તમારી જાતને સવાલ પૂછો, તમે કેટલા ખુશ છો? : દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

તમારી જાતને સવાલ પૂછો,

તમે કેટલા ખુશ છો?

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

આપણું સુખ આપણા હાથમાં છે. જો ધ્યાન ન

રાખીએ તો એ હાથમાંથી સરકી જાય છે.

સુખ જો કોઇના આધારિત હશે તો

એ લાંબું ટકવાનું નથી. તમને ખુશ રહેતા આવડે છે?

બે દિવસ પછી મંગળવારે વર્લ્ડ હેપીનેસ ડે છે,

હેપી રહેવું એ જગતની દરેક વ્યક્તિનો

જન્મસિદ્ધ અધિકાર છે.

તમારે ખુશ રહેવું છે? તમારે સુખી થવું છે? આવો સવાલ તમે કોઇને પણ પૂછી જોજો, એકેય માણસ એવું નહીં કહે કે મારે ખુશ નથી રહેવું કે મારે સુખી નથી થવું. દુનિયાના દરેક માણસને ખબર છે કે જિંદગીને મસ્ત રીતે જીવવી જોઇએ. દરેક માણસ સુખી થવા માટે ફાંફાં મારતો રહે છે. દરેકને એવું થતું હોય છે કે, કંઇક મજા આવે, થોડોક જલસો પડે, કંઇક ગમે એવું થાય, મને પણ લાગે કે જિંદગી જેવું કંઇ છે. માણસ ખુશ રહેવા કેટલો બધો ખર્ચ પણ કરે છે. ક્યારેક થોડીક વાર એમ થાય પણ છે કે મજા આવી પણ પાછી પાછું એ નું એ રગશિયું ગાડું શરૂ થઇ જાય છે.

બે દિવસ પછી મંગળવારે વર્લ્ડ હેપીનેસ ડે છે. આખી દુનિયામાં હેપી-હેપી રહેવાની વાતો થશે. હેપીનેસની વાત આવે એટલે ભૂતાન યાદ આવે. ભૂતાને જીડીપી નહીં પણ હેપીનેસ ઇન્ડેક્સનો ખયાલ વિશ્વને આપ્યો છે. યુનેસ્કો દર વર્ષે હેપીએસ્ટ કન્ટ્રીઝની યાદી બહાર પાડે છે. 155 દેશોમાં આપણા ભારતનો નંબર 133મો છે. નોર્વે, ડેન્માર્ક, આઇસલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ, ફિનલેન્ડ. નેધરલેન્ડ, કેનેડાનાં નામ મોખરે છે. શું એ દેશોમાં બધા જ લોકો સુખી છે? જવાબ છે ના! દુ:ખી લોકો ત્યાં પણ છે. એ લોકોના દુ:ખનાં કારણો જુદાં છે. આપણી પીડા, વેદના, દર્દ, વ્યથા અને વ્યાધિઓ જુદી છે. માણસે સુખી થતાં અને ખુશ રહેતા શીખવું પડતું હોય છે. જિંદગી તો સારી જ હોય છે, આપણા વિચારો, માન્યતાઓ અને પૂર્વગ્રહો આપણને દુ:ખી કરતાં હોય છે.

દરેક માણસે વિચારવું જોઇએ કે હું કેટલો ખુશ છું? ખુશ નથી તો શા માટે નથી? તમે વિચાર કરો કે છેલ્લે તમને ક્યારે એવું ફીલ થયું હતું કે, મોજ પડી ગઇ! આવી ઘટનાઓ યાદ કરવી પડે છે. કંટાળો રોજ આવે છે, મજા કોઇક દિવસ જ આવે છે. ખરેખર આવું હોય છે? કદાચ હા અને કદાચ ના. આપણે અમુક પરિસ્થિતિ મનથી નક્કી કરી લેતાં હોઇએ છીએ કે આવું થાય તો મજા આવી કહેવાય! ફરવા જઇએ તો એ મજા, નાચીએ તો એ ખુશી, સરસ જમીએ તો આનંદ, લોંગ ડ્રાઇવ પર જઇએ તો જલસો, મિત્રો સાથે હોય તો મોજ, કામ કરવાનું હોય તો કંટાળો, ઓફિસ જવાનું હોય તો ત્રાસ, આપણે આપણાં સુખ અને દુ:ખની વ્યાખ્યાઓ આપણી રીતે જ કરી નાખીએ છીએ. એ મુજબ જ આપણે હસીએ કે રોઇએ છીએ. ખુશી એ માનસિકતા બનતી નથી, સુખ એ સ્વભાવ બનતો નથી, આનંદ આદત બનતો નથી એટલે આપણે દુ:ખી, ઉદાસ, નાખુશ, નારાજ અને હતાશ થઇએ છીએ.

સુખ-સંપતિ કે સાધનોથી આવે છે? જો એવું હોત તો દુનિયાનો કોઇ અમીર આદમી દુ:ખી ન હોત. એ વાતથી જરાયે ઇન્કાર ન થઇ શકે કે રૂપિયા કમ્ફર્ટ આપે છે, જિંદગીને ઇઝી બનાવે છે પણ રૂપિયા માણસને સુખી ન કરી શકે, માણસને ખુશ ન કરી શકે. સુખી અને ખુશ તો આપણે જાતે જ થવું પડે. મજા મોંઘી નથી હોતી, અલગારી લોકો ઓછામાં પણ જાહોજલાલી ભોગવતા હોય છે. નાની ખોલકીમાં રહેતો માણસ પણ ખુશ હોઇ શકે છે. ગરીબોની ખુશી જોઇને માલેતુજારો પણ ઇર્ષા કરતા હોય છે કે ખરી જિંદગી તો આ લોકો જ જીવે છે.

તમે મજામાં હોવ ત્યારે તમને ખબર હોય છે કે તમે ખુશ છો? ના, ત્યારે તો એ સહજ લાગતું હોય છે, પછી સમજાય છે કે યાર ગજબના દિવસો હતા એ. ક્રિકેટના ભગવાન અને ભારતરત્ન સચિન તેંડુલકરની એક વાત યાદ આવે છે. અત્યારે તેની પાસે બધું જ છે. છતાં એને કયા દિવસો યાદ આવે છે? સચિને કહ્યું હતું કે, હું ઇન્ડિયન ટીમમાં હજુ સ્થાન પામ્યો ન હતો. પ્રેક્ટિસ કરતો હતો. સારી પ્રેકટિસ કરું ત્યારે મારા કોચ રમાકાંત આચરેકર મને પચાસ પૈસા વાપરવા આપતા. આઠ આના મળે એટલે હું વડાપાંઉ ખાવા દોડી જતો. એ વડાપાંઉ ખાવાની જે મજા આવતી એવી મજા હવે દુનિયાની કોઇ ફાઇવ સ્ટાર કે સેવન સ્ટાર હોટલમાં નથી આવતી. આમ જુઓ તો એ સચિનનો સ્ટ્રગલ પિરિયડ હતો. આપણને આપણા સંઘર્ષના સમયમાં એ વાત યાદ હોય છે કે આ સમય અને અત્યારની આ નાની નાની મજા ભવિષ્યનું મધુર સ્મરણ બની રહેવાનું છે.

સુખ, મજા અને ખુશી માટેનો સૌથી પહેલો સિદ્ધાંત એ છે કે જે છે તેને માણો. તમારી જે સ્થિતિ હોય તે, પણ એ શોધો કે વધુમાં વધુ મજા કેવી રીતે આવે. જિંદગીને રડતાં રડતાં વિતાવવી કે જિંદગીને ભરપૂર જીવવી એ આપણે પોતે નક્કી કરવું પડતું હોય છે. દુ:ખ, તકલીફ, સમસ્યા, ઉપાધિ અને એવું બધું શોધતા રહેશો તો સુખ તો મળવાનું જ નથી.

આપણા કવિ મનોજ ખંડેરિયાએ સરસ લખ્યું છે કે, જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં, મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને, જે શોધવામાં જિંદગી આખી પસાર થાય, ને એ જ હોય પગની તળે એમ પણ બને. સુખ અને ખુશીનું પણ એવું જ છે. એ તો આપણી નજીક જ છે, તમે એને દૂર જવા ન દો અથવા તો તમે પોતે એનાથી દૂર ન થઇ જાવ તો સુખ, ખુશી, આનંદ તો આપણી નજીક જ હોય છે.

ઘણા લોકો એવા હોય છે જેની ખુશીનો આધાર બીજા લોકો હોય છે. હા, અંગત વ્યક્તિ, મિત્રો, સ્નેહીઓ સાથે મજા કરવાની વાત જ કંઇ ઔર છે, પણ જે પોતાના આનંદ માટે બીજા પર જ આધાર રાખે છે એ કયારેક તો દુ:ખી થાય જ છે. નિજાનંદ હવે દુર્લભ બનતો જાય છે. કોઇ એક એવો શોખ પાળો જે તમને ક્યારેય તમારાથી એકલા પડવા ન દે. તમારી ખુશીની રીત તમે જ શોધો. એક જિંદગી મળી છે, કેટલું જીવવું અને કેવી રીતે જીવવું એ આપણે નક્કી કરવાનું હોય છે. વિશ યુ હેપી હેપીનેસ ડે. એક્ચ્યુલી નોટ ઓન્લી વન ડે, વિશ યુ હેપી લાઇફ.

પેશ-એ-ખિદમત

ઉન્હેં ભી જીને કે કુછ તજુરબે હોંગે,

જો કહ રહે હૈં કે મર જાના ચાહતે હૈ હમ,

કુછ ઇસ અદા સે કિ કોઇ ચરાગ ભી ન બુઝે,

હવા કા તરહ ગુજર જાના ચાહતે હૈ હમ.

-વાલી આસી.

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 18 માર્ચ 2018, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: