કેટલી મદદ કરવી એની પણ સમજ હોવી જોઈએ! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

કેટલી મદદ કરવી એની
પણ સમજ હોવી જોઈએ!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


કોની કરું હું રાવ, એ કંઈ પારકા નથી,
જેણે કર્યાં છે ઘાવ, એ કંઈ પારકા નથી,
દરિયો તો ખેર કોઈનો થાતો નથી મગર,
જેણે ડુબાવી નાવ, એ કંઈ પારકા નથી.
-બરકત વિરાણી `બેફામ’


માણસ અનેક લાગણીઓનો સમૂહ છે. દરેકે દરેક માણસમાં કંઈક ખૂબીઓ હોય છે, થોડીક ખામીઓ હોય છે, થોડાક પ્લસ પોઇન્ટ્સ હોય છે, થોડાક માઇનસ પોઇન્ટ્સ પણ હોય છે. કોઇ માણસ હન્ડ્રેડ પર્સન્ટ ખરાબ નથી હોતો અને કોઇ સોએ સો ટકા સારો પણ નથી હોતો. ગમે એવા બૂરા માણસમાં પણ કંઇક સારાઇ હોય છે. ક્યારેક કોઇ ક્રૂર માણસને કંઇક સારું કરતો જોઇએ ત્યારે એમ થાય છે કે, આ માણસ આવું કરે એ ગળે ઊતરે એવું નથી. માણસ રહસ્યમય હોય છે. એના દિમાગમાં સતત કંઈક ચાલતું રહેતું હોય છે. દરેક માણસની પ્રકૃતિમાં થોડીક દયાળુ વૃત્તિ પણ હોય છે. આપણને બધાને કોઈનું સારું કરવું ગમતું હોય છે. સહાય, મદદ, હેલ્પ, દાન, સખાવત આપણે સરવાળે શા માટે કરતાં હોઇએ છીએ? આપણને એનાથી ખુશી મળે છે. સારું ફીલ થાય છે. માણસ હોવાનો અહેસાસ થાય છે. એક માણસ હતો. પૈસેટકે બહુ સુખી. એ પોતાની આવકની અમુક રકમ સેવા અને કોઈને મદદ કરવા પાછળ વાપરતો હતો. તેના મિત્રએ એક વખત તેને પૂછ્યું, તું આવું બધું શા માટે કરે છે? તેણે કહ્યું કે, મારી મદદથી બીજાને ફાયદો થાય છે કે કેમ એ તો મને ખબર નથી પણ મને એનાથી સારું લાગે છે. હું બીજાને મદદ મને સારું લાગે એટલે કરું છું. કોઇના ચહેરા પર હાસ્ય જોઇને મને એક અજબ પ્રકારની ખુશી મળે છે.
મદદ કરવા પાછળ પણ માણસની કોઇ ને કોઇ દાનત હોય છે. ઘણાને પોતે સારા અને ઉદાર છે એવું સાબિત કરવું હોય છે. કેટલાંક લોકો વળી કોઇને ખબર પણ ન પડે એ રીતે બીજાને મદદ કરતા હોય છે. અમુક કિસ્સા વળી સાવ જુદા પણ હોય છે. એક માણસની આ વાત છે. એ કોઇને ખબર ન પડે એમ યુવાનોને આગળ લાવવા માટે મદદ કરતો હતો. એનાથી થાય એ બધું કરી છૂટે. એક વખત તે જે યુવાનને મદદ કરતો હતો એ યુવાને તેને પૂછ્યું. તમે મને શા માટે મદદ કરો છો? એ માણસે કહ્યું, હું ઋણ ચૂકવી રહ્યો છું! યુવાને પૂછ્યું, કેવું ઋણ? તેણે કહ્યું કે, મને પણ કોઇએ ભૂતકાળમાં મદદ કરી છે. હું આજે જે કંઇ છું એ કેટલાંક લોકોના કારણે છું. મોટો થયો એ પછી એ લોકોને તો મારા તરફથી કોઇ અપેક્ષા જ નહોતી. હવે તો એ બધા આ દુનિયામાં છે પણ નહીં. એમનું ઋણ મારે કેવી રીતે ચૂકવવું? હવે હું તને મદદ કરીને તેનું આડકતરું ઋણ ચૂકવું છું. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક કોઇની મદદ લીધી હોય છે. એ મદદ એને પરત પણ કરી હોતી નથી. જે લોકોએ મદદ કરી એને કોઇ વળતર જોઇતું જ હોતું નથી. એ તો બસ મદદ કરી દે છે પણ આપણે મદદ લીધી હોય એનું શું? એ કઈ રીતે ચૂકવવી? આખરે મેં બીજાને મદદ કરવાનો રસ્તો શોધી કાઢ્યો. તમે ક્યારેય કોઇની મદદ લીધી છે? નાની કે મોટી મદદ, જાણીતા કે અજાણ્યા માણસ તરફથી, ક્યારેક લીધી હોય છે. તમે એ મદદ પાછી વાળી છે? કોઈ પણ રીતે, છેલ્લે કોઇને મદદ કરીને પણ પાછી વાળી છે?
એક યુવાનની આ વાત છે. સ્ટડી માટે એને નાણાંની જરૂર હતી. એક ભલા માણસને એ વાતની ખબર પડી. તેણે યુવાનને બોલાવીને કહ્યું કે, તારે ભણવા માટે શું જોઇએ છે? યુવાન સ્વમાની હતો. તેણે કહ્યું, મારે કોઇની મહેરબાની નથી જોઇતી. પેલા માણસે કહ્યું, કોણ કહે છે કે હું તારા માથે મહેરબાની કરું છું? મેં તો એવું કંઈ વિચાર્યું જ નથી. હું તો લક્ષ્મી આપીને સરસ્વતીની આરાધના કરું છું. તું કંઇક બની જાય પછી તું પણ બીજાને મદદ કરજેને. કંઇક બનીશ તો બીજા કોઇ માટે કંઇ કરી શકીશ. આપણે બધા એકબીજાને મદદ કરવા માટે જ સર્જાયા છીએ. કોઇ કોઇના માથે મહેરબાની કરતું નથી, હા, નિમિત્ત બનતા હોય છે. નિમિત્ત પણ એ જ બની શકે છે જેનાં નસીબમાં નિમિત્ત બનવાનું લખ્યું હોય. જેની પાસે હોય એ બધા ક્યાં આપી શકતા હોય છે? આપવા માટે ધનવાન હોવું જરૂરી નથી. આપવા માટે જીગર હોવું જરૂરી છે. એક રોટલો હોય અને અડધો ભૂખ્યાને આપી દેવાવાળા પણ પડ્યા છે. એ જ માણસ બીજા માટે કંઇક કરી શકે જેને બીજાની વેદનાનો અહેસાસ થતો હોય. બીજાની પીડા સ્પર્શતી હોય.
એક સાચી ઘટના છે. એક ફેમિલીએ એના એકના એક સંતાનને વિદેશ ભણવા મોકલ્યો. થયું એવું કે, બીજા દેશમાં એ કિશોરને અકસ્માત નડ્યો. તે જ્યાં રહેતો હતો તેની નજીક જ એક કપલ રહેતું હતું. તેણે આ કિશોરનું ખૂબ ધ્યાન રાખ્યું અને તેને સાજો કર્યો. છોકરાનો પરિવાર એટલો સમૃદ્ધ નહોતો કે, એ દીકરા પાસે આવી શકે. એ છોકરાનાં માતા-પિતાએ પોતાના દીકરાનું ધ્યાન રાખનાર કપલને કહ્યું કે, ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી નથી શકતો એટલે એણે તમારા જેવા લોકોનું સર્જન કર્યું હોય છે. આપણી જિંદગીમાં પણ ઘણા લોકો ફરિશ્તા બનીને આવતા હોય છે. એન્જલ હોય છે, એ આપણી આજુબાજુમાં જ હોય છે અને ઘણી વખત આપણને તેનો ભેટો પણ થઇ જતો હોય છે. આખી દુનિયા બદમાશ નથી. આ દુનિયામાં સારા લોકો પણ છે જ. તમે પણ એમાંના એક હોઈ શકો છો!
મદદ કોને કરવી, ક્યારે કરવી અને કેટલી કરવી એની પણ સમજ હોવી જરૂરી છે. એક બીજી સાવ સાચી ઘટના મમળાવવા જેવી છે. બે મિત્રો છે. એક ખૂબ મહેનત કરીને આગળ આવ્યો છે. ધનવાન છે. બીજો મિત્ર એક નંબરનો આળસુ. કંઇ કરે નહીં. કંઇ પણ જરૂર હોય તો એ તરત જ તેના ધનવાન મિત્ર પાસેથી રૂપિયા મંગાવી લે. પેલો મિત્ર કોઇ પણ આનાકાની વગર મોકલી આપે. આમ ને આમ વર્ષો થઇ ગયાં. ધનવાન મિત્રની મદદના કારણે જ એનું ગાડું ગબડે છે એ બધા મિત્રોને ખબર હતી. એક વખત બધા મિત્રો ભેગા થયા હતા. એ વખતે એક ત્રીજા મિત્રએ ધનવાન મિત્રને કહ્યું કે, તારા કારણે પેલો માણસ બરબાદ થયો છે. તેં જ એને પરાધીન બનાવી દીધો છે. એ માંગે અને તું આપી દે પછી એ શા માટે કંઈ કરે? એની અત્યારે જે સ્થિતિ છે એના માટે તું જવાબદાર છે. પેલા મિત્રએ એવું કહ્યું કે, હું કેવી રીતે જવાબદાર ગણાઉં? મેં તેને કહ્યું હતું કે, ગમે તે હોય તું કંઈ ચિંતા ન કરતો. હું બેઠો છું. હું એને હેરાન થતો ન જોઇ શકું. મેં તેને કામધંધે લગાડવાનો પણ પ્રયાસ કર્યો પણ એણે કંઇ ન કર્યું. એ કંઇ ન કરે એટલે હું શું એને એના હાલ પર છોડી દઉં? મને જે યોગ્ય લાગ્યું એ મેં કર્યું. તમારી નજરમાં એ ખોટું હશે પણ મારી નજરમાં ખોટું નથી. ઘણી વખત મદદ કર્યા પછી પણ મેણાં ટોણાં સાંભળવાં પડતાં હોય છે. અલબત્ત, મિત્રોની વાત સાવ ખોટી તો નહોતી જ. સહારો ત્યાં સુધી જ આપવો જોઇએ જ્યાં સુધી એની જરૂર હોય. નાના બાળકને સાઇકલ શીખવતી વખતે એ ગમે એટલો લાડકો હોય તો પણ એને છૂટો મૂકવો જ પડતો હોય છે. એની સાઇકલ પકડી જ રાખીએ તો એ ક્યારેય સાઇકલ શીખી જ ન શકે. મદદનું પણ એવું જ છે, જરૂર હોય ત્યારે ઊભા રહો પણ એ ઊભો થઇ જાય પછી હળવેકથી ખસી જાવ. સાચી મદદ એ છે કે, માણસને એનું ગૌરવ અપાવવું અને આપણા આધીન ન બનાવી દેવો! કોઇની એટલી મદદ પણ ન લેવી કે આપણે કોઇના પરાધીન થઇ જઇએ. સરવાળે તો આપણે આપણી મેળે જ ઊભવાનું, ચાલવાનું અને દોડવાનું હોય છે. ક્યારેક પડી જઇએ તો એટલી જ અપેક્ષા રાખવાની કે મને ઊભો કરી દે, બાકી બધું મારા પર છોડી દે!
છેલ્લો સીન :
મદદ અને દયામાં હાથી ઘોડાનો ફેર છે. મદદ પોતાના લોકોને કરવાની હોય છે, જ્યારે દયા પારકા પર ખાવાની હોય છે. માણસને ઘરના અને બહારના સંબંધોની સમજ હોય એ જરૂરી છે. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 07 મે, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *