તું તારી વેદનાને કેમ ખંખેરી નાખતો નથી? – ચિંતનની પળે

તું તારી વેદનાને કેમ ખંખેરી નાખતો નથી?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
બહુ સુંદર છે નક્શીકામ જખમોનું હ્દય પર,
ઓ સંગાથી કલાકારો, તમારું કામ લાગે છે.
                                  -મરીઝ
વેદના, વ્યથા, પીડા અને દર્દ જિંદગીને ઘણી વખત ચારે તરફથી ઘેરી લે છે. દિલને ઠેસ વાગે પછી કળ વળતાં બહુ વાર લાગે છે. અમુક ઘા રૂઝાતા નથી, એ વકરતાં રહે છે. આપણે હર્ટ થઈએ છીએ. દુઃખી થઈએ છીએ. દિલ પર પડેલા ઉઝરડા દેખાતા નથી. એ મહેસૂસ થાય છે. ક્યાંય ગમતું નથી. જીવ ઠેકાણે રહેતો નથી. રડવાનું મન થાય છે પણ રડી શકાતું નથી. લડવાનું મન થાય છે પણ લડી શકાતું નથી. નડવાનું મન થાય છે પણ નડી શકાતું નથી. રડવાનું ફિતરતમાં હોતું નથી. લડવાનો કોઈ મતલબ હોતો નથી. નડવાનું મન થતું નથી. લડી લડીને કોની સામે લડવાનું? ઠેસ પહોંચાડનાર વ્યક્તિ પણ આખરે પોતાની જ હોય છે. દુશ્મન, વિરોધી, હરીફ કે પ્રતિદ્વંદી હોય તો દેખાડી પણ દઈએ. પોતાના, અંગત, આપણાં અને નજીકના લોકો પાસે જ આપણે બધાં શસ્ત્રો હેઠાં મૂકી દઈએ છીએ. આપણું બૂરું કર્યું હોય છતાં પણ આપણે તો એવું જ ઇચ્છતાં રહીએ છીએ કે એનું ભલું થાય. એને ઊની આંચ ન આવે. એ સદાયે ખુશ રહે.
કેટલીક ઠેસ અજાણતાં વાગે છે. અમુક ચોટ ઈરાદાપૂર્વકની હોય છે. મારે એને પાઠ ભણાવવો હતો એટલે મેં આવું કર્યું. પાઠ ભણાવી દીધો. પરચો દેખાડી દીધો. ઠેસ પહોંચાડી દીધી. પછી શું? શાંતિ થઈ ગઈ? તાકાતવર સાબિત થઈ ગયા? એક મિત્ર સાથે બીજા મિત્રએ ઇરાદાપૂર્વક હર્ટ થાય એવું કર્યું. મિત્રને આ વાતની ખબર પડી ત્યારે એને બહુ દુઃખ થયું. તેને વિચાર આવ્યો કે મને ઠેસ પહોંચાડનાર મિત્રને શું થયું હશે? એનાથી મનોમન બોલી જવાયું કે એ દોસ્ત, તને સારું લાગ્યું હોય તો આવ, એક ઠેસ વધુ પહોંચાડી જા! હું તો તને મજા આવે એવું જ ઇચ્છતો રહ્યો છે અને તને આવું કરવામાં મજા આવતી હોય તો એ જ ઠીક છે!
દરેક માણસ ક્યારેક હર્ટ થાય છે. આપણા શરીરમાં એક દિલ છે. સંવેદનાઓ છે. સંવેદનાઓ જીવંત વસ્તુ છે. સંવેદનાઓ ક્યારેક મરી જાય છે. ક્યારેક તરફડી જાય છે. ક્યારેક મૂંઝાય છે. ક્યારેક ખીલે છે. ક્યારેક મુરઝાય છે. માણસ એવું વિચારે છે કે હવે વધુ લાગણીશીલ થવું જ નથી. સ્વાર્થી થઈ જવું છે. નથી થવાતું. સ્વભાવ નથી હોતો. આદત નથી હોતી. મરી ગયેલી સંવેદનાઓ કાયમ મરી જતી નથી, એ પાછી જીવતી થાય છે. એક મનોચિકિત્સક ડિપ્રેશનની સારવાર કરતો હતો. તેને પૂછયું કે ડિપ્રેશન કેમ આવી જાય છે? તેણે કહ્યું કે સંવેદના જ્યારે વેદનાનું સ્વરૂપ લઈ લે ત્યારે એવું થતું હોય છે. માણસ બહારથી જીવતો હોય છે. અંદરથી મરી ગયો હોય છે. હું એને અંદરથી જીવતો કરવાનો પ્રયાસ કરું છું. અમારી જરૂર માણસને ત્યારે પડે છે જ્યારે એની પાસે પોતાનો અંગત કોઈ માણસ નથી હોતો. માણસ એકલો પડી ગયો હોય એવું તેને લાગે છે. અમે તેનો હાથ પકડીએ છીએ અને કહીએ છીએ કે જો હું તારી સાથે છું. તમે જો તમારી વ્યક્તિનો હાથ પકડી લેતાં હોવ તો એને અમારા જેવા મનોચિકિત્સકની જરૂર પડતી નથી. દરેક માણસની અંદર એક નાનકડો મનોચિકિત્સક જીવતો હોય છે. કરુણતા એ છે કે માણસ સૌથી પહેલાં એને મારી નાખે છે. સંવેદનાઓની પણ સારવાર કરવી પડે છે. જે માણસ બીજાની ટ્રીટમેન્ટ કરતો નથી, એ પોતાનો ઇલાજ ક્યાંથી કરી શકવાનો છે?કોઈની સંવેદનાને સમજવા અને પામવા માટે સંવેદનશીલ બનવું પડે છે.
કોઈ ઘટના બને ત્યારે વેદના તો થવાની. કોઈ વ્યક્તિ આવે છે, આાપણને હર્ટ કરે છે, એ તો ચાલ્યો જાય છે, આપણે હોય ત્યાં ને ત્યાં રહીએ છીએ. વેદનાનો પણ એક સમયગાળો હોય છે. એને ખંખેરવી પડે છે. એક માણસની વાત છે. એ હર્ટ થાય પછી થોડાક સમયમાં સ્વસ્થ થઈ જતો. એક મિત્રએ પૂછયું કે તું આટલી સહેલાઈથી કેવી રીતે પાછો સ્વસ્થ થઈ જાય છે? તેણે કહ્યું કે નાનો હતો ત્યારની એક વાત યાદ આવી જાય છે. સ્કૂલે જતો ત્યારે રિસેસમાં મેદાન પર બેસી જતો. કપડાં પર ધૂળ લાગી જતી હતી. ઊભો થાઉં ત્યારે ધૂળ ખંખેરી નાખતો. બસ, આવું જ અત્યારે પણ કરું છું. ધૂળ ક્યારેક શ્વાસમાં પણ ઘૂસી જતી. મૂંઝારો પણ થતો. હજુયે એવું જ થાય છે, હવે દેખાતી નથી, માત્ર અનુભવાય છે. ક્યારેક કંઈ થાય ત્યારે મને ચાંદ યાદ આવે છે અને પેલી પંક્તિ મનમાં બોલું છું. ચલો ચાંદ કી તરહ કિરદાર નિભાયે, દાગ અપને પાસ રખે ઔર રોશની ફેલાયે!
વેદના થવી જોઈએ. વેદના ન થાય તો સમજવું કે આપણામાં કંઈક કમી છે. વેદના સંવેદનાનો જ એક ભાગ છે. સુંદર દૃશ્ય જોઈને’વાહ’ બોલાઈ જાય તો કોઈ કરુણ નજારો જોઈને ‘આહ’ પણ નીકળવી જ જોઈએ. વેદનાને ફિલ કરો પણ વેદનાને પંપાળ્યા ન રાખો. એક માણસ ફિલોસોફર પાસે ગયો. તેણે કહ્યું કે વેદનામાંથી મુક્તિ કેવી રીતે મેળવવી? ફિલોસોફરે કહ્યું કે, કોઈ તો આપણને એક જ વાર હર્ટ કરતું હોય છે, આપણે પછી આપણી જ જાતને વારંવાર હર્ટ કરતા રહીએ છીએ. કોઈ આપણને એક શસ્ત્ર મારે છે, આપણે એ શસ્ત્રને કાઢી પછી વારંવાર આપણને જ મારતાં રહીએ છીએ. આપણે એવું કહેતાં ફરીએ છીએ કે મને વેદના થયા જ રાખે છે. તમે એક કામ કરો, એ શસ્ત્રને ફેંકી દો. વેદનામાંથી મુક્ત થવું છે તો એે ઘટનાથી પહેલાં મુક્તિ મેળવી લો. માફ કરી શકો તો માફ કરી દો. પેલા માણસે કહ્યું કે, હું માફ કરી શક્યો નથી, માફ કરવાનું મારા સ્વભાવમાં જ નહીં! ફિલોસોફરે કહ્યું કે, ફાઇન, તમે બીજાને માફ નથી કરી શકતા. ન કરો. તમારી જાતને તો માફ કરો. તમે તો તમારામાંથી બહાર નીકળો. વેદનાની આદત ન પડવા દો. વેદનામાંથી નીકળશો નહીંને તો તમને એમાં મજા આવવા માંડશે. દુઃખી થવાની અને દુઃખી રહેવાની પણ એક માનસિકતા હોય છે. ઘણાંને દુઃખી રહેવામાં જ સારું લાગવા માંડે છે. એને પછી ખબર જ નથી પડતી કે સુખ શું છે!
માણસ બે વાતાવરણમાં જીવતો હોય છે. એક તો અંદરનું વાતાવરણ અને બીજું બહારનું વાતાવરણ. અંદરનું વાતાવરણ આપણું પોતાનું હોય છે. બહારના વાતાવરણ ઉપર આપણો કંટ્રોલ હોતો નથી. બહાર તો જે ચાલતું હોય છે એ ચાલતું જ રહેવાનું છે. બધા ખેલ થવાના છે. લોકો રમત રમવાના છે. હર્ટ કરવાના છે. આપણે બસ એટલું ધ્યાન રાખવાનું હોય છે કે આપણું અંદરનું વાતાવરણ પ્રદૂષિત ન થાય. જો અંદરનું વાતાવરણ પણ બહાર જેવું જ થઈ ગયું તો પછી આપણે આપણી જાતને ફિલ જ નહીં કરી શકીએ. વેદનાને પકડી ન રાખો. જ્યાં સુધી પકડી રાખશો ત્યાં સુધી તમે જ મુક્ત નહીં થઈ શકો. સ્વભાવમાં સ્વનો એટલે કે પોતાનો ભાવ રહેવો જોઈએ. તમારી સંવેદના તમારો ખજાનો છે. એને મરવા ન દો. એટલું ચેક કરતાં રહો, મારી અંદરનું એટમોસ્ફીયર તો ઓકે છેને?
છેલ્લો સીન : 
વેદના, વ્યથા અને પીડા એટલો જ સમય રહે છે, જેટલો સમય આપણે તેને આપણામાં રહેવા દઈએ છીએ. સુખ અને આનંદને આપણે ટકવા દેતાં નથી. દુઃખ વખતે કેમ આપણે એવું કરતાં નથી?     -કેયુ
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 29 માર્ચ, 2015. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *