માણસ એની આદતોથી ઓળખાઈ જતો હોય છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
કોઈને કામ ન આવે તો એ વૈભવ કેવો
ચાહું છું, મોતી લૂંટાવીને સમંદર લાગું,
બંધ મુઠ્ઠીને એ પોરસ કે ફકીરી સારી,
ખુલ્લા હાથોને ધખારો કે સિકંદર લાગું.
-શૂન્ય પાલનપુરી
માણસ ‘મોસ્ટ અનપ્રિડિક્ટેબલ એનિમલ’ છે. માણસ ઘડીકમાં ઓળખાતો નથી. માણસના મનમાં શું ચાલી રહ્યું છે એ કળવું મુશ્કેલ છે. માણસનું વર્તન એની માનસિકતા છતી કરી દે છે. માણસને શું ગમે છે અને શું નથી ગમતું, તેના ઉપરથી એ કેવો છે એ ઓળખાઈ જતું હોય છે. એક ફિલોસોફરે બહુ સરસ વાત કરી છે. તમારે માણસને ઓળખવો છે? તો એના મિત્રો કોણ છે એની તપાસ કરો. મિત્રો માણસની માનસિકતા બતાવી દે છે. માણસ જેવો હોય એવા જ એના મિત્રો હોવાના. આપણે ત્યાં કહેવત છે કે સંગ તેવો રંગ. આ જ વાતને જરાક જુદી રીતે સમજવા જેવી છે. હકીકત એ હોય છે કે જેવો રંગ તેવો સંગ. આપણને અમુક લોકો સાથે જ ફાવે છે, કારણ કે આપણા જેવા હોય છે. આદતો લોહચુંબક જેવી હોય છે. એ પોતાના જેવી આદતોવાળાને નજીક ખેંચે છે. સત્સંગીને અધ્યાત્મવૃત્તિવાળા સાથે જ ફાવે. શરાબીને પીવાવાળા સાથે જ મજા આવે. ગ્રૂપ એમને એમ નથી બનતાં. ગ્રૂપ ગમા અને અણગમાથી બને છે. અમુક લોકોને મળીએ ત્યારે આપણને એવું કેમ લાગે છે કે આની સાથે આપણને નહીં ફાવે? અથવા તો આની સાથે આપણને જામશે? લાઇક માઇન્ડેડ એટલે આપણા જેવા વિચારો, વર્તન,આદત અને વ્યસનવાળા લોકો.
વ્યસન અને આદતમાં બહુ પાતળો ભેદ છે. આમ તો બંને તમને વારંવાર અમુક વસ્તુ કરવા લલચાવે છે. ખરાબ હોય તેને આપણે વ્યસન કહીએ છીએ અને સારું હોય એ આદત બની જાય છે. સિગારેટ એ વ્યસન છે અને અગરબત્તી એ આદત છે. અગરબત્તી કે દીવો પણ આપણે દરરોજ જે રીતે કરતા હોઈએ એ જ રીતે અને એ જ સમયે કરીએ છીએ. આપણા જેવા ન હોય તેને ઘણી વખત આપણે ‘વેદિયા’ કહીએ છીએ. એ જ વેદિયો એના જેવી પ્રકૃતિ ધરાવનારનો મિત્ર હોય છે. જે માણસ મિત્રોની પસંદગીમાં થાપ ખાઈ જાય છે એ જિંદગીમાં પણ થાપ ખાઈ જતો હોય છે.
એક માણસ હતો. તેનાથી અજાણતાં જ એક ગુનો થઈ ગયો. એને જેલ થઈ. જેલમાં એને ક્રિમિનલ્સ લોકો સાથે રહેવાનું થયું. આ બધાના કારણે એ જેલમાંથી નીકળ્યો ત્યારે રીઢો ગુનેગાર થઈ ગયો. આવી વાતો આપણે ઘણા ગુનેગાર વિશે સાંભળી હોય છે. હા,આવું બની શકે છે. ક્યારેય એવું કેમ નથી થતું કે એક સારો માણસ અજાણતાં થઈ ગયેલા એક ગુનાના કારણે જેલમાં ગયો. જેલમાં એ ક્રિમિનલ્સને મળ્યો. એ માણસ એટલો સારો હતો કે તેની વાતોથી ક્રિમિનલ્સ પણ સુધરી ગયા! આવું પણ થતું હશે પણ બહુ ઓછા કિસ્સામાં. માણસને વાતાવરણ અસર ચોક્કસ કરતું હોય છે, પણ છેલ્લે તો માણસે પોતે જે બનવું હોય છે એ જ બનતો હોય છે.
આખી જિંદગી માણસમાં એક લડાઈ ચાલતી હોય છે. સારા અને ખરાબની લડાઈ, સત્ય અને અસત્યનું યુદ્ધ, ગૂડ એન્ડ બેડ, બ્લેક એન્ડ વ્હાઇટ, પ્લસ એન્ડડ માઇનસ, રાઇટ એન્ડ રોંગ વચ્ચે જિંદગીભર દ્વંદ્વ ચાલતું રહે છે. નેગેટિવિટીની તાકાત પોઝિટિવિટી કરતાં શક્તિશાળી હોય છે. એટલે જ નેગેટિવિટી હાવી થઈ જાય છે અને પોઝિટિવિટીને કેળવવી પડે છે. દરેક વસ્તુ, દરેક પરિસ્થિતિ, દરેક ઘટના અને દરેક વર્તન તમને લલચાવતું રહે છે. આ તરફ આવી જા, અહીં મજા જ મજા છે, ત્યાં કંઈ જ નથી, આદર્શો અને સિદ્ધાંતો જેવું કંઈ હોતું જ નથી, બધી ખોટી માન્યતાઓ છે, જે કંઈ કરી નથી શકતા એ લોકો જ આવી વાતો કરે છે, માત્ર તાકાત જ પૂજાય છે, સત્તા હોય તો આખી દુનિયા સલામ કરે છે, આવી બધી વાતો ચારે તરફથી સંભળાતી રહે છે. ખોટા રસ્તે ચાલનારા જલસા કરતા હોય એવું પણ આપણને જોવા મળે છે. આપણને વિચાર આવતા રહે છે કે આ બધામાં સાચું શું અને ખોટું શું? આવા બધા વિચારો આપણને પડકારતા રહે છે. આપણે પછી આપણી જાતને જ કહીએ છીએ કે હું કંઈ કમ નથી. મારામાં પણ તાકાત છે. હું પણ બધું કરી શકું છું. ધીમે ધીમે આપણે જુદા રસ્તે ચડી જઈએ છીએ અને પછી એવું માનવા લાગીએ છીએ કે દુનિયા આમ જ ચાલે છે,દુનિયાની આ જ રીત છે, આમ જ બધા સીધા ચાલે છે. આપણને ખુદને એ સમજાતું નથી કે આપણો રસ્તો ક્યારે બદલી ગયો. બનવું હતું શું અને બની ગયો શું?
જે માણસ અંધારામાં ખોટું કરતો નથી એ અજવાળામાં ખોટું કરી જ શકતો નથી. જે માણસ પ્રકાશમાં કોઈની શરમ રાખતો નથી એ અંધકારમાં વધુ બેશરમ બની જાય છે. આપણી અંદર જ આપણને કંઈક રોકતું હોય છે અને આપણી અંદર જ આપણને કોઈ ધક્કો મારતું હોય છે. આપણે રોકાઈ જઈએ છીએ કે વહી જઈએ છીએ એના પરથી જ નક્કી થતું હોય છે કે આપણે કેવા છીએ. માણસ જ સામા પૂરે તરી શકે છે. લાશ પ્રવાહની સાથે વહેતી રહે છે. જીવતી લાશોના આ જમાનામાં મોટાભાગના લોકો વહેતા રહે છે. તમે દોરવાઈ જતા નથી તો તમે સારા છો. આપણે વાતોમાં આવી જઈએ છીએ. એક વખત કોઈ વાતમાં આવીએ એટલે આપણને વાતાવરણ પણ એવું મળી રહે છે. ઘણાં લોકો સાધુ થઈને પણ સારા રહી શકતા નથી અને ઘણા લોકો સંસારમાં રહીને પણ સંતની અવસ્થામાં જીવતાં હોય છે. સાધુ કે શેતાન તેનાં કપડાંથી નહીં, પણ તેના વર્તન અને વિચારોથી ઓળખાતાં હોય છે.
સમાજનું વર્તન પણ ઘણી વખત વિચિત્ર હોય છે. એ સારા લોકોને ‘માડિયોકર’ તરીકે ઓળખે છે અને ઓળખાવે છે. સારા માણસની જાણે કોઈ હેસિયત જ ન હોય એવી વાતો કરે છે. બધા લોકો ધનિક અને સત્તાધીશ બની શકતા નથી. આવા લોકોને ઘણી વખત એવું ફીલ થાય છે કે આપણે કંઈ કરી ન શક્યા. આપણી જિંદગી તો સાવ એળે ગઈ. આવી તે કંઈ જિંદગી હોય? આપણો કોઈ ભાવ જ પૂછતું નથી. આવું વિચારીને આપણે આપણું જ અપમાન કરતાં હોઈએ છીએ. કેટલા લોકો એવું વિચારે છે કે હું જેવો છું એવો છું. મારી જગ્યાએ હું શ્રેષ્ઠ છું. હું બધા સાથે પ્રેમથી રહું છું. કેટલા લોકોને પોતાનું ગૌરવ હોય છે? બહુ ઓછા લોકોને! મોટાભાગે તો લોકો બીજા લોકોથી જ અભિભૂત હોય છે! એનું કેવું માન છે? એનો કેવો દબદબો છે? એને બધા સલામ ઠોકે છે! તમને કોઈ સલામ ન ઠોકે તો તમે નબળા નથી થઈ જતા. તમે જે હોવ એમાં શ્રેષ્ઠ હોવ તો એ જરાયે નાની સરખી વાત નથી. ડોક્ટર જેટલી જ નર્સ મહાન છે, ઓફિસર જેટલા જ ક્લાર્ક મહાન છે, પ્રેસિડેન્ટ જેટલો જ પ્યૂન મહાન છે. સ્થાન છે એ ક્ષમતા મુજબ મળતું હશે પણ આપણે જે સ્થાને હોઈએ એ પૂરી ક્ષમતાથી કરીએ તો એ શ્રેષ્ઠતાનું જ ઉદાહરણ છે. નબળો માણસ એ જ છે જે પોતાની જ વેલ્યૂ ઓછી આંકે છે. તમે સારા હશો તો તમે વર્તાઈ જ આવવાના છો, પછી ભલે તમે ગમે તે સ્થાને હોવ.
તમારી આદતો, તમારા વિચારો, તમારું વર્તન, તમારી માન્યતા અને તમારા ઇરાદા જો તમારા કંટ્રોલમાં હશે તો તમને કોઈ કંટ્રોલ કરી શકશે નહીં. તમે કોની સાથે સંબંધો રાખો છો તેના પરથી પણ તમે ઓળખાઈ જતાં હોવ છો. હું આવો છું અને મારે આવા જ રહેવું છે. લલચાઈ જવું સહેલું છે, સચવાઈ જવું અઘરું છે. સુખ, શાંતિ, આનંદ, પ્રેમ અને લાગણી કોઈ સ્થિતિ, સંજોગ કે સંપત્તિના મોહતાજ નથી. પોતાની જાતને જે સુખી અને ખુશ માને છે એ જ સરવાળે સુખી હોય છે. તમે કંઈ ઓછા સુખી નથી. સવાલ એ જ હોય છે કે તમે તમારી જાતને સુખી, ખુશ અને સારા માનવા તૈયાર છો?   
 
છેલ્લો સીન : 
કોઈ તમને ઓળખે એવું જો તમે ઇચ્છતા હોવ તો પહેલાં તમે તમારી જાતને ઓળખો. તમે જેવા હશો એવા જ ઓળખાવાના છો.. -કેયુ  
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 30 નવેમ્બર, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *