મને હેરાન કરવામાં તને શું મજા આવે છે? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મને હેરાન કરવામાં તને
શું મજા આવે છે?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


હર એક રુહ મેં ઈક ગમ છુપા લગે હૈ મુઝે,
યે જિંદગી તો કોઈ બદ-દુઆ લગે હૈ મુઝે,
ન જાને વક્ત કી રફતાર ક્યા દિખાતી હૈ,
કભી કભી તો બડા ખૌફ સા લગે હૈ મુઝે.
-જાઁ નિસાર અખ્તર


આખી જિંદગીમાં માણસને અસંખ્ય લોકો સાથે પનારો પડતો હોય છે. કેટલાંક લોકોના કારણે આપણી જિંદગી જીવવા જેવી બનતી હોય છે. કેટલાંક લોકો એવા પણ જિંદગીમાં આવતા હોય છે જે ક્યારેક આપણું જીવવું હરામ કરી નાખે છે. આપણે જેને સારા સમજીને સંબંધ રાખ્યો હોય એનું જ જ્યારે સાચું પોત પ્રકાશે ત્યારે એમ થાય છે કે, આના પર ભરોસો કરીને મેં મારી જિંદગીની સૌથી મોટી ભૂલ કરી છે. માણસનાં સુખ કે દુ:ખનો આધાર એના પર રહેતો હોય છે કે, એ પોતાની જિંદગીમાં કેવા લોકોને આવવા દે છે? માણસની પસંદગીમાં જો થાપ ખાઇ જવાય તો મુશ્કેલી સર્જાય છે. એમાં પણ મુશ્કેલીની વાત એ છે કે, દરેક માણસ ક્યાં એમ જલદી વર્તાતા હોય છે. એક યુવાનની આ વાત છે. તેની સાથે એક છોકરી સ્ટડી કરતી હતી. બંને વચ્ચે દોસ્તી થઈ. દોસ્તી ધીમેધીમે પ્રેમમાં પલટાઈ. થોડો સમય તો બધું બરાબર ચાલ્યું. એ છોકરી બાદમાં જોહુકમી કરવા લાગી. તારે આમ જ કરવાનું છે. તારે તેમ નથી કરવાનું. એ છોકરાની હાલત કફોડી થઇ ગઇ. તેણે બ્રેકઅપ કરવાનું નક્કી કરી નાખ્યું. પ્રેમિકાને જુદા પડવાની વાત કરી તો એ વધુ ઉશ્કેરાઈ. તું એમ મારાથી જુદો જ કેમ થઇ શકે? મારી ઇચ્છા વિરુદ્ધ તને મારાથી પણ દૂર થવા નહીં દઉં. દૂર જવાનું વિચાર્યું છે તો હું તને બદનામ કરી દઇશ. છોકરી રીતસર ટોર્ચર કરતી હતી. છોકરો ડિપ્રેશનમાં ચાલ્યો ગયો. તેના ઘરના લોકોને સાચી વાતની ખબર પડી ત્યારે એણે છોકરીને કહ્યું કે, સીધી રીતે તું એનાથી દૂર થઇ જાય છે કે પછી તારા ઘરના લોકોને તું શું કરે છે એની વાત કરીએ? આખરે માંડમાંડ એ છોકરીએ તેને મુક્ત કર્યો. અમુક લોકો અજગર જેવા હોય છે, એ ભરડામાં લે પછી તેમાંથી મુક્ત થવું આસાન નથી હોતું. ક્યારેક તો ત્યાં સુધીનો વિચાર આવી જાય છે કે, મેં આ ભવમાં નહીં તો ગયા ભવમાં નક્કી કોઈ પાપ કર્યાં હશે તે મારે આને મળવાનું થયું.
આપણી જિંદગીમાં આવતા લોકો બહારના હોય તો હજુયે કોઈ ને કોઈ રીતે તેનાથી મુક્તિ મેળવી શકાય પણ એ જો નજીકના જ હોય ત્યારે હાલત વધુ કફોડી થઇ જાય છે. એક છોકરી હતી. તેના મેરેજ થયા. એરેન્જ મેરેજ હતા. લગ્ન બાદ જોઇન્ટ ફેમિલીમાં રહેવાનું હતું. હસબન્ડનો નેચર તો સારો હતો પણ ઘરના બીજા લોકો માથાભારે હતા. જેઠ અને જેઠાણીનું ઘરમાં વર્ચસ્વ હતું. થોડો સમય તો તેણે બધાનું સહન કર્યું પણ પછી એ પણ જેવા સાથે તેવા થવા લાગી. તેણે પતિને કહ્યું કે, તમે સારા છો પણ બાકીના બધા મનફાવે એ રીતે વર્તે એ સહન ન કરી શકું. પતિ સમજતો હતો કે, પત્નીની વાત સાચી છે પણ એ ઘરના લોકોને કંઈ કહી શકતો નહોતો. રોજે રોજ ઘરમાં કોઈ ને કોઈ મુદ્દે કકળાટ થતો રહેતો. આખરે છોકરીએ એના પતિને કહ્યું કે, મારે ડિવૉર્સ જોઈએ છે. પતિએ કહ્યું, તું મને એટલું કહીશ કે જે થઇ રહ્યું છે એમાં મારો વાંક ક્યાં છે? પત્નીએ કહ્યું, સાચી વાત છે. તમારો કંઈ વાંક નથી પણ હવે મને એટલું કહો કે, જે થઈ રહ્યું છે એમાં મારો વાંક ક્યાં છે? ઘણી વખત આપણો વાંક નથી હોતો તો પણ આપણે ભોગવવું પડતું હોય છે, આવા સંજોગોમાં કોઈ રસ્તો શોધી લેવો એ જ વિકલ્પ હોય છે.
જિંદગીમાં દરેક સંબંધ ક્યારેક એ હદે પહોંચતો હોય છે જ્યારે આપણે એ સંબંધ અંગે જ કોઈ નિર્ણય કરવો પડે છે. ટુ બી ઓર નોટ ટુ બી જેવી સ્થિતિ સર્જાય છે. એ વખતે આપણે નક્કી કરવું પડતું હોય કે, શું સાચું છે અને શું ખોટું છે. આપણે સંબંધ ખાતર ઘણી વખત જે ખોટું હોય એ પણ સહન કરતા હોઇએ છીએ. ક્યારેક એવું વિચારીને પણ મન મનાવતા રહીએ છીએ કે, ધીરેધીરે બધું સરખું થઇ જશે. આપણે રાહ જોતા રહીએ છીએ કે ક્યારે બધું સરખું થાય અને ક્યારે હળવાશ લાગે! એ સમય ઘણી વખત આવતો જ નથી. આપણે પોતે આપણી જાતને પણ ઘણી વખત ટાઇમ લિમિટ આપવી પડતી હોય છે. એક હદ સુધી પહોંચી ગયા પછી ફાઇનલ ડિસિઝન પર આવવું જ પડતું હોય છે. ખોટું સહન ન કરવું જોઇએ. એક છોકરીની આ વાત છે. એના મેરેજ થયા હતા. પતિ ખૂબ ધનવાન પણ બગડેલો યુવાન હતો. એ મનફાવે એમ જિંદગી જીવતો હતો. પત્ની પર પણ જોહુકમી કરતો હતો. વાત ધીમેધીમે ધાક-ધમકી અને માર મારવા સુધી પહોંચી ગઈ. આખરે પત્નીએ નક્કી કરી લીધું કે, હવે આની સાથે નથી રહેવું. તેણે ડિવૉર્સનો કેસ ફાઇલ કર્યો. તેની એક ફ્રેન્ડે કહ્યું કે, તારી પાસે તો કંઈ નથી. ડિવૉર્સ લઇને તું શું કરીશ? તેં કોઈ દિવસ ક્યાંય જોબ કરી નથી. તારી લાઇફ સામે ઘણી બધી ચેલેન્જીસ અને મુશ્કેલીઓ હશે. એ છોકરીએ કહ્યું, સાચી વાત છે ઘણી મુશ્કેલી હશે પણ એ મુશ્કેલી મારી પોતાની હશે, અહીં તો મારા માથે મુશ્કેલીઓ લાદી દેવામાં આવી છે. તમારું અસ્તિત્વ જ ન હોય એ સ્થિતિ બહુ ખરાબ છે. મારી મુશ્કેલીઓનો સામનો હું કરી લઇશ. એક્ચ્યુઅલી તો ડિવૉર્સ એ પણ એક પ્રકારની મુશ્કેલીનો સામનો જ છે.
દરેક માણસને એક વખત તો એવો વિચાર આવ્યો જ હોય છે કે, મારે બધા સાથે સારી રીતે રહેવું છે. સારું વર્તન કરવું છે. કોઇએ પોતાની જિંદગી હાથે કરીને પરેશાનીવાળી કરવી હોતી નથી. બધાએ સરવાળે તો જિંદગી સરસ રીતે જ જીવવી હોય છે. મુસીબત ત્યારે ઊભી થાય છે જ્યારે આપણા પર જબરજસ્તીથી કંઈક લાદી દેવામાં આવે છે. દુનિયામાં એવા લોકો પડ્યા છે જેને બીજાને હેરાન કરવામાં સેડેસ્ટિક પ્લેઝર મળે છે. આ દુનિયામાં બીજાને દુ:ખી કરીને પિશાચી આનંદ મેળવનારા લોકોની કોઈ કમી નથી. આવા લોકો આપણી આજુબાજુમાં પણ હોય છે. અમુક લોકોની ફિતરત જ એવી હોય છે કે, એ પોતે ખુશ રહેતા નથી અને કોઇને ખુશ રહેવા દેતા નથી. આવું કોઇ ભટકાઇ જાય ત્યારે એની સાથે સંઘર્ષમાં ઊતરવું પડે છે. આપણી જિંદગી પર છેલ્લે તો આપણો જ અધિકાર હોવો જોઇએ. પ્રેમ ખાતર આપણી વ્યક્તિ માટે કંઇ પણ કરી છૂટીએ પણ જબરજસ્તીથી તો કંઈ જ નહીં. આપણે પોતાના લોકો માટે ખેંચાઇને પણ ઘણુંબધું કરતા હોઇએ છીએ પણ તેની સાથે આપણો પ્રેમ અને લાગણી જોડાયેલાં હોય છે. આપણી વ્યક્તિ પાસેથી એનો પ્રતિસાદ પણ મળતો હોય છે. પોતાની વ્યક્તિ બે શબ્દો કહે તો પણ આપણો બધો થાક ઊતરી જતો હોય છે. એના માટે જરૂરી એ હોય છે કે, સ્નેહની સરવાણી બંને તરફથી સતત વહેતી હોય. સંબંધ જો એક તરફનો હોય તો એ લાંબો ટકતો નથી. એનો અંત આવે જ છે. કેટલાંક સંબંધમાં અંત એ જ અંતિમ વિકલ્પ હોય છે. જતું કરો, તક આપો, જે થાય એ બધું જ કરી છૂટો, એ પછી પણ જો કોઇ બદલાવ ન થાય તો રસ્તો બદલી નાખો. જિંદગીના અમુક મુકામ પર આપણે આપણી જાતને ત્રિભેટે ઊભેલી જોતાં હોઈએ છીએ, એ સમયે સાચો રસ્તો શોધવામાં મોડું કરવું ન જોઇએ. આપણી વ્યક્તિ આપણી જિંદગીને વધુ બહેતર અને જીવવા જેવી બનાવવી જોઇએ. આપણી પણ એ જવાબદારી હોય છે કે, આપણે આપણી વ્યક્તિને હળવાશ આપીએ. છેલ્લે તો એ જ મળવાનું છે જે આપણે આપ્યું હોય છે!
છેલ્લો સીન :
જિંદગીમાં ઘણુંબધું એવું બનતું હોય છે, જે આપણને સમજાતું નથી, ગળે ઊતરતું નથી કે માન્યામાં આવતું નથી. આવા સમયે તેને સમજવાનો પ્રયાસ છોડી દેવો એ જ હિતાવહ હોય છે. ક્યારેક જિંદગી જેમ ચાલતી હોય એમ ચાલવા દેવી જોઇએ. જિંદગી આપોઆપ પોતાનો રસ્તો કરી લેશે. આપણને પણ આપણાથી મુક્ત થતા આવડવું જોઇએ! – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 19 નવેમ્બર, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *