ફેસ્ટિવલ મૂડ : તહેવારોમાં માણસ થોડોક સંવેદનશીલ બનતો હોય છે! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

ફેસ્ટિવલ મૂડ : તહેવારોમાં માણસ
થોડોક સંવેદનશીલ બનતો હોય છે!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

તહેવારો માણસને રિફ્રેશ કરે છે. તહેવારો ન હોત તો કદાચ
માણસ પણ `હેંગ’ થઈ જાત! સમયની સાથે તહેવારો ઊજવવાની રીતો પણ બદલાતી રહે છે!


———–

દિવાળીના તહેવારોનું કાઉન્ટ ડાઉન ચાલી રહ્યું છે. રંગ અને પ્રકાશના આ પર્વની તૈયારીઓ ઘણા સમયથી શરૂ થઇ જતી હોય છે. આમ તો નવરાત્રિથી જ તહેવારોનો માહોલ સર્જાઈ જતો હોય છે. સમયની સાથે બધું બદલાતું રહે છે. એક સમય હતો જ્યારે દિવાળીની બહુ દિવસો પહેલાં આગોતરી તૈયારીઓ થઇ જતી હતી. વાત સફાઇની હોય કે બીજી કોઇ ખરીદીની હોય, પ્લાનિંગ થતાં હતાં. હવે બધું ઇઝી થઇ ગયું છે. સફાઇ માટે પણ એજન્સીઓ કામ કરવા લાગી છે. ઓનલાઇન બુક કરાવી દો એટલે ઘર ક્લીન કરી આપવામાં આવે છે. અલબત્ત, આમ છતાં હજુ ઘણી મહિલાઓ હજુ એવી છે જેને પોતાના ઘરની સફાઈ પોતાના હાથે જ કરવી ગમે છે. ઘરની દરેક ચીજવસ્તુ પર પોતાના હાથ ન ફરે ત્યાં સુધી સંતોષ થતો નથી. બહારના લોકો કંઇ આપણા જેવું કામ થોડા કરવાના છે એવું ઘણાંનાં મોઢે સાંભળવા મળે છે. સફાઈ વખતે કેટલીક યાદો પણ સળવળીને બેઠી થઇ જતી હોય છે. ઘરની દરેક ચીજ સાથે સંભારણાં જોડાયેલાં હોય છે. ક્યારે લીધી હતી, એ લેવા માટે કેટલી મહેનત કરી હતી, કેવો રોમાંચ થયો હતો, એ બધું યાદ આવી જાય છે. એક મહિલાની આ સાવ સાચી વાત છે. પૈસેટકે ખૂબ જ સુખી આ મહિલા દર વર્ષે ઘરનું કામ પોતે જ કરે. દીકરી મોટી થઇ એ પછી એ પણ સફાઈમાં માને મદદ કરાવવા લાગી. દર વર્ષે મા એક જૂની શેતરંજી સાચવીને રાખી મૂકે. એક વખત દીકરીએ કહ્યું, આ શેતરંજી તો બહુ જૂની છે. આને જવા દો હવે. માએ દીકરી સામે જોઇને કહ્યું, ના, આ શેતરંજી તો હું જીવીશ ત્યાં સુધી સાચવવાની છું. પછીની મને ખબર નથી. જ્યારે ઘરમાં ગાદલું નહોતું ત્યારે અમે બંનેએ આ શેતરંજી માંડમાંડ ખરીદી હતી. આ શેતરંજી અમારું બિસ્તર હતી. એ સમયે કોઇ ફરિયાદ નહોતી પણ આ અમારા એ દિવસોની યાદગીરી છે જ્યારે એક એક રૂપિયો સમજીવિચારીને વાપરવો પડતો હતો. આ શેતરંજી અમારી લાગણીનું પ્રતીક તો છે જ, સાથોસાથ એ પણ યાદ અપાવે છે કે અત્યારે જે છે એનું કોઈ અભિમાન કરવાનું નથી. આપણા દરેકના ઘરમાં એવું તો કંઇક હશે જ, જેની સાથે કોઇ ઇમોશનલ કે ટચી સ્ટોરી જોડાયેલી હશે!
મોટી ઉંમરના કોઈ વડીલને પૂછશો કે, તમારા વખતની દિવાળી અને અત્યારની દિવાળીમાં શું ફેર છે તો એ તમને કેટલીયે કથાઓ સંભળાવશે. દરેકના ફેમિલી ટેઇલર હતા. દિવાળી આવે એ પહેલાં ઘરે ટેઇલર બેસાડવામાં આવતા, જે ઘરના બધા લોકોનાં કપડાં સીવી આપતા. દિવસ નક્કી જ રહેતો કે, નવરાત્રિ પછી આવી જવાનું. શહેરમાં પણ કેટલાંક ટેઇલર એવા હતા જેને ત્યાં કપડાં સીવડાવવા માટે બુકિંગ કરાવવું પડતું હતું. કપડાં જ નહીં, જૂતાં પણ બનાવડાવવામાં આવતાં હતાં. હવે તો બધું રેડીમેડ મળે છે. ઓનલાઇન ઓર્ડર કરી દો એટલે ઘરેબેઠા કપડાં અને જૂતાં આવી જાય છે. કાપડ ખરીદીને સીવડાવવાનું તો હવે ભુલાઈ જ ગયું છે. રોશનીના નામે દીવડાં જ હતાં. દીવા પણ સાદા હતા, અત્યારે જોવા મળે છે એવા ફેન્સી નહોતા. ગ્રીટિંગ કાર્ડ છપાવવામાં આવતાં, પોસ્ટથી મોકલવામાં આવતાં. હવે મોબાઇલમાં શુભેચ્છાઓ ફોરવર્ડ કરી દેવાય છે. ઘરે મીઠાઇઓ બનતી હતી. હજુ ઘણી પરંપરાઓ ચાલુ છે પણ બધું જ બહારથી ખરીદીને ઘરમાં ગોઠવી દેવાનું. ઘરે કંઈ બનાવવાનો કોઇને સમય જ ક્યાં છે! અગાઉના સમયમાં મા-બાપ સંતાનોને સવારમાં ખૂબ જ વહેલા ઉઠાડી દેતાં હતાં એટલે તહેવારનો દિવસ પણ લાંબો લાગતો હતો. અત્યારે ફેર એટલો પડી ગયો છે કે, દિવસ નહીં પણ રાત લાંબી લાગે છે.
અગાઉનું બધું ભવ્ય હતું અને અત્યારે બધું ખાડે ગયું છે એવું કહેવાનો જરાયે ઇરાદો નથી, સમયની સાથે બધું બદલાય એ સ્વાભાવિક છે. અગાઉના સમયમાં તહેવારોના દિવસોમાં ઘર બંધ કરવું કે બહાર ફરવા જવાનું યોગ્ય ગણાતું નહોતું. તહેવારોના દિવસે ઘરનાં બારણાં પણ ખુલ્લાં રાખવામાં આવતાં. હવે મોટા ભાગના લોકો બહુ પહેલેથી ફરવાનાં પ્લાનિંગ કરી નાખે છે. હવે દિવાળીના તહેવારોમાં શહેરો ખાલી ભાસે છે. ઘણા લોકો એની ટીકા કરે છે પણ પતિ-પત્ની બંને કામ કરતાં હોય, માંડમાંડ રજા મળતી હોય ત્યારે રજામાં ફરવા ચાલ્યાં જાય તો એમાં કશું ખોટું નથી. સરવાળે તો દરેકને પોતાની રીતે જીવવાનો અને મજા કરવાનો અધિકાર છે.
જેમજેમ તહેવાર નજીક આવતો જાય છે તેમતેમ માણસના મૂડમાં પણ ફેર પડતો જાય છે. તહેવારમાં માણસ વધુ સંવેદનશીલ બની જાય છે. જવા દેને, આ દિવસોમાં કંઈ માથાકૂટ નથી કરવી. તહેવારોમાં માણસ ઉદાર પણ બનતો હોય છે. કોઈ ગરીબને જુએ તો એને તેના માટે કરુણા ઉપજે છે. કોઇકનું સારું કરવાનું મન થાય છે. સરવાળે એવું પણ કહી શકાય કે, તહેવારો માણસને સારા માણસ બનાવે છે. પૂજા અને વિધિઓના કારણે મન થોડુંક તો પવિત્ર થાય જ છે. બીજા દેશોના તહેવારો અને ફેસ્ટિવલ્સની સરખામણીમાં આપણા દેશના તહેવારો એ રીતે જુદા પડે છે કે, આપણા તહેવારો સાથે ધર્મ, આસ્થા, આદર અને પ્રેમ જોડાયેલાં છે. સમાજજીવન માટે પણ એ જરૂરી માનવામાં આવે છે.
ફેસ્ટિવલ મૂડની એક બીજી લાક્ષણિકતા એ પણ છે કે, માણસના એકબીજા પરના વર્તનની અસર સામાન્ય સંજોગોની સરખામણીમાં વધુ તીવ્ર થઇ જાય છે. ઘરમાં સામાન્ય બાબતમાં ના પાડો તો તરત જ લાગી આવે છે. મારી સાથે દિવાળીના સમયમાં આવું કર્યું હતું એ યાદ રહી જાય છે. સામા પક્ષે દિવાળીના તહેવારોમાં થોડુંક વધુ ધ્યાન રાખીએ તો સંબંધ વધુ મજબૂત પણ બને છે. એ બધું તો ઠીક છે પણ સૌથી મહત્ત્વની વાત આપણામાં આવતાં પરિવર્તનની છે. માણસને એક બ્રેક મળે છે. એ વાતથી તો કોઇ ઇનકાર કરી શકે એમ નથી કે, મોટા ભાગના લોકો અત્યારે કોઇ ને કોઇ ક્રાઇસીસમાંથી પસાર થઇ રહ્યા છે. સ્ટ્રેસ દરેકની લાઇફનો એવો હિસ્સો બની ગયો છે કે, ગમે એટલા પ્રયાસો બાદ પણ એનાથી છુટકારો મળતો નથી. ક્યાંકથી નાનાઅમથા સારા સમાચાર મળે તો પણ સારું લાગે છે. એક રીતે જોવા જઇએ તો ગયાં વર્ષોની સરખામણીમાં આ વર્ષે દિવાળી પ્રમાણમાં સારી છે. કોરોનાનો કપરો કાળ આપણે જોયો છે. એની નાનીમોટી અસરો હજુ ઘણાંની લાઇફમાં વર્તાઈ રહી છે. સારા દિવસોમાં એ યાદ કરવાની કોઇ જરૂર નથી. જે ગયું એ ગયું. આવનારા સમયને એન્જોય કરીએ. દિવાળીમાં સફાઈનો મહિમા છે એની સાથે આપણે પોતે પણ થોડાક સાફ, હળવા અને પ્રજ્જ્વલિત થઇએ. દિવાળી ઘણુંબધું નક્કી કરવાનો મોકો પણ આપે છે. નવા વર્ષે બીજું કંઈ ન કરીએ તો એટલું તો નક્કી કરીએ જ કે, હું મારી જિંદગી મસ્ત રીતે જીવીશ. લોકો જિંદગીને ઘણી વખત વધુ પડતી ગંભીરતાથી લઇ લેતા હોય છે. લાઇફ પ્રત્યેના વધુ પડતા વિચારો પણ જિંદગીને સરવાળે ભારે જ બનાવતા હોય છે. જિંદગી ચાલતી રહેવાની છે. આપણે એ નક્કી કરવાનું હોય છે કે, આપણે કેવી રીતે જિંદગી જીવવી છે? હળવા રહો, જિંદગી જીવવાની મજા આવશે. બધાના તહેવારો ખૂબ જ સારા રહે અને લાઇફમાં થોડોક રંગ અને પ્રકાશ ઉમેરાય તો દિવાળી સાર્થક.
હા, એવું છે!
દુનિયાના ઘણા દેશોમાં તહેવારોની સંખ્યા ઓછી હતી. એ દેશોના બુદ્ધિશાળી લોકોએ કાર્નિવલ અને બીજાં સેલિબ્રેશનના નામે ઉજવણીઓ શરૂ કરાવી. ફેસ્ટિવલ અને સેલિબ્રેશન માણસને ડિપ્રેશનથી દૂર રાખે છે એવું અનેક રિસર્ચમાં પુરવાર થયું છે.
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 08 નવેમ્બર, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *