તમે સારી કે ખરાબ વાત
કોની સાથે શૅર કરો છો?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
આપણી જિંદગીમાં બનતી ઘટનાઓની વાત સિલેક્ટેડ લોકોને જ કરવી જોઈએ
ઘણા લોકો સહાનુભૂતિ મેળવવા માટે પોતાનાં રોદણાં આખા ગામમાં રડતાં હોય છે
અમુક લોકોને સારી વાતો પણ વધારી, ચડાવીને કહેવાની આદત હોય છે!
———–
એક માણસ હતો. તેને એવો વિચાર આવ્યો કે, આપણને કેવી રીતે ખબર પડે કે, કોણ આપણી સૌથી નજીક છે? આ સવાલ તેણે એક મિત્રને પૂછ્યો. મિત્રએ કહ્યું કે, તને સૌથી સારા સમાચાર મળે તો તું સૌથી પહેલાં એ સમાચાર કોને કહે? તું જેને કહે એ વ્યક્તિ તારી સૌથી નજીકની હશે! કોઇ એવોર્ડ મળે, કોઇ ઇનામ મળે, જબરજસ્ત સફળતા મળે કે કંઈ સારું થાય ત્યારે આપણે સૌથી પહેલાં આપણી સૌથી નજીકની વ્યક્તિને જ કહેતા હોઇએ છીએ. આ જ વાત ખરાબ સમાચારને લાગું પડે ખરી? માનો કે, આપણી સાથે કંઈ બૂરું થયું તો પણ શું આપણે એ જ વ્યક્તિને કહીશું જેને આપણે સારા સમાચાર સૌથી પહેલાં આપતા હોઇએ? એવું જરૂરી નથી. ઘણી વખત માણસ ખરાબ સમાચાર સૌથી વહાલી વ્યક્તિને ન પણ આપે. એ હર્ટ થશે, એનાથી સહન નહીં થાય, સમયની નજાકત જોઇને તેની સાથે વાત કરવી પડશે! આવું વિચારીને માણસ સમાચાર મોડા આપે, જો અવોઇડ કરી શકાય એમ હોય તો એ વાત ન પણ કરે! બાય ધ વે, તમારી પર્સનલ વાત પછી એ સારી હોય કે નરસી, તમે કોને કોને કહો છો? તમે જેને કહો છો એનું રિએક્શન કેવું હોય છે? મોઢામોઢ તો લોકો સારું જ કહેવાના છે પણ ખરેખર એ બધા દિલથી ખુશ થતા હોય છે ખરા? આપણા દુઃખે દુ:ખી થનારા ઘણા હોય છે પણ આપણા સુખે સુખી થનારા લોકોની સંખ્યા બહુ ઓછી હોય છે. હવે તો લોકો સાવ નાનકડી વાત હોય તો પણ સોશિયલ મીડિયા પર ચડાવી દે છે. મેં આમ કર્યું, આ સિદ્ધિ પ્રાપ્ત કરી, આ એવોર્ડ મેળવ્યો, મને આ ઇનામ મળ્યું, મેં નવી કાર ખરીદી, નવું મકાન લીધું એથી માંડીને હું અહીં ફરવા આવ્યો છું ત્યાં સુધીની વાતો આપણે સોશિયલ મીડિયા પર ચડાવી દઇએ છીએ. આપણી પોસ્ટ લાઇક કરનારા અને કમેન્ટ્સમાં અભિનંદન આપનારાઓમાંથી ખરેખર કેટલા લોકો દિલથી રાજી થયા હોય છે? લાઇક કરતી વખતે પણ ઘણા લોકો મનમાં એવું જ બોલતા હોય કે, મેળ પડી ગયો લાગે છે ક્યાંકથી! અથવા તો આ બધું તેં કેવી રીતે કર્યું એ ખબર છે! ઘણા વળી એવું પણ વિચારતા હોય છે કે, નસીબનો બળિયો છેને કંઈ! છેલ્લે કંઇ નહીં તો એવું વિચારનારા પણ છે કે, આને તો દરેક વાતનો દેખાડો જ કરવો હોય છે!
હવે એક મહત્ત્વનો સવાલ. સારા સમાચાર બધાને આપવા જોઇએ કે નહીં? હમણાં તેના વિશે એક રસપ્રદ વાત બહાર આવી છે. પહેલી વાત તો એ કે, બધી વાત બધાને કરવાની કંઈ જરૂર નથી. જે વાત જેની સાથે શૅર કરવા જેવી હોય એની સાથે જ વાત શૅર કરવી. બધા લોકો આપણી વાતને લાયક પણ નથી હોતા. બધાને એનાથી કશો ફેર પણ પડતો હોતો નથી. તમારા ખબર, તમારા અપડેટ્સ, તમારી પોઝિટિવ વાતો એને જ કહો જેને એનાથી ખરેખર ફેર પડતો હોય! દરેકની સામે રોદણાં રડવાનો જેમ કોઇ મતલબ નથી હોતો, તેવી જ રીતે બધાની સામે સારી વાત કરવાની પણ કોઇ જરૂર હોતી નથી. એનું કારણ એ છે કે, રાજી થવાવાળા બહુ ઓછા લોકો હોય છે.
અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી દ્વારા હમણાં કયા સમાચાર કોને આપવા એ મુદ્દે રસપ્રદ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ સ્ટડી બાદ યુનિવર્સિટીના નિષ્ણાતોએ એવું કહ્યું હતું કે, પોઝિટિવ ન્યૂઝ બને ત્યાં સુધી પોતાના સુધી મર્યાદિત રાખવા. તેનાથી એક ઊર્જા મળે છે. આપણે પોતે આપણી સાથે બનેલી સારી ઘટનાથી ખુશ હોઇએ એ પૂરતું છે. કોઇ સારી ઘટનાને બહારના લોકોના સમર્થનની જરૂર હોતી નથી. આપણને જે પ્રાપ્ત થાય છે એ આપણી મહેનતના કારણે હોય છે. કોઈના કંઈ પણ અભિપ્રાયથી પ્રભાવિત થવાની જરૂર નથી. કોઇ બિરદાવે એ ચોક્કસ ગમે પણ બિરદાવવાવાળા ખરેખર શું વિચારતા હશે એ કોઇને ખબર હોતી નથી. બે ઘડી માની લો કે, તમે સારા સમાચાર બધા સાથે શૅર કર્યા અને તમને એવી ખબર પડે કે, કોઈ તમારા વિશે એવું કહેતું હતું કે, એમાં શું નવીનવાઈ કરી, એવું કરવાવાળા તમે કંઈ એકલા થોડા છો? આવું તો ઘણાએ કર્યું છે! આવી વાત જાણી તમને નિરાશા થશે. સંબંધોમાં પણ ગેપ આવશે. ઓવરઓલ એનાથી માનસિક સ્વાસ્થ્યને પણ અસર થશે.
એક સાવ સાચી ઘટના છે. એક છોકરીને સારી જોબ મળી. તેણે સોશિયલ મીડિયા પર કંઈ ન લખ્યું. તેની ફ્રેન્ડે કહ્યું કે, તેં કેમ આ વાત શૅર ન કરી? એ છોકરીએ કહ્યું કે, મારે જેને કહેવું હતું એને મેં પર્સનલ મેસેજ કરીને અથવા તો કૉલ કરીને કહી દીધું. બધાને કહેવાની મને કોઇ જરૂર લાગતી નથી! તેની ફ્રેન્ડે કહ્યું કે, અરે, દુનિયા બળતી હોય તો બળવા દેવાની, લોકોને ખબર પડવી જોઇએ કે આપણે જરાયે ઓછા ઊતરીએ તેમ નથી. છોકરીએ કહ્યું કે, મારે એવું કંઈ કરવું નથી. મારે કોઇને જલાવવા પણ નથી અને કોઇ મારી વાહવાહી કરે એવું પણ જોઇતું નથી. અલબત્ત, આવું બહુ થોડા લોકો વિચારે છે. હવે તો લોકો નાનીનાની વાતો સોશિયલ મીડિયા પર ચડાવી દે છે. અલબત્ત, કોને કહેવું, કોને ન કહેવું, શું કહેવું, શું ન કહેવું એ વિશે દરેકની પોતપોતાની માન્યતા હોય છે.
કોલંબિયા યુનિવર્સિટીના અભ્યાસ મુદ્દે ઘણાએ જાતજાતના સવાલો પણ કર્યા છે કે, સારી વાત હોય તો કહેવામાં શું વાંધો? જેને જે રિએક્શન આપવાં હોય એ આપે. હા, એ સ્વીકારવાની આપણી તૈયારી હોવી જોઇએ. હવે એક બીજી વાત. આ અભ્યાસમાં એવું પણ કહેવાયું છે કે, તમારા સારા સમાચાર બીજા કોઇના માટે તણાવનું કારણ પણ બની શકે છે. તમે કોઈ સિદ્ધિ મેળવી ત્યારે તેને એવું થઇ શકે છે કે, હું કંઈ કરી શકતો નથી કે કરી શકતી નથી. તમે માર્ક કરજો, કોઇને જોઈને આપણને ખુદને ક્યારેક એમ થાય છે કે, બધા કેટલું બધું કરે છે, આપણે તો કંઇ ન કરી શક્યા. ઘણાને તો પોતાની જિંદગી જ એળે ગઇ હોય એવા વિચારો આવે છે. આવા વિચારો સરવાળે નુકસાનકારક સાબિત થાય છે. દરેક વ્યક્તિ જુદી છે. દરેક વ્યક્તિ યુનિક છે, દરેકમાં કંઈક ખૂબીઓ હોય છે અને કેટલીક ખામીઓ પણ હોય છે. સરખામણી કરવાનો કોઇ મતલબ હોતો નથી. કમ્પેરિઝન હંમેશાં હતાશા આપે છે. માનો કે, કોઇ સફળતા મળી તો એ પછી એ ટકાવી રાખવાનું ટેન્શન રહે છે અને એ સમયે પણ છેલ્લે તો એવો જ વિચાર આવશે કે, લોકો શું કહેશે? મારી ઇમેજનું શું થશે? સાચી વાત એ છે કે, અપ-ડાઉન આવતાં રહેવાનાં છે. છેલ્લે તો ગીતામાં જે સ્થિતપ્રજ્ઞ રહેવાની વાત કરી છે એ સમજવા અને અપનાવવા જેવી છે. સુખમાં જે છકી જતો નથી અને દુ:ખમાં જે ડગી જતો નથી એ સ્થિતપ્રજ્ઞ છે. સારા સમાચાર ચોક્કસ શૅર કરો પણ એની સાથે જે તમારી સફળતાથી ખુશ થતાં હોય. આમ તો સંશોધકોએ જે કહ્યું એ વાત આજના સમયમાં કોઈના ગળે ઊતરે એવી નથી, બધાએ બધાને બધું જ કહેવું હોય છે, જેને જે લાગવું હોય એ લાગે, વ્હૂ કેર્સ! બાય ધ વે, તમે શું માનો છો, કયા સમાચાર કોની સાથે શૅર કરવા જોઇએ?
હા, એવું છે!
દરેકની જિંદગી માટે એક સવાલ ખરેખર મહત્ત્વનો હોય છે. મારી લાઇફ સાથે આખરે કેટલા લોકોને લાગેવળગે છે? હું છું તો કેટલા લોકોને ફેર પડે છે? હું ન હોવ તો કોને શું ફેર પડે છે? દરેક વ્યક્તિએ આ પ્રશ્નોના જવાબો મેળવીને યોગ્ય સંબંધોની માવજત કરવી જોઇએ અને અયોગ્ય સંબંધોથી મુક્તિ મેળવી લેવી જોઈએ!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 13 ડિસેમ્બર 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com