તારે તો બસ તારું ધાર્યું જ કરવું છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
હમને ઇક શામ ચરાગોં સે સજા રક્ખી હૈ, 
શર્ત લોગોં ને હવાઓં સે લગા રક્ખી હૈ,
તુમ હમે કત્લ તો કરને નહીં આયે લેકિન, 
આસ્તીનોં મેં યે ક્યા ચીઝ છૂપા રક્ખી હૈ?
-નઝીર બનારસી.
માણસ એકલો રહી શકતો નથી. એકલતા માણસને પાગલ કરી દે છે. માણસને કોઈના સાથની જરૂર પડે જ છે. માણસને વાત કરવા માટે કોઈ જોઈતું હોય છે. વાત કરે, વાત સમજે અને વાત માને એવી વ્યક્તિ જિંદગીમાં હોય તો જ જિંદગી જીવવા જેવી લાગે છે. દરેક વ્યક્તિ દરેક વખતે આપણી દરેક વાત માને એવું જરૂરી નથી અને એવું શક્ય પણ નથી. એટલે જ આપણે અડજસ્ટમેન્ટ કરવું પડતું હોય છે. એડજસ્ટમેન્ટ ન હોય તો અંતર વધી જાય. સંબંધો માટે સમાધાન કરવાં પડતાં હોય છે. માત્ર સંબંધો માટે જ નહીં, સમાધાન માટે સંવાદ જરૂરી છે. જે માણસ સંવાદ ન કરી શકે એ સમાધાન ન સાધી શકે.
દરેક માણસે પોતાનું ધાર્યું કરવું હોય છે. માત્ર ધાર્યું કરવું જ હોતું નથી, બીજા પાસે પણ પોતાનું ધાર્યું કરાવવું હોય છે. આપણી બધી જ વાત માને એ આપણને સારો માણસ લાગે છે. સામું બોલે, આર્ગ્યુમેન્ટ કરે અને પોતે શું માને એ કહે એટલે આપણે એવું માનવા લાગીએ છીએ કે એ આપણો વિરોધી છે. વિચારોની આઝાદી સૌથી વધુ સંબંધોમાં જરૂરી હોય છે.
એક પતિ-પત્ની હતાં. પતિ કંઈ પણ વાત કરે એટલે પત્ની ફટ દઈને હા પાડી દે. વાત સાચી હોય કે ખોટી હોય, પત્ની વાત પૂરી થાય એ પહેલાં જ કહી દે કે ઓકે. એક વખત પતિએ કહ્યું કે તું મારી દરેક વાતમાં હાએ હા પુરાવી દે છે. પત્નીએ કહ્યું હા, હું તારી દરેક વાતમાં હા જ પુરાવી દઉં છું, કારણ કે તું તારું ધાર્યું જ કરે છે. તારે એ જ કરવું હોય છે જે તું ઇચ્છે. હું પહેલાં તને મારા વિચાર કહેતી હતી. હું કહું એમ ક્યારેય થતું જ નહીં. આખરે મેં કંઈ કહેવાનું જ બંધ કરી દીધું. તને ઠીક લાગે એમ કર. પતિએ કહ્યું કે તું શું ઇચ્છે છે? હું જે ઇચ્છતો હતો કે હું જે ધારતો હતો એ મેં તને કન્વીન્સ કરવાના પ્રયત્નો કર્યા છે. તું કન્વીન્સ થઈ જાય છે. તું નેગેટિવલી કન્વીન્સ થાય છે. દિલથી નથી થતી. તને મારી વાત વાજબી ન લાગતી હોય તો તું મને તારી વાત કેમ કન્વીન્સ નથી કરતી? તું તો તરત હાર સ્વીકારી લે છે. ઘણી વખત આપણે હા પાડીને પણ હારી જ જતાં હોઈએ છીએ. મને ઘણી વખત ખબર હોય છે કે હું ખોટો છું, એ પણ ખબર હોય છે કે તને મારો નિર્ણય ગમ્યો નથી, છતાં તું હા પાડી દે છે. મારી પાસે મારી વાત સાચી હોવાનાં કારણો છે, એ કારણો હું તને કહું પણ છું. તને જો એ વાત સાચી ન લાગતી હોય તો તારે એનાં પણ કારણો તો આપવાં જોઈએને?
આપણે કારણો આપતાં નથી. કાં તો લાદી દઈએ છીએ અને કાં તો સ્વીકારી લઈએ છીએ. સ્વીકારમાં સંમતિની સાથે સહમતી પણ જોઈએ. હોડીમાં બેઠેલા બંને માણસ એક તરફ જ હલેસાં મારે તો જ હોડી આગળ વધે છે. બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હલેસાં મારતાં રહે તો કદાચ હોડી ડૂબી ન જાય પણ આગળ વધતી તો અટકી જ જાય. ઘણા લોકોની લાઇફ એક જ જગ્યાએ સ્થિર થઈ ગઈ હોય છે. જિંદગી જિવાતી હોય છે, પણ જિંદગી આગળ વધતી નથી. આપણને એવું લાગે છે કે જિંદગીમાં કંઈક અટકી ગયું છે. બધું જાણે રોકાઈ ગયું છે. આવું લાગે ત્યારે મોટા ભાગે જિંદગી નહીં, આપણે અટકી ગયા હોઈએ છીએ.
માણસને આદેશ આપવો ગમે છે. હું ઓથિરિટી છું. હું સિનિયર છું. હું બોસ છું. હું ઘરનો મુખ્ય માણસ છું. હદ ત્યારે થાય છે જ્યારે માણસ પોતે એવું માનવા લાગે કે મને બધી ખબર પડે છે. બુદ્ધિ બધામાં હોય છે. આપણને આપણી બુદ્ધિ જ બેસ્ટ લાગતી હોય છે. આપણી બુદ્ધિ સાથે ઘણી વખત આપણે રિલેક્સેશન પણ કરતાં હોઈએ છીએ. બીજાની ઇચ્છા, બીજાના વિચારો અને બીજાની માન્યતાને સ્વીકારવાનું વલણ પણ રાખતાં હોઈએ છીએ. એક પતિ-પત્નીની આ વાત છે. પતિ એની પત્નીને બહુ પ્રેમ કરતો હતો. એવું પણ સમજતો હતો કે બંને ખુશ હોય તો જ સંસાર સારી રીતે ચાલે. માણસ ઘણી વખત સંબંધોમાં પણ ‘વ્યવસ્થા’ ગોઠવી લેતો હોય છે. પતિ છ દિવસ પોતાનું ધાર્યું જ કરે અને રવિવારની રજા આવે એટલે પત્નીને પૂછે કે બોલ આજે શું કરવું છે? આજે મારે તારું ધાર્યું જ કરવું છે. તું કહે ત્યાં ફરવા જઈએ. તું કહે એ હોટલમાં જમવા જઈએ. પતિ પત્ની જે કહે એ માનતો પણ ખરો. પત્નીની ઇચ્છા પ્રેમથી પૂર્ણ કરતો. એક વખત પતિએ પૂછયું કે, હું તને સાચવું છુંને? તારું ધ્યાન રાખું છુંને? તને પ્રેમ કરું છુંને? પત્નીએ કહ્યું,ના. તું નિયમ મુજબ જીવે છે. તું તેં ગોઠવેલી વ્યવસ્થાને ફોલો કરે છે. પ્રેમ અને દાંપત્ય માટે પણ તેં તારા નિયમો બનાવી રાખ્યા છે.
એક દિવસ તું એમ જ કરે છે જેમ હું કહું છું. બાકીના દિવસો તું ઇચ્છે એમ જ કરે છે. એવા દિવસો કેટલા હોય છે જ્યારે આપણે બંને ઇચ્છતાં હોઈએ એ રીતે જિવાતા હોય છે? વાત તારી મરજી કે વાત મારી મરજીની નથી, વાત આપણી મરજીની છે. રવિવારે તારે શું કરવું છે એ કેમ નથી કહેતો? તારે ક્યાં ફરવા જવું છે? અથવા તો મને ક્યાં ફરવા લઈ જવી છે? મારે તો ત્યાં જવું હોય છે જ્યાં તારે માને લઈ જવી હોય છે. બાકીના દિવસોમાં તું કંઈ પૂછતો નથી, તું કંઈ કહેતો નથી. તું કહે એમ હું કરતી રહું છું અને હું કહું એમ તું કરતો રહે છે. આ જ દાંપત્ય છે? આવું કરીને તો આપણે વિવાદ ટાળતાં હોઈએ અને વિચાર રૃંધતા હોઈએ એવું લાગે છે. આપણે સાતેય દિવસ સરખા ન કરી શકીએ?
આપણું ધાર્યું કરીને ઘણી વખત આપણે આપણાં જ બંધનમાંથી છૂટી શકતા નથી. એક વ્યક્તિ પ્લાનિંગ કરે અને બધા સાથે મળીને પ્લાનિંગ કરે તેમાં ફર્ક હોય છે. મારા ઘરમાં તો મારું જ ધાર્યું થાય એવું ઘણા લોકો કહેતા હોય છે. હકીકતે ધાર્યું થતું હોતું નથી, ધાર્તું કરાવાતું હોય છે. ઘરને ડેકોરેટ કરતી વખતે ખૂણાના ભાગ પાડી શકાતા નથી. આ ખૂણામાં તને ગમે એમ ગોઠવ અને આ ખૂણામાં મને ગમે એમ ગોઠવીશ. એમ ગોઠવાય તો ખૂણા સુંદર દેખાતા હશે તોપણ જુદા જુદા હશે. ઘરનું સૌંદર્ય તો બંનેનું ધાર્યું થતું હોય તો જ નિખરે છે. દાંપત્યમાં ડર, ડંખ કે દર્દ ન હોય તો જ પ્રેમ પાંગરતો રહે છે.
છેલ્લો સીન : 
આપણે આપણું જ ધાર્યું કરાવતાં હોઈએ ત્યારે આપણે એવું ઘણું બધું પ્રાપ્ત કરી શકતા નથી જે આપણે ક્યારેય ધાર્યું જ ન હોય! -કેયુ.
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 19 જુલાઇ, 2015. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: