પ્રોમિસ આપ, આપણે ક્યારેય નહીં ઝઘડીએ! 

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
કોઈ નહીં કિ જિસસે મિલાઈ ન હો નઝર, 
હાં, બસ તેરે હુજૂર મેરા સર ઝુકા રહા,
હર લમ્હા તુઝ સે છૂટને કા ડર લગા રહા, 
જીને કા ફિર ભી મુઝમેં બડા હૌસલા રહા.
-નાઝિરા રિઝવી
પ્રેમ બે વ્યક્તિએ ખુલ્લી આંખે જોયેલું સુંદર ભવિષ્યનું ઉમદા સપનું છે. એવું સપનું જ્યાં માત્ર સુખ, શાંતિ અને સંગાથ છે. બ્યુટીફૂલ લાઇફની રંગોળીમાં બે જીવ રંગો પૂરતા રહે છે અને પ્રેમની કલ્પનામાં વિહરતા રહે છે. સ્પર્શ પુણ્ય જેવો લાગે છે. પ્રેમમાં હોય ત્યારે માણસ શ્રેષ્ઠતાની ટોચ પર બિરાજમાન હોય છે. એક દિલ પામવા માટે એ જગત સામે જેહાદ કરવા પણ તૈયાર થઈ જાય છે. પ્રેમમાં દૃષ્ટિ એક વ્યક્તિ પૂરતી સીમિત થઈ જાય છે. દિલ માત્ર એક ખાતર જ ધડકતું રહે છે. મગજ પણ એક જ વ્યક્તિના વિચારમાં ખોવાયેલું હોય છે. પ્રેમ એટલે એક જ વ્યક્તિને આપણા સમગ્ર અસ્તિત્વનું સમર્પણ. આખું આયખું કોઈને ધરી દેવાનું મન માણસ જ્યારે પ્રેમમાં હોય ત્યારે જ થાય છે.
પ્રેમની કોઈ ચોક્કસ વ્યાખ્યા ન થઈ શકે. પ્રેમ તમામ વ્યાખ્યા, બધા જ અર્થ, તમામ તર્ક અને દરેક મર્મથી ઉપર બિરાજે છે. કોઈ વ્યક્તિ શા માટે ગમવા લાગે છે, એનાં કોઈ કારણો મળતાં નથી. બસ, એનો સાથ ગમતો હોય છે. એ વ્યક્તિ નજીક હોય ત્યારે આસમાન પણ પહોંચી શકાય એટલું નજીક લાગે છે. પ્રકૃતિ હન્ડ્રેડ પર્સન્ટથી વધુ ધબકતી હોય છે. લીલાંછમ પાંદડાં જોઈનેે દિલમાં લીલોતરી છવાઈ જાય છે. દરિયાનાં મોજાંમાંથી પણ મૃદુ સંગીત સંભળાય છે. મેઘધનુષ્ય ઘરના તોરણ જેવું લાગે છે. પંખીઓ આપણા માટે જ કલરવ કરતાં હોય એવી અનુભૂતિ થાય છે. પ્રેમમાં હોય ત્યારે માણસ કુદરતની સૌથી વધુ નજીક હોય છે. પ્રેમમાં હોય ત્યારે માણસની આંખ જ એટલી રમણીય હોય છે કે તેને બધંુ જ કમનીય લાગે. દરેક વિચાર ઉમદા હોય છે, દરેક અપેક્ષા અલૌકિક હોય છે, દરેક ઇચ્છા અનુપમ હોય છે. ખ્વાહિશ ખીલતી જ રહે છે અને તમન્નાઓ જીવતી રહે છે! જે માણસને જિંદગીમાં ક્યારેય કોઈની સાથે પ્રેમ નથી થયો એના જેવું કમનસીબ કોઈ નથી. અલબત્ત, ક્યારેક તો કોઈક ગમ્યું જ હોય છે, કોઈને તો છુપાઈને નિરખ્યા જ હોય છે, કોઈને તો સ્પર્શવાનું મન થયું જ હોય છે. પોતાના પ્રેમીમાં દરેક માણસને કંઈક તો એવી ખૂબી મળી જ આવે છે, જે એને જન્નતનો અહેસાસ કરાવે છે. તારી આંખમાં ડૂબી જવાનું મન થાય છે, તારા ચહેરા પર જે તલ છે એ જ જિંદગીનું કેન્દ્રબિંદુ છે, તારી જુલ્ફ હવાના ઝોંકા સાથે લહેરાય છે ત્યારે કાલી ઘટા છવાઈ જાય છે, તારા હોઠની કુમાશ જોઈને ગુલાબની પાંદડીને ઈર્ષા થતી હશે, તું સૌંદર્યની સાક્ષાત્ દેવી છે, નાકથી માંડીને નખ સુધીના પ્રેમીના તમામ અસ્તિત્વમાં જિંદગી છલકતી હોય છે. પ્રેમમાં એવું પરમ તત્ત્વ હોય છે જે માણસને ઋજુ બનાવી દે છે.
બે વ્યક્તિ પ્રેમ કરતી હોય ત્યારે કુદરતનાં તમામ તત્ત્વો પણ રોમાંચ અનુભવતાં હોય છે. ફૂલ ખીલે ત્યારે પાંદડાં પણ થોડાંક વધુ લીલાં થઈ જતાં હશે, પણ એ સાથે કાંટા પણ થોડાક વધુ તીક્ષ્ણ થઈ જતા હોય છે. દરેક પ્રેમકહાનીમાં કોઈ વિલન હોય છે. ક્યારેક ધર્મ, ક્યારેક જ્ઞાાતિ, ક્યારેક સ્ટેટસ, ક્યારેક ભાષા, ક્યારેક સંજોગ અને ક્યારેક સમસ્યા પ્રેમને પડકાર ફેંકીને ઊભી રહી જાય છે. ભાગ્યે જ કોઈ લવસ્ટોરી સીધીસટ હોય છે. જોકે, સીધીસટ લવસ્ટોરીની કોઈ મજા પણ હોતી નથી. જિંદગીના ટ્વિસ્ટ જ યાદગાર હોય છે. કોઈ એમ કહે કે અમે લવમેરેજ ર્ક્યાં છે તો તરત જ સવાલો થાય છે. તમે કેવી રીતે પ્રેમમાં પડયા? શું થયું હતું? બધા માની ગયા હતા? એમાં કોઈ કહે કે, અમને તો કંઈ વાંધો નહોતો આવ્યો, બધું ઇઝીલી પતી ગયું હતું. સાંભળનારને થાય છે કે, ઠીક છે હવે! જોકે, આવી ઇઝી અને હેપી એન્ડિંગવાળી લવસ્ટોરી બહુ ઓછી હોય છે. મધુરી લાગતી હોય એ જ કહાની અધૂરી રહી જાય ત્યારે વેદના મલ્ટિપ્લાય થઈ જતી હોય છે. જિંદગી પણ અધૂરી રહી ગઈ હોય એવું લાગે છે. પ્રેમ ન મળે ત્યારે માણસને એેવું થાય છે કે પ્રેમ થયો જ ન હોત તો સારું હતું. જોકે, પ્રેમ થતો રહે છે, પ્રેમ થાય છે અને પ્રેમ થતો રહેવાનો છે. પ્રેમને કોઈ અટકાવી નથી શકવાનું, કારણ કે પ્રેમ કંઈ શ્વાસ નથી કે ખૂટી જાય, પ્રેમ તો હવા છે, જે ક્યારેય ખૂટતી કે અટકતી નથી!
પ્રેમની આવરદા કેટલી રાખવી એ માણસના હાથની વાત છે. કેટલાક પ્રેમ ખૂટી જતા હોય છે, કેટલાક સંબંધો તૂટી જતા હોય છે,પ્રેમને સીંચતા રહેવાનો હોય છે. પ્રેમને રોજ તાજો રાખવાનો હોય છે. બે જીવનું મળી જવું એ પ્રેમની મંઝિલ નથી, બે જીવનું જીવવું અને જીવતા રહેવું એ પ્રેમ છે. પ્રેમમાં વિઘ્નો તો આવવાનાં જ છે. તમે તેની સાથે કેટલું કોપ-અપ કરી શકો છો એના પર પ્રેમની પરાકાષ્ઠા નક્કી થતી હોય છે. પ્રેમનો અંત છેલ્લા શ્વાસ સાથે જ આવવો જોઈએ. હાથમાં કરચલીઓ પડી ગઈ હોય છતાં એ કરચલીઓમાં જિંદગી દેખાય તો પ્રેમ સાર્થક ગણાય. ઊંડી ઊતરી ગયેલી આંખોમાં પણ પ્રેમ ડોકાતો રહેવો જોઈએ. વયોવૃદ્ધ ઉંમરે જગતમાંથી જવાની વેળાએ પણ વિરહનો ડર લાગે એ પ્રેમ છે. પ્રેમ એ બે વ્યક્તિઓ વચ્ચેની એવી શરત છે જે અંતિમ પળ સુધી સાચવવાની છે. આ શરતની શરૂઆત પહેલા મિલનથી જ થઈ જતી હોય છે.
પ્રેમમાં હોય ત્યારે બધું ઉમદા જ હોય છે. કોઈને લડવું, ઝઘડવું, સતાવવું, ડરાવવું કે મનાવવું વગેરે હોતું નથી. બધાને બસ પ્રેમ કરવો હોય છે. આખી જિંદગી એ ટકાવવું અશક્ય નહીં તોપણ અઘરું તો છે જ. બે પ્રેમીઓ હતા. દરેક પ્રેમીએ એક વખત તો એકબીજાને એવું કહ્યું જ હોય છે કે આપણે ક્યારેય નહીં ઝઘડીએ. પ્રેમિકાએ પણ એક દિવસ આવી જ વાત તેના પ્રેમીને કરી કે,આપણે આખી જિંદગી સરસ રીતે જીવીશું. મને પ્રોમિસ આપ કે આપણે ક્યારેય નહીં ઝઘડીએ. પ્રેમીએ પ્રેમિકાની આંખમાં આંખ પરોવીને કહ્યું કે, ના આવું પ્રોમિસ હું નહીં આપું. જે શક્ય નથી એ પ્રોમિસ જ ન આપવું જોઈએ. ઝઘડા તો થવાના જ છે. બે વ્યક્તિ સાથે હોય ત્યારે ઝઘડા અનિવાર્ય હોય છે. હું તને એવું પ્રોમિસ નથી આપતો કે આપણે ક્યારેય નહીં ઝઘડીએ પણ હા, હું તને એવું પ્રોમિસ ચોક્કસ આપું છું કે જ્યારે પણ ઝઘડો થશે ત્યારે હું તને સંભાળી લઈશ. મારો વાંક હશે ત્યારે તને સોરી કહીશ. તારો વાંક હશે ત્યારે તને સમજાવીને મનાવી લઈશ. તારી સાથે ઝઘડો લંબાવીશ નહીં. ઝઘડો થશે ત્યારે ચૂપ નહીં થઈ જાઉં, તારી સાથે વાત કરીશ. તને પ્રેમ કરીશ. ક્યારેક તો આંખમાં આંસુ આવવાનાં જ છે. તારી આંખમાં આંસુ આવશે ત્યારે હું એને હળવા હાથે લૂછી લઈશ. હું તને આખી જિંદગી પ્રેમ કરતો રહીશ એવું પ્રોમિસ આપી શકું પણ ક્યારેય ઝઘડો જ નહીં થાય એવું પ્રોમિસ ન આપી શકું.
ઝઘડા થાય એ મહત્ત્વનું નથી પણ ઝઘડાને આપણેે કેવી રીતે અને કેટલી ઝડપથી ખતમ કરીએ છીએ એ મહત્ત્વનું છે. મેચ્યોરિટી એટલે કોઈ ઘટના, કોઈ ઝઘડા, કોઈ નારાજગી ઉપર જલદીથી ‘ધ એન્ડ’નું બોર્ડ મારી દેવાની આવડત. આપણે બધું ખેંચતા રહીએ છીએ. ઝઘડો દસ મિનિટનો હોય પણ એ દસ દિવસ સુધી ખેંચાતો રહે છે. આપણે પકડી રાખીએ છીએ. સમજ એટલે ક્યારે શું છોડી દેવું એની આવડત. ઝઘડો પકડી રાખીએ ત્યારે પ્રેમ છૂટી જતો હોય છે, પ્રેમને પકડી રાખો તો ઝઘડો જલદીથી સરકી જશે. જેવી ખબર પડે કે પ્રેમ સરકી ગયો છે અને ઝઘડો પકડાઈ ગયો છે તો તરત જ પ્રેમને પાછો પકડી લો. આ બહુ જ ઇઝી છે પણ ઇઝી હોય છે એ જ અઘરું હોય છે. સહેલામાં તો આપણને આવડે છે એમ માનીને આપણે કંઈ કરતાં નથી, અઘરા પાછળ જ આપણે વધુ મહેનત કરતાં હોઈએ છીએ. કોઈ વાત અઘરી બની જાય પછી તેનો ઉકેલ ન શોધો પણ સહેલી વાતને અઘરી જ બનવા ન દો એ જ પ્રેમનું સિદ્ધ થવાનું ગણિત છે.
ઓશો રજનીશે સરસ વાત કરી છે કે, તમે તમારા માથા પરથી પંખીઓને ઊડવા દેજો, પણ તમારા માથા પર એને માળો બાંધવા ન દેતા! વિચાર આવી જાય, ઝઘડો થઈ જાય, નારાજગી હાવી થઈ જાય તેનો વાંધો નથી, પણ તેને મગજમાં સંઘરી ન રાખો. ઉડાડી દો. ગમે તે થાય પ્રેમ ટકી રહેવો જોઈએ. પ્રેમ છે તો બધું જ છે. પ્રેમ છે તો તું છે. પ્રેમ છે તો હું છું. પ્રેમ છે તો આપણે છીએ. પ્રેમ ક્યાંય ગયો હોતો નથી, મોટા ભાગે તો આપણે જ તેને છટકવા અને સરકવા દીધો હોય છે. ચેક કરતા રહેજો, તમારો પ્રેમ તો સરકી ગયો નથીને?ી લો!     
છેલ્લો સીન : 
જબરજસ્તી અને જોહુકમીથી તમે કોઈનો કબજો મેળવી શકો, પણ હૃદય તો લાગણીથી જ જીતી શકાય. તમારે કબજો જોઈએ છે કે દિલ? -કેયુ  
 (‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 21 સપ્ટેમ્બર, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com        

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *