હું ક્યારેક મને જ ‘મિસ’ કરું છું : ચિંતનની પળે

હું ક્યારેક મને જ
‘મિસ’ કરું છું

39
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

જિંદગી હૈ કહીં યે પતા તો ચલે, હર તરફ હૈ ઘુટન, કુછ હવા તો ચલે,
જો સજા આપને દી મુનાસિબ મગર, હમ ગુનહગાર ક્યોં હૈ પતા તો ચલે.
-મંજર ભોપાલી

‘હું દરોજ ઘણા લોકોને મળું છું. હાય-હલો કરું છું. હું મને ક્યારે મળું છું? ઘણી વખત મને મારી સાથે જ શેકહેન્ડ કરવાનું મન થાય છે. કોઈ ખુલ્લી જગ્યાએ જઈ ઢળતાં સૂરજને નિહાળવાની ઇચ્છા થઈ આવે છે. તળાવના સ્થિર પાણીમાં ચહેરો જોવાનું મન થાય છે. દરિયાની ભીની રેતીમાં થોડુંક ચાલીને મારાં પગલાંને પડતાં અને દરિયાના પાણીથી ભૂંસાતાં જોવાની જિજીવિષા જાગે છે. જિજીવિષા માત્ર જિંદગીની જ નથી હોતી, ક્યારેક થોડીક ક્ષણોની હોય છે. શિયાળાની કુમળી સવારે પાંદડાં પર બાઝેલા ઝાકળનું બિંદુ ટેરવા પર લઈ આંખમાં આંજવાનો આનંદ કેવો હોય એ અનુભવવાનું મન થઈ આવે છે. પર્વતની ટોચ ઉપર ઊભા રહી હવાની આહટ ફીલ કરવી છે. ક્યારેક હું મારા જ વજૂદને શોધું છું.’

મારામાં થોડુંક અલગારીપણું ધબકે છે. મનમાં એક જટા ફૂટે છે. મારી અંદર એક સંત જીવતો થાય છે. એ મને જ કહે છે કે, તું બધા માટે છે, પણ થોડોક તારા માટે પણ છે. એ મારી સાથે દલીલ કરે છે. ક્યારેક મારો ઊધડો પણ લ્યે છે. મને સવાલો કરે છે. મારી પાસેથી જવાબો માગે છે. પૂછે છે કે તું તને ઓળખે છે? તું તારી નજીક હોય છે? તારી સંવેદનાને હળવો સ્પર્શ કરીને પંપાળતા તને આવડે છે? હા, તારા ઉપર જવાબદારી છે. તારા પ્રત્યે તારી કોઈ જવાબદારી નથી? બધા ઉપર એટલી બધી રિસ્પોન્સિબિલિટી હોય છે કે, એક તો શું, બે-ત્રણ જિંદગી પણ ઓછી પડે! જિંદગીમાં વન્સ મોર હોતો નથી. જિંદગીમાં માત્ર ‘વન્સ’ જ હોય છે. એક ક્ષણ એક જ વખત મળે છે. બીજી ક્ષણ જુદી હોય છે. તારા માટે તું કેટલા શ્વાસ લે છે? ઘણી વખત તો આપણે નિસાસા નાખતા હોઈએ ત્યારે જ શ્વાસને અનુભવીએ છીએ. સંતના પ્રશ્નોના જવાબ મને મળતા નથી. સંતે હસીને કહ્યું કે, તું તને ક્યાં મળે છે કે તને તારા જ સવાલના જવાબ મળે!

વાંચવાનું બે ઘડી છોડી, આંખો બંધ કરીને થોડુંક વિચારો કે છેલ્લે તમે તમને ક્યારે મળ્યા હતા? તમને થશે કે હમણાં પાર્ટી કરી હતી, સેલિબ્રેશન કર્યું હતું, મજા કરી હતી. સાચી વાત પણ એ વખતે તો તમારી આસપાસ ટોળું હતું. ભલે એ બધા નજીકના હતા, પણ તમે તમારી ‘નજીક’ હતા? તમે તો કોઈની નજીક હતા. નજીકના લોકો સાથે નજીક રહેવું જોઈએ, પણ ક્યારેક માણસે પોતાની નજીક પણ રહેવું જોઈએ.

એક માણસ હતો. ઘણું બધું ખોટું કરતો. ક્યારેય પકડાતો નહીં. અચાનક એ માણસ સુધરી ગયો. બધા જ આડાતેડા ધંધા બંધ કરી દીધા. તેના મિત્રોને આશ્ચર્ય થતું હતું. એક દિવસે એક ફ્રેન્ડે તેને પૂછી લીધું કે, તારી અંદરના પરિવર્તનનું કારણ શું? તેણે પહેલા એક જ શબ્દ કહ્યો, અદાલત! એ અદાલત નહીં જે શહેરમાં છે. એક અંગત અદાલત! એક વખત હું એકલો એક નદીના કિનારે બાંકડા પર બેઠો હતો. હું મારી સાથે જ હતો. ધીમે ધીમે મને થયું કે મારી અંદર એક અદાલત ભરાઈ રહી છે. મેં ધ્યાનથી દૃશ્ય જોયું તો મારી આંખો પહોળી થઈ ગઈ. આ અદાલતમાં ન્યાયાધીશ પણ હું જ હતો, વકીલ પણ હું જ હતો, સાક્ષી પણ હું જ હતો અને આરોપી પણ હું જ હતો. મારી સામે મેં જ કેસ માંડ્યો હતો! તું આ શું કરે છે? તને ખબર છેને કે તું ગુનાઓ કરી રહ્યો છે? હા, હજુ પકડાયો નથી. ક્યાં સુધી નહીં પકડાય? પકડાયા પછી શું? મેં કહ્યું, થઈ થઈને શું થઈ જવાનું છે? જવાબ મળ્યો. હા, એમ તો કંઈ નહીં થાય. તું તારી જાત સામે આંખ મેળવીને ઊભો રહી શકીશ? દરરોજ સવારે અરીસા સામે ઊભો રહે ત્યારે તું તને કહી શકે એમ છે કે તું સાવ નિર્દોષ અને સારો માણસ છે? મારી અંદરના જજે જ મને કહ્યું કે, હું તને માફ કરું છું, પણ સાચી અદાલત તને માફ નહીં કરે. માની લઈએ કે તું ક્યારેય પકડાઈશ જ નહીં તો પણ ઉપરવાળાની પણ એક અદાલત હોય છે. આપણી અંગત અને ઉપરવાળાની અદાલત દેખાતી નથી, પણ ‘ભરાતી’ તો હોય જ છે. સજા સંભળાવાતી નથી, પણ ભોગવવી તો પડતી જ હોય છે. દુનિયા તને આખી જિંદગી નિર્દોષ માનતી રહેશે પણ તું? બસ એ દિવસથી મારામાં પરિવર્તન આવ્યું. હું મને મળી ઘણાં કુકર્મોથી છૂટી ગયો અને થોડોક મારી જ નજીક આવી ગયો.

આપણી નજીક જઈએ ત્યારે આપણને માત્ર આપણી ખામીઓ જ નહીં, આપણી ખૂબીઓને પણ ઓળખવાનો અવસર મળે છે. સંવેદના વગરનો માણસ હોઈ ન શકે. થોડીઘણી સંવેદનાઓ દરેકમાં હોય છે. આપણી તકલીફ એ હોય છે કે આપણે આપણી સંવેદના સુષુપ્ત થઈ જાય ત્યાં સુધી અેને સ્પર્શ કરતા નથી. સંવેદનાને સજીવન રાખવા આપણે થોડુંક આપણી સાથે અને આપણા માટે જીવવું પડતું હોય છે. સંવેદનાને ‘એક્ટિવ’ કરવી પડતી હોય છે. સંવેદનાને ‘રન’ કરવી પડતી હોય છે. તમારી ઇચ્છાઓના આઇડી પર તમારી ક્ષણોનો પાસવર્ડ આપો એટલે તમે તમારી સંવેદનાને સજીવન કરવાની એપ્લિકેશનમાં એન્ટર થઈ જશો. થોડુંક જીવી લો. પોતાના માટે પણ. તમારી જાતને પ્રેમ કરો. જે માણસ પોતાને પ્રેમ કરતો નથી એ કોઈને પ્રેમ કરી શકતો નથી.

આપણે સારા માણસો છીએ. આપણે બધા માટે સમય કાઢીએ છીએ. માત્ર આપણા માટે જ આપણે સમય કાઢતા નથી. માણસે ક્યારેક પોતાના માટે પણ સારા થવું જોઈએ. ક્યારેક પોતાને પણ મળવું જોઈએ. ક્યારેક પોતાને પણ જાણવા, માણવા અને અનુભવવા જોઈએ. એક માણસ ફેમિલી સાથે જંગલમાં ફરવા ગયો હતો. ફેમિલી સાથે તેનો પાળેલો ડોગ પણ હતો. અચાનક જ એ ડોગ ક્યાંક ચાલ્યો ગયો. એ માણસ ડોગને શોધવા જંગલમાં થોડાેક અંદર ગયો. ઘનઘોર જંગલમાં તેને એક માણસ મળ્યો. તેને પૂછ્યું, મારો ડોગ તમે જોયો? જવાબ મળ્યો, ના. આ માણસને કુતૂહલ થયું. તેણે બીજો સવાલ કર્યો, હું તો અહીં મારા ડોગને શોધું છું, પણ તમે અહીં શું કરો છો? પેલા માણસે સહજતાથી જવાબ આપ્યો, હું મને શોધું છું. હું ક્યારેક મને જ ‘મિસ’કરું છું અને પછી મને શોધવા માટે આવી કોઈ મને ગમતી જગ્યાએ નીકળી પડું છું. હું મને મળી જાઉં છું. વાતો કરું છું. થોડોક વધુ નજીક આવું છું. મારી સંવેદનાઓને સીંચું છું. થોડોક હસું છું. ક્યારેક થોડોક રડું પણ છું. હું મને જ સાંત્વના આપું છું. મને શાબાશી આપું છું. મને જ હિંમત આપું છું. સ્વ સાથે સર્વસ્વ ફીલ કરું છું.

તમે તમને મળતા રહો છો? તમારી પાસે તમારું એકાંત છે? એવું એકાંત જ્યાં એક સિવાય બધા જ નો અંત હોય. આપણા સાથે એકાકાર થઈ શકાય એવી અનુભૂતિ થઈ શકે એવી ક્ષણો જ જીવવા જેવી હોય છે. કંઈક એવું જ દિલને ટાઢક આપે, દિમાગને હાશ આપે, શરીરને સાચા શ્વાસ આપે અને આપણને આપણા અસ્તિત્વની ઓળખ આપે એવું કરીએ, આવી ક્ષણો જિંદગી ‘જીવતી’ હોવાના સબૂત આપતી હોય છે.{

છેલ્લો સીન: જિંદગીને ક્યારેક બિલોરી કાચમાંથી જોઈ જોજો, જે સૂક્ષ્મ હશે એ જ થનગનતું હશે. અહેસાસ અને અનુભૂતિનો અનુભવ પણ કરવા જેવો હોય છે. -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 22 જુન 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)

kkantu@gmail.com

26.5 in size.indd

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “હું ક્યારેક મને જ ‘મિસ’ કરું છું : ચિંતનની પળે

Leave a Reply

%d bloggers like this: