આવીને માતા-પિતાને મળી જતો હતો. ધીમે ધીમે એ પણ પોતાનાં કામોમાં વ્યસ્ત થતો ગયો. વતન જવાનું ટાળવા લાગ્યો. પિતાની તબિયત નરમ રહેતી હતી. એક વખત પિતાની તબિયત વધુ ખરાબ થઇ ગઇ. માતાએ દીકરાને ફોન કરીને કહ્યું કે, બહુ મોડું થઇ જાય એ પહેલાં એક વાર આવી જા. દીકરાએ હાએ હા કરી. રજા મળે એટલે આવું છું એવાં બહાનાં કાઢ્યાં. એક દિવસ અચાનક દીકરાને ફોન આવ્યો કે, માતાને એક્સિડન્ટ થયો છે અને તેમનું મૃત્યુ થયું છે. દીકરાને આઘાત લાગ્યો. તેને થયું કે, પિતા બીમાર હતા અને મા આમ અચાનક ચાલી ગઇ. તેને થયું કે, ભલે પિતાના બહાને પણ એક વાર જઇ આવ્યો હોત તો માને તો મળી લીધું હોત. માતાની અંતિમવિધિમાં જવા માટે તેણે તરત જ બધી વ્યવસ્થા કરી. ફ્લાઇટમાં હતો ત્યારે તેને વિચાર આવ્યો કે, માણસ ચાલ્યો જાય એ પછી આપણે કેટલી ભાગદોડ કરીને છેલ્લી વખત મોઢું જોવા પહોંચતા હોઇએ છીએ. જીવતું મોઢું જોવા માટે આપણે કેમ બેદરકાર રહેતા હોઇએ છીએ?
સમયના ખેલ સમજાય નહીં એવા હોય છે. જિંદગી ક્યારેક માણસ સાથે ક્રૂર મજાક પણ કરી લેતી હોય છે. એક સાવ સાચો કિસ્સો છે. એક પતિ-પત્ની હતાં. બંને વિદેશમાં રહેતાં હતાં. બંને કામ કરતાં હતાં. તેમના ઘરે એક સુંદર મજાની દીકરીનો જન્મ થયો. બંનેને નોકરીએ જવાનું હતું. થોડાક દિવસ તો રજા મળી ગઇ, પણ પછી સવાલ એ આવ્યો કે, દીકરીનું ધ્યાન કોણ રાખે? પત્નીએ તેની માતાને કહ્યું, તું થોડો સમય અહીં આવી જા તો દીકરીનું ધ્યાન રહે. માતાએ કહ્યું, મારાથી ત્યાંની ઠંડી સહન થતી નથી. એક કામ કર, તું એને અહીં મારી પાસે દેશમાં મૂકી જા. હું સાચવી લઇશ. પતિ-પત્ની પોતાની લાડકી દીકરીને નાની પાસે મૂકી ગયાં. નાનીને તો નાનકડી દીકરી સાથે મજા પડી ગઇ. થોડાં વર્ષો સુધી દીકરી નાની પાસે રહીને પાછી માતા-પિતા પાસે ચાલી ગઇ. નાનીને તેના વગર મજા આવતી નહોતી. દીકરીને પણ નાનીની ખૂબ જ યાદ આવતી રહેતી. સમય વીતતો ગયો. નાનીની ઉંમર થઇ. એ બીમાર રહેવા લાગી. નાનાએ દીકરીને કહ્યું કે, બહુ મોડું થઇ જાય એ પહેલાં એક વાર આવી જા. તારું મોઢું જોયા વગર તારી નાની જશે તો એના આત્માને શાંતિ નહીં મળે. આ વાત સાંભળીને દીકરીએ તરત જ જવાનું નક્કી કર્યું. નાની પાસે પહોંચી ગઇ. નાની સાથે એને મશ્કરીનો વહેવાર હતો. એ બિન્ધાસ્ત નાનીને કહેતી કે, હું તો એટલે આવી છું કે ફરી તારું મોઢું જોવા મળે કે નહીં. નાનીએ પણ કહ્યું કે, તારી વાત જરાયે ખોટી નથી. તેં બહુ જ સારું કર્યું કે, એક વાર આવી ગઇ. થોડાક દિવસ રોકાઇને એ પાછી પોતાના ઘરે જવા રવાના થઇ. એ જે ફ્લાઇટમાં જતી હતી એ ફ્લાઇટ ક્રેશ થઇ. આ દુર્ઘટનામાં દીકરીનું મોત થયું. નાનીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એ ફસડાઇ ગઇ. ભીની આંખે એટલું જ બોલી કે, દીકરી તું છેલ્લી વાર મોઢું જોવા આવી હતી કે છેલ્લી વાર મોઢું બતાવવા આવી હતી?
જિંદગી સરસ રીતે જીવો, બસ એટલું ધ્યાન રાખો કે કોઇ વાતમાં ક્યારેય કંઇ મોડું ન થઇ જાય. સમયના ભરોસે બહુ રહેવા જેવું હોતું નથી. એ ક્યારે પલટી મારે તેનું કંઇ જ નક્કી નથી હોતું. દરેક વખતે ખરાબ થાય એવું પણ જરૂરી નથી. કંઇક થશે એ ડરથી નહીં, પણ અફસોસ ન રહી જાય એ ખાતર જે કરવું હોય એ કરી લેવું જોઇએ. સંબંધો ટર્ન લેતા હોય છે. આપણા જ લોકો આપણાથી દૂર થઇ જતા હોય છે. બે મિત્રોની આ વાત છે. બંને સાથે મોટા થયા. બંનેએ બિઝનેસ ચાલુ કર્યો. બંનેનો બિઝનેસ ધમધોકાર ચાલતો હતો. કામમાં એટલા બિઝી થઇ ગયા કે, બંને માટે મળવાનું પણ અશક્ય થવા લાગ્યું. બંનેને એમ થતું કે, મળીએ, સાથે બેસીને વાતો કરીએ અને મજા કરીએ. બંને પ્લાનિંગ કરતા રહેતા પણ મેળ પડતો નહોતો. આખરે એક ફ્રેન્ડે કહ્યું, યાર બસ બહુ થયું, હવે આપણે મળીએ. એ ફ્રેન્ડ પોતાના દોસ્તને મળવા ગયો. બંને વાત કરતા હતા. એ ફ્રેન્ડે કહ્યું, મેં એક વાત નક્કી કરી છે. હવેથી આપણે દર વીકમાં એટલિસ્ટ એક વાર મળીશું અને સાથે ડિનર કરીશું. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું, આવતા વીકે તો હું ફોરેન શિફ્ટ થાઉં છું. બિઝનેસ એક્સપાન્ડ કર્યો છે. મારે ત્યાં રહેવું પડે એમ છે. વાત ખુશીની હતી તો પણ બંનેને ગમ આપી ગઇ. છૂટા પડ્યા ત્યારે બેમાંથી એકેયને ખબર નહોતી કે, હવે પાછા ક્યારે મળીશું.
કોઇ વાતને પેન્ડિંગ ન રાખો, મજાને પણ નહીં. કેટલીક ક્ષણો શણગાર સજીને આપણી સામે આવે છે. એ સમયે આપણે તેની સામે નથી જોતા. હમણાં મારે કામ છે. સમય આપી શકું એમ નથી. એવું વિચારીને એ ક્ષણોને જવા દઇએ છીએ. સમય આપણને મજામાં રહેવા, ખુશ થવાના અને સુખની અનુભૂતિ કરવાના ઘણા મોકા આપતી હોય છે. મોટા પ્લાનિંગની રાહ ન જુઓ, સામે આવતી નાની નાની ખુશીઓને માણી લો. ઘણી વખત એવું બનતું હોય છે કે, લાંબા પ્લાનિંગ કરીને ફરવા ગયા હોય એમાં મજા નથી આવતી અને કોઇ દોસ્ત અચાનક મળી જાય એમાં જલસો પડી જાય છે. આપણને પ્લેઝન્ટ સરપ્રાઇઝ ગમતા હોય છે. એક વાત યાદ રાખવા જેવી છે કે, જિંદગીના દરેક સરપ્રાઇઝ પ્લેઝન્ટ નથી હોતા. કેટલાંક સહન ન થાય એવા સરપ્રાઇઝ હોય છે. એમાંથી પણ આપણે એ જ શીખવાનું હોય છે કે, જીવવા માટેની જે ક્ષણો મળે છે એને જીવી લઇએ. કંઇ જ મુલતવી ન રાખો. જિંદગી જીવવા માટે હોય છે, અફસોસ કરવા માટે નહીં. સમયને જાણવામાં બહુ પડવા જેવું હોતું નથી, સમયને જીવવામાં જ જિંદગીની સાર્થકતા રહેલી છે.
છેલ્લો સીન :
સારા વિચારો વગર સપનાં પણ સારાં આવતાં નથી. સારા વિચારો વગર જિંદગી ક્યાંથી સારી થવાની છે? કાળું જ વિચારશો તો ધોળું ક્યારેય દેખાવાનું જ નથી. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 27 સપ્ટેમ્બર 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *