ગમે એટલો પ્રેમ હોય, માણસ
સતત સાથે રહી શકતો નથી!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———–
સ્પેસ અને પ્રાઇવસીમાં
ભંગાણ પડે ત્યારે સંબંધમાં તીરાડ
પડવાની શરૂઆત થાય છે
———-
સતત સાંનિધ્ય અકળામણ સર્જે છે. એક-બીજા માટે ગમે એટલો પ્રેમ હોય તો પણ ચોવીસે ચોવીસ કલાક સાથે રહી શકાતું નથી. દરેક વ્યક્તિને પોતાની સ્પેસ મળવી જોઇએ. મિલનની સાથે થોડોક વિરહ પણ જરૂરી છે. યુક્રેનના કપલનો કિસ્સો એ વાતની સાક્ષી પૂરે છે કે, માણસ સતત સાથે રહી શકતો નથી. લોકડાઉનના સમયમાં ઘણા દંપતીઓને આ વાત સમજાઇ ગઇ છે કે, સાવ સામેને સામે રહેવામાં બહુ માલ નથી. પ્રેમ અને દાંપત્ય જીવન બહુ નાજુક વસ્તુ છે. એનું સૂત્ર પણ એ જ છે કે, હેન્ડલ વીથ કેર! પોતાની વ્યકિતના મૂડને મેનેજ કરવાનો પણ થાક લાગતો હોય છે. બહારનું વાતાવરણ જ્યારે સારું ન હોય ત્યારે ઘરનું એટમોસ્ફિયર શાંત અને સ્વસ્થ રહે એ જરૂરી છે. સંબંધોને રોજે રોજ તાજા રાખવા માટે દરરોજ ધ્યાન રાખવું પડતું હોય છે. મગજ છટકે ત્યારે પ્રેમ, લાગણી અને ડાહી ડાહી વાતોનું બાષ્પીભવન થઇ જતું હોય છે.
———-
એક હતો એલેકઝાન્ડર. એક હતી વિકટોરિયા. બંને વચ્ચે ખૂબ પ્રેમ. વન ફાઇન ડે, બંનેએ સગાઇ કરી. મેરેજનો સમય આવે એ પહેલા બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા. વિકટોરિયાને ફરિયાદ હતી કે, તું મને સમય નથી આપતો. તને મારી કેર જ નથી. મને નથી લાગતું કે, આપણે બંને સાથે રહી શકીએ. બેટર એ છે કે, આપણે જુદા પડી જઇએ. લેટ્સ બ્રેક અપ. એલેકઝાન્ડર દુ:ખી થયો. તેણે વિકટોરિયાને કહ્યું કે, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ મી. આઇ લવ યુ. આ વાતે જુદા પડી જવું વાજબી નથી. એવામાં વેલેન્ટાઇન ડે આવ્યો. એલેકઝાન્ડરે એક એવી ઓફર કરી જે અગાઉ કોઇ પ્રેમીઓએ કરી નહોતી. વિકટોરિયાને કહ્યું કે, ચાલ આપણે બંને એક-બીજા સાથે હાથકડી બાંધીને રહીએ. એક મિનિટ પણ જુદા નહીં રહીએ.
વિકટોરિયાએ પહેલા તો ના પાડી. એલેકઝાન્ડરના આગ્રહને વશ થઇ આખરે વિકટોરિયા માની ગઇ. બંનેએ રંગેચંગે એક-બીજાના હાથે હાથકડી બાંધી. મીડિયાવાળાઓને ખબર પડી એટલે બધા દોડી આવ્યા. જોતજોતામાં તો એલેકઝાન્ડર અને વિકટોરિયાની લવસ્ટોરી લોકોમાં ચર્ચાવા લાગી. બંને રોજના ફોટા, ક્લિપ્સ અને એક્સિપિરિયન્સ ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરવા લાગ્યા. ફોલોઅર્સ ફટાફટ વધવા લાગ્યા. શરૂ શરૂમાં તો બંને બહુ રોમાંચિત હતા. બધી જ ક્રિયાઓ સાથે જ કરવાની. સતત સંગાથ મજા આપતો હતો. ધીમે ધીમે બંને કંટાળવા લાગ્યા. વાંધા પડવા લાગ્યા. ઝઘડા થવા લાગ્યા. આમ છતાં બંને જોડાયેલા રહ્યા. ઘણા બધા અપ-ડાઉન્સ છતાં બંને 123 દિવસ ટકી રહ્યા. આખરે બંનેએ હાથકડી છોડવાનું નક્કી કર્યું. જેવી હાથકડી ખુલી કે બંનેએ કહ્યું કે, આપણે હવે છુટ્ટા. બંનેએ એ જ સમયે બ્રેકઅપ કરી લીધું. પહેલા બંને એક-બીજાને સમય નહોતા આપતા એનો પ્રોબ્લેમ હતો. સતત સાથે રહ્યા તો પણ કંટાળી ગયા.
યુક્રેનની હમણાં જ બનેલી આ સાવ સાચી ઘટના છે. એલેકઝાન્ડર અને વિકટોરિયાના કેસની હજુ પણ ચર્ચાઓ થઇ રહી છે. 33 વર્ષનો એલેકઝાન્ડર કુડલે કાર સેલ્સમેન છે અને 28 વર્ષની વિકટોરિયા પુસ્તોવિતોવા બ્યુટિશિયન છે. યુક્રેનની રાજધાની કીવમાં આવેલ સુપ્રસિદ્ધ સ્થળ યુનિટી સ્ટેચ્યુ પાસે જ બંનેએ હાથકડી બાંધી હતી અને એ જ સ્થળે બંને છુટા પડ્યા. જ્યારે હાથકડી બાંધી ત્યારે બંનેએ કહ્યું હતું કે, અમારે અમારા પ્રેમની તાકાત અજમાવવી છે. છુટા પડતી વખતે વિકટોરિયાએ કહ્યું કે, એલેકઝાન્ડરે મારું રાખવું જોઇએ એવું ધ્યાન રાખ્યું નહીં. એલેકઝાન્ડરે કહ્યું કે, આટલા દિવસમાં મને સમજાઇ ગયું કે અમે એક સરખું નથી વિચારતા. અમે એક-બીજાથી સંપૂર્ણપણે જુદા છીએ.
વેલ, એલેકઝાન્ડર અને વિકટોરિયાની આ કહાની પ્રેમ, સંબંધો અને દાંપત્યને સમજવા માટે મહત્વની ઘટના છે. સાચી વાત એ છે કે, વધુ પડતું કંઇ જ યોગ્ય નથી. સતત દૂરી જેટલી આકરી છે એટલું જ અઘરું સતત સાંનિધ્ય છે. પ્રેમમાં પણ બેલેન્સની જરૂર પડે છે. પ્રેમ તો જ ટકે જો બંનેને પોતાની સ્પેસ અને પ્રાઇવસી મળે. તમે કોઇને બાંધી શકો નહીં. બાંધવાનું શરૂ થાય એની સાથે જ છૂટા પડવાની પ્રક્રિયા શરૂ થઇ જાય છે. જેટલું હોવું જોઇએ એટલું રાખવું એ જ પ્રેમ ટકાવવાની કળા છે. જરૂર હોઇએ ત્યારે હાજર હોઇએ એટલું પૂરતું છે. ગમે એટલો પ્રેમ હોય તો પણ રાઉન્ડ ધ કલોક એન્ડ 365 ડેઝ સાથે રહેવું શક્ય નથી. આપણી આદતથી માંડીને દાનત જુદી જુદી હોય છે. બધું મળતું ન જ આવે. જે મળતું આવે એને મેળવતા રહીએ અને જે મળતું ન આવે એને ટાળતા રહીએ તો પ્રેમ પાતળો ન પડે.
કોરોના કાળ દરમિયાન લોકડાઉનમાં ઘણાં કપલ્સને આવા અનુભવો થયા છે. લોકડાઉન શરૂ થયું ત્યારે પહેલા તો બધાને એવું લાગ્યું હતું કે હાશ હવે સાથે રહેવા મળશે. ધીમે ધીમે સમજાયું કે, સાલું આ તો અઘરું પડે છે. લોકડાઉન વખતે કપલ્સ વચ્ચે એટલા ઝઘડા અને ડોમેસ્ટિક વાયોલન્સની ઘટના બની કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને બધાને અપીલ કરવી પડી હતી કે, સંબંધોની માવજત કરો. નાની નાની વાતમાં ઇરિટેટ ન થઇ જાવ. સામા પક્ષે બીજી ઘટનાઓ પણ બની. જે લોકો કોરોના સંક્રમિત થયા એનું ઘરના લોકોએ એવું ધ્યાન રાખ્યું જેનાથી એમને એ વાત સમજાઇ કે, છેલ્લે તો આપણી વ્યક્તિ જ આપણું ધ્યાન રાખવાની છે. વર્ચ્યુઅલ વર્લ્ડ અને રિઅલ લાઇફનો ભેદ પણ ઘણાને સમજાઇ ગયો.
કોરોનાના સમય દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું હતું પણ સાથોસાથ એ પણ તકેદારી રાખવાની હતી કે, ઇમોશનલ ડિસ્ટન્સ વધી ન જાય. કોરોના પહેલાનો સમય યાદ કરો. બધાના મોઢે એ ફરિયાદ હતી કે, ઘરના લોકો માટે ફૂરસદ નથી મળતી. પોતાના માટે તો સમય જ ક્યાં છે? કુદરતે ફટ દઇને જથ્થાબંધ સમય આપી દીધો. લોકોએ શું કર્યું? માથાકૂટો અને ઝઘડાઓ. વર્ક ફ્રોમ હોમની ભલે સારી સારી વાતો થતી હોય પણ લોકો ઘરે કામ કરીને કંટાળી ગયા. ઓફિસ જેવી મજા નહીં. કામ માટે વાતાવરણ બદલે એ જરૂરી છે. ઓફિસ કલ્ચર અને કલિગ્સ સાથેના સમયની વાત નીરાળી છે. એ સાથે જ ઘરે જવાની ઉતાવળ અને મજા પણ જોડાયેલી છે. ઓફિસ એ કામનું અને ઘર આરામનું સરનામું છે.
તમારે પ્રેમને જીવતો રાખવો છે? તો તમારી વ્યક્તિને એવું પણ ન લાગવું જોઇએ કે મારા પ્રેમી, પતિ કે પત્ની પાસે મારા માટે સમય નથી. તમારી વ્યક્તિને સમય આપો, એની સાથે વાત કરો, એની વાત સાંભળો પણ એને જ્યારે એકાંત કે શાંતિ જોઇતી હોય ત્યારે એને સ્પેસ આપવાની પણ કાળજી રાખો. માણસને ક્યારેક વાતો કરવાનું મન થાય છે, તો ક્યારેક એવું પણ લાગે છે કે એને કોઇ વતાવે નહીં. આપણી વ્યક્તિના મૂડને પારખતા આવડે એ પણ પ્રેમની જ નિશાની છે. મૌનમાં પણ સાથ મળવો જોઇએ. એક બીજાની સાથે હોઇએ છતાં પોતપોતાની સાથે પણ રહી શકીએ એવો માહોલ જે રચી શકે છે એના દાંપત્યને કોઇ આંચ આવતી નથી. આપણે માત્ર સાંનિધ્ય નથી જોઇતું હોતું, આપણે તો આપણે ઇચ્છીએ એવું કરાવવું પણ હોય છે. ભલે સ્ત્રીઓ બોલે નહીં પણ એનેય શાંતિ તો જોઇતી જ હોય છે. કિચનમાં રસોઇ બનાવતી હોય ત્યારે એ કિચનની ક્વીન હોય છે. એના રજવાડામાં એક હદથી વધુ ચંચૂપાત એનાથી સહન થતો નથી. સીધી અને સરળ વાત એટલી જ કે, એટલા દૂર ન રહો કે સાથે રહેવા માટે ઝંખતા રહીએ અને એટલા નજીક પણ ન રહો કે દૂર જાય એની રાહ જોઇએ. સીમિત સાંનિધ્યનું સૌંદર્ય અકબંધ રહેવું જોઇએ. સાથે હોવ ત્યારે હન્ડ્રેડ પર્સન્ટ સાથે જ હોવા જોઇએ. હવે પતિ-પત્ની હિંચકે કે સોફા ઉપર બેસીને શાંતિથી વાતો કરતા હોય તેવા દ્રશ્યો દુર્લભ થતા જાય છે. બંનેના અથવા તો બેમાંથી એકના હાથમાં મોબાઇલ હોય છે. જે દૂર છે એની સાથે મેસેજથી વાતો થતી હોય છે અને જે નજીક હોય છે એ ઇગ્નોર થતા હોય છે. સંબંધોને દાવ પર લાગવા ન દો, કારણ કે જો સંબંધો દાવ પર લાગ્યા તો છેલ્લે બંને હારવાના છો. અત્યારના સમયમાં જે પ્રેમથી રહે છે એ જ સુખી અને ખરા અર્થમાં સમૃદ્ધ છે. બધું હશે પણ જો એક-બીજા માટે પ્રેમ નહીં હોય, એક-બીજાની કેર નહીં હોય, એક-બીજાની ચિંતા નહીં હોય તો એવું જ લાગશે કે લાઇફમાં જીવવાની મજા આવે એવું કંઇ છે જ નહીં. ટાઇમ મેનેજમેન્ટ માત્ર સકસેસ માટે જ નહીં, સ્નેહ અને સંવેદના માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે!
હા, એવું છે!
દુનિયાના કોમેડિયનો પર થયેલો એક અભ્યાસ એવું કહે છે કે, કોમેડિયનો સામાન્ય માણસો કરતા વધુ ડિપ્રેશ્ડ હોય છે. એ પોતાની અંદર કોઇને કોઇ પ્રકારની હતાશા લઇને જીવતા હોય છે. અત્યંત રમૂજી દેખાતા માણસો પણ પોતાની અંદર કોઇ પેઇન છુપાવીને ફરતા હોય છે!
(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 07 જુલાઇ 2021, બુધવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com