પ્રેમ, લગ્ન, દાંપત્ય, એકની વિદાય અને બીજાની પીડા – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

પ્રેમ, લગ્ન, દાંપત્ય, એકની
વિદાય અને બીજાની પીડા

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

પત્નીની વિદાય પતિ માટે વધુ અઘરી અને આકરી બને છે.

પત્ની ચાલી જાય પછી સર્જાતી એકલતા પતિને લાંબું જીવવા દેતી નથી

એવું એક અભ્યાસમાં બહાર આવ્યું છે!


———–

એમનાં વાઇફનું અવસાન થયું એ પછી એમને જિંદગીમાંથી રસ જ ઊડી ગયો હતો. છ મહિના નહોતા થયા ત્યાં તો તેઓ પણ સિધાવી ગયા. આવું તમે ઘણાનાં મોઢે સાંભળ્યું હશે. કદાચ કોઇ નજીકનાં સ્વજનમાં આવું જોયું પણ હશે કે, દાદી ગયાં હોય એના થોડા સમયમાં જ દાદાએ પણ વિદાય લીધી હોય. દુનિયાના દરેક સંબંધની ખૂબીઓ અને ખાસિયતો છે પણ પતિ-પત્નીના રિલેશન્સની વાત જ જુદી છે. પતિ-પત્નીના સંબંધો વિશે ખૂબ જોક્સ અને રમૂજ ભલે થતી હોય પણ આ એક એવો સંબંધ છે જે જિંદગીને જીવવા જેવી બનાવે છે. પતિ-પત્ની વચ્ચે એવો સંવાદ થયો જ હોય છે કે, કોણ વહેલું જશે? કોનાં નસીબમાં કેટલી જિંદગી લખી છે એ કોઇને ખબર નથી. બેમાંથી ગમે તે વહેલું જઇ શકે છે. જવાવાળું તો ચાલ્યું જાય છે પણ પાછળ જે રહે છે એની સ્થિતિ દયાજનક બની જાય છે. એક સવાલ વર્ષોથી ચર્ચાતો રહ્યો છે કે, પતિની વિદાય પત્ની માટે વધુ અઘરી હોય છે કે પત્નીની વિદાય પતિ માટે વધુ આકરી હોય છે? વિદાય તો વસમી જ હોય છે પણ આ મુદ્દે થયેલાં અભ્યાસ અને રિસર્ચ એવું કહે છે કે, પતિ માટે પત્નીની વિદાય વધુ અસહ્ય હોય છે! પત્ની ચાલી જાય પછી પતિનું જીવવું કપરું બની જાય છે. એ લાંબું કાઢી શકતા નથી! એમાંયે 65 વર્ષ પછી પત્નીની વિદાય પતિને એટલી કોરી ખાય છે કે, એ લાંબું જીવી શકતા નથી!
બ્રિટન, ડેનમાર્ક અને સિંગાપોરના સંશોધકોએ વિડોહૂડ ઇફેક્ટ પર છ વર્ષ સુધી સતત અભ્યાસ કરીને એવું કહ્યું છે કે, પત્નીના અવસાન બાદ પતિના મૃત્યુના જોખમમાં 70 ટકા જેટલો વધારો થાય છે. તેની સરખામણીમાં પતિના નિધન બાદ પત્ની માટે આવું જોખમ 27 ટકાનું જોવા મળ્યું હતું. આ સંશોધકોએ 10 લાખ જેટલા લોકોના ડેટાનું એનાલિસિસ કરીને આ તારણ કાઢ્યું હતું. આ સંશોધન પછી એ વિશે પણ રિસર્ચ કરવામાં આવ્યાં કે, આવું છે તો શા માટે છે? ફ્લોરિડા યુનિવર્સિટીના એક્સપર્ટ ડોન કૈર કહે છે કે, પતિ-પત્ની એકબીજા સાથે તમામ વાતો શૅર કરતાં હોય છે. પોતાની હેલ્થ વિશેની બધી ખબર એકબીજાને હોય છે. બેમાંથી કોને શું ચિંતા સતાવે છે એની પણ જાણ હોય છે. પોતાના પાર્ટનરને કેમ સારું લાગે એ પણ એ જાણતાં હોય છે. ટૂંકમાં, એકબીજાનું ધ્યાન રાખતાં હોય છે. આવા સંજોગોમાં એક વ્યક્તિ ચાલી જાય ત્યારે બીજી વ્યક્તિ સામે મોટો શૂન્યવકાશ સર્જાય છે. સ્ત્રીઓ તો હજુયે પોતાની જાતને કોઇ ને કોઇ રીતે જાળવી લે છે પણ પુરુષો એકલતાને મેનેજ કરી શકતા નથી અને ધીમેધીમે એ પણ મૃત્યુ તરફ સરકતા જાય છે. આ અભ્યાસ બાદ દુનિયાના દેશોને અને નિષ્ણાતો દ્વારા એવી સલાહ આપવામાં આવી છે કે, દરેકે વિડોહૂડ ઇફેક્ટ પર કામ કરવાની જરૂર છે. સાથીના મોત બાદ એકલા પડી જતા માણસને જીવવાનું કોઇ બહાનુ મળી રહે એ માટે કંઇક થવું જોઇએ.
પુરુષો માટે કેમ પત્નીની વિદાય અઘરી પડે છે એ વિશે પણ ઘણા અભ્યાસો હાથ ધરવામાં આવ્યા છે. તેમાં એક અને સૌથી મહત્ત્વનું કારણ એ છે કે, સ્ત્રીની સરખામણીમાં પુરુષ પત્ની પર વધુ ડિપેન્ડન્ટ હોય છે. તેનો બધો આધાર પત્ની પર જ હોય છે. આપણા સમાજ અને પરંપરાઓ પર પણ નજર કરી જોજો. ઘરની મોટા ભાગની જવાબદારી સ્ત્રીના હાથમાં જ હોય છે. પતિ બહાર જઇ જોબ કે બિઝનેસ કરીને ઘરે આવી જાય છે અને બાકીનું બધું પત્ની જ કરે છે. હવે તો મોટા ભાગની સ્ત્રીઓ પણ કામ કરવા લાગી છે એટલે એમના પર તો ઘર અને જોબ એમ બમણી જવાબદારી હોય છે. મહિલા કાબેલિયતથી એ જવાબદારી નિભાવી જાણે છે. આપણે ઘણાં ઘરોમાં એવું પણ જોતાં જ હોઇએ છીએ કે, પત્ની પિયર જાય કે પત્ની બીમાર પડે ત્યારે ઘરનું આખું તંત્ર ખોરવાઇ જતું હોય છે. પતિ તો પત્ની પર જ આધારિત હોય છે એમ કહીએ તો પણ જરાયે વધુ પડતું નથી. માત્ર કામ કે જરૂરિયાતની જ વાત નથી, ઇમોશનલી પણ પુરુષ પત્ની ઉપર વધુ ડિપેન્ડન્ટ હોય છે. પતિ જ્યારે ક્રાઇસીસનો સામનો કરતો હોય છે ત્યારે સૌથી મોટો આધાર પત્ની જ બનતી હોય છે. આવા સંજોગોમાં પત્ની જો અચાનક દુનિયા છોડીને ચાલી જાય તો પુરુષને કોઇ દિશા સૂઝતી નથી. પત્ની રાઝદાર હોય છે. એમાંયે જે પતિ-પત્નીમાં વધુ આત્મીયતા હોય છે એ એકલાં પડી જાય ત્યારે બાકીની જિંદગી ધરાર ખેંચાતી હોય છે.
એવું જરાય નથી કે, પતિની વિદાય પત્નીથી સહન થઇ જાય છે. પતિ ચાલ્યો જાય પછી પત્નીનું પેઇન પણ એટલું જ હોય છે. ફેર એટલો પડે છે કે, સ્ત્રીઓ બીજાં કામોમાં ધ્યાન પરોવી શકે છે. દીકરાનાં સંતાનો કે દીકરીના છોકરાઓમાં એનો જીવ પરોવાયેલો હોય છે. ભગવાનની ભક્તિમાં પણ મહિલાઓ પુરુષોની સરખામણીમાં વધુ મન પરોવી શકે છે. આ ઉપરાંત સ્ત્રીઓ પોતાનાં દુ:ખ દર્દની વાત પણ બીજી મહિલાઓ સાથે સારી રીતે શૅર કરી શકે છે. પુરુષને ઘણું બધું નડતું હોય છે. પુરુષનો ઇગો પણ મોટો હોય છે. પોતાને શું થાય છે એ પણ કોઇને કહેતા હોતા નથી. પત્ની પાછળ રડવું હોય તો બધાની વચ્ચે નહીં રડે અને ખાનગીમાં આંસુ સારશે. પુરુષ વિશે ભલે ગમે એવી વાતો થતી હોય પણ અંદરખાને તો એ પણ ઋજુ જ હોય છે. પત્નીની વિદાય પછી અંદર ને અંદર ઘસાતો જાય છે, તૂટતો જાય છે.
આપણે ત્યાં અને દુનિયામાં ભલે એવું કહેવાતું હોય કે, સંબંધો પાતળા પડતા જાય છે પણ સાવ એવું નથી. હા, અમુક કિસ્સાઓમાં એવું હોય પણ છે પરંતું આખરે તો દરેકને પોતાનું કોઈ જોઇતું હોય છે. એવાં પતિ-પત્ની પણ છે જે નાની નાની વાતોમાં ઝઘડે છે પણ એને એકબીજા વગર ચાલતું નથી. આખરે ઝઘડવાવાળું પણ કોઈ જોઇએને? પતિ-પત્નીના સંબંધો વિશે એવું પણ કહેવાય છે કે, દરેક કપલની લાઇફ અલગ હોય છે. કેટલાંક સંબંધો તો સમજબહારના હોય છે. ઘણાં કપલને જોઇને એમ લાગે કે, આ બંનેનું કેમ ચાલતું હશે પણ એ બંને સરસ રીતે રહેતાં હોય છે. જે લોકો સરખી રીતે નથી રહેતાં એને પણ એ વાત સમજવાની જરૂર છે કે, ક્યારેય એક ક્ષણ માટે પણ એવો વિચાર કર્યો છે કે, પોતાની વ્યક્તિ ન હોય તો શું થાય? એ વિચાર જ ધ્રુજારી પેદા કરી દે છે. માણસ પણ કેવો છે, એની પાસે જે હોય છે એની એને કદર જ હોતી નથી. લાઇફ પાર્ટનરનું પણ એવું જ છે. આપણે આપણી વ્યક્તિને ઓલવેઝ ટેકન ફોર ગ્રાન્ટેડ જ લેતા હોઇએ છીએ. દાંપત્ય વિશે એવી સલાહ પણ આપવામાં આવે છે કે, તમારી વ્યક્તિ સાથેની દરેક ક્ષણ પૂરેપૂરી જીવો, કોને ખબર કોણ વહેલું અને પહેલું ચાલ્યું જાય? ભલે એમ કહેવાતું હોય કે, કોઇના વગર કોઇ મરતું નથી પણ જેની સાથે દિલથી જોડાયેલાં હોઇએ એ વ્યક્તિ જાય એ પછી માણસ રોજ થોડો થોડો મરતો હોય છે, પોતાની વ્યક્તિ છે તો જિંદગી છે. છેલ્લે, શાયર કતીલ શિફાઇની પેલી પંક્તિ યાદ આવે છે, યે ઠીક હૈ નહીં મરતા કોઇ જુદાઈ મેં, ખુદા કિસી કો કિસી સે મગર જુદા ન કરે!
હા, એવું છે!
દાંપત્યની સફળતા કે નિષ્ફળતાનાં કોઇ સ્પષ્ટ કારણો હોતાં નથી પણ જે કપલને એકબીજાનું ગૌરવ છે અને જે એકબીજાનું સન્માન જાળવી જાણે છે એ વધુ સુખી રહેતાં હોય છે. દાંપત્યના પાઠ કોઇ શીખવાડી શકતું નથી, એ દરેકે પોતે જ શીખવા પડતા હોય છે. સૌથી સરળ રસ્તો એ છે કે, પ્રેમ કરો તો પ્રેમ મળશે. ગમે એવી પણ મારી વ્યક્તિ છે એ વાત યાદ રાખવાની હોય છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 03 મે, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: