મારી સાથે ખોટું કરીને
એણે મોટી ભૂલ કરી છે
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
કહેં કિસ સે હમારા ખો ગયા ક્યા,
કિસી કો ક્યા કી હમકો હો ગયા ક્યા,
ખુલી આંખોં નજર આતા નહીં કુછ,
હર એક સે પૂછતા હૂં વો ગયા ક્યા.
-અખ્તર સઇદખાન
આપણે બધા સંબંધોને જીવીએ છીએ. સંબંધો જીવંત હોય છે. સંબંધો ધબકતા હોય છે. સજીવન સંબંધોની એક અનેરી સુવાસ હોય છે. સંબંધોની સુગંધ આપણા જીવનને મહેકાવે છે, આપણા આયખાને અજવાળે છે. સંબંધો વગર જીવન શક્ય જ નથી. એકલો માણસ જલદી મૂરઝાઈ જાય છે. સંબંધો સુખનું કારણ હોય છે. કોઈ આવે અને બધું ગમવા માંડે. કોઈ જાય અને અહંગરો લાગે. જેના જવાથી આપણને થોડોકેય ખાલીપો લાગે એ સંબંધ સાત્ત્વિક હોય છે. સંબંધમાં સત્ત્વ હોય તો રાહ જોવાનીયે મજા આવે છે.
તમારા સંબંધો જીવતા છે? જવાબ હા હોય તો પણ એક હકીકત એવી છે કે જીવતા સંબંધો પણ હંમેશાં એકસરખા ધબકતા નથી. દુનિયામાં જે કંઈ જીવંત છે એને જોઈ લેજો, તેમાં અપડાઉન આવશે જ. જડ હોય એ જ ન બદલે. જીવંત હોય એમાં જ ફેરફાર થાય. જીવંત હોય એ ક્યારેક ખીલે, ક્યારેક મૂરઝાય, ક્યારેક ખરે, ક્યારેક એમાં પણ કાટ લાગે! ફૂલના છોડ જીવતા હોય છે, એમાં ક્યારેક જીવાત પણ પડે, રોગ પણ થાય અને એને પાનખર પણ નડે. આપણને ખબર પડે કે છોડ હવે સુકાઈ રહ્યો છે ત્યારે એમાં ખાતર નાખવું પડે, સરખું પાણી પિવડાવવું પડે, એનું જતન કરવું પડે. સંબંધોનું પણ એવું જ હોય છે. સંબંધોમાં સુકારો લાગે ત્યારે આપણે કેટલા સજાગ રહીએ છીએ?
સંબંધો હોય ત્યાં અપેક્ષા રહેવાની જ છે. અપેક્ષાનું એવું જ હોય છે કે એ દરેક વખતે પૂરી થતી નથી. સંબંધ જેમ વધે એમ અપેક્ષા મોટી ને મોટી થતી જાય છે. ક્યારેક વિશાળ થાય છે તો ક્યારેક વિકરાળ થઈ જાય છે. અપેક્ષા ક્યારે આધિપત્યમાં ફેરવાઈ જાય એ આપણને ખબર નથી પડતી. આપણે હક જમાવવા લાગીએ છીએ. અપેક્ષા પૂરી ન થાય ત્યારે આપણે રઘવાયા બની જઈએ છીએ. જેને સૌથી વધુ પ્રેમ કર્યો હોય, જેની સૌથી વધુ કેર કરી હોય, જેનો પડ્યો બોલ ઝીલ્યો હોય તેની જ સામે બાંયો ચડાવી લઈએ છીએ. મારી સાથે આવું કર્યું? મારી લાગણીનો આવો બદલો? મારા પ્રેમને તેણે અવગણ્યો? એનાથી પણ વધુ ક્યારેક આપણે ત્યાં સુધી બોલીએ છીએ કે એણે મારો ઉપયોગ કર્યો. મારું કામ પતી ગયું એટલે મોઢું ફેરવી લીધું.
હા, આવું થાય. આવા વિચારો પણ આવે. આપણે માણસ છીએ, ભગવાન નથી. આવા વિચારો આવે પછી શું? વધુ ખતરનાક એ છે જ્યારે આપણે એવું વિચારીએ કે હવે મારે તેને બતાડી દેવું છે. હવે તેને મારી અસલિયતની ખબર પડશે. એક મિત્રએ જ્યારે એમ કહ્યું કે, હવે મારી અસલિય બતાવીશ! મિત્રએ એટલું જ પૂછ્યું, તો અત્યાર સુધી હતું એ નકલી હતું? આપણી અસલિયત શું છે એ આપણને ખબર હોવી જોઈએ. દરેક વ્યક્તિ ટકોરાબંધ નથી હોતા, ઘણા બોદા હોય છે! અસલી હોય એ તો એમ જ કહે કે એને યોગ્ય લાગ્યું એવું એણે કર્યું, મને શોભે એવું હું કરીશ. દરેક માણસે કંઈ પણ કરતા પહેલાં એ વિચારવું જોઈએ કે આ મને શોભે છે? જવાબ ‘હા’ હોય તો જ એ કરવું!
એક પતિ-પત્નીની વાત છે. બંને વચ્ચે નાની-નાની વાતમાં ઝઘડા થાય. પત્ની દરવખતે સંબંધ બચાવવાની કોશિશ કરે, પણ કામયાબ ન થાય. પતિએ એક દિવસ કહ્યું કે બહેતર એ છે કે આપણે ડિવોર્સ લઈ લઈએ. તું તારા રસ્તે અને હું મારા રસ્તે. પત્નીએ કહ્યું, હું એમ કંઈ શાંતિથી તને છોડવાની નથી. હવે તું પણ જોઈ લેજે. પત્નીને એના પિતા સાથે આ વાત થઈ. દીકરીએ કહ્યું કે, હું એને બતાડી દેવાની છું! મારી સાથે ખોટું કરી એણે બહુ મોટી ભૂલ કરી છે. પિતાએ કહ્યું, તારે શું બતાડી દેવું છે? બતાવીને પણ તારે શું સાબિત કરવું છે?
પિતાએ કહ્યું, તું નાની હતી ને ત્યારે મેં તને એક રમકડું અપાવ્યું હતું. એ રમકડું તને બહુ જ ગમતું હતું. તું આખો દિવસ એનાથી રમતી. એક દિવસ એ રમકડું પડી ગયું અને તેના ટુકડા થઈ ગયા. તેં સાંધવાની કોશિશ કરી, ન સંધાયું. એ વખતે મેં તને કહેલું કે એ રમકડું છોડી દે. હવે તેમાં કશું રહ્યું નથી. તું એ છોડતી નહોતી. રોજ સાંધે અને રોજ તૂટે. તને ખબર છે પછી તને એનાથી રમવાની મજા ન આવતી. તને એ જ ચિંતા રહેતી કે આ રમકડું પાછું તૂટી જશે તો? એ તો તૂટવાનું જ હતું! રોજ તૂટવાની ચિંતા કરવી એના કરતાં એ છોડી દેવું સારું, એવું મેં કહ્યું હતું. આજે પણ એ જ વાત કરું છું. ટુકડે-ટુકડે મરવાનો કોઈ મતલબ નથી હોતો. એને બતાવી દેવામાં તું તારું કેટલું બગાડી રહી છે એ વિચારજે. આટલી જિંદગી બગડી એ ઓછી છે, તે તારે એને બતાડી દેવામાં વધુ બગાડવી છે?
દુશ્મનીનો બદલો હોય, પ્રેમનો બદલો ન હોય. એક પ્રેમી-પ્રેમિકાની આ વાત છે. બંને વચ્ચે થોડાંક વર્ષ રિલેશનશિપ રહી. બંનેને એવું લાગ્યું કે હવે આપણા સંબંધમાં કોઈ સત્ત્વ નથી. બંનેએ છૂટાં પડવાનું નક્કી કર્યું. જતી વખતે પ્રેમિકાએ કહ્યું, મારા ફોટોગ્રાફ્સ તારી પાસે છે એ સિવાય પણ ઘણું બધું અંગત એવું છે જેની માત્ર તને જ ખબર છે. તું એનો દુરુપયોગ તો નહીં કરેને? મને બદનામ તો નહીં કરીને? આ વાત સાંભળી તેના પ્રેમીએ કહ્યું કે, તને એવો વિચાર પણ કેમ આવે છે? તું કહે તો તારી સામે જ મારો ફોન ફોર્મેટ કરી નાખું. તને ખબર છે, તારી પહેલાં મારી એક પ્રેમિકા હતી. અમે બહુ પ્રેમ કરતાં હતાં. એક એક્સિડન્ટમાં એ મૃત્યુ પામી. એ મને જ્યારે યાદ આવે છેને ત્યારે હું એના આત્માની શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરું છું. તું યાદ આવશે ત્યારે તારા માટેય પ્રાર્થના જ નીકળશે. કમ સે કમ મને એટલું તો આશ્વાસન રહેશે કે હું કોઈ જીવતી વ્યક્તિ માટે પ્રાર્થના કરું છું! પેલી તો ચાલી ગઈ, તું તો હોઈશ, ભલે ગમે ત્યાં હોય, મારી પ્રાર્થના તારી સાથે હશે.
જિંદગીના બધા જ સંબંધો આજીવન નથી રહેતા. ઘણા સંબંધોનો અંત આવતો હોય છે. એ અંત સુખદ રાખવો કે દુખદ એ આપણે નક્કી કરવાનું હોય છે. સંબંધની સાચી ગરિમા છૂટા પડીએ પછી જ પરખાતી હોય છે. સાથે હોય ત્યારે તો બધા જ સારા હોય છે. સાથે ન હોય ત્યારે સારા રહેવું એ જ સંબંધની શ્રેષ્ઠતા છે. કોઈ ગમે તે વાત કરે તો પણ એવું થવું જોઈએ કે ના, એ આવું ન કરે. એ મારા વિશે નબળું ન વિચારી શકે. હું એને ઓળખું છું, એ એવો નથી કે એ એવી નથી. અમારા સંબંધ ભલે અત્યારે નથી, પણ જ્યારે હતા ત્યારે એમાં ભારોભાર સત્ત્વ હતું, એવું સત્ત્વ જે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સાબૂત રહે. તમારામાં એવું સત્ત્વ છે?
દરેક માણસનું એક ‘પોત’ હોય છે એ પોત પ્રકાશતું જ હોય છે. આપણું પોત કેવું રાખવું એ આપણે નક્કી કરવાનું હોય છે. આપણે મુક્ત કરીએ એની સાથે જ મુક્ત થતાં પણ હોઈએ છીએ. જબરજસ્તીથી કંઈ પણ પકડી રાખવામાં આપણે જ જકડાઈ જતાં હોઈએ છીએ. બતાવી દેવાવાળા કે જોઈ લેવાવાળા પોતાની સાથે જ ઝઝૂમતા રહે છે. આખો દિવસ એમાં જ પરોવાયેલા રહે છે. તમને સલુકાઈથી છૂટા પડતાં આવડે છે તો તમે સમજુ છો. જે છોડી શકે એ જ મુક્ત થઈ શકે. જિંદગીમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે આપણે નક્કી કરવું પડે કે, બતાડી દેવું છે કે જીવવું છે? જે ચાલ્યું ગયું હોય એના માટે આપણો સમય કે આપણી જિંદગી બગાડવી એમાં કયું ડહાપણ હોય છે? આપણી જિંદગી આપણા માટે હોય છે. દુ:ખ, પીડા, વેદના, દર્દ આપે એનાથી દૂર થશો તો જ સુખ, શાંતિ અને હળવાશની નજીક પહોંચી શકશો. ક્યાં રહેવું અને ક્યાંથી નીકળી જવું એ આવડત હોય એ સુખની નજીક રહી શકતા હોય છે.
છેલ્લો સીન :
તમારે છુટકારો જોઈએ છે? તો સૌથી પહેલાં તમારી જાતને મુક્ત કરી દો!- કેયુ
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 04 એપ્રિલ 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com
Mast jabarjast sir
Thank you.