મારી વેદના કેમ કોઈને જરાયે સ્પર્શતી જ નથી? 

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
એક વ્યક્તિ પણ અહીં ટોળું બને, એવું બને, 
ચીંથરું ક્યારેક ઘરચોળું બને, એવું બને,
એક સાથે સો હરણ નહાવા પડે તો શક્ય છે, 
ઝાંઝવાનું જળ પણ ડહોળું બને એવું બને.
-ધૂની માંડલિયા
વેદના સાથે માણસને અજાણ્યો અને અત્યંત અંગત સંબંધ હોય છે. વેદના દિલમાં ઊઠે છે અને તોફાન મચાવી દે છે. વેદનાનાં વાદળો ઊમટે છે ત્યારે આંખો વરસે છે. દરેક માણસ ક્યારેક તો છાનાખૂણે રડયો જ હોય છે. કેટલાંક આંસુ કોઈને બતાવી શકાતાં નથી. આવાં આંસુઓમાં માત્ર ડૂબવાનું હોય છે. આ આંસુ આપણને ડૂબવા પણ નથી દેતાં અને તેમાં તરીને બહાર પણ નીકળી શકાતું નથી. દૂર સુધી કોઈ કિનારો દેખાતો ન હોય ત્યારે વેદનાને સહન કર્યા સિવાય કોઈ છૂટકો નથી હોતો! વેદના માણસને વેરણછેરણ કરી દે છે. આપણી અંદર કંઈક તૂટતું હોય છે. આપણે આપણા જ ટુકડાઓને ભેગા કરીને જીવતા હોઈએ એવો અહેસાસ થાય છે.
ક્યારેક કોઈને કહેવાનું મન થઈ આવે છે કે યાર હું મજામાં નથી. મને ક્યાંય ગમતું નથી. બહુ મૂંઝારો થાય છે. ક્યાંય જીવ નથી લાગતો. ક્યારેક કોઈ સાથે વાત કરવાનું મન થાય છે. મોબાઇલ હાથમાં લઈને કોઈને ફોન લગાડવાનો વિચાર આવે છે. ફોનબુકમાંથી એકેય નામ એવું મળતું નથી જેની સાથે વાત કરવાનું મન થાય. આવા સમયે વેદના બેવડાઈ જાય છે. કોઈને કંઈ કહેવાનો મતલબ નથી. કોઈને શું ફેર પડે છે? મારા દુઃખ સાથે દુઃખી થવાવાળું કોઈ છે જ નહીં. બધા પોતાનામાં જ મસ્ત છે,પોતાનામાં જ વ્યસ્ત છે. કોઈ ક્યાં પૂછવા આવવાનું છે કે તું કેમ ઉદાસ છે? કઈ પીડા તને પરેશાન કરી રહી છે?
આપણી વેદનામાંથી આપણે જ પસાર થવાનું હોય છે. બહુ ઓછા લોકો હોય છે જે પોતાની વ્યક્તિની વેદનાને ઓળખી જાય. ઉદાસી ચહેરા પર ચાડી ફૂંકતી હોય છે. ઘણાના ચહેરા એવા હોય છે જેના પર વેદના વર્તાઈ જાય છે. ઘણા ચહેરા એવા હોય છે, જે તેની અંદર શું ચાલી રહ્યું છે એ વર્તાવા નથી દેતા. ફેસ એક્સ્પ્રેસિવ ન હોય ત્યારે વેદના તીક્ષ્ણ બની જતી હોય છે. બધાને બધું કહેવાનો મતલબ પણ હોતો નથી. આંસુ લૂછી શકે એવા હાથ ઓછા હોય છે. બધા હાથને આપણે આંસુ લૂછવાની પરવાનગી પણ નથી આપતા. આપણે બધાને પ્રેમ આપી શકીએ છીએ, પણ બધા સાથે વેદના શેર કરી નથી શકતા. ના, નથી જોઈતું કોઈનું આશ્વાસન,નથી શેર કરવું કોઈની સાથે કંઈ, હૈયાવરાળ ઠાલવવી છે પણ તારી પાસે નહીં, તું એ નહીં ઝીલી શકે, તું એ નહીં સમજી શકે.
ચાર્લી ચેપ્લિને કહ્યું છે કે મને વરસાદ ગમે છે. વરસાદમાં રડતો હોઉં ત્યારે મારાં આંસુ કોઈને દેખાતાં નથી. વરસાદ આવે ત્યારે તો રડી લેવાય પણ રડવું હોય ત્યારે વરસાદ આવે જ એવું જરૂરી હોતું નથી. એક્સક્યુઝ મી કહીને માણસ કોઈ ખૂણામાં ચાલ્યો જાય છે. ક્યારેક બાથરૂમમાં જઈ રડી લે છે. વોશબેસિન પરના મિરરમાં પોતાની ભીની આંખોને જોઈ આશ્વાસન મેળવી લે છે. મોઢા ઉપર પાણી છાંટી જાણે કંઈ બન્યું જ નથી એવી એક્ટિંગ સાથે આપણે બહાર આવી જઈએ છીએ. એ સમયે ખરેખર કેટલું બધું બનતું હોય છે? આપણી અંદર ઘમાસાણ ચાલતું હોય છે. દિલ પર રીતસરના છરકા પડતા હોય છે અને આપણે કોઈને કંઈ કહી શકતા નથી!
કવિ મનોજ ખંડરિયાએ લખ્યું છે, સારું થયું શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોનાં વર્ષ લાગે. કવિ કે કલાકાર તો એની કલામાં વેદનાને વ્યક્ત કરી દે છે. બાકી તો દિલની દીવાલ પર અનેક શબ્દો લખાતા હોય છે અને પછી આપણે જ તેને ભૂંસી નાખતા હોઈએ છીએ. ક્યારેક આંસુનાં ટીપાંથી દિલના શબ્દો રેલાઈ જાય છે અને વેદના ગળામાં ડૂમો બની બાઝી જાય છે. શ્વાસ રૃંધાતો હોય એવું લાગે છે અને દિલ મસળાતું હોય એવો અહેસાસ થાય છે.
તમારી પાસે એવી વ્યક્તિ છે જેની સામેે તમે કોઈ ચિંતા કે ફિકર વગર વેદના ઠાલવી શકો? જો એવી વ્યક્તિ હોય તો તમે નસીબદાર છો. યુવાનીમાં ફ્રેન્ડ્સ હોય છે. ઉંમર મોટી થાય એમ માણસ એકલો પડતો જાય છે. એ કોઈને કહી શકતો નથી. એના મનમાં સવાલ ઊઠતા રહે છે કે એ મારી વાત સમજશે? અંગત વાત કોઈને કહી તો નહીં દેને? વેદનાને સાચવી અને સંભાળી જાણનારા લોકો બહુ ઓછા હોય છે!
ઘણી વખત તો બધાને ખબર હોય છે છતાં કોઈ પૂછતું નથી! એક છોકરીએ એનાં પેરેન્ટ્સને પોતાના પ્રેમની વાત કરીને કહ્યું કે મારે એની સાથે મેરેજ કરવાં છે. મા-બાપે સ્પષ્ટ ના કહી દીધી. એની કાસ્ટ જુદી છે. એ શક્ય જ નથી! દીકરીએ કંઈ માથાકૂટ ન કરી. દીકરી ડિસ્ટર્બ હતી. મા-બાપ પણ સમજુ હતાં. દીકરીને રાજી રાખવા એ મહેનત કરતાં હતાં. મજામાં રાખવા તમામ પ્રયત્નો કરતાં હતાં. દીકરીએ કહ્યું કે, તમને મારી બહારની વેદના સ્પર્શે છે તો અંદરની વેદના કેમ સ્પશર્તી નથી? કેમ મને એવું લાગે છે, જાણે હું સાવ એકલી છું? તમે મારું સુખ ઇચ્છો છો તો મને કેમ મારી રીતે સુખી થવા દેતાં નથી? તમે મારાં છો તોપણ કેમ મને મારાં લાગતાં નથી?
માણસ સૌથી વધુ દુઃખી ક્યારે થાય છે એ ખબર છે? જ્યારે એણે કોઈને દુઃખી કરવા હોતાં નથી! આમ છતાં પરિસ્થિતિ જ એવી નિર્માણ થાય છે કે એણે કોઈને તો દુઃખી કરવાં જ પડે છે. આવા સમયે એ મૂંઝાય છે કે કોને દુઃખી કરું? સૌથી વધુ વેદના લાગણીભર્યા સંબંધ જ આપે છે. આપણે જેને નારાજ કરવા હોતા નથી એ નારાજ થઈ જાય છે. ઘણી વખત એની નારાજગી જ આપણી વેદના બની જતી હોય છે. જ્યારે માણસ કોઈને કંઈ કહી શકતો નથી ત્યારે એ પ્રાર્થનાની મદદ લે છે. ઈશ્વરને કહે છે કે તારા સિવાય હું કોઈને કંઈ કહી શકતો નથી, હવે તું જ કંઈક રસ્તો બતાવ! ઈશ્વર સીધો જવાબ આપતો નથી તોપણ આપણે માની લઈએ છીએ કે એણે સાંભળી લીધી છે. કેવું છે, જીવતા હોય એ તો સાંભળવા કે સમજવા પણ તૈયાર નથી હોતા? પ્રેમને જ્યારે પરીક્ષા પર ચડાવાય ત્યારે વેદના વિકરાળ બની જાય. નક્કી કરી લે કે તારે શું કરવું છે? બંને પગ એટલા ભારે થઈ જાય છે કે નથી આમ જવાતું કે નથી તેમ જવાતું! આપણને આપણો જ વજન લાગવા માંડે છે!
તમારે કોઈનો પ્રેમ સમજવો છે? તો એની વેદના પણ સમજો. વેદના સમજાશે તો જ પ્રેમ સમજાશે. વેદના વખતે જ પ્રેમની પરખ થતી હોય છે. તમે ક્યારેય પૂછો છો કે તને શું થાય છે? પાંચ પાંડવોમાંના સહદેવને ભવિષ્યમાં શું થવાનું છે એની ખબર પડી જતી હતી. અલબત્ત, કોઈ પૂછે તો જ એ કહી શકતા હતા. સહદેવની વેદના કદાચ એ જ હશે કે એને કોઈ પૂછતું જ નહોતું! મોટાભાગના લોકોની વેદના એ જ હોય છે કે તેને કોઈ કંઈ પૂછતું નથી, કોઈ એનું સાંભળતું નથી. આપણા બધામાં એક સહદેવ જીવે છે, એ કહે છે કોઈ પૂછો તો ખરાં કે તને શું થાય છે?
માણસ બધંુ વ્યક્ત કરી શકે છે, પણ વેદના વ્યક્ત કરી શકતો નથી. સ્પેશિયલ મીડિયા પર પણ નજર ફેરવી જોજો, સેલિબ્રેશન, ખુશી, આનંદ, ઉત્સાહ, લાગણી અને બીજું ઘણુંબધું વ્યક્ત થાય છે, પણ વેદના ભાગ્યે જ વ્યક્ત થાય છે! વેદના વ્યક્ત થાય તોપણ એને ‘લાઇક’ જ મળે છે! હવે ‘ઇમોજી’ આવી ગયા છે. શબ્દોની જરૂર નથી. ચહેરા ચીપકાવી દો. સેડ ‘ઇમોજી’ કે ઉદાસ ચહેરો કેટલા લોકોને સ્પર્શે છે? વેદના એ ‘ઇમોજી’ નથી કે દિલમાંથી ઊખેડીને ફેસબુક પર ચીપકાવી દેવાય! એ તો ચોંટેલી જ રહે છે અને આપણા હાથેથી જ ઊખેડવી પડે છે. તમારી પાસે એવો કોઈ હાથ છે, જે એ ઉદાસીને ઊખેડી શકે? સાથોસાથ એ પણ તપાસી જોજો કે તમારા હાથ એવા છે કે તમે કોઈની ઉદાસી ઊખેડી શકો? તમે કોઈને પ્રેમ કરો છો? જો કરતા હોવ તો એની વેદનાનેે પણ પ્રેમ કરજો, એની વેદનાને પંપાળી અને પીગળાવી દેજો. પ્રેમ માત્ર કોઈની સાથે બેસીને હસવામાં નથી, ખરો પ્રેમ આપણી વ્યક્તિ સાથે બેસીને રડવામાં જ વ્યક્ત થતો હોય છે. તમારી સંવેદનાને સજીવન રાખો તો જ તમારી પ્રિય વ્યક્તિની વેદનાને સ્પર્શી શકશો.
છેલ્લો સીન : 
ઈશ્વર પ્રાર્થના સાંભળે એવી અપેક્ષા રાખનારો માણસ પોતે ક્યાં ક્યારેય કોઈની પ્રાર્થના સાંભળતો હોય છે? -કેયુ    
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 28 સપ્ટેમ્બર, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

Krishnkant Unadkat

Krishnkant Unadkat

One thought on “

Leave a Reply to Anonymous Cancel reply

Your email address will not be published. Required fields are marked *