હું દરેક સંજોગોમાં
તારી સાથે જ છું!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
દરિયો નહીં તો મોજું દેજે, થોડામાંથી થોડું દેજે,
અમે અમારી રીતે લખશું, અમને પાનું કોરું દેજે.
-તેજસ દવે
પ્રેમ, સંબંધ, લાગણી, સ્નેહનાં કોઈ કારણો હોતાં નથી. કોઈ શા માટે ગમે છે? કેમ કોઈ પોતાનું લાગે છે? કેમ કોઈના માટે કંઈ પણ કરી છૂટવાનું મન થાય છે? એવા બધા સવાલોના કોઈ જવાબ મળતા હોતા નથી. કેટલીક વાતોના જવાબો મેળવવાના પ્રયાસો પણ કરવા ન જોઇએ. સાચી વાત એ હોય છે કે, હું તારી સાથે છું અને તું મારી સાથે છે. પ્રેમને કોઇ સ્ટેટસ, કોઇ ક્ષમતા કે કંઇ જ જરૂર પડતી નથી. એ અલૌકિક રીતે જિવાતો હોય છે. સાચો પ્રેમ દેખાઇ અને વર્તાઇ આવે છે. એક પતિ-પત્ની હતાં. બંને વચ્ચે કંઇક ખૂટતું હતું. ઝઘડતાં નહોતાં પણ જે ઇન્ટિમસી હોવી જોઇએ એ દેખાતી નહોતી. અચાનક બંને સરસ રીતે રહેવા લાગ્યાં. પત્નીની એક ફ્રેન્ડે પૂછ્યું, આ બદલાવનું કારણ શું છે? પત્નીએ કહ્યું, એક દૃશ્ય! તેણે કહ્યું, હું અને મારો હસબન્ડ એક વખત ગેલેરીમાં ઊભાં હતાં. અમારા ઘરની સામેના પ્લૉટમાં એક મકાન ચણાઈ રહ્યું છે. એક યંગ કપલ ત્યાં કડિયાકામ કરે છે. લંચબ્રેક પડ્યો એટલે પત્નીએ પતિને બોલાવ્યો. પતિએ કળશો પાણી ભરી લાવી પત્નીના હાથ ધોવડાવ્યા. બંને પછી સાથે જમ્યાં. પતિ પત્ની માટે પાણીનો ગ્લાસ લાવ્યો. અમે બંને એ કપલનું વર્તન જોતાં હતાં. બંનેના વર્તનમાં જે પ્રેમ દેખાઈ આવતો હતો એ અદભુત હતો. અમે બંનેએ એ પછી એકબીજા સામે જોયું. બેમાંથી કોઈ કશું બોલ્યા નહીં પણ અમે બંનેએ થોડું થોડું વર્તન ચેન્જ કર્યું. સાચું કહું તો એ મજૂર કપલને જોઈને મને વિચાર આવ્યો કે, એ લોકો પાસે તો કંઈ નથી, તો પણ કેટલાં ખુશ છે. અમારી પાસે તો બધું જ છે છતાં કેમ ગેપ લાગે છે? આખરે અમને સમજાયું કે, જે ખૂટે છે એ એકબીજા પ્રત્યેની લાગણી, હૂંફ અને કેર જ છે. ચીજવસ્તુઓ તમને સુવિધા આપે પણ પ્રેમ તમને જિંદગી જીવવાનાં કારણો આપે છે. આપણી સામે પ્રેમની કેટલીય કથાઓ જીવતી હોય છે. એ વાત જુદી છે કે, જોઈને આંખોને ટાઢક વળે એવાં કપલ્સની સંખ્યા હવે ઘટતી જાય છે. કોઈ મોટી ઉંમરનું કપલ હાથમાં હાથ નાખીને જતું હોય ત્યારે એવો વિચાર કેમ આવી જાય છે કે, આ ઉંમરે પણ બંને વચ્ચે કેવી લાગણી છે? આવો વિચાર સરવાળે તો એ જ સાબિત કરે છે કે, આપણે પણ પ્રેમ ઝંખતાં હોઈએ છીએ. આપણે પણ ઇચ્છતા હોઈએ છીએ કે પોતાની વ્યક્તિ સાથે બુઢ્ઢા થવાની મજા માણીએ. આપણે પ્રેમ જોઈતો હોય છે. આપણે ઇચ્છતા હોઇએ છીએ કે, કોઇ આપણને પેમ્પર કરે. આપણે એવું ભાગ્યે જ વિચારીએ છીએ કે, હું મારી વ્યક્તિની કેટલી કેર કરું છું? મને એની કેટલી ચિંતા છે? પ્રેમનું સરવાળે એવું જ હોય છે કે, જેટલી પરવા કરશો એટલો પ્રેમ મળશે. આપણી વ્યક્તિને આપણા પ્રત્યે લાગણી હોય ત્યારે એ પણ એવું ઇચ્છે કે, લાગણીનો પડઘો પડે. પડઘાને બદલે સન્નાટો જ જોવા મળે તો પ્રેમને સુકારો લાગે છે. હું ગમે તે કરું એને ક્યાં કંઈ પરવા છે, એવું વિચારવાનું શરૂ થાય ત્યારથી ડિસ્ટન્સ પેદા થવાનું શરૂ થઈ જાય છે.
એક પ્રેમી અને પ્રેમિકા હતાં. બંને એક વખત ગાર્ડનમાં ફરવાં ગયાં. ગાર્ડનમાં તેણે એક વૃદ્ધ કપલને જોયું. બંને સરસ રીતે વાતો કરતાં હતાં. આ કપલ તેની પાસે ગયું. છોકરીએ વૃદ્ધ કપલને પૂછ્યું, સુંદર દાંપત્યજીવન માટે સૌથી વધુ જરૂરી શું છે? એ કપલે કહ્યું, માત્ર ને માત્ર એટલો ભરોસો કે, તારા દરેક સંજોગોમાં હું તારી સાથે છું. તું સાચો હોઈશ કે ખોટો, હું તારી સાથે હોઇશ. કોઇ પણ માણસ દરેક વખતે સાચો હોઈ શકે નહીં, એ ક્યારેક તો ખોટો હોવાનો જ છે. એ વખતે પણ એનો સ્વીકાર એ જ સાચો પ્રેમ છે. પ્રેમમાં શંકા, વહેમ કે સ્વાર્થને અવકાશ નથી. હું મારું જ વિચારું તો ન ચાલે. હું માત્ર તેનું જ વિચારું એ પણ વાજબી નથી. બંને આપણું વિચારે એ જ સૌથી મહત્ત્વનું હોય છે.
વિશ્વાસ આગળ બધું જ ગૌણ બની જાય છે. એક સાવ સાચી ઘટના છે. એક છોકરી હતી. દેખાવમાં ઠીકઠાક. ખાસ સુંદર પણ ન કહી શકાય એવી. એવરેજ ગર્લ. એક છોકરો તેનો ફ્રેન્ડ હતો. એકદમ હેન્ડસમ. જેટલો દેખાવડો એટલો જ હોશિયાર. બંનેને સારું બનતું. એક દિવસે છોકરાએ એની દોસ્તને પ્રપોઝ કર્યું કે, હું તને પ્રેમ કરું છું. છોકરીને તો આશ્ચર્યનો પાર ન રહ્યો. તેણે પૂછ્યું, તેં વળી મારામાં એવું શું જોયું? તું તો એકદમ હેન્ડસમ છે, તને તો મારા કરતાં ક્યાંય સુંદર છોકરી મળી જશે. છોકરાએ કહ્યું, તારી સાથે હોઉં છું ત્યારે મારામાં એક જબરી ઊર્જાનો સંચાર થાય છે. દેખાવ એની જગ્યાએ છે પણ તારામાં એવું કંઈક છે જે સતત સ્પર્શે છે. લવ અને કાઇન્ડનેસને લુક સાથે કંઈ લાગતું વળગતું નથી. આપણે પણ ઘણાં કપલને જોઇએ ત્યારે એવું લાગે છે કે, આણે આમાં શું જોયું હશે? એણે કદાચ એવું કંઈક જોયું હશે જે નરી આંખે દેખાતું નથી. આમેય પ્રેમ ક્યાં ક્યારેય દેખાતો હોય છે, એ તો અનુભવાતો હોય છે. પ્રેમનો દેખાડો કરનારા ઘણા છે. જાહેરમાં જે પ્રેમ જતાવતા હોય એ પ્રેમ કરતાં જ હોય એવું જરૂરી નથી!
હવે સમય બદલાઈ ગયો છે. પ્રેમ સામે પણ આજકાલ બહુ સવાલો થવા લાગ્યા છે. હવે ક્યાં કોઈ સાચો પ્રેમ કરે છે. બધાને પોતાના ફાયદા અને કમ્ફર્ટ જોવા છે. પ્રેમ પણ હવે પહેલી નજરે થતો નથી. બધા પૂરેપૂરું જોઈને એવું લાગે કે, આની સાથે આપણું બધું સચવાય એમ છે એની સાથે જ ગણતરીપૂર્વક પ્રેમમાં પડે છે. પ્રેમમાં પડે એ પછી પણ પ્રેમ ક્યાં સુધી ટકે એની કોઇ ગેરન્ટી નથી. આકર્ષણનો અંત આવે એટલે તું કોણ અને હું કોણ! રસ્તાઓ બદલાઈ જાય છે અને ચહેરાઓ ભુલાઈ જાય છે. આવી બધી વાતો ભલે કરવામાં આવતી હોય પણ આજેય સાચો પ્રેમ થાય જ છે. એકબીજા માટે બધું જ કરી છૂટવા ઇચ્છતાં કપલ્સની પણ કમી નથી. પ્રોબ્લેમ એ હોય છે કે, આપણી સામે ખોટા અને નબળા પ્રેમના કિસ્સાઓ જ આવતા હોય છે. જે ખરેખર પ્રેમ કરે છે એ તો પોતાની મસ્તીમાં જીવતા હોય છે. પ્રેમનાં સ્વરૂપો બદલાય છે પણ પ્રેમ ક્યારેય મરતો નથી. પ્રેમ અને સત્ય બે જ સનાતન છે. થોડાક અયોગ્ય લોકોના કારણે પ્રેમને બદનામ કરી ન શકાય. પ્રેમ જ જીવનનું એવું બળ છે જે માણસને નબળો પડવા દેતું નથી. જિંદગી સારી રીતે જીવવી હોય તો પ્રેમને સજીવન રાખો. કોઈ રાહ જોતું હોય, કોઇને ચિંતા હોય, કોઇ પેમ્પર કરતું હોય ત્યારે જિંદગી સુંદર લાગતી હોય છે. બધું હોય અને કોઇ ન હોય ત્યારે જે અભાવ સર્જાતો હોય છે એ શાંતિથી જીવવા દેતો નથી. ઘણા લોકોને ડિપ્રેશન આવે ત્યારે એવો સવાલ પુછાતો હોય છે કે, એને વળી શું કમી છે? ભગવાને આપેલું બધું જ છે. આપણને દેખાતું હોય છે એ જીવવા માટે પૂરતું હોતું નથી. જીવવા માટે જે જોઈએ છે એ જોઈ શકાતું નથી. પ્રેમમાં હોય એ માણસનો ચહેરો ખીલેલો હોય છે. કોઈ રાહ જોતું હોય તો જ જવાની ઉતાવળ થાય છે. જિંદગીમાં રોમાંચ અને રોમાન્સને જીવતો રાખવા માટે એટલું જરૂરી છે કે, પોતાની વ્યક્તિ માટે બધું કરી છૂટવું. બસ, તું જ પૂરતો કે પૂરતી છે, મારી જિંદગી માટે. વિશ્વાસ અને ભરોસો જ્યારે શ્રદ્ધા બની જાય ત્યારે પ્રેમ પણ પવિત્ર બની જતો હોય છે!
છેલ્લો સીન :
માણસ કેવો છે એ ક્યારેય સારા સમયમાં સમજાતું નથી. માણસ હંમેશાં કપરા સંજોગોમાં જ ઓળખાય છે. માણસ મપાઈ જાય એ પછી તેના વિશે નિર્ણય કરી લેવો જોઈએ કે, કોને નજીક રાખવા અને કોને દૂર કરી દેવા. માણસને પામી લીધા પછી માપવાનું બંધ પણ કરી દેવું જોઈએ. –કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 20 ઓગસ્ટ, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
