જેન ઝી જિંદગી જીવવાની પેટર્ન બદલી રહ્યા છે! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

જેન ઝી જિંદગી જીવવાની
પેટર્ન બદલી રહ્યા છે!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

માતા-પિતા, દાદા-દાદી અને પરિવારના વડીલોની
જિંદગી જોઈને તેઓ એવું વિચારે છે કે, અમારે આવી
લાઇફ નથી જીવવી. મેરેજ વિશે પણ એ લોકોના
વિચારો ધરમૂળથી બદલાઈ રહ્યા છે

———–

માત્ર આપણા દેશમાં જ નહીં, આખી દુનિયામાં છેલ્લાં થોડાં વર્ષોથી જેન ઝી અને તેમની માનસિકતા વિશે ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. અગાઉની પેઢીઓ કરતાં જેન ઝી તદ્દન જુદા છે. વર્ષ 1997થી 2012 દરમિયાન જન્મેલા આ લોકો વિશે નિષ્ણાતો દ્વારા હમણાં એક રસપ્રદ વાત એ કરવામાં આવી છે કે, જેન ઝીને ખોટા કે ખરાબ સમજવાની બિલકુલ જરૂર નથી. એ લોકા સારા છે, એની જગ્યાએ સાચા પણ છે. એ લોકો જેવા છે એવા હોવાનું કારણ એમણે જોયેલી સમાજ રચના છે. અત્યાર સુધી એવું થતું હતું કે, જે રીતે મા-બાપ જીવતાં હોય એ જ રીતે તેમનાં સંતાનો જીવતાં હતાં. પેઢીઓથી કેટલીક પરંપરાઓ અને માન્યતાઓ ચાલતી રહેતી હતી. હવેની જનરેશન તેને તપાસે છે. પોતાના ત્રાજવે તોલે છે કે, જે થઇ રહ્યું છે એ સાચું અને સારું છે? એને સાચું ન લાગે તો એ ફગાવી દે છે અને પોતાની રીતે જીવવાનું નક્કી કરે છે.
દુનિયા ભલે ગમે તે કહે, પણ રિલેશન્સ અને મેરેજ બાબતે જેન ઝી બહુ સ્પષ્ટ છે. એમની વાતો જૂની જનરેશનના ગળે ઊતરતી નથી. હમણાં એક સરવે એવો બહાર આવ્યો કે, જેન ઝી મેરેજ કરવાનું ટાળી રહ્યા છે અથવા તો મેરેજ કરવામાં ઉતાવળ નથી કરતા. એમાં પણ સવાલ એ આવ્યો કે, આખરે આ જનરેશનના લોકો આવું શા માટે કરે છે? એમાં રસપ્રદ વાત બહાર આવી હતી. તેના માટે જવાબદાર તેમનાં માતા-પિતા અને નજીકના અન્ય લોકોની મેરેજ લાઇફ છે. એ જુએ છે કે, મા-બાપ શાંતિથી રહેતાં નથી. એકબીજાને પ્રેમ કરતાં નથી. લગ્ન કર્યાં પછી પડ્યું પાનું નિભાવી લેવાના ઇરાદાથી જિંદગી ગબડાવ્યા રાખે છે. જવાબદારીઓનો બોજ માથે લઇને ફરે છે. આ બધું જોઇને જેન ઝી એવું વિચારે છે કે, જો મેરેજ લાઇફ આવી જ હોય તો અમારે એ નથી જોઇતી. પીવ રિસર્ચ સેન્ટર અને બાર્ના ગ્રૂપે કરેલા રિસર્ચમાં એવું બહાર આવ્યું છે કે, 74 ટકા જેન ઝી માને છે કે, તેઓ લગ્ન કે બાળકો વગર ખુશહાલ જિંદગી જીવી શકે છે. માત્ર 26 ટકા જેન ઝી માને છે કે, સ્થિર કૌટુંબિક જીવન માટે લગ્ન જરૂરી છે. બ્રિટનના મેરેજ ફાઉન્ડેશનના એક અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે, અગાઉના સમયમાં પચીસ વર્ષ સુધીની ઉંમરમાં મોટાભાગના લોકો મેરેજ કરી લેતા હતા. જેન ઝીના માત્ર ચાર ટકા યંગસ્ટર્સ જ પચીસ વર્ષની ઉંમર પહેલાં લગ્ન કરવાનું વિચારે છે. આ સંશોધન બાદ એક્સપર્ટ્સે એવું કહ્યું છે કે, જેન ઝી આધુનિક ઇતિહાસની મોસ્ટ અનમેરિડ જનરેશન એટલે કે સૌથી ઓછી લગ્ન કરનારી પેઢી બની શકે છે.
એવું બિલકુલ નથી કે, જેન ઝી પ્રેમ કે સંબંધો નથી ઇચ્છતા. તેમની પણ લાગણીઓ અને શારીરિક તથા માનસિક જરૂરિયાતો છે. જોકે, એના માટે તેઓ લગ્નને જરૂરી નથી સમજતા. થ્રાઇવિંગ સેન્ટર ઓફ સાઇકોલોજીના સરવેમાં એવું જાણવા મળ્યું છે કે, 85 ટકા જેન ઝી એવું માને છે કે, સંબંધ પ્રત્યે વફાદાર રહેવા માટે લગ્નના કાનૂની સર્ટિફિકેટ કે સરકારી દસ્તાવેજની કોઇ જરૂર નથી. આપણા દેશમાં હજુ મેરેજ માટે સામાજિક પ્રેશર અને માતા-પિતાનો આગ્રહ બહુ મોટું કામ કરી રહ્યો છે. મેરેજની કે પોતાની જિંદગીના તમામ નિર્ણયો આજની તારીખે પણ યંગ જનરેશન લઇ શકતી નથી. ગમે કે ન ગમે, માતા-પિતાની અમુક વાત જેન ઝીએ માનવી પડે છે. જો તેઓ પોતાને ગમતા નિર્ણયો લે તો એ સાવ જુદા જ હોવાના છે.
જેન ઝી પોતાના નજીકનાં સગાંવહાલાંઓનું દાંપત્ય જીવન નજીકથી જોતા હોય છે. રોજના ઝઘડાઓ, માનસિક તણાવ, ઘરેલુ હિંસાથી માંડીને ડિવાર્સ સુધીની ઘટનાઓ તેમણે જોઇ હોય છે. એ આવી ઘટનાઓને પોતાની રીતે મૂલવે છે. મેરેજ લાઇફ નિષ્ફળ જાય ત્યારે માત્ર દિલ જ તૂટતું નથી, કાનૂની લડાઇઓ, ભરપોષણની રકમથી માંડીને મિલકતની વહેંચણી સુધીની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ બધામાં માનસિક શાંતિ હણાઇ જાય છે. આ ઉપરાંત બેવફાઇના કિસ્સાઓ પણ તેઓ નજરે જુએ છે. થોડા દિવસો અગાઉ પૂણેની સિયાએ પોતાના પ્રેમી ચેતન ચૌધરી સાથે મળીને મંગેતર કેતન અગ્રવાલને ખીણમાં ફેંકી દઇ હત્યા કરી નાખી હતી. આવી ઘટનાઓ જોઇને પણ યંગસ્ટર્સને એવા જ વિચાર આવે છે કે, મારે મેરેજ જ નથી કરવા. કોઇ ક્યાં સુખી છે કે અમે સુખી થઇ જશું. જેન ઝીને સમાજમાં જે ચાલી રહ્યું છે એ ઘણું બધું સમજાતું નથી, આખરે એ પોતાના નિયમો બનાવે છે. એ નિયમો કોઇને સ્વચ્છંદી લાગી શકે છે, પણ એ લોકો એવું જ માને છે.
માત્ર મેરેજ કે સંબંધોમાં જ નહીં, લાઇફ સ્ટાઇલ વિશે પણ જેન ઝી સાવ જુદું જ વિચારે છે. આપણા બાપ-દાદાઓ સૌથી પહેલાં ઘરના ઘરનું વિચારતા હતા. અત્યારે જેઓ પચાસથી સાઠ વર્ષના છે એ લોકોએ પણ હોમ લોન લઇને ઘર બનાવ્યાં છે. જેને વારસામાં ઘર મળ્યાં છે એની વાત જુદી છે, બાકી જેની પાસે ઘર નથી એ યુવાનો એવું વિચારે છે કે, તગડી લોન લઇને આખી જિંદગી કરકસરથી જીવીને હપતા ભરવાનો કોઇ મતલબ નથી, એના કરતાં તો મકાન ભાડે રાખીને મસ્તીથી જીવો. પોતાનું ઘર લીધું હોય તો એક ને એક ઘરમાં વર્ષો કાઢવાં પડે છે. ભાડાના મકાનની સૌથી મોટી મજા એ છે કે, મન થાય એટલે બદલી નાખવાનું, વેરાઇટીઝ તો મળે! અમુક જેન ઝીએ તો ત્યાં સુધીની વાતો કરી હતી કે, અમારાં માતા-પિતા સમજદાર નહોતાં, મોટી લોન લઇ આખી જિંદગી કરકસરથી રહ્યાં. એના કરતાં ભાડે રહીને મજાથી જિંદગી જીવ્યાં હોત તો કોણ ના પાડતું હતું? ઘર ઉપરાંત બીજી વિચિત્ર વાત કારની પણ છે. નવી જનરેશનના લોકો એવું માને છે કે, મોંઘા ભાવની કાર લેવાની શું જરૂર છે? મોબાઇલમાં એવી અનેક એપ છે કે કાર થોડી જ મિનિટોમાં તમને લેવા અને મૂકવા આવી જાય છે. કાર ખરીદ્યા પછી તેના હપતા ભરવાથી માંડીને કારના મેઇન્ટેનન્સ સુધીની ચિંતાઓ રહે છે. હવેના સમયમાં તો પાર્કિંગના પણ ઇશ્યૂઝ છે. ટ્રાફિક એટલો હોય છે કે, સેલ્ફ ડ્રાઇવ કરીને ક્યાંય પહોંચવું અઘરું બની ગયું છે. કાર ચલાવવામાં સ્ટ્રેસ લાગે છે. ભાડાની કાર હોય તો ડ્રાઇવર તમને આરામથી પહોંચાડી દે છે. કોઇ ટેન્શન જ નહીં લેવાનું.
યંગ જનરેશન હવે મેરેજ અને બીજી બાબતો કરતાં સૌથી વધુ મહત્ત્વ કરિયરને આપવા લાગી છે. સમય એવો આવ્યો છે કે, મોંઘવારી સતત વધી રહી છે. પોતાનું પૂરું કરવામાં પણ નાકે દમ આવી જાય છે. છોકરાઓ મેરેજ પણ એવી છોકરી સાથે કરવા ઇચ્છે છે જે જોબ કરતી હોય. એક વ્યક્તિ કમાતી હોય તો પૂરું કરવામાં ફાંફાં પડી જાય છે. મેરેજ કે લિવ ઇનમાં રહેતાં કપલ પણ બાળકનું પ્લાનિંગ કરતા પહેલાં સો વાર વિચાર કરે છે. બાળકને મોટું કરવું કંઇ ખાવાના ખેલ નથી. બાળક પોસાવું પણ જોઇએને? સ્કૂલના એડમિશનથી માંડીને ખર્ચા સુધીના વિચારો કરવા પડે છે. નવી જનરેશનનો એક ઇશ્યૂ રિલેશનશિપ ક્રાઇસિસનો પણ છે. ઘડીકમાં વાંધા પડી જાય છે. ઇગો અને પઝેસિવનેસ યંગસ્ટર્સને કનડી રહ્યા છે. નાની નાની વાતમાં બ્રેકઅપ થઇ જાય છે. અધૂરામાં પૂરું સોશિયલ મીડિયાએ દાટ વાળ્યો છે. દેખાદેખીના કારણે યુવાનો જે પ્રવાહ ચાલતો હોય એમાં ઢસડાતા રહે છે. પોતાની ચોઇસ અને પોતાના થોટ્સનો ઉપયોગ કરવાના બદલે એ લોકો જે ટ્રેન્ડિંગ હોય એને ફોલો કરતા રહે છે. જેન ઝી જે કરી રહ્યા છે એને જજ કરવાનો કોઇ અર્થ નથી. એનું કારણ એ છે કે, જે છે એ છે. તમે એને બદલી ન શકો. નિષ્ણાતો મોટા લોકોને એવી સલાહ આપે છે કે, એ લોકો જેવા છે એવા જ તેમને સ્વીકારો. એણે પણ તમને જેવા છો એવા જ સ્વીકાર્યા છેને? ઘર્ષણ ટાળવાનો આ જ બેસ્ટ ઉપાય છે. પરિવર્તનને કોઇ રોકી શકતું નથી એ વાત દરેકે યાદ રાખવાની હોય છે.


————

પેશ-એ-ખિદમત
કિસી કા વક્ત અગર ઉસકે સાથ હો જાયે,
જો સાલોંસાલ ન હો વો રાતોંરાત હો જાયે,
જિસે બિગડને કા અહસાસ હી નહીં અપને,
કહાં સે ઠીક વો આદમ કી જાત હો જાયે.
– બલવંત સિંહ


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 08 જુલાઇ 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *