તું હોય તો મને બહુ ફેર પડે છે! – ચિંતનની પળે

તું હોય તો મને

બહુ ફેર પડે છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

ભૂલ કોની, ક્યાં થઈ છે એ જ સમજાતું નથી,

કાચનું વાસણ સ્વયં કંઈ આમ તરડાતું નથી.

આવજોયે ના કહ્યું ને જે રીતે ચાલ્યા ગયા,

એ ગયા એવી રીતે તો કોઈ પણ જતું નથી.

-કિશોર જીકાદરા

તું હોય તો મને મારા હોવાનો કોઈ મતલબ લાગે છે. મને નજર સામે સતત તું જોઈએ છે. તારી સાથે વાતો કરતી વખતે હું ખોવાઈ જાઉં છું. સમય સરકતો હોય છે અને હું વહેતો હોઉં છું. કામ કરતી વખતે પણ મને તું આસપાસ જોઈએ છે. તું હોય તો કશાનો કંઈ ભાર લાગતો નથી. તું ન હોય તો પણ હું બધું કરું જ છું. બધું થાય પણ છે. જોકે, તું હોય ત્યારે વાત કંઈક જુદી હોય છે. મને સમજાતું નથી કે એ શું છે? કેમ તારા વગર બધું અધૂરું લાગે છે? કારણો શોધું છું, પણ એવાં કોઈ સચોટ કારણો મળતાં નથી. છેલ્લે એક જ કારણ મળે છે કે બસ, તું હોય તો મને મજા આવે છે.

એક યુવતીની આ વાત છે. એ હાઉસ વાઇફ છે. તેના હસબન્ડનો બિઝનેસ છે. એક દિવસે તેનો પતિ ઓફિસમાં ફ્રી હતો. વાઇફને ફોન કર્યો. એ આરામથી વાત કરવાના મૂડમાં હતો. એની વાઇફ વાત ટૂંકાવવાનો પ્રયાસ કરતી હતી. બહુ ટૂંકા જવાબ આપતી હતી. પતિએ પૂછ્યું, કેવી રીતે વાત કરે છે? મારી વાતમાં જાણે કોઈ રસ ન હોય એ રીતે જવાબ આપે છે! પત્ની આરામથી બેસી ગઈ અને કહ્યું હા, તારી વાત સાચી છે. તારી સાથે વાત કરવામાં મારો જીવ નથી. પતિએ સવાલ કર્યો કે કેમ? પત્નીએ કહ્યું, સાચું કહું, એવો વિચાર આવે છે કે તું આવને એ પહેલાં બધું કામ કરી લઉં. ફ્રી થઈ જાઉં. તું આવીશ એટલે તારી સાથે બેસીશ. હવે જલદી ફોન મૂક અને જલદી આવ! આવું ઘણી વખત આપણે કરતાં હોઈએ છીએ. આપણી વ્યક્તિ ફ્રી થાય એ વખતે આપણે પણ ફ્રી થઈ જવું હોય છે.

આપણો અમુક સમય અમુક વ્યક્તિઓ માટે જ હોય છે. ફોન કરવાનો કે ઓનલાઇન થવાનો એક સમય હોય છે. ચિત્તથી થતાં ચેટમાં ચીટિંગ હોતું નથી. મોબાઇલના સોફ્ટ સ્ક્રીન ઉપર કી-બોર્ડ પર ટેરવાં પડતાં હોય ત્યારે દિલમાં સંગીત રેલાતું હોય છે, જાણે હાર્મોનિયમના કી-બોર્ડ પર ટેરવાં ફરતાં ન હોય! તમને કોનાથી ફેર પડે છે? કોની તમે રાહ જુઓ છો? દિવસના ચોવીસ કલાકમાંથી કયો સમય તમને ચોરી લેવાનું મન થાય છે? આ સમયને જીવી લેજો, કારણ કે એ સમયે જ આપણું દિલ સોળે કળાએ ખીલેલું હોય છે.

એક પતિ-પત્નીની આ વાત છે. બંને જોબ કરે. કામમાં આખો દિવસ ચાલ્યો જાય. પતિ પત્નીને કામમાં પણ મદદ કરે. બંનેને સતત એવું લાગે કે આપણે એકબીજાને સમય આપી શકતાં નથી. એક દિવસ પતિએ ઓનલાઇન એક સિંગલ સોફાનો ઓર્ડર આપ્યો. પત્નીએ કહ્યું, આ શેના માટે મંગાવે છે? આપણા સિટિંગ રૂમમાં તો પૂરતા સોફા છે. પતિએ કહ્યું, આ સોફો કિચન માટે છે! તું ચા બનાવતી હોય ત્યારે હું હોલમાં બેઠો હોઉં છું એની બદલે તારી સામે બેસીશ. મેં વિચાર્યું કે, આપણે કઈ રીતે મેક્સિમમ સાથે રહી શકીએ અને મને આ વિચાર આવ્યો. મારે ઘરે આવીને પણ ઓફિસનું કામ કરવું પડે છે, ઘરમાં હોઉં ત્યારે તું કિચનમાં હોય અને હું હોલમાં, એના કરતાં હું કિચનમાં જ કામ કરું તો? ઘણી વખત સમય મળતો નથી હોતો, સમય કાઢવો પડતો હોય છે.

પ્રેમમાં પણ માણસની ગણતરીઓ હોય છે અને એ ગણતરીઓ પાછળ પણ પાછો પ્રેમ જ હોય છે. જરૂર એટલી જ હોય છે કે આ ગણતરીઓ બંને માટે સાચી હોવી જોઈએ. બંને દાખલો ગણે ત્યારે જવાબ એકસરખો જ આવવો જોઈએ. બે દંપતીઓના બે કિસ્સા જાણવા જેવા છે. એક પત્ની ઘરે બેસીને કામ કરે. ઘરમાં જ એની ઓફિસ. પતિને જોબ પર જવાનું હોય. અમુક કામ પત્ની એનો પતિ ઘરે હોય ત્યારે જ કરે. એક દિવસ પતિએ કહ્યું કે, હું ઘરે હોઉં ત્યારે પણ તું કામ જ કરતી હોય છે. મને એમ ન થાય કે તું મારી સાથે બેસે? પત્નીએ કહ્યું કે હા, તને એવું થાય એ સ્વાભાવિક છે, પણ તને મારા દિલની વાત કરું? મને એવું થાય છે કે તું ઘરે હોય ત્યાં હું અમુક કામ કરી લઉં! તું હોય તો મને ફેર પડે છે. તારી સલાહ લેવી હોય તો લઈ શકું છું. હું તને ટાઇમ નથી આપતી એવું નથી, પણ તું હોય તો મને તારો સમય મળે છે એવું લાગે છે. પ્લીઝ, તું મને સમજજે. એ પછી પતિ ક્યારેય ફરિયાદ નથી કરતો કે તું મને સમય નથી આપતી!

હવે બીજા દંપતીની વાત. પતિને ઓફિસે જવાનું હોય. પતિ ઘરે હોય ત્યારે પત્ની બધું કામ પડતું મૂકીને એની સાથે બેસી જાય. પતિને એમ થાય કે પત્ની બધું કામ મૂકીને બેઠી છે. એક વખત પતિએ કામ બાબતે વાત કરી તો પત્નીએ કહ્યું કે, તું જઈશને પછી કરીશ. પતિએ સવાલ કર્યો કે, તું કામ કરવા માટે મારા જવાની રાહ જુએ છે? પત્નીએ કહ્યું ના, એવું નથી. કામ તો થશે. તારી સાથે જે સમય મળે છે એ મારે વેડફવો નથી. તું જઈશ પછી કામ જ કરવાનું છેને? પ્રેમમાં ઘણી વખત આપણે કેવો મતલબ કાઢીએ છીએ એના ઉપર સંબંધની સાત્ત્વિકતાનો ઘણો મોટો આધાર રહેતો હોય છે. આપણે એક વાત માનતા હોઈએ અને એને જ આપણી વ્યક્તિ જુદી રીતે જોતી હોય તો પ્રેમ સામે સવાલો ઊભા થઈ જતા હોય છે! આપણે પાછા એ સવાલોના જવાબો શોધતા નથી, પણ સવાલો સામે સંશય ઊભા કરીએ છીએ. તારે જે માનવું હોય એ માન, હું તો સારું વિચારીને બધું કરતી હતી કે કરતો હતો. સારું વિચારીને પણ જે કરતા હોઈએ એની સામેની વ્યક્તિને ખબર હોવી જોઈએ. ખરાબ વિચારતા ન હોઈએ અને કંઈ ખરાબ થાય તો સમજવું કે આપણે સારું સમજાવવામાં નિષ્ફળ રહ્યા છીએ. મોટાભાગના ઝઘડાઓ એટલા માટે થતા હોય છે કે આપણે એવું માની લઈએ છીએ કે આપણે જે માનીએ છીએ એ જ આપણી વ્યક્તિ પણ માને છે. આપણે એની માન્યતા વિશે વિચાર જ નથી કરતા. સંવાદમાં સહજતા ન હોય ત્યારે સામાન્ય વાત પણ આદેશ કે હુકમ લાગવા માંડે છે.

એક પતિએ પત્નીને કહ્યું કે, રાતે ડિનર માટે બહાર જવાનું છું. હું આવું ત્યાં સુધીમાં તું તૈયાર રહેજે. પત્નીએ કહ્યું, હા તારે બસ હુકમ કરી દેવો છે. મારી મરજી તો પૂછવી જ નથી. પતિએ સોરી કહ્યું. તેણે કહ્યું કે, મારા કલીગને ત્યાં પાર્ટી છે. તેણે આપણને બંનેને ઇન્વાઇટ કર્યાં છે. તું હોય તો મને મજા આવે. વાતનું વતેસર માટેભાગે એટલા માટે જ થઈ જતું હોય છે કે આપણે જે રીતે વાત કરવી જોઈએ એ રીતે કરતા હોતા નથી.

ઝઘડા થવાનાં કોઈ દેખીતાં કારણો હોતાં નથી, એ તો ક્યારે કેવી રીતે સર્જાઈ જાય છે એની આપણને સમજ પણ નથી પડતી. ઝઘડા વખતે ઘણી વખતે તો આપણને એમ થઈ જાય કે હે ભગવાન! વાત ક્યાંથી ક્યાં પહોંચી ગઈ! બે પ્રેમીઓની વાત છે. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે. એક વખતે બંને બેઠાં હતાં. બીજા કોઈના ઝઘડાઓ વિશે વાતો કરતા હતા. છોકરાએ વાતવાતમાં એવું કહ્યું કે, કેવું સારું છે, આપણે બહુ ઝઘડતા નથી. તને એક વાત કરું, તું બહુ મેચ્યોરલી બિહેવ કરે છે. હવે છોકરીએ આ વાતને ઊંધી રીતે લીધી. તેણે કહ્યું કે, તું તો એવી રીતે વાત કરે છે જાણે દરેક વખતે ઝઘડા મારે કારણે જ થતા હોય! વોટ ડુ યુ મીન કે હવે તું મેચ્યોરલી બિહેવ કરે છે? છોકરાને એ સમજાવતા નાકે દમ આવી ગયો કે તું બહુ સમજુ છે, નાની-નાની વાતોને બહુ સારી રીતે ટેકલ કરે છે. હું તો તારા વિશે સારું કહું છું કે, તું મેચ્યોર અને અંડરસ્ટેન્ડિંગ છે!

આપણને જેનાથી ફેર પડતો હોય છે એની સામે જ આપણને વાંધા પડતા હોય છે, એની સાથે જ ઝઘડા થતા હોય છે. જેની સાથે કંઈ ફેર પડતો ન હોય એ ગમે તે કરે ત્યારે આપણે જ એવું બોલતા હોઈએ છીએ કે એને જે કરવું હોય એ કરે, મને શું ફેર પડે છે? ફેર પડતો હોય એની સાથે આપણે ‘ફેર’ હોઈએ અને ‘અનફેર’ ન થઈએ એ મહત્ત્વનું હોય છે. એ પ્રેમ હોય, દોસ્તી હોય કે બીજો કોઈ પણ સંબંધ હોય, જેને આપણાથી ફેર પડતો હોય એની સાથે હોવું અને જરૂર પડ્યે એની સાથે રહેવું એ સંબંધની શ્રેષ્ઠતા છે. તમને કોનાથી ફેર પડે છે? સાથોસાથ થોડુંક એ પણ વિચારજો કે તમારાથી કોને ફેર પડે છે? આપણાથી જેને ફેર પડે છે એના માટે આપણે હાજર હોઈએ છીએ ખરા? કોઈ આંખો આપણી પણ રાહ જોતી હોય છે, કોઈને આપણી પણ ઝંખના હોય છે. બધા કહેતા નથી કે તું હોઈશ કે તું આવીશ તો મને ફેર પડશે, પ્રેમમાં બધું કહેવાનું હોતું નથી, ઘણું સમજવાનું પણ હોય છે. આપણે કહી દઈએ છીએ કે આઈ એમ ધેર ફોર યુ એનીટાઇમ, પણ એ સમય આવે ત્યારે આપણે હોતા નથી. બાય ધ વે, તમને ખબર છે કે કોને તમારાથી ફેર પડે છે?

છેલ્લો સીન :

દરેક વખતે બારણે ટકોરા પડે એવું જરૂરી હોતું નથી, આપણને અહેસાસ થવો જોઈએ કે કોઈ દરવાજો ખૂલવાની રાહ જુએ છે!       -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 13 ડિસેમ્બર 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

4 thoughts on “તું હોય તો મને બહુ ફેર પડે છે! – ચિંતનની પળે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *