મને તો લાગ્યું કે આ કુદરતનો ચમત્કાર જ છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મને તો લાગ્યું કે આ

કુદરતનો ચમત્કાર જ છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

વાત કહેવી હોય તો તું કહી શકે કૂંપળ વિશે,

હું હવે થાકી ગયો છું સાંભળી બાવળ વિશે,

એમ સમજી વસાતા કે સવારે ખૂલશું,

દ્વારને પણ કેટલી શ્રદ્ધા હશે સાંકળ વિશે.

-ધૂનિ માંડલિયા

તમે શું માનો છો? ચમત્કાર જેવું કંઈ હોય છે? ચમત્કારમાં માનતા હોઈએ કે ન માનતા હોઈએ, આપણી જિંદગીમાં ક્યારેક એવી ઘટનાઓ બનતી રહે છે, જેના વિશે આપણે જ એવું બોલીએ છીએ કે આવું થશે એની તો મને કલ્પના પણ ન હતી. ક્યાંય ધ્યાન પડતું ન હોય, હતાશા ધીરે ધીરે મનને ઘેરી રહી હોય, ચારે તરફ અંધારું જ લાગતું હોય ત્યારે જ ક્યાંકથી પ્રકાશનો એક સ્ત્રોત આવે છે અને આખી જિંદગી ઉજાગર થઈ જાય છે. અમુક કિસ્સાઓમાં તો આપણે માંડી વાળ્યું હોય છે કે હવે આમાં કંઈ થવાનું નથી. અચાનક કોઈ ગેબી ઘટના બને છે અને અટકી ગયેલી જિંદગી પાછી ફાસ્ટ ટ્રેક પર આવી જાય છે. આપણે જેને ડેસ્ટિની, નસીબ, લક, તકદીર, મુકદ્દર અને લલાટે લખાયેલું કહીએ છીએ એ શું છે?

એક યુવાન ફિલોસોફર પાસે ગયો. તેણે પૂછ્યું, જિંદગી સમજાતી નથી. ધાર્યું હોય એવું થતું નથી અને ન ધાર્યું હોય એવું થતું જ રહે છે. ક્યારેક એવું લાગે છે કે બધું જ આપણા હાથમાં છે, ક્યારેક એવું ફીલ થાય છે કે કશું જ આપણા હાથમાં નથી. ફિલોસોફરે પહેલાં તો હસતાં હસતાં કહ્યું કે, કંઈ જ ધારી ન લે. આપણે બધું ધારી લઈએ છીએ, માની લઈએ છીએ, એ મુજબ થતું નથી ત્યારે સવાલો ઊઠે છે. જિંદગી ધારવાની, માનવાની કે સમજવાની વસ્તુ જ નથી, એ તો જીવવાની વસ્તુ છે. તું જીવી જા. આપણે મનથી વહેલા નક્કી કરી લઈએ છીએ કે આમ થશે અથવા તો આમ નહીં થાય. એનાથી ઊલટું થઈ શકે. આપણી ધારવાની પણ એક મર્યાદા હોય છે. બનવાજોગ છે કે કુદરતે આપણા માટે એનાથી વધુ સારું વિચાર્યું હોય. કંઈક ખરાબ થાય ત્યારે આપણે એવું બોલીએ છીએ કે, ગોડ મસ્ટ હેવ બેટર પ્લાન્સ ફોર યુ. કુદરતે કદાચ તારા માટે આનાથી સારું વિચાર્યું હશે. સવાલ તો એ પણ થાય કે વિચારવાનું કામ આપણું છે કે કુદરતનું? જો વિચારવાનું કામ  આપણું હોય તો પછી આપણા વિચાર મુજબ કેમ કંઈ થતું નથી?

ક્યારેક વિદ્વાનો, ફિલોસોફર્સ કે સંતોની વાતો પણ આપણને મૂંઝવતી હોય છે. એક ગામમાં એક સંત આવ્યા. જિંદગી અને નસીબ વિશે તેમણે કહ્યું કે, આપણી આખી જિંદગી તો અગાઉથી નક્કી થઈ ગયેલી છે. કુદરતે આખો પ્રોગ્રામ તો ફિક્સ કરી જ નાખ્યો છે, એ તો ‘પ્રિલોડેડ’ છે. આપણે તો બસ પરફોર્મ કરતા રહેવાનું છે. સંતની આ વાત સાંભળીને એક યુવાને કહ્યું કે, એનો મતલબ એ જ ને કે જે થવાનું હશે એ થશે. સંતે કહ્યું, બિલકુલ એ જ એનો મતલબ કે જે થવાનું હશે એ થશે. સવાલ એ છે કે શું થવાનું છે? જે થવાનું છે એના માટે નિમિત્ત તો આપણે જ બનવું પડે ને! યુવાને કહ્યું કે આ બધી તો વાતો છે, ધારણાઓ છે, માન્યતાઓ છે અને એનાથી પણ વધુ કહું તો ભ્રમ છે.

સંતે એ યુવાનને નજીક બોલાવ્યો. યુવાનને કહ્યું કે, તારો હાથ આપ. યુવાને હાથ આપ્યો. સંતે બાજુમાં પડેલો દીવો ઉઠાવીને એ દીવાની ઝાળ યુવાનના હાથને અડાડી. યુવાને ફટ દઈને હાથ લઈ લીધો. સંતે કહ્યું, રાખને, જે થવાનું હશે એ થશે! સંતે પછી કહ્યું કે, મેં કહ્યું હતું ને કે આપણે નિમિત્ત બનવું પડે. આપણે હાથ હટાવવો પડે, નહીંતર દાઝી જઈએ. આપણી તકદીર માટે આપણે એવું કહીને બેઠા રહી ન શકીએ કે જે થવાનું હશે એ થશે! આપણે એના માટે પ્રયાસો પણ કરવા પડે છે. ચમત્કાર પણ થતા નથી હોતા, કરવા પડે છે. મોટાભાગે તો આપણને જે ચમત્કાર લાગતા હોય છે એ આપણા જ પ્રયાસોનું ફળ હોય છે.

હમણાંની જ એક સાવ સાચી ઘટના છે. એક યુવાન આઇટીની મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરતો હતો. બધું જ સરસ ચાલતું હતું. પગાર પણ ખૂબ સારો હતો. એવું લાગતું હતું કે લાઇફનો બેસ્ટ પિરિયડ ચાલી રહ્યો છે. અચાનક એક દિવસ કંપનીના મેનેજમેન્ટે મિટિંગ બોલાવી. કર્મચારીઓને એવું કહ્યું કે હવે આ દેશમાંથી કંપની એનું કામકાજ સમેટી રહી છે. આ કંપની વેચી દેવામાં આવી છે. હવે નવી કંપની કામ સંભાળશે. તમે બધા હવે એ કંપનીના કર્મચારીઓ ગણાશો. નવી કંપનીનું જે નામ આપ્યું એ સાંભળીને બધાને આઘાત લાગ્યો. માર્કેટમાં એ કંપનીની ઇમેજ સારી ન હતી. કર્મચારીઓનાં હિત પ્રત્યે તો બેદરકાર રહેવા માટે એ કંપની કુખ્યાત હતી. એ યુવાન ડિસ્ટર્બ થઈ ગયો. તેને થયું કે બધું બરાબર ચાલતું હતું ત્યાં અચાનક આ શું થયું? તાત્કાલિક બીજે ક્યાં  જોબ શોધવી? અગાઉ બીજી ઓફર્સ આવી હતી ત્યારે આ કંપની સારી હોવાથી કંઈ વિચારવાનો પ્રયાસ સુધ્ધાં નહોતો કર્યો. એ યુવાનની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ.

ચાર-પાંચ દિવસ પછી એ યુવાનને એવો મેસેજ મળ્યો કે કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ તમને મળવા માગે છે. નક્કી થયેલા સમયે યુવાન વીપીને મળવા ગયો. વાઇસ પ્રેસિડેન્ટે સારી રીતે તેને આવકાર્યો અને કહ્યું કે, અમારી પાસે તમારા માટે એક ઓફર છે. અમે જોયું છે કે તમારું કામ ખૂબ સારું છે. અહીંથી તો હવે અમારે જવાનું છે, પણ આપણી મેઇન ઓફિસ અમેરિકામાં છે. તમે ઇચ્છો તો તમે અમેરિકાની આપણી ઓફિસ જોઇન કરી શકો છો! યુવાનને તો થયું, જાણે કોઈ ચમત્કાર થયો! શું રિએક્ટ કરવું એ તેને ન સમજાયું. અમેરિકા જવાની તો તેને વર્ષોથી ઇચ્છા હતી. તેણે તરત જ હા પાડી દીધી. મિટિંગ પતાવીને એ બહાર આવ્યો. એની આંખો ભીની હતી. પત્નીને ફોન કરીને વાત કરી ત્યારે બંને ગળગળાં થઈ ગયાં. યુવાન તેના પિતા પાસે ગયો. બધી વાત કરી. પિતાને કહ્યું કે ચમત્કાર જેવું લાગે છેને? પિતાએ કહ્યું, હા, માનીએ તો આ ચમત્કાર છે, પણ આ ચમત્કાર કેવી રીતે થયો? એ તારા પ્રામાણિક અને મહેનતું કામના કારણે થયો છે. કંપનીમાં  આટલા બધા કર્મચારીઓ છે, કેમ તને જ બોલાવ્યો? તને જ અમેરિકાની ઓફર કરી? સાચા, સારા, ઇમાનદાર, મહેનતું અને ખંતીલા લોકો સાથે આવા ચમત્કારો થતા જ હોય છે. ગીતામાં એટલે  જ કહ્યું છે કે, કર્મ કરતા રહો, ફળની ચિંતા ન કરો, કારણ કે ફળ તો મળવાનું જ છે.

ચમત્કારો થતા હોય છે, પણ છેલ્લે તો ક્યાંક ને ક્યાંક એ આપણાં કામ, વર્તન અને માનસિકતાનું જ પરિણામ હોય છે. પોતાની જાત ઉપર શ્રદ્ધા રાખો. ચમત્કાર માટે શ્રદ્ધા જરૂરી છે. જેને પોતાના ઉપર જ શ્રદ્ધા નથી એને ઈશ્વર પણ ફેવર કરી શકતો નથી. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે બહુ ઝડપથી હતાશ, નિરાશ કે ઉદાસ થઈ જઈએ છીએ. ક્યારેક અમુક સંજોગોમાં એવું માની લઈએ છીએ કે બધું ખતમ થઈ ગયું. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કંઈ જ ખતમ થતું નથી. આપણે ઘણી વખત બહુ ઉતાવળા થઈ જતા હોઈએ છીએ. આપણને બધું બહુ ઝડપથી જોઈતું હોય છે. ધૈર્યની કમી એ આજની સૌથી મોટી સમસ્યા છે. આપણામાં ધીરજ જ નથી. જલદી સફળ થવું છે. જલદી રૂપિયાવાળા થઈ જવું છે. જલદી સપનાં પૂરાં કરી લેવાં છે. એ બધું ન થાય ત્યારે આપણે દુ:ખી થઈ જઈએ છીએ. જિંદગીની એક રિધમ હોય છે. સિમ્ફની રિધમથી જ સર્જાતી હોય છે. શ્વાસની પણ એક ગતિ હોય છે. ધબકારા અત્યંત વધી જાય તો તકલીફ ઊભી થાય છે. કુદરતને ક્યારેક ધ્યાનથી જોજો. કુદરતના દરેક ક્રમમાં એક લય છે, એક રિધમ છે. સૂરજ સવારે જ ઊગે છે. ફૂલ અમુક સમયે જ ખીલે છે. દરિયામાં ભરતી અને ઓટ પણ નિયત સમયે જ આવે છે. અમુક ફળ ચોક્કસ ઋતુમાં જ આવે છે. કુદરત એના ક્રમ મુજબ જ વર્તે છે. આપણે કુદરતના ક્રમ મુજબ જીવીએ છીએ ખરાં? જરાક વિચારો તો, રોજ સવારે ઊગતો સૂરજ એ કુદરતનો ચમત્કાર નથી? આપણે આપણી જિંદગીમાં રોજેરોજ થાય છે એને એટલું બધું રૂટિન સમજી લઈએ છીએ કે શ્વાસ ચાલવાને આપણે ચમત્કાર સમજી જ નથી શકતા. ચમત્કાર થાય છે, થશે અને થતા જ રહેવાના  છે. આપણે જિંદગીને દરરોજ સહજતાથી અને સરળતાથી જીવવાની હોય છે. આપણે ધબકતા હોઈએ તો જ બધું ધબકતું લાગે.

છેલ્લો સીન :

કુદરતના દરેક અંશમાં ન્યાય છે. આપણને એના ન્યાય પર ભરોસો હોવો જોઈએ. આસ્તિક હોવું એટલે કુદરત પર નહીં, પણ પોતાના ઉપર શ્રદ્ધા હોવી.     -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 10 ઓકટોબર 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: