બધાને ક્યાં બધી જ વાત કહી શકાય છે? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

બધાને ક્યાં બધી જ

વાત કહી શકાય છે?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

સાવ નાનું ઘર હશે તો ચાલશે, મોકળું ભીતર હશે તો ચાલશે,

કોઈની તકલીફ પણ સમજી જવાય, એટલું ભણતર હશે તો ચાલશે,

હાથ લંબાવું અને તું હોય ત્યાં, એટલું અંતર હશે તો ચાલશે,

પ્રાણ પૂરવાનું છે મારા હાથમાં, એ ભલે પથ્થર હશે તો ચાલશે.

-હેમાંગ જોશી

તમારી જિંદગીની કઈ વાત એવી છે જે તમે ક્યારેય કોઈને કહી નથી? આ પ્રશ્ન કરતાં પણ વધુ મહત્ત્વનો સવાલ એ છે કે, તમે કેમ કોઈને આ વાત કહી નથી? કયો ડર તમને સતાવે છે? વાત જાહેર થઈ જવાનો કે પછી તમારી વાત નહીં સમજે એનો? દરેકને કંઈક કહેવું હોય છે. બધું ક્યાં સોશિયલ મીડિયા પર લખી શકાતું હોય છે? આપણા બધાંના દિલમાં કંઈક એવું હોય છે જે બહાર આવવા ઉછાળા મારતું હોય છે. આપણે ટાપલી મારીને એને પાછું બેસાડી દઈએ છીએ. કોઈને નથી કહેવું! કોઈને શું ફેર પડે છે? કોઈને ક્યાં કંઈ પડી પણ હોય છે? ક્યારેક તો દિલ એટલું ભારે થઈ જાય છે કે, શ્વાસ ફૂલી જાય છે. ન કહેવાયેલી વાતો ક્યારેક આંખોમાં ભેજ બનીને તરવરે છે. કોઈ દિવસ ખોટું બોલતા ન હોવાનો દાવો કરનાર માણસ પણ જ્યારે કોઈ પૂછે કે કેમ છો? તો ખોટું બોલી દેતો હોય છે કે, મજામાં છું!

બે મિત્રો હતા. લાંબા સમય પછી બંને મળ્યા. એક મિત્રએ પૂછ્યું, કેમ છે? બીજા મિત્રએ કહ્યું, મજામાં છું! એ મિત્ર મજામાં ન હતો. ઘરેથી નીકળ્યો ત્યારે પત્નીએ કહ્યું હતું કે, તારો અંગત મિત્ર છે. તારા મનની દરેક મૂંઝવણની ખુલ્લા દિલે વાત કરજે. પતિએ હા પાડી હતી. મિત્રને મળીને રાતે પતિ ઘરે આવ્યો. પત્નીએ પૂછ્યું, કેવું રહ્યું? તેં તારા દિલની બધી વાત કરી? પતિએ કહ્યું, ના! પત્નીએ પૂછ્યું, કેમ? પતિએ કહ્યું, એણે મને પૂછ્યું કે કેમ છે? મેં કહ્યું કે મજામાં છું! એણે માની લીધું કે હું મજામાં છું! દરેક માણસ ઇઝીલી ઓપન અપ નથી થઈ શકતો! આપણે પણ આપણા નજીકના લોકો વિશે કેટલું બધું માની કે ધારી લેતા હોઈએ છીએ? એને શું વાંધો છે? એ તો મજામાં જ હોય ને! દરેક માણસને ખૂલવા માટે એક સ્પેસ જોઈતી હોય છે. એક અદૃશ્ય પડદો હોય છે જે હળવા હાથે હટાવવો પડે છે. ચહેરો વાંચવો પડે છે. તમને તમારી વ્યક્તિનો ચહેરો વાંચતા આવડે છે? જો આવડતું હોય તો માનજો કે તમને દિલની ભાષા ઉકેલતા આવડે છે! દિલની ભાષા અઘરી નથી. બસ, એમાં માત્ર દિલનો ઉપયોગ કરવો જોઈએ. આપણે દિલ કરતાં દિમાગને વધુ વાપરીએ છીએ.

જે માણસ પોતાના દિલની વાત કોઈને કહી શકતો નથી અથવા તો દિલની બધી જ વાત કહી શકાય એવી વ્યક્તિ જેની પાસે નથી એ દુનિયાનો સૌથી દુ:ખી અને કમનસીબ માણસ છે. હળવા થવા માટે ઠલવાવવું પડે છે. એક માણસની આ વાત છે. એ એક સાયકિયાટ્રિસ્ટ પાસે ગયો. ડોક્ટરે તેને પૂછ્યું, શું તકલીફ છે? પેલા માણસે કહ્યું, તકલીફ તો મને ખબર નથી. હું તમને મારે જે વાત કરવી છે એ કહું છું. તમે ડોક્ટર છો, તમે મારી તકલીફ શોધી લેજો. આવું કહી પેલા માણસે દિલની બધી જ વાત કરી. મનોચિકિત્સકે બધી જ વાત સાંભળી. વાત પૂરી થઈ એટલે પેલા માણસે પૂછ્યું, તમને કોઈ તકલીફ જણાઈ? મનોચિકિત્સકે કહ્યું, હા! પેલા માણસે પૂછ્યું, શું? મનોચિકિત્સકે કહ્યું, એક એવો મિત્ર શોધી લો જેને તમે તમારા દિલની બધી જ વાત કરી શકો. પેલો માણસ એકીટસે ડોક્ટર સામે જોઈ રહ્યો. ડોક્ટરનું નિદાન એકદમ સાચું હતું. તેને કોઈ મિત્ર નહોતો! પેલા માણસને પહેલી વખત સમજાયું કે, મિત્ર ન હોવો એ બીમારી તો નથી, પણ બદનસીબી તો છે જ!

એ માણસે ડોક્ટરને કહ્યું, કોઈ માથે ભરોસો નથી બેસતો! ડોક્ટરે પૂછ્યું, તમે કઈ રીતે અહીં આવ્યા છો? પેલા ભાઈએ કહ્યું, મારી કાર લઈને! અચ્છા, તમને કાર ઉપર ભરોસો હતો કે નહીં? એવું કેમ ન લાગ્યું કે આ કાર એક્સિડન્ટ કરશે તો? એક્સિડન્ટના ડરે આપણે કાર ચલાવવાનું તો નથી છોડતા, તો પછી કંઈક થવાના ભયે આપણે કેમ કોઈના માથે ભરોસો મૂકી શકતા નથી? ક્યારેક તો માણસ એટલા માટે કોઈને પોતાના દિલની વાત કરી શકતો નથી, કારણ કે એણે ક્યારેય કોઈના દિલની વાત સાંભળી હોતી નથી! તમે એની સાથે જ બધી વાત શેર કરી શકો જે પોતાની બધી જ વાત તમારી સાથે શેર કરે છે! માણસ જેમ વધુ ને વધુ આધુનિક બની રહ્યો છે એમ વધુ ને વધુ ગૂંગળાઈ રહ્યો છે. હવે વાતો માત્ર કહેવાતી નથી, વાઇરલ પણ થઈ જાય છે! મેસેજ કરતા પણ માણસ ડરવા લાગ્યો છે. સ્ક્રીનશોટ ફરવા લાગશે તો? કોલ રેકોર્ડ થતો હશે તો? કોઈને દિલની વાત કહી હોય એ ક્યારેક સોશિયલ મીડિયાની દીવાલ પર ચીપકી જાય છે. હવે વિશ્વાસઘાત પણ ડિજિટલ થઈ ગયો છે. કમ્યુનિકેન વધ્યું છે, પણ કમિટમેન્ટ ઘટ્યું છે.

ક્યારેક જિંદગીમાં એવી વ્યક્તિ પણ આવી જાય છે, જેની પાસે દિલને છુટ્ટો દોર મળે છે. એક છોકરાની આ વાત છે. તેને એક દોસ્ત મળી. પહેલા તો બહુ ફોર્મલ વાત કરી. એક દિવસ છોકરીએ કહ્યું, તું બહુ બધું ધરબીને જીવે છે. મને કહે, શું ચાલે છે તારા દિલમાં? ભરોસો રાખજે, તેં કહેલી વાત ક્યાંય બહાર નહીં જાય! એ છોકરાએ એક-બે વાત કરી. ઘણી વખત માણસ ભરોસો મૂકતા પહેલાં ટેસ્ટિંગ કરતા હોય છે. આ વ્યક્તિ પેટમાં વાત સંઘરી શકે છે કે કેમ? તેની મિત્રએ એ વાત કોઈને ન કરી. છોકરાને પોતાની દોસ્ત ઉપર ભરોસો બેસી ગયો. એ પછી એ નાનામાં નાની વાતથી મોટામાં મોટી વાત એને કહેવા લાગ્યો. વાત કરીને એને બહુ સારું લાગતું. એવું થતું કે, જિંદગીમાં એક એવી દોસ્ત મળી છે જેને બધી વાત કહી શકાય છે! થોડા સમયમાં છોકરીની પસર્નલ લાઇફના ઇસ્યૂઝના કારણે એ તેના દોસ્તથી દૂર થઈ ગઈ. છોકરાને હવે દિલની વાતો કરવાનું મન થતું! દોસ્ત પાસે બીજી કોઈ અપેક્ષા ન હતી! અમુક વાત અમુક વ્યક્તિને જ કહેવાની આપણને આદત પડી ગઈ હોય છે. એ વ્યક્તિ દૂર જાય ત્યારે એક જુદા જ પ્રકારનો ખાલીપો સર્જાય છે. એવો ખાલીપો જે કોઈ હિસાબે પૂરાતો નથી. મનમાં ને મનમાં તેની સાથે વાતો ચાલે છે કે આજે આવું થયું! આજે તેવું થયું!

દોસ્ત દૂર ચાલી ગઈ એટલે એ છોકરાને થયું કે, બીજું કોઈ તો છે નહીં, હવે દિલની વાત કોને કરું? તેણે એક આઇડિયા કર્યો. પથ્થરની એક મૂર્તિ બનાવી. એ મૂર્તિને પેલી દોસ્તનું નામ આપ્યું. દરરોજ એ મૂર્તિ સામે બેસીને બધી વાત કરી દે. આવું કરવાથી તેને થોડીક હળવાશ લાગતી હતી. થોડા સમય બાદ એની દોસ્ત અચાનક જ એક જગ્યાએ તેને મળી ગઈ. તેણે પૂછ્યું, તારા દિલની બધી વાત તું કોઈને કહી દે છે ને? છોકરાએ કહ્યું, હા કહી દઉં છું? છોકરીએ પૂછ્યું, કોને? છોકરાએ કહ્યું, પથ્થરની એક મૂર્તિ બનાવી છે એને! છોકરીએ કહ્યું, ચાલ સારું છે. કંઈક તો છે જેને તું બધી વાત કરી શકે છે! છોકરાએ કહ્યું, સાચી વાત છે. પ્રોબ્લેમ માત્ર એક જ છે, મૂર્તિ જવાબ નથી આપતી! વાત સાંભળીને સાંત્વના નથી આપતી! તેની દોસ્ત બધી વાત સમજી ગઈ. આપણે માત્ર વાત કહેવી હોતી નથી, કંઈક જોઈતું હોય છે. ક્યારેક સાંત્વના, ક્યારેક સલાહ અને ક્યારેય એક હળવો સ્પર્શ! વાત સાંભળીને કોઈ હાથ હાથમાં લઈને સહેજ થપથપાવે ત્યારે સંવેદનાઓને પણ શાતા મળતી હોય છે.

સંવેદનાઓ ક્યારેક ઉગ્ર બની જતી હોય છે. એને છલકવા માટે કાંઠો જોઈતો હોય છે. દરિયો ભલે ગમે એટલો વિશાળ હોય, પણ એનેય કાંઠો તો હોય જ છે! ઘણા માણસો દરિયા જેવા હોય છે, ઘણું સાચવીને, સંઘરીને બેઠા હોય છે. સાચવવાનો અને સંઘરવાનો પણ એક સંતાપ હોય છે. ક્યારેક સનેપાત ઊપડે છે. દરિયાકિનારો કદાચ એટલે જ માથાં પટકતો હોય છે, કારણ કે મધદરિયાનો ઉકળાટ એનામાં વલોપાત સર્જતો હોય છે! દરેક માણસમાં એક અદૃશ્ય વલોપાત ચાલતો રહે છે. એને જો કિનારો મળી જાય તો હળવાશ વ્યાપી જાય છે.

ક્યારેક કોઈ આપણી વાત કોઈને કહી દે ત્યારે આપણી સાથે વિશ્વાસઘાત થયો હોય એવી લાગણી થાય છે. આવું થાય ત્યારે માણસ ‘પેક’ થઈ જાય છે. કોઈને કંઈ વાત કહી નથી શકતો. ડિપ્રેશનનું એક કારણ બધું દિલમાં ધરબી રાખવાનું પણ હોય છે. અંદરનો વલોપાત માણસને અસ્તવ્યસ્ત કરી નાખે છે. વ્યક્ત નથી થઈ શકતા એ વલોવાતા રહે છે. દરેક માણસનું થોડુંક ‘ખાનગી’ હોય છે. એ પણ એણે શેર તો કરવું જ હોય છે. તમને કોઈ માણસ એની અંગત વાત કરે છે? કરતા હોય તો માનજો કે તમે એનું ‘લોકર’ છો! એવું લોકર જેની એક ચાવી તમારી પાસે છે અને એક એની પાસે. આ લોકર ક્યારેય ખુલ્લું મુકાઈ ન જાય એની તકેદારી રાખવાની જવાબદારી આપણી હોય છે. એક વખત જો લોકર ખાલી થઈ ગયું તો પછી એમાં ક્યારેય કોઈ વાત આવશે નહીં. સિક્રેટ્સ સલામત રહેવા જોઈએ. કાને આવેલી વાત મોઢામાંથી બહાર આવવી ન જોઈએ, પણ દિલમાં ઊતરીને એક ખૂણામાં સચવાઈ જવી જોઈએ.

આદરપાત્ર હોવા માટે ભરોસાપાત્ર હોવું જરૂરી છે. આપણને કોઈ એની અંગત વાત કરતું ન હોય તો સમજવું કે આપણામાં કોઈ કમી છે. ભરોસો મૂકવા માટે ભરોસો કરવો પણ પડે છે. વ્યક્ત થતાં શીખો. માણસને ઓળખવા માટે પણ એ જરૂરી છે. દુનિયામાં એવા લોકો છે જે ભરોસાપાત્ર હોય છે. ક્યારેક ખોટા માણસ મળી જાય એનો અર્થ એ નથી કે કોઈ ભરોસાપાત્ર નથી. બધાને બધી વાત નથી કહી શકાતી, પણ થોડાક લોકો ‘લોકર’ જેવા હોય છે. સાથોસાથ એ પણ વિચારવાનું હોય છે કે, હું કોઈના માટે કેટલો ભરોસાપાત્ર છું?

છેલ્લો સીન :

સંબંધનો સૌથી મોટો આધાર વિશ્વાસ છે. વિશ્વાસ ગુમાવીએ તો સંબંધ ગુમાવવાનો વારો આવે છે.              -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 07 ઓગસ્ટ 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “બધાને ક્યાં બધી જ વાત કહી શકાય છે? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

  1. આજ નો લેખ વાંચી ને મન ને ટાઢક મળી ગઇ….
    આ કોલમ મળી ને જીંદગી ને મોકળાશ મળી ગઇ..

Leave a Reply

%d bloggers like this: