એ એની સ્ટ્રગલ છે,એને જ કરવા દે – કૃષ્ણકાંત ઉનડકટ

એ એની સ્ટ્રગલ છે,
એને જ કરવા દે

-કૃષ્ણકાંત ઉનડકટ


અમે નમીશું હાથ બરાબર તમે જો નમશો વેંત,
સ્નેહ રાખશો તમે જો મનમાં અમે રાખીએ હેત.
– હરીશ શાહ

જિંદગી ક્યારેય સંઘર્ષ વગરની હોવાની જ નથી. દરેકના ભાગે પોતપોતાનો સંઘર્ષ લખેલો હોય છે. સંઘર્ષના પ્રકાર જુદા જુદા હોઈ શકે છે, પણ પડકાર તો હોય જ છે. પડકાર જ એ વાત સાબિત કરે છે કે, માણસમાં કેટલું હીર છે. કોણ ફોલાદી છે અને કોણ બોદો છે. દરેક માણસનું પોતાના અસ્તિત્ત્વ સામેનું એક યુદ્ધ હોય છે. આ યુદ્ધ દરેકે પોતે જ લડવું પડે છે. માત્ર લડવું જ નથી પડતું, જીતવું પણ પડે છે. જિંદગી સામે ફરિયાદો કરવાનો કોઇ અર્થ નથી હોતો. ફરિયાદો કરવાથી પણ તમે જિંદગી બદલી શકવાના નથી. હા, પ્રયાસો કરીને ચોક્કસપણે જિંદગીને બદલી શકો. દરેક માણસની એક કહાની હોય છે. એ કહાની સંઘર્ષની જ હોય છે. જિંદગીમાં કહેવા જેવી કોઇ વાત હોય તો એ પોતાની સ્ટ્રગલની જ હોય છે. મેં કેવી રીતે મારી મુશ્કેલીનો સામનો કર્યો. કેવી રીતે હું આગળ વધ્યો. એ જ વાત તો કહેવા જેવી હોય છે. ઠોકર ખાધા વગર કોઇ મંજિલે પહોંચતું નથી. કોઇના મોઢે તમે એવી વાત નહીં સાંભળી હોય કે, આપણને તો લાઇફમાં કોઇ ચેલેન્જીસ આવ્યા જ નથી. આખી જિંદગી કોઇ મહેનત કે મુશ્કેલી વગર મોજ કરી છે. કોઇ પણ ભગવાનની વાત જોઇ લેજો. દરેક ઇશ્વરે સંઘર્ષ કર્યો છે. જો ભગવાન સાથે પણ એવું થતું હોય તો આપણે તો માણસ છીએ. મોટી ઉંમરના કોઇ પણ વ્યક્તિને પૂછજો કે, તમે જિંદગીમાં કેટલી ચેલેન્જીસનો સામનો કર્યો છે? એ આખી કહાની સંભળાવી દેશે.
એક મોટી ઉંમરના વ્યક્તિની આ સાવ સાચી વાત છે. એક વખત તેમના દીકરાના દીકરાએ તેમને પૂછ્યું, દાદા, તમે તમારી લાઇફમાં કેટલો સંઘર્ષ કર્યો છે? દાદાએ કહ્યું, વાત માંડવા બેસું તો ઘણી લાંબી થાય એમ છે. સવાલ એ નથી કે મેં કેટલો સંઘર્ષ કર્યો છે, સવાલ એ છે કે, મેં સંઘર્ષને કેવી રીતે હેન્ડલ કર્યો છે. સાચું કહું તો મેં મારી જિંદગીના તમામ સંઘર્ષોને એન્જોય કર્યા છે. જે વ્યક્તિને ખબર હોય છે કે, ચેલેન્જીસ એ જિંદગીનો જ એક ભાગ છે એ લોકો તેને હસતા મોઢે સ્વીકારીને જીવે છે. જે લોકો સંઘર્ષને સ્વીકારી શકતા નથી એ જ તેના વિશે રોદણાં રડે છે. બીજી વાત એ પણ છે કે, ચેલેન્જીસ ન હોય તો જિંદગી જીવવાની મજા પણ શું છે? પ્રશ્ન હોય તો જવાબ શોધીએ, પ્રશ્ન જ ન હોય તો કંઇ જ હોતું નથી. સંઘર્ષને જે સહજ રીતે લઇ જાણે છે એ જ સફળતા પ્રાપ્ત કરી શકે છે. કેટલાક લોકો પહેલેથી જ પાણીમાં બેસી જાય છે. મારાથી આ ન થાય. આ આપણું કામ નહીં. આપણને આવું ન ફાવે. એવું વિચારનારા ક્યારેય કંઇ કરી શકતા નથી. એક યુવાન હતો. ખૂબ જ સુખી સંપન્ન પરિવારમાંથી એ આવતો હતો. તેને એક જોબ મળી. કામ બહુ કઠિન હતું. પપ્પા પાસે પરમિશન લેવા ગયો. પપ્પાએ કહ્યું, આપણે ક્યાં એવી મજૂરી કરવાની જરૂર છે? ભગવાને આપણને ખૂટે નહીં એટલું આપ્યું છે. થોડુંક ઇઝી કામ હોય એવી જોબ હોય તો હજુયે ઠીક છે, આવું બધું કરવાની ક્યાં જરૂર છે? પિતાની વાત સાંભળીને દીકરાએ કહ્યું કે, તમારી લાગણી હું સમજુ છું, પણ મારે એ કામ કરવું છે. એ પછી દીકરાએ કહ્યું, તમે ક્યાં ઇઝી જિંદગી જીવ્યા છો? તમે પણ તમામ સંઘર્ષોનો સામનો કર્યો એ પછી જ અહીં સુધી પહોંચ્યા છો. તમારી સાથે તો કોઇ નહોતું. મારી સાથે તમે તો છો. તમે જેમ તમારી જાતને સાબિત કરી છે એમ મારે પણ મારી જાતને સાબિત કરવી છે. મારી મંજિલ માટે રસ્તો પણ મારે જ પસંદ કરવો પડશે. પિતાએ કહ્યું, તારી વાત તો સાચી છે. મને એ વાતની ખુશી છે કે, તું આટલું વિચારી શકે છે.
દુનિયામાં એવા લોકોની કમી નથી જેને બધું તૈયાર મળી ગયું હોય. વારસો, બિઝનેસ સહિત તમામ મળ્યું હોય. એ લોકોએ પણ પોતાને સાબિત તો કરવા જ પડતા હોય છે. એક યુવાનની આ વાત છે. તેના પિતા તેના વારસામાં મોટો બિઝનેસ મૂકી ગયા હતા. એ યુવાને કહ્યું કે, આ વારસો મારી મોટી જવાબદારી છે. મારે જે બિઝનેસ છે એના કરતાં તેને આગળ લઇ જવાનો છે. બાકી દુનિયા કહેશે કે, બાપનું હતું ત્યાં સુધી બધું ચાલ્યું. દીકરાએ બધું ડુબાડ્યું. એના માટે મારે સંઘર્ષ તો કરવો જ પડશે. મારાં મા-બાપે પણ એના ભાગનો સંઘર્ષ કર્યો જ હતો. મા-બાપ પાસેથી સંતાને ખરેખર તો કંઇ શીખવા જેવું હોય તો એનો સઘર્ષ છે. દરેક સંતાને જિંદગીમાં એક વખત તો પેરેન્ટ્સ પાસે બેસીને એને પૂછવું જ જોઇએ કે તમે જિંદગીમાં કેટલો સંઘર્ષ કર્યો છે? આપણને ઘણી વખત એવું લાગે કે, એ લોકોએ જે કર્યું છે એ કદાચ હું કરી જ ન શકું. આપણે પણ આપણા પછીની જનરેશનને માત્ર વારસો નથી આપવાનો, આપણા સંઘર્ષના અનુભવો પણ આપવાના હોય છે. એ પણ એક સંસ્કાર જ છે.
એક બીજી સાવ સાચી ઘટના છે. એક પતિ પત્ની હતાં. તેમને એક દીકરી હતી. દીકરી ખૂબ ડાહી અને હોશિયાર હતી. તે ખૂબ સારું ભણી. તેને એક જોબ મળી. એ જોબ બીજા સ્ટેટમાં હતી. પિતાને તો એ જોબ સામે કોઇ વાંધો નહોતો, પણ માતાનો જીવ ચાલતો નહોતો. એક વખત પત્નીએ પતિને કહ્યું, દીકરીને આટલે દૂર જવા દેવી જરૂરી છે? ત્યાં એને બહુ તકલીફ પડશે. આ વાત સાંભળીને પતિએ કહ્યું, એ એની સ્ટ્રગલ છે, એને કરવા દે. મેં એને બેસાડીને પૂછ્યું હતું કે, તારે આ જોબ કરવી છે? તું એ કરી શકીશ? એણે મને હા પાડી છે. જો એની તૈયારી હોય તો આપણે એને રોકવી ન જોઇએ. એ સમજુ અને જવાબદાર છે. એને જે કરવું હોય એ કરવા દે. કંઇ થશે કે ક્યાંય અટકશે તો આપણે બેઠા છીએને. જ્યાં સુધી એ અટકે નહીં ત્યાં સુધી એને ધક્કો દેવાની કોઇ જરૂર નથી. મા-બાપની એક ફરજ એ પણ છે કે, એનાં સંતાનોને જે કરવું હોય એ કરવા દે. ઓવર પ્રોટેક્ટિવ થવાની પણ કંઇ જરૂર હોતી નથી.
બાય ધ વે, કોઇ તમને પૂછે કે, તમે જિંદગીમાં શું સંઘર્ષ કર્યો છે તો તમારી પાસે કહેવા માટે શું છે? થોડુંક નહીં, ઘણું બધું હશે. ઘણી ભૂલો પણ કરી હશે. આપણને ખબર જ હોય છે કે, આપણાથી લોચો થઇ ગયો છે. ઘણાના સંઘર્ષ તો અત્યારે પણ ચાલુ જ હશે. સંઘર્ષ તો રહેવાના જ છે. સંઘર્ષ છે ત્યાં સુધી જ જિંદગી છે. એક ભાઇ હતા. તે પોતાની જોબમાંથી નિવૃત્ત થયા. થોડો સમય તો તેણે આરામ કર્યો, પણ પછી તેને વિચાર આવ્યો કે, આમ ને આમ તો હું ખતમ થઇ જઇશ. મારું મગજ કટાઇ જશે. તેણે પોતાના દીકરાને એક નાના બિઝનેસ માટે વાત કરી. દીકરો સમજી ગયો કે, પિતા નવરા બેસી શકે એમ નથી. જે વ્યક્તિ આખી જિંદગી સતત પ્રવૃત્તિમાં રહ્યા હોય એ નવરા કેવી રીતે બેસી શકવાના છે? પુત્રએ કહ્યું, મેં તમને એક સમયે એવો સવાલ પૂછ્યો હતો કે, હું આમ કરું? એ વખતે તમે કહ્યું હતું કે, બિલકુલ કર, હું તારી સાથે છું. આજે હું તમને પણ એ જ જવાબ આપું છું કે, તમને મન થાય એ બિલકુલ કરો, હું તમારી સાથે છું. પિતાએ કહ્યું, મને એમ હતું કે, તું એમ કહીશ કે હવે આરામ કરોને, શું જરૂર છે, પણ તેં એવું ન કહ્યું એની મને ખુશી છે. સંતાનોને જ નહીં, ઘણી વખત માતા-પિતા અને વડીલોએ પણ એ જે કરવા માંગતા હોય એવું કરતા રોકવા ન જોઇએ. કદાચ એમણે પોતાની જિંદગી અને સંઘર્ષની કોઇ નવી કથા લખવી હશે. સંઘર્ષથી ડરો નહીં. સંઘર્ષનો મક્કમતાથી સામનો કરો. ભવિષ્યમાં આ સંઘર્ષ વિશે જ તમે ગૌરવ લેશો કે, હું ક્યાંય નબળો પડ્યો નહોતો, દરેક પરિસ્થિતિ સામે હિંમતભેર લડ્યો હતો. કોઇને કહેવા અને આપણી જિંદગી જીવવા માટે સંઘર્ષ તો હોવો જ જોઇએ, એ જ તો જિંદગીની મજા છે.
છેલ્લો સીન :
મદદ કરો પણ મદદના નામે કોઈ મૂરખ ન બનાવી જાય એની પણ સાવધાની રાખો. શિકારીઓ જાળ જુદા જુદા નામે અને જુદી જુદી રીતે પાથરતા હોય છે. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 28 જૂન 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *