તું કંઇક વાત કર, ચૂપ ન બેસી રહે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ઇસ તરહ મેરે જુર્મ સે નઝરે ચુરા ન લે
લગતા હૈ ઇક સજા હૈ, માફી નહીં હૈ યે.
– જાંનિસાર અખ્તર

સંવાદ જેવું બની જાય છે. સંવાદ વગરનો સમાજ શક્ય નથી. સંવાદ વગર કોઈ અવાજ શક્ય નથી. વાચા વ્યક્ત થવા માટે હોય છે. માણસની લાગણીનું માપ એના પરથી નીકળે છે કે એ બીજા માણસની વાત સાંભળવા કેટલો તૈયાર છે! માણસ માત્ર સવાલ પૂછતો થઈ ગયો છે, જવાબ માંગતો થઈ ગયો છે અથવા તો પુછાયેલા સવાલનો જવાબ આપતો થઈ ગયો છે. આપણે આપણો વિચાર ઠોકી બેસાડતા હોઈએ છીએ ત્યારે આપણે કોઈનો વિચાર રૃંધતા પણ હોઈએ છીએ. ઘણા લોકો કોઈને એટલા માટે બોલવા દેતા નથી, કારણ કે બીજાનો વિચાર જાણવાની અને જાણ્યા પછી એને સ્વીકારવાની એની તૈયારી જ નથી હોતી. એક ભાઈને ઘર લેવાનું હતું. એક ઘર તેણે નક્કી કર્યું. નવું ઘર જોવા માટે એ પત્ની, પુત્રી અને પુત્રને લઈ ગયો. ઘર બતાવીને એણે દીકરા તથા દીકરીને પૂછયું કે તમને ઘર ગમ્યું? દીકરાએ બહુ જ શાંતિથી સામો સવાલ કર્યો કેેે હું એમ કહું કે મને ઘર નથી ગમ્યું તો તમે આ ઘર લેવાનું માંડી વાળશો? આપણા ઘરમાં એવી કઈ ચીજ છે જે બીજાને ગમે છે કે નહીં એનો વિચાર કરાય છે? આ તો તમે કહ્યું એટલે અમે જોવા આવ્યા, બાકી સીધા રહેવા જ આવી જવાનું હતું! મને નથી ગમ્યું તો મને શા માટે નથી ગમ્યું એ પૂછવાની તમારી તૈયારી છે? અથવા તો તમને આ ગમ્યું છે તો શા માટે ગમ્યું છે એ કહેવાની પણ તમારી તૈયારી છે? ડેડ, તમે કહેશો ત્યાં અમે રહી લેશું પણ એ ઘર તમારી પસંદગીનું હશે. હું એવું નથી ઇચ્છતો કે ઘર મારી પસંદગીનું હોય. હું તો એ ઇચ્છું છું કે ઘર ‘આપણી’ પસંદગીનું હોય! કેટલા લોકો ઘરમાં કોઈ નવી વસ્તુ લાવતી વખતે ઘરના સભ્યોને પૂછતા હોય છે?મોટાભાગે પોતાને ગમતું હોય એવું જ લઈ આવતાં હોય છે. ઘરના લોકો કંઈ બોલે નહીં ત્યારે આપણે એવું માની લેતા હોઈએ છીએ કે આપણી પસંદ બધાને પસંદ છે.
એક પરિવારની વાત છે. એ પરિવારમાં પતિ, પત્ની અને ત્રણ સંતાનો છે. ઘરમાં કોઈ નવી વસ્તુ લેવાની હોય ત્યારે એ પાંચેય સાથે બેસીને નિર્ણય કરે છે. જ્યારે જુદાં જુદાં મંતવ્ય આવે ત્યારે એ લોકો લોકશાહી ઢબને અનુસરે છે. બહુમતી એટલે કે ત્રણ જણાં કહે એ કરવાનું. બાકીના બેએ એમાં માથાકૂટ નહીં કરવાની. એક વખત ઘરમાં નવું ટીવી લેવાનું હતું. બધાને પૂછવામાં આવ્યું કે કયું ટીવી લેવું? થયું એવું કે પાંચેયે અલગ અલગ ટીવીની વાત કરી. ઘરના મોભી પતિએ એવો રસ્તો કાઢયો કે ચિઠ્ઠી નાખો. ચિઠ્ઠીમાં જે આવે એ લેવાનું. કોઈએ પછી કોઈ આર્ગ્યુમેન્ટ કરવાની નહીં. ચિઠ્ઠી ફેંકી. જે નામ આવ્યું એ કંપનીનું ટીવી લઈ આવ્યા. ભલે એ ચારની પસંદ નહોતી છતાં નિર્ણય સાથે બેસીને લેવાયો એનો આનંદ બધાને હતો. તમારા ઘરમાં નિર્ણય કેવી રીતે લેવાય છે?
સંવાદહીનતા એ આજની સૌથી મોટી સમસ્યા છે. ડિસ્ટન્સ વધતું જાય છે એનું કારણ એ નથી હોતું કે બે વ્યક્તિ સાથે નથી હોતી,એનું કારણ એ હોય છે કે સાથે હોવા છતાં એ વાત નથી કરતા. કેટલાં દંપતી દરરોજ એટલિસ્ટ પંદર મિનિટ પણ ફક્ત વાત કરવા બેસતાં હોય છે? હા, વાત કરવા બેસે છે પણ જ્યારે વાત કરવાનો વિષય હોય, કંઈક નિર્ણય કરવાનો હોય અથવા તો કોઈ વાત મનાવવાની હોય. વાતો કરવા માટે વાત કરનારાં કપલ કેટલાં છે? અત્યારે તો એવી હાલત છે કે પતિએ પત્નીને અથવા તો પત્નીએ પતિને કહેવું પડે છે કે, આઈ વોન્ટ ટુ ટોક વિથ યુ! મારે તમારી સાથે વાત કરવી છે. પતિ-પત્નીમાં પણ આવું કહેવું પડે એ વિચિત્રતા નથી પણ વક્રતા છે.
આપણને એ વાતનો અંદાજ હોય છે કે જેને આપણે આપણી વ્યક્તિ કહેતા હોઈએ એના મનમાં અત્યારે શું ચાલી રહ્યું છે? આપણે વિચારમાં હોઈએ અને આપણી વ્યક્તિ આપણને પૂછે કે શું વિચારે છે? ત્યારે આપણે ખરેખર જે વિચારતા હોઈએ છીએ એ કહીએ છીએ? નથી કહેતા તો શા માટે નથી કહેતા? તને કંઈ ખબર ન પડે, એ તારા મતલબની વાત નથી અથવા તો તને આ વાત નહીં સમજાય એવું માની, વિચારી કે બોલીને આપણે અટકી જઈએ છીએ! આપણું ‘અટકી’ જવું આપણી વ્યક્તિને કેટલું ‘ખટકી’ જતું હોય છે એનો વિચાર પણ આપણે કરતાં નથી.
દરેક માણસને વાત કહેવી હોય છે, પણ કોને કહેવી એ તેને સમજાતું નથી. ઘણાં લોકો વળી સતત બોલતા રહે છે. સતત બોલવું એ સંવાદ નથી. સંવાદમાં સાંભળવાનું પણ હોય છે અને સમજવાનું પણ હોય છે. સંવેદના એક હાઇટ પર હોય ત્યારે મૌન પણ સંવાદ બની જાય છે. બાળક બોલી શકતું નથી, પણ માતા બધું જ સમજી જાય છે. ઈશ્વરે માણસને વાત કરવાની ક્ષમતા આપી છે, પણ માણસ રાડો પાડતો થઈ ગયો છે. માણસ માણસને ‘ટાળતો’ થઈ ગયો છે. રેવા દેને, વળી એ એની કથા માંડશે. ઘણાં ઘરોમાં સંવાદ થાય છે પણ એ હેલ્ધી હોતા નથી. ઝઘડો થાય ત્યારે બંને બોલતા હોય છે પણ સાંભળતું બેમાંથી કોઈ હોતું નથી.
ઘરે આવીને માણસ ટેલિવિઝન, મોબાઇલ કે બીજાં ગેઝેટ્સમાં પરોવાઈ જાય છે. આખી દુનિયાની બધી ખબર હોય છે, પણ પોતાની વ્યક્તિ સાથે વાત કરવાનો વિષય મળતો નથી! હમણાં એક કિસ્સો ડિવોર્સ સુધી પહોંચી ગયો. પત્નીની ફરિયાદ હતી કે પતિ તેની સાથે શાંતિથી વાત જ કરતો નથી. મેં એને કેટલી વાર કહ્યું કે તું મારી સાથે વાત કર, કંઈક બોલ, આમ ચૂપ ન બેસી રહે પણ એ કંઈ બોલતો જ નથી! એક વડીલે તેને પૂછયું કે તને તારી પત્ની સાથે પ્રેમ નથી? પતિએ કહ્યું કે ના, એવું કંઈ નથી! આ કિસ્સો છેલ્લે સાઇકિયાટ્રિસ્ટ પાસે ગયો અને તેણે બંનેને કઈ રીતે વાત કરવી એ શીખવ્યું હતું! આપણે વાત કરવાની કળા જ ભૂલી ગયા છીએ. પ્રેમીઓ વાતો કરતાં થાકતાં નથી, આ જ પ્રેમીઓ પતિ-પત્ની બને પછી કેટલી વાતો કરતાં હોય છે?
આપણે ત્યાં એવું વારંવાર સાંભળવા મળે છે કે તમારી વ્યક્તિને તમારો સમય આપો. ઘણાં લોકો સાથે હોય એને સમય આપે છે એવું માની લે છે. બાજુમાં બેઠા હોય પણ બંનેનું ધ્યાન જુદું જુદંુ હોય છે. ચેટિંગ કરતાં હોય ત્યારે વાત કરે તોપણ ડિસ્ટર્બ કરતાં હોય એવું લાગે છે. તમે તમારી વ્યક્તિને પ્રેમ કરો છો? તો તેની સાથે વાત કરો. તેની વાત સાંભળો. અત્યારના સમયમાં બધું મળે છે પણ હોંકારો મળતો નથી! દેકારો એટલો બધો થઈ ગયો છે કે વાત સંભળાતી જ નથી. વાત સંભળાતી જ ન હોય તો હોંકારો ક્યાંથી મળવાનો છે? તમારે કોઈના દિલને સ્પર્શવું છે તો તેની વાત સાંભળો, માત્ર વાત જ એ વાતની સાબિતી આપે છે કે તમે એની નજીક છો! સાથે હોવું એ પૂરતું નથી, નજીક હોવું બધું જરૂરી છે.
 
છેલ્લો સીન : 
કોઈ કંઈ બોલે નહીં એટલે એવું માની ન લેવું કે એને કંઈ કહેવું નથી. ઘણી વખત માણસ એટલે મૌન હોય છે કે એને પોતાના બોલવાનો કોઈ અર્થ લાગતો હોતો નથી. -કેયુ   
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 07 ડિસેમ્બર, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: