વફાદારી સ્વાર્થ હોય ત્યાં સુધી જ ટકતી હોય છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

વફાદારી સ્વાર્થ હોય ત્યાં
સુધી જ ટકતી હોય છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


આવવાનું ને જવાનું છે સદા,
જે થવાનું છે એ થવાનું છે સદા,
બંધ થશે એક બાજુ દ્વાર તો,
બીજી બાજુ ખૂલવાનું છે સદા.
– દિનેશ કાનાણી


એક સરસ મજાનો જોક છે. કદાચ તમે સાંભળ્યો પણ હશે. એક ઓફિસમાં બોસ તેની નીચે કામ કરતા બધા કર્મચારીઓને ભેગા કરીને વારેવારે વાહિયાત જોક સંભળાવતો હતો. જોક સાંભળીને બધા કર્મચારી ખડખડાટ હસવા લાગતા હતા. એક વખત બોસે બધાને ભેગા કરીને એક જોક કહ્યો. બધા હસવા લાગ્યા, પણ એક કર્મચારી જરાયે ન હસ્યો. બોસે તેને સવાલ કર્યો, તું કેમ નથી હસતો? એ કર્મચારીએ બહુ સહજતાથી કહ્યું કે, મારી નોકરી બીજી જગ્યાએ પાક્કી થઇ ગઇ છે! ઘણા સંબંધમાં આવું થતું હોય છે. ન ગમતું હોય છતાં મન મારીને ઘણું બધું કરવું પડે છે. ન ગમતા હોય એવા લોકોને રાજી રાખવા પડે છે. દરેક પાસે દુનિયા વિશે કહેવાની ઘણી વાતો હોય છે. આખી દુનિયા સ્વાર્થી છે. લોકોને કામ હોય ત્યાં સુધી સંબંધ રાખે છે. આપણે કંઇક હોઇએ તો બધા હા જી હા કરે છે. સત્તા કે હોદ્દો જાય પછી કોઇ ભાવ પૂછતું નથી. આ બધી વાત બિલકુલ ખોટી નથી. અલબત્ત, તેને પણ સમજવી તો ચોક્કસ જોઇએ. કામ પતી જાય પછી લોકો શા માટે પાછળ પાછળ ફરે? કોઇનું કામ કર્યા પછી આપણી અપેક્ષા પણ એ હોય છે કે, એ યાદ રાખે. આપણો ગણ ન ભૂલે. દુનિયા વિશે જે ઇમેજ હોય છે એના માટે આપણે પણ ઓછા જવાબદાર નથી હોતા. દુનિયાના જે નિયમો છે એ ક્યારેય બદલવાના નથી. લોકોની પ્રકૃતિ યુગોથી જે હતી એ જ રહેવાની છે.
એક સાવ સાચી ઘટના છે. એક ભાઇને તેના એક સ્વજનનું કામ પડ્યું. પેલા ભાઇએ કામ કરી પણ આપ્યું. જેણે કામ સોંપ્યું હતું તેણે દિલથી આભાર માન્યો. તમારા વગર મારું આ કામ થાત નહીં એવું પણ કહ્યું. સમય વીતી ગયો. એક વખતે બંને અચાનક જ ભેગા થઇ ગયા. જેણે કામ કરી આપ્યું હતું એણે કહ્યું કે, તારું કામ પતી ગયું પછી તો તું દેખાયો જ નહીં. આ વાત સાંભળીને પેલા ભાઇએ કહ્યું, હું તમને ડિસ્ટર્બ કરવા માંગતો નહોતો. તમે મારું કામ કર્યું છે એ માટે મને તમારા માટે આદર છે, પણ હું તમારી આગળ પાછળ ફરું એવી મારી પ્રકૃતિ નથી. તમે કંઇ પણ કામ હોય તો કહેજો, મારાથી થઇ શકશે તો હું ચોક્કસ કરી આપીશ. મનમાં તો એને એવું થતું હતું કે, તમે એક વખત કામ કર્યું એમાં શું હું તમારો ગુલામ થઇ ગયો? વારે વારે તમારી પાસે આવીને મારે સલામ મારવાની?
દુનિયામાં એવા લોકોની કમી નથી જે કોઇ કામ કર્યા પછી અહેસાન જતાવતા રહે. કેટલાય લોકોના મોઢે આપણે એવું સાંભળતા હોઇએ છીએ કે, એની કોઇ હેસિયત નહોતી. મેં હેલ્પ કરી ત્યારે એ અહીં સુધી પહોંચ્યો છે. રસ્તો જ મેં બતાવ્યો હતો. દરેક માણસ આગળ વધે એમાં કોઇ ને કોઇનો હિસ્સો હોય જ છે. આપણને પણ જરૂર પડ્યે કોઇએ મદદ કરી જ હોય છે. આપણે તેને કેવી રીતે લઇએ છીએ તેના પરથી આપણા ઇરાદાઓ વર્તાઇ આવે છે. એક બીજો સાવ સાચો કિસ્સો છે. એક યુવાન હતો. તેને એક ભાઇએ મદદ કરી હતી. એના કારણે જ એ આગળ વધી શક્યો હતો. એ યુવાન દરેક જગ્યાએ એવું કહેતો કે, હું આજે જે કંઇ પણ છું એ એમના કારણે છું. એ ન હોત તો કોણ જાણે મારું શું થાત. આ વાતની જ્યારે પેલા ભાઇને ખબર પડી ત્યારે તેમણે એ યુવાનને બોલાવીને કહ્યું કે, બધાને કહેવાની કંઇ જરૂર નથી. મેં એટલે તારું કામ કર્યું નથી કે, તું મારાં ગુણગાન ગાતો ફરે. તને મારા પ્રત્યે લાગણી હોય એ પૂરતું છે. એ પછી તેમણે એક સરસ વાત કરી. તેમણે કહ્યું, મેં તને મદદ કરીને કોઇ મહેરબાની નથી કરી. તને ખબર છે, હું આજે અહીં છું એનું કારણ એ જ છે કે, જ્યારે મારે મદદની જરૂર હતી ત્યારે કોઇએ મને મદદ કરી હતી. તમે કોઇની મદદથી આગળ આવ્યા હોવ ત્યારે તમારી પણ એ ફરજ બને છે કે તમે કોઇને મદદ કરો. એ મદદ ખાનગી અને છૂપી હોવી જોઇએ. આખા ગામમાં ઢંઢેરો પીટવાની કંઇ જરૂર હોતી નથી. જે લોકોને ખબર હોય છે એ હોય જ છે.
થોડાક લોકો એવા પણ હોવાના જ છે જે એનું કામ પતે પછી કોણ તું અને કોણ હું કરીને દૂર થઇ જાય છે. એ પણ માણસની પ્રકૃતિનો જ એક હિસ્સો છે. એવા લોકો દૂર થઇ જાય એ જ આપણા હિતમાં હોય છે. એક ભાઇ હતા. તેને રૂપિયાની જરૂર પડી. નજીકની એક વ્યક્તિ પાસે તેણે રૂપિયા ઉછીના માંગ્યા. પેલા માણસને ખબર હતી કે, આ પાછા આપવાનો નથી. ખબર હોવા છતાં તેણે રૂપિયા ઉછીના આપ્યા. ઉછીના આપનારના મિત્રએ કહ્યું, તને ખબર છે કે એને આપેલા રૂપિયા પાછા આવવાના નથી તો પણ તેં એને આપ્યા? પેલાએ કહ્યું, હા, એટલે જ આપ્યા. મને ખબર છે કે, હવે એ મને દેખાવાનો નથી. હું પણ એવું જ ઇચ્છું છું. તેને દૂર કરવાની આટલી કિંમત બહુ મોટી નથી. જે સંબંધો રૂપિયા પૂરતા જ મર્યાદિત હોય એને વહેલા પૂરા કરી દેવા જોઇએ. એમ સમજવાનું કે, આટલાથી પત્યું!
સ્વાર્થ વિશે એક વાત એ પણ હંમેશાં યાદ રાખવા જેવી છે કે, બધા જ લોકો સ્વાર્થી નથી હોતા. આપણે ઘણી વખત એક બે ખરાબ અનુભવ પછી આખી દુનિયાને ખરાબ સમજી લેતા હોઇએ છીએ. દુનિયામાં સારા લોકો છે જ. એના માટે કંઇ કર્યું હોય એ પછી ભલે એ બોલે નહીં, પણ એના દિલમાં તો એ વાત રહી જ હોય છે કે, મારે જરૂર હતી ત્યારે એ પડખે ઊભા રહ્યા હતા. લોકો દિલથી યાદ કરે એ સૌથી મોટી વાત છે. આપણને મદદ કરી હોય એને આપણે કેટલા યાદ કરીએ છીએ? એક સાવ સાચો કિસ્સો છે. એક કપલ હતું. એને જ્યારે જરૂર હતી ત્યારે એક ભાઇએ મદદ કરી હતી. એની મદદથી બંનેની લાઇફ ઇઝી બની ગઇ હતી. સમય વીતી ગયો. એક વખત પત્નીએ પતિને કહ્યું, એ વ્યક્તિએ આપણને મદદ કરી છે, ક્યારેક તો એમને યાદ કરીને ફોન કરી લે. કંઇ કામ હોય તો પૂછી જો. પતિએ કહ્યું, અરે! એ મોટા માણસો છે. એને આપણા જેવા લોકોનું શું કામ પડવાનું છે? પત્નીએ કહ્યું, સવાલ એ નથી કે કામ પડવાનું છે કે નહીં, સવાલ એ પણ નથી કે આપણે તેને ઉપયોગી થઇ શકીએ એમ છીએ કે નહીં, સવાલ માત્ર એટલો છે કે, આપણે તેને યાદ કરીએ છીએ. આપણા માટે એણે જે કર્યું છે એની આપણને કદર છે. ઘણી વખત કોઇ ચોખવટ કરવાની પણ જરૂર હોતી નથી. લાગણી સીધી સ્પર્શી જતી હોય છે. બધા રોજ મળે એ જરૂરી નથી.
આપણી જિંદગીમાં પણ કેટલાક ચહેરાઓ એવા હોય છે, જે યાદ આવે ત્યારે ખુશી થાય છે. સારો અનુભવ થાય પછી આપણે જ કહેતા હોઇએ છીએ કે, દુનિયામાં સારા માણસોની કમી નથી. એવા લોકોના કારણે જ દુનિયા ચાલે છે. તમે માર્ક કરજો, આપણને પણ જિંદગીમાં ખરાબ અનુભવો કરતા સારા અનુભવો વધુ જ થયા હોય છે. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે, સારી વાતો આપણે યાદ રાખતા નથી અને ખરાબ અનુભવોને ભૂલતા નથી. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે, ખરાબ વર્તન કરવાનો કોઇનો ઇરાદો નથી હોતો. એ પોતે જ એટલા પરેશાન હોય છે કે, એ સારું વર્તન કરી શકતા નથી. આપણે કોઇ મુશ્કેલીમાં હોઇએ અને કોઇ કંઇ કહે ત્યારે આપણે પણ એવું કહેતા હોઇએ છીએ કે, અત્યારે ક્યાં માથું ખાય છે. માણસનું વર્તન એની સ્થિતિ અને સંજોગ પર આધાર રાખે છે. કોઇ માણસને તેના એક વર્તનથી કે એક વાતથી માપવાની ભૂલ ન કરવી જોઇએ. માણસને જાણવામાં પણ સમય લાગતો હોય છે. કોઇને ફટ દઇને ઓળખી શકાતું નથી. કોઇ સ્વાર્થી છે કે નહીં એનો અભિપ્રાય આપવામાં પણ ઉતાવળ કરવી ન જોઇએ. માણસ વિશે ન માનવા જેવું માનીને પણ આપણે એને અન્યાય કરી બેસતા હોઇએ છીએ.
છેલ્લો સીન :
સંબંધમાં ધ્યાન રાખવું જોઇએ એમાં ના નહીં, પણ દરેક સંબંધમાં શંકા કરવી પણ યોગ્ય હોતી નથી. જે સંબંધ ખોટો અને બોદો હશે એ સમય આવ્યે આપોઆપ ઓળખાઇ જવાનો જ છે. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 22 માર્ચ 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *