તમને કોઇ ગંભીર બીમારી લાગુ
પડી જવાનો ડર લાગે છે?
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
તબિયતનું ધ્યાન રાખવું એ સારી વાત છે
પણ સ્વાસ્થ્યની વધુ પડતી ચિંતા કરવી જોખમી છે.
સાજા-નરવા અનેક માણસો ‘રોગ ભ્રમ’નો શિકાર હોય છે.
એને સતત ડર લાગે છે કે મને કોઇ ગંભીર બીમારી લાગુ પડી જશે તો?
‘રોગ ભ્રમ’નો શિકાર કોઇની તબિયત પૂછવા જાય ત્યારે પણ
એવું વિચારે છે કે મને તો આવું કંઇ નથી થતું ને?
સમજતાં થયા ત્યારથી સાંભળતા આવ્યા છીએ કે, પહેલું સુખ તે જાતે નર્યા. તંદુરસ્તી છે તો બધું જ છે. ગમે એટલી સુખ-સગવડ હોય પણ બીમાર પડ્યા હોઇએ તો તેનો કોઇ મતલબ લાગતો નથી. સૌથી નસીબદાર માણસ એ છે જે સાજોનરવો છે, આવી ઘણી બધી વાતો આપણે સાંભળતા રહ્યા છીએ. વાત જરાયે ખોટી નથી. હેલ્થ છે તો બધું જ છે. હેલ્થનું ધ્યાન રાખવું એ સારી વાત છે પણ હેલ્થની વધુ પડતી ચિંતા કે બીમાર પડી જવાનો ડર જોખમી છે. હેલ્થ સારી છે? તો એન્જોય કરો. હેલ્થ નબળી છે? તો ધ્યાન રાખો, કેર કરો, સાવચેત રહો પણ બીમારીને તમારી માથે સવાર થવા ન દો!
તમને ખબર છે, દુનિયામાં એવા અઢળક લોકો છે જે ‘રોગ ભ્રમ’થી પીડાય છે. મેડિકલની લેંગ્વેજમાં એને હાઇપોકોન્ડ્રિયા કહે છે. આવા લોકોને સતત એ વાતનો ડર લાગતો રહે છે કે, મને કોઇ ગંભીર બીમારી લાગુ પડી જશે તો? કોઇની બીમારી વિશે એ સાંભળે તો પણ થથરી જાય છે! ઘણા તો એવી વાતો પણ કરતા રહે છે કે યાર મોતનો ડર નથી લાગતો પણ બીમારીનો ડર લાગે છે!
કોઇ માણસ બીમાર પડે અને તેની તબિયત પૂછવા જઇએ ત્યારે આપણે મોટાભાગે તબિયત પૂછવાને બદલે સવાલો પૂછતા હોઇએ છીએ? કેવી રીતે થયું? કેમ ખબર પડી? એમાં શું થાય? આવું પૂછીને આપણે આડકતરી રીતે એવું ચેક કરતાં રહીએ છીએ કે ક્યાંક મને તો એવું નથી થતું ને? અમુક લોકો પાસેથી બીમારીનું કારણ જાણ્યા પછી આપણે એવું આશ્વાસન પણ મેળવતાં હોઇએ છીએ કે, ના હું એવું કરતો નથી એટલે મારે બહુ ચિંતા કરવા જેવું નથી. ઘણા લોકો તો એવા હોય છે જેને પોતાનાં સ્વજનોની તબિયત જોવા દવાખાને જતા પણ ડર લાગે છે. એ લોકો એવું કહેતા હોય છે કે હું ડિસ્ટર્બ થઇ જાઉં છું, એમાંના ઘણા ખરા તો એટલે થથરી જતા હોય છે કે, મારી હાલત તો આવી નહીં થાય ને?
બે બીમારી એવી છે જેનાથી મોટાભાગના લોકો ડરે છે. એક છે ડાયાબિટીસ અને બીજું છે બ્લડ પ્રેશર. આપણને ખબર પડે કે કોઇને આવું થયું છે તો આપણે આરામથી કહી દઇએ છીએ કે બીપી અને સુગર તો બહુ કોમન થઇ ગયા છે. યંગસ્ટર્સ અને નાના છોકરાંવને પણ હોય છે. અંદરખાને ડર લાગી જાય છે કે મને ન થાય તો સારું. આ બંને લાઇફ સ્ટાઇલ ડિસીઝ છે. ધ્યાન રાખો તો કંટ્રોલમાં રહી શકે. ન હોય તો ચિંતા ન કરો. રાહ ન જુઓ! કેન્સરનો ‘હાઉ’ સાજા-નરવાને ધ્રુજાવી દે છે. અગેઇન, ધ્યાન રાખવું જ જોઇએ. કસરત કરવી જોઇએ. હેલ્ધી ફૂડ ખાવું જોઇએ. પણ બધું જ કર્યા પછી ડરતા રહેવું નહીં. તમારા હાથમાં છે એ બધું કરો. આપણે કસરત સાજા રહેવા માટે કરીએ છીએ કે બીમાર ન પડવા માટે? તબિયતનું ધ્યાન રાખવું અને તબિયતની ચિંતા કરવી એમાં સૂક્ષ્મ ભેદ છે.
છીંક આવે તો લોકોને શરદી થવાનો ભય લાગવા માંડે છે. થાકના કારણે શરીર તૂટતું હોય તો તાવ આવી જવાનો ડર સતાવવા માંડે છે. જીભમાં સામાન્ય ચાંદું પડે તો પહેલો વિચાર એ આવે છે કે કેન્સરનું ચાદું તો નહીં હોય ને? ચાર દિવસ ખાંસી થાય તો ટીબી તો નહીં થઇ ગયો હોય ને? ભાઇ, બધું જ આપણે કલ્પી, માની કે ધારી લીધું હોય એટલું ગંભીર હોતું નથી. થથરી ન જાવ, ડોક્ટર પાસે જાવ, દવા લઇ લો અને ચિંતા છોડો!
અગાઉના સમયમાં લોકો બીમાર પડે તો પહેલા ફેમિલી ડોક્ટર કે ફિઝિશિયન પાસે જતા હતા. એ લોકોને કંઇ ગંભીર લાગે તો એ એક્સપર્ટને રિફર કરતા. હવે લોકો સીધા જ સ્પેશ્યાલિસ્ટ પાસે દોડી જાય છે. વરસમાં એક-બે વાર સામાન્ય તાવ આવે, શરદી-ઉધરસ થાય તો એમાં ચિંતા કરવા જેવું હોતું નથી. ઋતુ બદલે એટલે પણ માણસ થોડોક બીમાર પડતો હોય છે. એક સંશોધન તો એવું કહે છે કે, સિઝન બદલાય અને શરદી-ઉધરસ જેવી સામાન્ય બીમારી થાય એ સારા સ્વાસ્થ્યની નિશાની છે.
આધુનિક સમયમાં લોકો હેલ્થ કોન્સિયસ થયા છે. 40 કરતાં ઉંમર વધે એટલે નિયમિતપણે બોડી ચેકઅપ કરાવતા પણ થયા છે. શું ખાવું એ જાણવા માટે ડાયેટિશિયનની મદદ પણ લેવા લાગ્યા છે. કસરત કરવી જોઇએ એ પણ સમજે છે અને જિમ પણ જાય છે. ગુડ, વેરી ગુડ, હેલ્થ પ્રત્યેની સજાગતા ઉત્તમ વાત છે. ચેકઅપ કરાવો, કંઇ વધ-ઘટ હોય તો ધ્યાન રાખો પણ તમે ફાઇન અને ફિટ છો તો પછી એન્જોય કરો.
તન માંદું પડે એ પહેલાં મનથી માંદા ન થઇ જાવ. માનો કે માંદા પડ્યા તો પણ જો મન મજબૂત નહીં હોય તો ઘડીકમાં સાજા નહીં થાવ. કંઇ ન હોય તો પણ પોતે બીમાર છે એવું ઘણાને લાગતું હોય છે. રોગ ભ્રમ એટલે કે હાઇપોકોન્ડિયા અંગે હમણાં થયેલા એક રિસર્ચમાં એવું બહાર આવ્યું છે કે મને કંઇક થઇ જશે તો?મને કોઇ ગંભીર બીમાર લાગુ પડશે તો? એવા ભયમાં જીવતા લોકો ખરેખર બીમાર પડે છે. બીજું કંઇ ન થાય તો પણ તેની સીધી અસર હૃદય પર પડે છે. બીમારીનો ડર માણસને સાજા રહેવા દેતો નથી.
જે થવાનું હશે એ થશે પણ એ ન થાય ત્યાં સુધી એની ચિંતા શા માટે કરવી જોઇએ? મરી મરીને જીવવાનો કોઇ અર્થ હોતો નથી. યાદ રહે, એનો મતલબ જરાયે એવો નથી કે હેલ્થ પ્રત્યે બેદરકાર રહેવું. બધું ધ્યાન રાખવું અને પૂરેપૂરું ધ્યાન રાખવું. હેલ્થ ચેકઅપ પણ કરાવતા રહેવું. માત્ર ખોટેખોટું ડરવું નહીં, હિમોગ્લોબીન થોડુંક ઓછું આવ્યું તો કંઇ આભ ફાટી પડવાનું નથી. તાવ આવે તો કંઇ ગુજરી જવાના નથી.
ઓવર હેલ્થ કોન્સિયસ રહેવાની બહુ જરૂર હોતી નથી. કુદરતે આપણા શરીરની રચના એવી કરી છે કે અમુક તો ઓટોમેટિક સરખું થઇ જાય. તનની તંદુરસ્તીનો બહુ મોટો આધાર મન છે. મનને નબળું ન પડવા દો. મન નબળું પડ્યું તો તેની સીધી અસર તન પર આવી જશે. તબિયતની બાબતમાં ખોટા ડરશો નહીં. સાજા રહેવા માટે તાજા-માજા રહેવું જરૂરી છે. બાય ધ વે, તમે તો ‘રોગ ભ્રમ’નો શિકાર નથી ને? હોય તો ભય ખંખેરી નાખો અને મસ્તીથી જીવો.
પેશ-એ-ખિદમત
વો મુસાફિર હી ખુલી ધૂપ કા થા,
સાસે ફૈલા કે શજર ક્યા કરતે,
રાય પહેલે સે બનાલી તૂ ને,
દિલ મેં અબ તેરે ઘર ક્યા કરતે
– પરવીન શાકિર
(સાએ-પડછાયો/શજર-વૃક્ષ)
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 18 ડિસેમ્બર 2016, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)