જજ પહેલી વખત રડ્યા, લોકો

તો બિચારા રોજ કોર્ટમાં રડે છે!
દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ
દેશની સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ તીરથસિંહ ઠાકુર અદાલત પર
વધી રહેલા કેસોના ભારણ મુદ્દે જાહેરમાં રડી પડ્યા. આ જ મુદ્દાને લોકો તરફથી જુઓ
, અદાલતોમાં લોકોની હાલત તો અત્યંત દયાજનક હોય છે. ન્યાયમાં વિલંબ
એ સૌથી મોટો અન્યાય છે.
તમારે કોઈની સામે વેર લેવું છે? એની સામે બે-ચાર કોર્ટ કેસ ઠપકારી દો, એ બિચારો નવરો જ નહીં પડે! તોબા પોકારી જશે અને અંતે તમારા શરણે
આવી જશે. જે લોકો ઉપર કોર્ટ કેસ ચાલતા હોય એને પૂછી જોજો કે શું હાલ છે? તો એ એવું જ કહેશે કે ભગવાન બચાવે આ અદાલતનાં પગથિયાંથી! આપણે
અદાલતને ન્યાયનું મંદિર કહીએ છીએ, પણ આ મંદિરમાં બિરાજતા ભગવાનો
મતલબ કે જજીસ જ તેના પર રહેલા કામના બોજથી ત્રાહિમામ છે!
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તીરથસિંહ ઠાકુર હમણાં કોર્ટમાં
ભારણ વિશેનો ઉલ્લેખ કરી ગળગળા થઈ ગયા. તેમની આંખો ભીની થઈ ગઈ. જે કાર્યક્રમમાં આ ઘટના
બની તેમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ, હાઇકોર્ટના જજીસ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા. વડાપ્રધાન
મોદીએ પણ કહેવું પડ્યું કે ચીફ જસ્ટિસ ઠાકુરની વાત સાવ સાચી છે. બાય ધ વે, ઠાકુર સાહેબ પહેલા એવા ચીફ જસ્ટિસ નથી જેમણે આવી વાત કરી હોય, અગાઉના લગભગ તમામ ચીફ જસ્ટિસ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા
છે. હા, એ લોકો રડ્યા ન હતા એટલે તેમની
વાતને રૂટિન ગણી લેવામાં આવી હતી. જસ્ટિસ ઠાકુર ભાવુક થઈ ગયા એટલે એ ખબર બ્રેકિંગ ન્યૂઝ
અને હેડલાઇન બની ગઇ.
નો ડાઉટ, દેશના ચીફ જસ્ટિસને આ રીતે
ગળગળા થઈને કહેવું પડે એ વાજબી નથી. આમ છતાં એક સવાલ એ થાય કે, રડવાથી આખો ઇશ્યુ સોલ્વ થવાનો છે? તમારી પાસે કેસોના નિકાલ માટે કોઈ એવી વ્યવસ્થા છે, જેનાથી ફટ દઈને કેસોના નિકાલ થાય! એવું નથી કે સરકારે કંઈ જ
કર્યું નથી. કેસોનું ભારણ ઘટે એ માટે લોક અદાલતો શરૂ કરવામાં આવી હતી. રાતના સમયે પણ
કોર્ટ ચાલુ રહે એ અંગે પણ વિચારણા થઈ હતી. કેસોના નિકાલ માટે માત્ર બિલ્ડિંસ હોય એ
પૂરતું નથી, તેના માટે જરૂરી મેનપાવર અને
ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જોઈએ. તમે રાતના અલગ જજ રાખી શકો, પણ રાતના એડવોકેટ્સનું શું?
આપણે ત્યાં અદાલતોમાં સ્ટાફની ઓલવેઝ શોર્ટેજ જ રહી છે. જજ જ
ન હોય તો ન્યાય કોણ આપે? સામાન્ય સંજોગોમાં દર વીસ
હજાર લોકોએ એક જજ હોવા જોઈએ. મતલબ કે, દર 10 લાખ લોકો દીઠ 50 જજની જરૂર રહે. 1987માં થયેલા અભ્યાસ મુજબ દર 10 લાખે 50ની બદલે માત્ર દસ જજ જ હતા.
અત્યારે દર દસ લાખે અંદાજે 17 જજ છે. મતલબ કે દર દસ લાખે
33 જજની ખોટ છે. આપણા જજ ખરેખર
નોંધપાત્ર કામ કરે છે. અમેરિકામાં એક જજ એક વર્ષમાં 81 કેસોનો નિકાલ કરે છે. તેની સામે આપણા એક જજ 2600 કેસોમાં નિકાલ કરે છે. મતલબ કે અમેરિકા કરતાં આપણા જજ લગભગ
બત્રીસ ગણું કામ કરે છે. આપણા દેશમાં ત્રણ કરોડથી વધુ કેસો પેન્ડિંગ છે. આ કેસો પૂરા
કરતા 300થી વધુ વર્ષ થાય!
આપણે વધુ આંકડાઓમાં નથી પડવું. વાત એ કરવી છે કે કેસોના ભારણને
માત્ર અદાલતો અને જજને નજર સમક્ષ રાખીને જ જોવા વાજબી છે? આ જ મુદ્દાને લોકો તરફની નજરથી જુઓ તો ચિત્ર વધુ બિહામણું લાગે
તેવું છે. હા, એવું કહી શકાય કે, વાત તો એક જ છે ને, વાત ભલે એક રહી, પણ વેદનામાં હાથી-ઘોડાનો ફર્ક છે. લોકો બિચારા ગુજરી જાય ત્યાં
સુધી તેને ન્યાય નથી મળતો. અદાલતોની બહાર થતાં સમાધાનોનું સૌથી મોટું કારણ એ હોય છે
કે એક વાત પતે. કોર્ટમાં આરો નહીં આવે. ઘણા લોકો નુકસાન વેઠીને પણ સમાધાન કરી લે છે.
કોર્ટના કેસનું ટેન્શન રાખવું નથી. ઘણા માથાભારે લોકો નિર્દોષ લોકોને પજવવા માટે અદાલતનો
આડકતરો ઉપયોગ કરે છે.
આદર્શ સ્થિતિ એ છે કે લોકોને પોતાના દેશના  કાયદાઓની જાણકારી હોય, જાણકારી હોવી પણ જોઈએ, અલબત્ત આપણે ત્યાં હાલત તદ્દન જુદી છે. એક તો આપણા કાયદાઓ અત્યંત
આંટીઘૂંટીવાળા છે. લોના સ્ટુડન્ટ્સને અને ઘણા વકીલોને પણ પૂરા નથી સમજાતા એ કાયદા સામાન્ય
વ્યક્તિને તો ક્યાંથી સમજાય? વકીલોને કેસ લેવામાં રસ હોય
છે એટલો ઇન્ટરેસ્ટ કેસ પતાવવામાં હોતો નથી. એમાંયે જે વ્યક્તિને ખબર છે કે આપણે ખોટા
છીએ એનો ઇરાદો એ જ હોય છે કે કેસને ખેંચ્યે રાખો ને! નીચલી અદાલતમાં હારી ગયા તો ઉપલી
અદાલતમાં જવાનું અને એના પછી છેક સુપ્રીમ સુધીના દરવાજા ખુલ્લા જ છે!
હવે એ વ્યક્તિની હાલત વિચારો જે માણસ નિર્દોષ છે. અદાલત ‘બાઇજ્જત બરી’ કરે એની રાહ જોવામાં જ એ બુઠ્ઠો થઈ જાય છે. આપણો કાયદો કહે છે
કે જ્યાં સુધી ગુનેગાર સાબિત ન થાય ત્યાં સુધી માણસ નિર્દોષ છે. આપણા દેશની જેલમાં
મોટી સંખ્યામાં કાચા કામના કેદીઓ પુરાયેલા છે. એમાંથી બધા નિર્દોષ નથી, પણ તમામ દોષી પણ નથી. જામીન ન મળ્યા અને કેસ ન ચાલે એટલે એને
જેલમાં રહેવું પડે છે. કાચા કામના કેદીઓનો ઇશ્યુ પણ બહુ મોટો છે.
અદાલતનું નામ પડે એટલે સની દેઓલનો પેલો ડાયલોગ જ યાદ આવે કે, તારીખ પે તારીખ… આપણે ત્યાં અનેક રેકર્ડ થાય છે એમાં એક રેકર્ડ
એ પણ શોધીને ઉમેરવા જેવો છે કે અત્યાર સુધીમાં કયા કેસમાં સૌથી વધુ તારીખો પડી છે? કેટલા એવા કેસો પેન્ડિંગ છે જેના ફરિયાદી અને તહોમતદાર બંને
ગુજરી ગયા છે? સૌથી જૂનો પેન્ડિંગ કેસ કયો
છે. કોઈને આ રેકર્ડ શોધવામાં રસ નથી, કારણ કે આવડા મોટા દેશ અને આટલી બધી અદાલતોનો ડેટા પણ કોઈ ફંફોસી
શકે એમ નથી!
આપણા દેશના લોકોને તો સિવિલ અને ફોજદારી કેસોમાં શું ફેર હોય
છે, તેની પણ ખબર હોતી નથી. વકીલો
જે કરે એ સાચું માની લેવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ નથી. ઘણા વકીલો પણ એવા હોય છે
જે પોતાના અસીલને એવો લટકાવી રાખે છે કે બિચારો ટીંગાયેલો જ રહે!
સરકારને આ મહાકાય પ્રશ્નની જાણકારી નથી એવું જરાયે નથી. સરકારને
આ સમયસ્યા ઉકેલવામાં રસ નથી એવું પણ નથી. કોઈને આ ઇશ્યુ સોલ્વ કરવાનો સચોટ રસ્તો મળતો
નથી. અદાલતો પૂરી ક્ષમતાથી કામ કરે, જરૂરી ભરતીઓ થઈ જાય તો પરિસ્થિતિ જરાક સુધરે તેમ છે, પણ તેનાથી આખી સમસ્યા ઉકેલવાની નથી. તેના માટે નવેસરથી વિચારી
અને નવી સિસ્ટમ ઊભી કરવાની જરૂર છે. જૂના પાટા ઉપર બુલેટ ટ્રેન દોડી શકે નહીં, તેના માટે નવા પાટા નાખવા પડે, આ અદાલતો પર ભારણના પ્રશ્નનું પણ કંઈક એવું જ છે!
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 01 મે 2016, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)
Email : kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: