આપણે બધા જ લોકો
‘ઓવર ઇટિંગ’ કરીએ છીએ
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
કેટલું ખાવું અને શું ખાવું એ પ્રશ્ન દરેક માણસને
થતો જ હોય છે. શરીરની જરૂરિયાત એક વાત છે
અને જીભનો ચટાકો બીજી વાત છે. મોટા ભાગના
લોકો ‘ઓવર ઇટિંગ’ કરે છે!
ખાવામાં બેદરકારીના કારણે અબજોની
વેઇટ લોસ ઇન્ડસ્ટ્રી ધમધોકાર ચાલે છે
અને ચાલતી જ રહેવાની છે.
ભૂખના કારણે મરતા લોકો કરતાં ખાઇ ખાઇને મરવાવાળાની સંખ્યા અનેકગણી વધારે છે, આ વાત યુગોથી કહેવાતી આવી છે. માણસ જાત માટે અમુક સવાલો એવા છે જેના પરફેક્ટ જવાબો ક્યારેય મળતા જ નથી. કેટલું ખાવું? કેટલું પાણી પીવું? ક્યારે ખાવું? શું ખાવું? પાણી ક્યારે પીવું? સવારે નયણા કોઠે પાણી પીવું કેટલું સારું? જમીને તરત પાણી પીવું કે અડધો કલાક પછી પીવું? આ અને આના જેવા અનેક સવાલો આપણને પજવતા રહે છે. લોકો પણ પોતાના અનુભવો અથવા તો બીજા લોકો પાસેથી જે વાતો સાંભળી હોય એના ઉપરથી આપણને સલાહ આપતા રહે છે. આયુર્વેદમાં કહ્યું છે કે મૂળો, મોગરી અને દહીં, રાત પછી નહીં. જોકે આયુર્વેદે આ ત્રણ વસ્તુની જ વાત કરી છે, એ સિવાયનું લોકોએ પોતે નક્કી કરવાનું હોય છે. જમવામાં શું ભારે અને શું હલકું એ વિશે પણ ચર્ચાઓ થતી રહે છે. આખા જગતમાં કોઇ છાતી ઠોકીને કહી શકતું નથી કે આટલું જ ખાવ તો ચાલે.
શરીરને અમુક તત્ત્વોની જરૂર રહે છે. અમુક પ્રમાણમાં પ્રોટીન, અમુક વિટામિન, અમુક કાર્બોહાઇડ્રેડ વગેરેની જરૂર શરીરને હોય છે. સાયન્સે તેનાં પ્રમાણો આપ્યાં છે. જોકે માણસજાત માત્ર જીવવા માટે નથી ખાતી, એ તો મજા માટે ખાય છે. આમ તો એમ પણ કહી શકાય કે લોકો ખાતા નથી પણ ઝાપટે છે. પેટ ના પાડે નહીં ત્યાં સુધી ઠોંસતા જ રહે છે. જમીને પછી ભલે પાચનની ગોળી લેવી પડે પણ જમવાનું તો પેટ ભરીને જ. ભાવતું હોય તો માણસથી કોઇ કંટ્રોલ જ રહેતો નથી. અમુક લોકોને તો સ્વીટ કે બીજી કોઇ વસ્તુનું રીતસરનું ક્રેવિંગ જ થાય છે. જ્યાં સુધી એને એ ન મળે ત્યાં સુધી એને ચેન નથી પડતું. શરીર વિશે એમ તો એવું કહેવાતું આવ્યું છે કે શરીરને જેવી આદત પાડો એવી આદત પડે. ભૂખ અને ઊંઘને જેટલી વધારો એટલી વધે અને ઘટાડો એટલી ઘટે. સ્વાદ એવી ચીજ છે કે ગમતી વસ્તુ જોઇને મોઢામાંથી પાણી ઝરવા માંડે છે. દરેક માણસની કોઇ ને કોઇ કમજોરી હોય છે, એ વસ્તુ એની સામે આવે પછી ખાધા વગર રહેવું અશક્ય બની જાય.
સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે માણસે કેટલું ખાવું જોઇએ? ડાયેટિશિયન કે સાયન્સ તેનો જવાબ એવી રીતે આપે છે કે દરેક શરીર યુનિક હોય છે. એકને જે નિયમ લાગુ પડે એ બીજાને ન લાગુ પડે. જમવાની બાબતમાં કોઇ યુનિવર્સલ ફોર્મ્યુલા આપી ન શકાય. કોઇ પહેલવાન હોય તો એણે વધુ ખાવું પડે. સ્પોર્ટ્સમેનનું ડાયટ જુદું હોવાનું. તમારું કામ જો મહેનતનું હોય મતલબ કે તમને પરસેવો પડતો હોય તો તમારો ખોરાક વધુ હોય તો વાંધો નથી. જો તમે એરકન્ડિશન ચેમ્બરમાં બેઠાં બેઠાં કામ કરતા હોવ તો તમારે ખાવામાં ધ્યાન રાખવું જોઇએ. કેલેરીઝનું પોતાનું ગણિત હોય છે. તમારે ખાવું હોય એટલું ખાવ, કંઇ વાંધો નથી પણ એટલી કેલેરી બાળવાની તમારી તૈયારી છે? એક ચોકલેટ ખાવ તો આટલી કેલેરી મળે, એ આપણને હવે ખબર પડી જાય છે, પણ ચોકલેટ જેટલી કેલેરી જિમમાં બાળતા નાકે દમ આવી જાય છે. કેટલું ખાવું એની સાથે ઉંમરનો હિસાબ પણ માંડવામાં આવે છે. યંગ લોકોનો ખોરાક વધુ જ હોવાનો. ઉંમર વધે એમ ખોરાક ઘટાડવો જોઇએ અને ખાવા-પીવાની વસ્તુઓમાં પણ બદલાવ લાવવો જોઇએ.
અમેરિકા સહિત દુનિયાના અનેક દેશો અત્યારે આવરવેઇટ પ્રોબ્લેમ સામે ઝઝૂમી રહ્યા છે. એમાં પણ ફાસ્ટફૂડ અને ફ્રોઝન ફૂડે ડાટ વાળ્યો છે. અમેરિકામાં તો સરકારે હવે વિનંતી કરવી પડે છે કે તમારી ફૂડ હેબિટ વિશે એલર્ટ રહો નહીંતર હાલત ખરાબ થઇ જશે. વજનના કારણે આપણા દેશ સહિત આખી દુનિયામાં સ્લીમિંગ સેન્ટર, વેઇટલોસ સેન્ટર અને જિમ ઇન્ડસ્ટ્રી ધમધોકાર ચાલે છે. આજથી દસ પંદર વર્ષ પહેલાં આવું ન હતું. હવે તો નાના સેન્ટર્સમાં પણ જિમ અને સ્લીમિંગ સેન્ટર્સ બની ગયાં છે. વજન ઘટાડવા માટે લોકો જોખમી પાઉડર પીવાથી માંડી જાતજાતના ખતરનાક રસ્તાઓ અજમાવવા લાગ્યા છે. ચરબીના થરના થર જામી જાય પછી લાઇપોસેક્શનના ઓપરેશન કરાવનારાઓની સંખ્યા પણ દિવસે ને દિવસે વધતી જાય છે. અમુક બીમારી કે હોર્મોનલ ચેન્જીસના કારણે વજન વધે તો એમાં માણસ એની સારવાર સિવાય કંઇ ન કરી શકે. જો કે મોટાભાગના લોકોનું વજન માત્ર જરૂર કરતાં વધુ ખાવાના કારણે અથવા તો જે ન ખાવું જોઇએ એ ખાવાના કારણે જ વધે છે. જૈન ધર્મ એવું કહે છે કે બે હાથ ભેગા કરીને હથેળીમાં સમાય એટલું ખાવ તો પૂરતું છે.
આજે મોટાભાગની મહિલાઓને વજનનો અને પુરુષોને વધી ગયેલા પેટનો પ્રોબ્લેમ છે. કોઇનું વજન જરાકેય ઘટે એટલે તરત જ સવાલ કરવામાં આવે છે કે કેવી રીતે ઘટ્યું? દરેક પોતપોતાના પ્રયાસોની વાત કરે છે, છેલ્લે જે વાત આવે છે એ તો જીભ પર કંટ્રોલની જ હોય છે. એક સાવ સાચો કિસ્સો છે. એક બહેન નિયમિત રીતે સ્લીમિંગ સેન્ટરમાં જતાં હતાં. એક દિવસે એનું વજન ધડ દઇને એક કિલો વધી ગયું. ડાયેટિશિયને પૂછ્યું તો એણે સાચું કહી દીધું કે ગઇકાલે માત્ર એક નાનકડો લાડુ ખાધો હતો. પછી એ લેડીએ નિર્દોષતાથી એક સવાલ કર્યો કે, એક નાનકડો લાડુ ખાઇએ એમાં એક કિલો વધી જાય? ડાયેટિશિયને જવાબ આપ્યો તે તમતમારે એક કિલો સલાડ ખાજો, સો ગ્રામ પણ નહીં વધે. આવા રમૂજી કિસ્સાઓ પણ બનતા હોય છે, બીજાને હસવું આવે બાકી તો જેના પર વીતતી હોય એને ખબર પડે. તમારે કેટલું ખાવાની જરૂર છે એ તમે જ નક્કી કરો. જરૂર પડે તો ડાયેટિશિયનની સલાહ લો. જીભના ચટાકા પર કાબૂ રાખો નહીંતર જીભ તમને છેતરી જશે. થાય છે એવું ને કે ખાઇ લીધા પછી જ સમજાય છે કે આ ખાવાની જરૂર ન હતી, આ સમજ પડે ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે, મોઢામાં કંઇ મૂકતાં પહેલાં જ વિચારો કે આ ખાવાની જરૂર છે ખરી? જવાબ ના આવે તો મન મક્કમ કરીને તેને એવોઇડ કરો. ફૂડ હેબિટ સારી હોય એ સ્વસ્થ રહેવા માટે સૌથી વધુ જરૂરી છે.
પેશ-એ-ખિદમત
વો શખ્સ જો રખતા હૈ જમાલ ઔર તરહ કા,
હૈ ઉસ સે બિછડને કા મલાલ ઔર તરહ કા,
અબ ઘર સે નિકલના હી પડેગા કિ મુખાલિફ,
ઇસ બાર, ઉઠાતે હૈ, સવાલ ઔર તરહ કા.
-ખાલિદ મોઇન
(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 12 ઓગસ્ટ 2018, રવિવાર)
kkantu@gmail.com