મેં એનો નંબર જ બ્લોક કરી દીધો છે! – ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

મેં એનો નંબર જ
બ્લોક કરી દીધો છે!


કૃષ્ણકાંત ઉનડકટ


હાટ, મંડી, બજાર કોઈ નથી, સીધા સોદા, કરાર કોઈ નથી,
આપમેળે સુવાસ પ્રસરે છે, પ્રેમ છે બસ! પ્રચાર કોઈ નથી.
-વિવેક કાણે `સહજ’પ્રેમ અને પેઇનને નજીકનો નાતો છે. જ્યાં પ્રેમ હોય ત્યાં વહાલની સાથે વેદના પણ હોવાની જ છે. પ્રેમ જેટલો વધારે એટલી વેદના વધારે. આપણે જેને સૌથી વધુ પ્રેમ કરતા હોઈએ એ જ આપણને સૌથી વધુ વેદના આપવા સક્ષમ હોય છે. એનું કારણ એ છે કે, એની સાથે આપણે હન્ડ્રેડ પર્સન્ટ એટેચ હોઇએ છીએ. જરાક અમથું નાનુંસરખું પણ કંઈ થાય તો આપણને લાગી આવે છે. જે શબ્દો સ્નેહ પૂરતા હોય એ જ શબ્દો છરકા પાડી દે છે. જે સ્પર્શ માદક લાગતો હોય છે એ જ ક્યારેક દાહક લાગવા માંડે છે. પ્રેમ વિશે એવું કહેવાય છે કે, પ્રેમમાં સ્વાર્થ કે અપેક્ષાઓ ન હોય! સ્વાર્થ ન હોય એ સમજી શકાય પણ અપેક્ષાઓ તો હોવાની જ છે. છેલ્લે એટલું તો હોવાનું જ છે કે, મારી વ્યક્તિ મારું ધ્યાન રાખે, મારી કેર કરે, મને પેમ્પર કરે. પોતાની વ્યક્તિ પાસે અપેક્ષાઓ ન હોય તો કોની પાસે હોય? સાદ દઈએ તો હોંકારાની અપેક્ષા રહેવાની જ છે. સાંનિધ્યની ઝંખના તો જીવતી રહેવાની જ છે. વાત કરવી હોય છે, વાત સાંભળવી હોય છે. એક ફિકર હોય છે કે, એ ઓકે તો છેને? એ ખુશ તો છેને? અવાજનો રણકો જરાકેય બદલે તો વર્તાઇ આવે છે. પ્રેમ જ એવું તત્ત્વ છે જે બધું જ છતું કરી દે છે. વિચારો વાંચવાની તાકાત માત્ર ને માત્ર પ્રેમમાં છે. જીવતા હોવાનો સૌથી મોટો અહેસાસ માત્ર પ્રેમમાં જ અનુભવાય છે.
અપેક્ષા પૂરી ન થાય ત્યારે એક અભાવ સર્જાય છે. અભાવ સર્જાય એનો વાંધો હોતો નથી. અભાવ પુરાઈ જવો જોઇએ. ખાલીપો સન્નાટો બને એ પહેલાં એને ભરી દેવાનો હોય છે. મનાવવાની એ જ તો મજા છે. ગુસ્સો કે ઝઘડો થતાં થઇ જાય છે પણ પછી એમ થાય છે કે, આવું થવું જોઇતું નહોતું! એ પછી ઊતરી ગયેલી ગાડીને પાટા પર ચડાવવાની પ્રક્રિયા શરૂ થાય છે. પ્રેમની મજા જ એ છે કે, એમાં અપ્સ અને ડાઉન્સ હોય છે. મેરી ગો રાઉન્ડની જેમ ચડાવ અને ઉતાર વચ્ચે એક પડાવ હોય છે. થોડીક ક્ષણ એવી હોય છે જે જિંદગીને છલોછલ કરી નાખે છે.
છેડા ફાડી નાખવાના વિચાર પણ તો જ આવવાના જો છેડા જોડાયેલા હોય. છેડા એમ છૂટતા ક્યાં હોય છે? છૂટા પડી ગયા પછી પણ કંઈક જોડાયેલું રહેતું હોય છે. જુદા પડ્યા પછી ભૂલી જવાની સલાહો આપવામાં આવે છે પણ એ કંઈ પાટીમાં લખેલા અક્ષરો નથી કે આસાનીથી ભુલાઈ જાય! એ તો દિલમાં ધરબાયેલી યાદો હોય છે જે જીવતી થઈ જાય છે. એક પ્રેમી-પ્રેમિકાની આ વાત છે. બંને વચ્ચે ખૂબ પ્રેમ હતો. પ્રેમમાં ઝઘડા માટે એકાદ સામાન્ય કારણ પણ પૂરતું હોય છે. ફોન ન ઊપડે કે મેસેજનો જવાબ ન આવે તો પણ લાગી આવે છે. આપણે એવું ઇચ્છવા લાગીએ છીએ કે, એને બધી જ વાત સમજાઈ જાય. આપણે વિચારતા હોઇએ એવું આપણી વ્યક્તિ કરે એ કક્ષા સુધીનો પ્રેમ આપણે ઇચ્છવા લાગીએ છીએ. એવું થતું પણ હોય છે. અલબત્ત, દરેક વખતે એવું થાય એ પણ જરૂરી નથી. ક્યારેક એવું ન પણ થાય અથવા તો ધાર્યું હોય એના કરતાં સાવ ઊલટું પણ થાય. એ વખતે અંટસ સર્જાય છે. આવા જ એક ક્ષુલ્લક કારણસર બંને વચ્ચે ઝઘડો થયો. ઝઘડો થાય એ પછી પણ આપણે ભૂલ સ્વીકારી નથી લેતા પણ આવું કેમ થયું તેના બચાવમાં ઊતરી જતા હોઇએ છીએ. એના કારણે વાત સમેટાવાને બદલે વકરી જતી હોય છે. બંનેનો ઝઘડો એટલો વધ્યો કે, પ્રેમિકાએ પ્રેમીનો નંબર બ્લોક કરી દીધો!
હવે અબોલા પણ ડિજિટલ થઇ ગયા છે. હવે મોઢું નથી ચડાવાતું પણ સ્ટેટસ જોઇ ન શકે એવી રીતે હાઇડ કરી દેવામાં આવે છે. સોશિયલ મીડિયાની વૉલ પર સંતાકૂકડી રમાતી રહે છે. બ્લોક કરી દીધા પછી બ્લોકમાં પણ આંધળું સ્ટેટસ જોવાતું રહે છે. પ્રેમિકાએ બ્લોક કર્યા પછી પણ એ મોબાઇલ હાથમાં લઇને બેઠી હતી. એ પોતાના પ્રેમીના જૂના મેસેજીસ જોયા રાખતી હતી. તેને પોતાને જ વિચાર આવી ગયો કે, કેવું છે નહીં? બ્લોક કર્યા પછી પણ મેસેજ ક્યાં ડીલિટ થતા હોય છે? ડીલિટ કરવા માટે ઓલ મેસેજ સિલેક્ટ કર્યા પછી પણ ડીલિટનું બટન દબાવી શકાતું નથી. વોટ્સએપ પરથી કે સોશિયલ મીડિયાની વૉલ પરથી તો એક તબક્કે ડીલિટ પણ કરી દઇએ પણ દિલમાંથી ડીલિટ કેવી રીતે કરવું? એવું કોઇ બટન નથી હોતું કે, જે દબાવવાથી દિલનું કંઈ ડીલિટ થઇ શકે! દિલનો તો વળી સાવ જુદો જ હિસાબ હોય છે. ડીલિટ કરવા જાવ એમ વધુ લખાવવા અને વંચાવવા લાગે છે. યાદો દૂઝણી હોય છે. એ દૂઝતી રહે છે. એક પછી એક બધું યાદ આવતું રહે છે !
અનબ્લોક કરવાની મથામણ ચાલતી રહે છે. બીજા એક પ્રેમી-પ્રેમિકાની આ વાત છે. ઝઘડો થયા બાદ પ્રેમીએ પ્રેમિકાને બ્લોક કરી દીધી. પ્રેમિકાના શિડ્યૂલની એને ખબર હતી. પ્રેમિકા કામ પર હોય ત્યારે થોડીક ક્ષણો માટે એને અનબ્લોક કરીને તેની પ્રોફાઇલ અને સ્ટેટસ જોઈ લેતો. જોઇને પાછો નંબર બ્લોક કરી દે! એક વખતે તેણે પ્રેમિકાનું સ્ટેટસ જોવા માટે અનબ્લોક કરી ત્યારે એને આંચકો લાગ્યો. પ્રેમિકાએ પણ તેને બ્લોક કરી દીધો હતો ! આપણે કરીએ એવું જ જ્યારે સામેની વ્યક્તિ કરે ત્યારે કેટલું અઘરું પડી જતું હોય છે? અનબ્લોક કરીને રાહ જોવાની કે, એ હવે ક્યારે મને અનબ્લોક કરે છે ?
અબોલા લાંબા ખેંચાય તો અભાવ પેદા થાય છે. અબોલાની પણ એક અવધિ હોવી જોઇએ. અબોલા પૂરા કરી દેવાના. નારાજગી ખતમ કરી દેવાની. બહુ લાંબું ખેંચવામાં તૂટી જવાનો ખતરો રહે છે. ક્યારેક અબોલા અફસોસમાં બદલાઈ જાય છે. એક સાવ સાચી ઘટના છે. બે પ્રેમી વચ્ચે ઝઘડો થયો. બંને બોલતાં નહોતાં. મહિના જેટલો સમય થઇ ગયો. પ્રેમીએ લાંબા સમય માટે બહાર જવાનું હતું. પ્રેમિકાને એ વાતની ખબર પડી. તેને એટલી ખબર તો હતી જ કે, એ મને મળ્યા વગર જશે કે વાત કર્યા વગર જશે તો એને ચેન નહીં પડે. પ્રેમિકાએ ફોન કર્યો, જાય છે? આવી રીતે ન જા ! મળીને જા ! બંને મળ્યાં. પ્રેમથી વાતો કરી. પ્રેમ ફરીથી જીવતો થઇ ગયો. હવે ક્યારેય અબોલા ન કરવાનું નક્કી કર્યું. હવે આપણે ટચમાં રહીશું એવું કહીને બંને જુદાં પડ્યાં. બંને ખુશ હતાં. પ્રેમી ફ્લાઇટમાં જઇ રહ્યો હતો. ફ્લાઇટ ક્રેશ થઇ. કોઈ ન બચ્યું. આ વાત જ્યારે પ્રેમિકાને ખબર પડી ત્યારે તેણે કહ્યું કે, તેં તો ટચમાં રહેવાનું કહ્યું હતુંને? આમ ચાલ્યા જવાનું? સાથોસાથ એવો વિચાર પણ આવી ગયો કે, સારું થયુંને કે એને ફોન કરીને મળવા ગઇ? છેલ્લી વાર એને હગ કરીને મળી. નહીંતર શું એ મારા આલિંગનને બદલે અબોલા લઇને ગયો હોત? મારા માટે કેવડો મોટો અફસોસ રહી જાત? એટલું મોડું ક્યારેય ન કરવું કે, કોઇ અફસોસ રહી જાય! વાત એટલી ન લંબાવો કે છેડો જ ન આવે. છેડો ફાડવો સહેલો છે. છેડો શોધવો પણ અઘરો નથી હોતો! આપણે એ નક્કી કરવાનું હોય છે કે, અંત શેનો લાવવો છે? સંબંધનો કે સંઘર્ષનો? પ્રેમને જો સમયસર સંભાળી લેવામાં ન આવે તો એ સરકી જાય છે. એક વખત એક પ્રેમી-પ્રેમિકાને ઝઘડો થયો. પ્રેમિકા બધું જ ભૂલીને પાછી મળવા ગઇ. પ્રેમીએ પૂછ્યું, કેમ મળવા આવી? પ્રેમિકાએ કહ્યું, તારા જેવું કોણ થાય? આ વાત સાંભળીને પ્રેમીએ કહ્યું કે, તારા જેવું કોઈ ન થાય! તું ડાહી છે, સમજુ છે, વાત સંભાળી લે છે. પ્રેમમાં જરાક સંભાળી લેવાનું હોય છે, આપણે જ્યારે સંભાળવાનું હોય ત્યારે દેખાડી દેવાનો પ્રયાસ કરતા હોઈએ છે! જેના વગર ચાલતું ન હોય એના વગર ચલાવવા કરતાં એને મનાવવા અથવા તો માની જવામાં વધુ સાર હોય છે. બંનેમાં થોડોકેય પ્રેમ જીવતો હોય તો એને મારી ન નાખો. પ્રેમમાં પણ છેલ્લા શ્વાસ સુધી લડી લો, બનવાજોગ છે કે, પ્રેમ પાછો સોળે કળાએ ધબકવા લાગે!


છેલ્લો સીન :
જે લોકો માણસની પસંદગીમાં થાપ ખાઈ જાય છે એ લોકોને પસ્તાવું પડે છે. સંબંધ રાખતા પહેલાં માણસને ઓળખવામાં પૂરો સમય લેવો જોઇએ જેથી બાકીનો સમય અફસોસ ન કરવો પડે! -કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 24 જુલાઈ, 2022, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: