મારે પણ મારું એક સ્વર્ગ બનાવવું છે! 

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ઉસકી હસરત હૈ જિસે દિલ સે મિટા ભી ન સકૂ,
ઢુંઢને ઉસકો ચલા હૂં, જિસે પા ભી ન સકૂં,
ડાલ કે ખાક મેરે ખૂન પે કાતિલને કહા,
યે મહેંદી નહીં મેરી કેછુપા ભી ન સકૂં.
-અમીર મિનાઇ
દરેક માણસને સુંદર જિંદગી જીવવી હોય છે. દરેકને સુખી થવું હોય છે. દરેકને પોતાની વ્યક્તિને સુખી કરવી હોય છે. દરેકને સુખની પોતાની કલ્પનાઓ હોય છે. આ કલ્પનાઓની સાથે જિંદગીની થોડીક વાસ્તવિકતાઓ હોય છે. સુખી થવા માટે માણસ કલ્પના અને વાસ્તવિકતાને નજીક લાવવાના પ્રયાસો કરતો રહે છે. વાસ્તવિકતા પડકાર છે અને કલ્પના સંઘર્ષ છે. છેલ્લે આ બેમાંથી જેનો વિજય થાય છે તેના પરથી સુખ કે દુઃખ નક્કી થતું હોય છે. સાચું સુખ બે આંખોથી નથી જોવાતું પણ સાચું સુખ ચાર આંખોથી જોવાતું હોય છે. આંખો બમણી થાય ત્યારે સુખ પણ બેવડાઈ જતું હોય છે. આંખો જ્યારે એકલી પડે ત્યારે સુખ સંકોચાઈ જતું હોય છે.
બધાંને પોતાનું એક અંગત સ્વર્ગ રચવું હોય છે. ઘરનો એક ખૂણો એવો જોઈતો હોય છે, જ્યાં આવ્યા પછી તમામ દુઃખ અને દરેક ગમ અલોપ થઈ જાય. અંધારું પણ અવસર જેવું લાગે. ઉદાસીનું સ્થાન ઉત્સવ લઈ લે. સપનાં સાર્થક થાય. કલ્પનાઓ સાકાર થઈ જાય અને આયખું ઉમળકો બની જાય. જોકે આવું થઈ શકતું નથી. વાસ્તવિકતા એટલી બધી વિકરાળ થઈ જાય છે કે કલ્પનાઓની ક્યારે કતલ થઈ ગઈ તેની ખબર જ નથી પડતી. હાશને બદલે ત્રાસ લાગવા માંડે. સંબંધ સળગતો હોય ત્યારે સાંન્નિધ્યમાં તાપ અને ભાર લાગે છે. આપણે આગ ઠારવામાંથી નવરા જ નથી પડતા. આગ ઠરી જાય તોપણ પાછી આગ ન લાગે એનો ભય સતાવતો રહે છે. ફડક હોય ત્યાં ફફડાટ જ હોય. આગ અને રાખ સાથે રમતો માણસ જીવતો હોતો નથી, ઝઝૂમતો હોય છે.
ખોટું બોલવાની શરૂઆત સાચું બોલી શકાય એમ ન હોય ત્યારે જ થતી હોય છે. જૂઠ એક વાર શરૂ થયું એટલે કલ્પનામાં રચેલા સ્વર્ગના પોપડા ખરવા લાગે છે. દીવાલો જર્જરિત થઈ જાય છે. તારાને બદલે કરોળિયાનાં ઝાળાં લાગી જાય છે. અધૂરાં સપનાંનો બોજ વેંઢારવો સહેલો હોતો નથી. આશાઓ ઉજાગર થાય તો જ જિંદગી જીવવા જેવી લાગે. સપનાંઓ સંગાથથી સાર્થક થતાં હોય છે. માણસ એકલો દુઃખી થઈ શકે પણ એકલો સુખી થઈ શકતો નથી. કોઈ પણ સુખ સાથ વગર અધૂરું છે. સુખ સાથે મળીને માણવાની ચીજ છે. એક પ્રેમિકાએ એના પ્રેમીને પૂછયું કે તને મારી પાસેથી શું અપેક્ષા છે? પ્રેમીએ કહ્યું કે મારે તારી સાથે બુઢ્ઢા થવું છે. તારા અને મારા હાથમાં કરચલીઓ પડી જાય ત્યાં સુધી તારો હાથ પકડી રાખવો છે. કરચલીઓના ખાડા મારા હાથમાં બે કરચલીની વચ્ચે ઉપસેલી ચામડીથી પૂરી દેવા છે. કરચલીઓ પણ સળવળીને સજીવન રહે તેવી ઇચ્છા છે. દરેક વ્યક્તિની આવી ઇચ્છાઓ હોય છે પણ એ અચાનક અને અણધારી રીતે અદૃશ્ય થઈ જાય છે. સપનાંઓ શોષાઈ જાય છે. સપનાંમાં કોઈ સત્ત્વ રહેતું નથી.
એક કપલ હતું. તેને એક દીકરી હતી. આ કપલ નવો બંગલો બંધાવી રહ્યું હતું. દીકરી માટે બંગલામાં એક સરસ રૂમ બનાવવાનો હતો. બંનેએ દીકરીને બોલાવીને પૂછયું કે તારે તારા રૂમમાં શું જોઈએ છે? દીકરી કલ્પનામાં વિહરવા લાગી. ધીમે ધીમે એની કલ્પનાને શબ્દો ફૂટવા લાગ્યા. મારા રૂમની બધી જ દીવાલ રંગીન હશે. રૂમની છત પર મારે તારા અને ચંદ્ર ચોંટાડવા છે. દીવાલ પર એક પરીનું સુંદર મજાનું ચિત્ર જોઈએ છે. એક ખૂણામાં નાનકડાં બગીચાનું દૃશ્ય ખડું કરવું છે. ફૂલો પર થોડાંક પતંગિયાં ઊડતાં હોય એવું લાગવું જોઈએ. એક મેઘધનુષ્ય જોઈએ છે. ઘરની ટાઈલ્સમાં દરિયાનાં મોજાં જોઈએ છીએ. બેડ પર ફૂલની પાંદડી જેવી કુમાશવાળો અહેસાસ જોઈએ છે અને ઓશિકામાં સુંદર મજાનું સપનું આવે એવી રંગોળી જોઈએ છે. હું સૂતી હોઉં ત્યારે મને એવું લાગે કે જાણે હું સ્વર્ગમાં છું. આટલું બોલી દીકરી દોડીને રમવા ચાલી ગઈ. પત્નીએ પતિ સામે જોયું અને પછી માત્ર એટલું જ બોલી કે કાશ, આપણે પણ આપણો આવો એક રૂમ બનાવી શકતાં હોત! સ્વર્ગ સાધનોથી નથી બનતું. સ્વર્ગ સ્નેહથી બને છે. તમારી પાસે આવું સ્વર્ગ છે? ઘર ભલે નાનું હોય, રૂમ ભલે સાંકડો હોય પણ સાથે જે હોય તે વિશાળ હોય તો સ્વર્ગના અહેસાસ માટે પૂરતું છે. સ્વર્ગ તો પોતાની વ્યક્તિના બે હાથ ફેલાય એટલે રચાઈ જતું હોય છે. કવિ રમેશ પારેખે લખેલું એક સરસ મજાનું ગુજરાતી ગીત છે, ‘કોઈ પૂછે કે ઘર તારું કેવડું? મારો વ્હાલમજી બાથ ભરે એવડું!’ ખોબો માંગે અને દરિયો ન આપી શકાય તો કંઈ વાંધો નહીં. પ્રેમ હોય ત્યારે ખોબાથી તો શું એક બુંદથી તરબતર થઈ જવાતું હોય છે. ખોબો છલકે નહીં તોપણ કંઈ પ્રોબ્લેમ નથી, ખોબો ખાલી થઈ જવો ન જોઈએ. ખોબો ખાલી થાય તો ખાબોચિયું બની જતું હોય છે. કવિ રમેશ પારેખના જ એક બીજા ગુજરાતી ગીતની પંક્તિ છે, ‘ખાબોચિયુંયે આમ તો પર્યાપ્ત હોય છે, હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ, આંખોમાં આવી રીતે તું અશ્રુ ન મોકલાવ, ખાલી પડેલા ગામમાં જાસો ન મોકલાવ!’
કોઈનો સાથ છૂટે ત્યારે માણસ ખાલી થઈ જતો હોય છે. ખાલીપો માણસને ખોખલો કરી નાખે છે. ભાવ જ્યારે અભાવમાં બદલાઈ જાય ત્યારે અસ્તિત્વમાં આંટી વળી જતી હોય છે. હમણાં એક મિત્રએ વોટ્સએપ પર એક મેસેજ મોકલાવ્યો. દુનિયામાં સાત અબજ માણસો છે. આ સાત અબજમાંથી એક માણસ આપણો મૂડ ખરાબ કરી જાય? વાત સાચી લાગે પણ વાત સાચી છે નહીં! હા, સાત અબજમાંથી એક માણસ આપણો મૂડ બગાડી નાખે છે. મૂડ શું આખું અસ્તિત્વ હલાવી નાખે છે, કારણ કે આપણે એ એક માણસ સાથે જોડાયેલા હોઈએ છીએ! આપણે એ એક વ્યક્તિને આપણું સર્વસ્વ સમજી લીધું હોય છે. આપણું સુખ પણ એ જ હોય છે અને આપણું સ્વર્ગ પણ એ જ હોય છે. એ એક વ્યક્તિ દૂર જાય ત્યારે આખું આયખું ઉદાસીમાં ઓગળી જાય છે. આપણને બીજા લોકોથી કંઈ મતલબ હોતો નથી. પણ એ એક વ્યક્તિ સાથે શરીરનું રોમેરોમ જોડાયેલું હોય છે. એનો સ્પર્શ આપણે ઝંખતા હોઈએ છે. એનો હાથ હાથમાં હોય ત્યારે આખું જગત આપણી હથેળીમાં રમતું હોય છે. એની સાથે હોઈએ ત્યારે જાણે દુનિયામાં અમે બંને જ હોય એવું લાગે છે. અમે આદમ અને ઈવ છીએ. બીજું કોઈ જ નથી. એ જ મારા માટે સર્વસ્વ છે અને હું એના માટે આખું જગત છું. વિશાળ પૃથ્વી જાણે એક નાનકડું બિંદુ બની અમારા ઘરનો પર્યાય બની જાય છે. પ્રકૃતિનું સર્જન જાણે કુદરતે માત્ર અમારા બંને માટે જ કર્યું હોય એવી અનુભૂતિ થાય છે. એ હોય ત્યારે હું ક્યાં હું હોઉં છું, એ પણ એ નથી હોતો. અમે એક-મેકમાં અંતર્ધ્યાન થઈ ગયાં હોઈએ છીએ. ખામોશી બોલતી હોય છે. સાંન્નિધ્યની ખામોશીમાંથી જે સંગીતનું સર્જન થાય છે એ માત્ર બે વ્યક્તિને જ સંભળાતું હોય છે. આવી ખામોશી જ્યારે સન્નાટો બની જાય ત્યારે જિંદગી સૂસવાટામાં ભટકી જતી હોય છે. સાત અબજમાંથી એક વ્યક્તિથી જ બધો ફર્ક પડતો હોય છે! સંવાદનો અભાવ એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. વાદ હોય ત્યાં સંવાદ ન હોય. સંવાદ ન હોય ત્યાં વિવાદ જ હોય. આપણે ખુલ્લાદિલે વાત જ કરી નથી શકતા. પોતાની વ્યક્તિના સપનાની જ આપણને ખબર નથી હોતી. સપનાની ખબર ન હોય તો પછી પોતાની વ્યક્તિના સ્વર્ગની તો ખબર જ ક્યાંથી હોય? એક ઘરમાં એક જ સ્વર્ગ હોય. એક ઘરમાં બે વ્યક્તિનાં અલગ અલગ સ્વર્ગ હોઈ શકે નહીં. આપણે માત્ર આપણું સ્વર્ગ રચવા જતાં હોઈએ ત્યારે મોટાભાગે આપણે સ્વર્ગની નહીં પણ નર્કની જ રચના કરતાં હોઈએ છીએ! એકલાં એકલાં સ્વર્ગ બનાવી લઈએ તોપણ એમાં છેલ્લે તો એકલતા જ હોય છે. ઘણાં એવું બોલતાં હોય છે કે હું મારી રીતે રહું છું અને એ એની રીતે રહે છે. સરવાળે તો બંનેને જે રીતે રહેવું હોય છે એ રીતે રહેતાં જ હોતાં નથી. પાસે હોઈએ છીએ પણ સાથે નથી હોતા. સ્વર્ગ બે હાથે રચાતું નથી, સ્વર્ગ ચાર હાથે રચાય છે. શહેર એ સ્વર્ગનો સમૂહ બની જાય તો સૃષ્ટિ સુંદર થઈ જાય. આપણું સ્વર્ગ આપણા હાથમાં હોય છે પણ જો એ હાથમાં બીજો હાથ હોય તો!    
છેલ્લો સીન :
જેની પાસે દિલ ખોલી દીધું હોય, તેની સાથે હોઠ બીડીને બેસી ન રહેતા. -અજ્ઞાત
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 05 ઓકટોબર, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

Krishnkant Unadkat

Krishnkant Unadkat

One thought on “

Leave a Reply

%d bloggers like this: