નવી જનરેશનને હાથેથી લખતાં જ નહીં આવડે? : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

નવી જનરેશનને હાથેથી

લખતાં જ નહીં આવડે?

દૂરબીનકૃષ્ણકાંત ઉનડકટ

*****

હાથેથી મરોડદાર અક્ષરો પાડીને લખવાની કળા

ધીમે ધીમે લુપ્ત થઇ રહી છે. આપણને બધાને

સ્ક્રીન અને કી-બોર્ડની આદત પડી ગઇ છે

*****

એક સદી પછીની જનરેશન માનશે પણ નહીં કે, એક સમયે

લોકો હાથે લખતા હતા અને સુલેખનની સ્પર્ધાઓ પણ થતી હતી.

સારા અક્ષરો સંસ્કાર ગણાતા હતા!

*****

તમને લખતા આવડે છે? આવો સવાલ કોઇ પૂછે તો એમ જ થાય કે, આ તે કેવો સવાલ છે? લખતા તો આવડે જ ને! વાત કમ્પ્યુટર, લેપટોપ કે મોબાઇલ પર લખવાની નથી, વાત હાથેથી લખવાની છે. થોડીક મોટી ઉંમરના હશે એને હજુય હાથે લખવાની સારી એવી ફાવટ હશે, કોઇ ટીનેજરને કહેજો કે એક પાના પર થોડુંક લખ તો! એને કંટાળો આવશે. મોબાઇલ પર મેસેજ કે બીજું કંઇ ટાઇપ કરવાનું કહેશો તો એ ફટાફટ કરી આપશે પણ હાથેથી લખવામાં એને ઝાટકા લાગશે. આપણે ત્યાં હજુ પરીક્ષાઓ હાથેથી લખીને આપવાની હોય છે એટલે યંગસ્ટર્સને હજુયે લખવાની થોડી ઘણી આદત છે. શાળા કોલેજમાં પણ નોટ્સ લખાવવામાં આવે છે એટલે લખવાનું જળવાઇ રહ્યું છે. હવે એ સમય દૂર નથી જ્યારે શાળા અને કોલેજમાં પેન અને નોટબુક નહીં પણ લેપટોપ કે ટેબલેટ લઇને જવાનું હશે. ઘણી ઇન્સ્ટિટ્યૂટ્સમાં તો આવું ડિજિટલ એજ્યુકેશન ઓલરેડી સ્ટાર્ટ થઇ ગયું છે. મા-બાપ કોલર ઊંચો કરીને કહે છે કે, અમારા સંતાનને તો ચોપડાઓની ઝંઝટ જ નથી. દુનિયાના અનેક દેશોમાં હવે ગેઝેટ્સ પર જ ભણાવવામાં આવે છે. આગામી સમયમાં તો દરેક સ્ટાન્ડર્ડ માટે અલગ અલગ ગેઝેટસ જ આવી જવાના છે. પહેલા ધોરણથી માંડીને ઉચ્ચ અભ્યાસ સુધીના પુસ્તકો હોય છે એમ દર વર્ષે નવું ગેઝેટ હશે. નવું ન લેવું હોય તો દર વર્ષે અપડેટ કરાવી લેવાનું!

સમય સાથે બધું પરિવર્તન પામતું હોય છે. આપણે એવું પણ કહેતા હોઇએ છીએ કે, પરિવર્તન એ સંસારનો નિયમ છે. સમયની સાથે માણસની આદતથી માંડીને દાનત પણ બદલતી હોય છે. એક આગાહી એવી કરવામાં આવી છે કે, ભવિષ્યમાં માણસ હાથેથી લખવાનું જ ભૂલી ગયો હશે! આપણા ટેરવાને હવે પેન પકડવા કરતા કીબોર્ડ અને ટચ સ્ક્રીન વધુ ફાવવા લાગ્યું છે. રાઇટિંગ વિશે એવું કહેવાતું રહ્યું છે કે, ટેરવાનું દિલ અને દિમાગ સાથે કનેકશન હોય છે. હવે હળવાશમાં એવું પણ કહેવાઇ રહ્યું છે કે, એ તો માણસ કીબોર્ડ સાથેનું કનેકશન પણ શોધી કાઢશે. બીજી વાત એવી પણ છે કે, કીબોર્ડ કે ટચ સ્ક્રીનથી લખવાનું પણ નહીં હોય, બોલશું એટલે લખાઇ જશે. આ ટેકનોલોજી તો અત્યારે પણ છે જ, લખવાનું કે ટાઇપિંગ પણ નહીં હોય, છેલ્લે બોલવાનું જ હશે!

ઘણા લોકો અત્યારે પેનનો ઉપયોગ માત્ર સહી કરવા માટે જ કરે છે. આ પેન પણ એક સમયે શોભાનો ગાંઠીયો બની જશે! સહી પણ ડિજિટલ થઇ જવાની છે. સદી બે સદી પછી કદાચ પેન મ્યુઝિયમમાં જ હશે! મા-બાપ છોકરાઓને મ્યુઝિયમ જોવા લઇ જશે અને પછી કહેશે કે જુઓ આને પેન કહેવાય, પ્રાચીન સમયમાં લોકો આને પકડીને હાથેથી લખતા. એમાં શાહી પણ પૂરાતી હતી. બોલપેન અને રીફીલ બતાવીને કહેશે કે, આ રીફીલ બદલવી પડતી. એ છોકરાવને રીફીલની ફીલ જ નહીં આવવાની! માણસનો પેન સાથેનો એક નાતો હોય છે. પેન શું પેન્સિલ સાથેનો પણ પ્રેમ હોય છે. ડિજિટલ પેન અત્યારે ઇનથિંગ છે, એ પણ ક્યાં સુધી હશે એ સવાલ છે. અગાઉ શર્ટ કે કોટના ખીસ્સામાં મોંધામાયલી પેન રાખવી એ એક વટ હતો. મોબ્લા, પિયરે કાર્ડિન, ક્રોસ, શેફર, વોટરમેન અને પાર્કરનો તો માભો જ અલગ હતો! હવે તો શર્ટમાં પેન રાખો તો દેશી લાગો!

હાથેથી લખવાની કળા ધીમે ધીમે લુપ્ત થઇ જવાની છે. લખવાનું જશે એટલે અક્ષરોનું સૌંદર્ય પણ ખતમ થઇ જશે. મરોડદાર અક્ષરોના બેમોઢે વખાણ થતા. સરસ અક્ષરો માણસની ઓળખ બનતા. એવું કહવાતું કે, કોણ? પેલો કે પેલી જેના અક્ષરો બહુ જ સુંદર છે એ? શાળાઓમાં સુલેખન સ્પર્ધાઓ થતી. અક્ષરો મરોડદાર થાય એ માટેની પ્રેક્ટિસ બુક આવતી. પેન ઉપાડ્યા વગર ત્રીજી અને ચોથી એબીસીડીમાં લખવાનું શીખવવામાં આવતું હતું. કેલીગ્રાફી આર્ટ વધુ દુલર્ભ બની જવાની છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે, ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. ગાંધીજીના અક્ષરો ગરબડિયા હતા. હસ્તાક્ષરનું એક શાસ્ત્ર પણ છે. આપણા હસ્તાક્ષર પરથી આપણી માનસિકતાથી માંડીને આપણા ભવિષ્ય વિશે કહી આપનારા સિગ્નેચર અને હેન્ડ રાઇટિંગ એક્સપર્ટસ પાસે હજુ પણ ઘણા લોકો જાય છે. લખવાની સ્ટાઇલ ફેરવવાથી નસીબમાં પણ ફેરફાર થતો હોય છે એવું માનવવાળા લોકો પણ છે. એક્સપર્ટ્સ એવું કહે છે કે, તમારા અક્ષર એ તમારી ઓળખ છે. લખવામાં તમે કેવા વળાંકો આપો છે, કયો શબ્દ તોડો છો અને કયો શબ્દ જોડો છો, તેના પરથી તમારી વૃતિથી માંડી પ્રકૃતિ સુધીનો ખયાલ આવી જાય છે. હસ્તાક્ષર જ નહીં હોય તો પછી એક્સપર્ટસ વાંચશે શું?  

ડિજિટલ ડિવાઇસિસના કારણે માણસોનો શબ્દો સાથેનો નાતો ઓછો થતો જાય છે. સુખ, દુ:ખ કે બીજી કોઇપણ લાગણી વ્યક્ત કરવા માટે આપણે ફટ દઇને ઇમોજી ફટકારી દઇએ છીએ. ઇમોજી કેટલા શબ્દો ખાઇ જાય છે એનો વિચાર ક્યારેય કર્યો છે? શબ્દોનો ઉપયોગ પણ ઘટતો જાય છે. આપણી ડીક્ષનરીમાં ટોટલ જેટલા શબ્દો હોય છે એમાંથી આપણે કેટલા આપણે વાપરીએ છીએ? બહુ જ ઓછા. અમુક વખતે તો આપણી જ ભાષાનો કોઇ શબ્દ આપણી સામે આવે ત્યારે આપણને સવાલ થાય છે કે, આનો અર્થ શું થાય? નવી જનરેશન સાથે તો આ બહુ મોટો ઇસ્યૂ છે. આપણે લિમિટેડ શબ્દો સાથે જ નાતો રાખવા માંડ્યા છીએ. ગ્રામર કે જોડણીના તો અત્યારે જ લોકોને ફાંફા પડી રહ્યા છે. અંગ્રેજીની જેમ હવે બીજી ભાષાઓના સ્પેલ ચેકર આવવા લાગ્યા છે એટલે લોકો સાચા સ્પેલિંગ, ગ્રામર કે જોડણી યાદ રાખવાનું પણ ભૂલી જવાના છે. સમય સાથે થતા પરિવર્તનોને તમે રોકી શકતા નથી. તમે લખી રાખજો, હાથેથી લખવું એ પણ ભવિષ્યમાં એક આર્ટ હશે!

————————

પેશ-એ-ખિદમત

હકીકતોં કો ફસાના બના કે ભૂલ ગયા,

મૈં તેરે ઇશ્ક કી હર ચોટ ખા કે ભૂલ ગયા,

ગુમાન જિસ પે રહા મંજિલોં કા ઇક મુદ્દત,

વો રહગુજર ભી મંજિલ મેં આ કે ભૂલ ગયા.

-જમીલુદ્દીન આલી

( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 31 જાન્યુઆરી 2021, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *