દિવાળી થોડાક તાજા થવાનો દિવસ છે

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
જિંદગી ક્યાં બહુ નડે છે આમ તો?
ખોલવી મુઠ્ઠી પડે છે આમ તો.
-રમેશ આચાર્ય

આ જે દિવાળી છે. રંગ, ઉમંગ અને પ્રકાશને આજના દિવસ સાથે સીધો નાતો છે. રંગોળી સાથે દિવસ ઊઘડે છે અને દીવાની સંગાથે વિદાય લે છે. ફટાકડાનો અવાજ મીઠો હોતો નથી છતાં મધુર લાગે છે. આજના આખા દિવસની દરેક ક્ષણમાં એક અનોખો જ લય હોય છે, એક ગજબની સુગંધ હોય છે અને મધુર ધ્વનિ હોય છે. આમ જુઓ તો દિવાળીનો દિવસ તો બીજા દિવસ જેવો જ હોય છે, આપણી માનસિકતા જુદી હોય છે. બધાની માનસિકતા એક થાય ત્યારે દિવસ તહેવાર બની જાય છે.
રોજ પૂજા કરનારને પણ આજની પૂજા થોડીક જુદી અને આહ્લાદક લાગે છે. આજની પૂજામાં પર્વ ઉમેરાય છે. પર્વનો પવન જુદો હોય છે. દરેક દિવસને એનું મહત્ત્વ હોય છે પણ તહેવારના દિવસને એનું માહાત્મ્ય હોય છે. મહત્ત્વ જ્યારે વિરાટ બને છે ત્યારે એ માહાત્મ્ય બની જાય છે. તહેવારના દિવસે માણસ એક દિવસ પૂરતો પણ ઉમદા બની જાય છે. આજે સારો દિવસ છે એવું ઘણાં લોકો કહે છે. હકીકતે દિવસ તો હોય એવો જ હોય છે, માણસ સારો થતો હોય છે. તહેવાર માણસને દયાળુ અને શ્રદ્ધાળુ બનાવે છે.
આવતી કાલે બેસતું વર્ષ છે. કાલનો દિવસ નવો ગણાય છે. નવો એટલે કેવો? તારીખિયા સિવાય કંઈ બદલતું હોતું નથી, છતાં આપણને બધું નવું લાગે છે. આપણે કંઈ નવા કે તાજા થઈએ છીએ ખરાં? દિવાળીનાં ધૂળ-જાળાં સાથે તમે બીજું શું ખંખેરી શક્યા? દિલના ખૂણા કેટલા સાફ થયા? કંઈક હળવાશ લાગે એવું કર્યું કે નહીં? દિવાળીના દીવાનો પ્રકાશ ભલે એક દિવસ રહે પણ એનો ઉજાસ કેટલો સમય રાખવો એ આપણે નક્કી કરવાનું હોય છે.
નક્કી તો આપણે ઘણું બધું કરતા હોઈએ છીએ. બસ આજથી આમ કરવું છે, હવે આમ નથી કરવું. જોકે નક્કી કરેલું ટકતું નથી. જેનું રિઝલ્ટ ન આવે એવા રિઝોલ્યુશનનું કોઈ મહત્ત્વ હોતું નથી. રિઝોલ્યુશન રિયાલિસ્ટિક હોવું જોઈએ અને એના માટે આપણે આપણી સાથે ‘રિઅલ’ અને ‘લોયલ’ હોવાં જોઈએ. એક મિત્રએ તેના મિત્રને પૂછયું કે તારું આ વર્ષનું રિઝોલ્યુશન શું છે? તેના મિત્રએ કહ્યું કે કંઈ નહીં, નો રિઝોલ્યુશન. કારણ કે રિઝોલ્યુશન ટકતું નથી એટલે મેં નક્કી કર્યું છે કે હવે હું મારી જાતને છેતરીશ નહીં. તેના મિત્રએ કહ્યું કે એ પણ એક રિઝોલ્યુશન જ છે કે હું મારી જાતને છેતરીશ નહીં. માણસ સૌથી વધુ પોતાને જ છેતરતો હોય છે. પોતાને જ વચન આપતો ફરે છે અને પોતે જ વચન તોડતો ફરે છે. જાત સાથે જબરદસ્તી કરતા હોવ એવું રિઝોલ્યુશન ક્યારેય ન ટકે. નિર્ણયમાં હળવાશ હોવી જોઈએ. વચનમાં સહજતા હોવી જોઈએ. નક્કી કરો અને પાળી ન શકો એના કરતાં નક્કી જ ન કરો એ જ વાજબી છે. કમ સે કમ તમે તમારી જાત સાથે બેવફાઈ તો નથી કરતા!
રિઝોલ્યુશન ફળે કે ટળે, માણસ જાહેર કરે કે ન કરે, આજના દિવસની સૌથી મહત્ત્વની વાત એ છે કે દરેકને થોડાક સારા થવાનું મન તો થાય જ છે. હવેથી મારે આમ કરવું છે, આમ રહેવું છે, આમ જીવવું છે, એવો વિચાર તો આવતો જ હોય છે. દરેક માણસને સારા વિચાર તો આવતાં જ હોય છે. એ બસ સારા વિચારને જીવતા રાખી શકતો નથી.
આ તમારી કેટલામી દિવાળી છે? અલબત્ત, કેટલામી દિવાળી છે, એના કરતાં પણ વધુ મહત્ત્વનું એ છે કે કેવી દિવાળી છે? તમને તમારી અત્યાર સુધીની દિવાળીનો સંતોષ છે? તમારા સંબંધો એવા ને એવા જીવંત છે? કેટલાક સંબંધ એવા હોય છે જેમાં વ્યક્તિ હાજર કે હયાત ન હોય તોપણ સંબંધ જીવતો હોય છે. એક પાકટ વયની વ્યક્તિની વાત છે. ત્રણ વર્ષ અગાઉ જ તેણે પત્ની ગુમાવી દીધી છે. પત્ની વગરની ત્રીજી દિવાળી હતી. એક ખાલીપો લાગતો હતો, છતાં હાજરી મહેસૂસ થતી હતી.
ક્યાંય જીવ લાગતો ન હતો. એણે ડાયરી ખોલીને પત્નીને સંબોધી ડાયરી લખવાનું શરૂ કર્યું. આજે દિવાળી છે. તારા વગરની ત્રીજી દિવાળી. તું નથી છતાં તં છે પણ ખરી. આ ઘરના સંસ્કારમાં, આ ઘરની પરંપરામાં, આ ઘરની વિશેષતામાં અને ઘરના દરેક સભ્યમાં તું થોડી થોડી જીવતી છે. કેટલાંયે દૃશ્યો એવાં છે જાણે એક્શન રિપ્લે ન હોય! હું સાક્ષીભાવે એ નિહાળું છું. આપણા દીકરાને લઈને આપણે ફટાકડા લેવા જતાં હતાં. આજે એ જ દીકરો એની પત્ની સાથે પોતાના દીકરા માટે ફટાકડા લેવા જવાનો છે.
તું પરણીને આવી પછી ઘરના આંગણામાં રંગોળી કરતી હતી. હવે ઘરની વહુ રંગોળી કરે છે. એ જ રીતે દીવા થાય છે અને પૂજા પણ અગાઉની જેમ જ થાય છે. તારો વારસો આપણા પરિવારે જીવંત રાખ્યો છે. તેં રોપેલાં બીજથી ઊગેલો આ બગીચો છે. તારી ગેરહાજરીનો અફસોસ છે, પણ તું તારી હાજરી ઘરના દરેક ખૂણામાં અને દરેક વ્યક્તિમાં મૂકતી ગયાનો સંતોષ પણ છે. તું નથી છતાં તારી હાજરી વર્તાય છે. કદાચ હું નહીં હોઉં ત્યારે પણ આપણે આ ઘરમાં હોઈશું. આ શું કંઈ નાનીસૂની વાત છે?
ડાયરી લખાતી હતી ત્યાં જ દીકરાની વહુએ આવીને પૂછયું કે શું કરો છો પપ્પા? ભીની આંખો છુપાવવાનો પ્રયાસ દરેક વખતે સફળ નથી થતો. વહુએ પૂછયું, મમ્મીની યાદ આવે છે? કંઈ લખતા હતા? હું વાંચું? વહુએ ડાયરી વાંચી. એની આંખો પણ ભીની થઈ ગઈ. વહુએ કહ્યું કે આજે સારો દિવસ છે, મને એવા આશીર્વાદ આપો કે જેટલું જીવું એટલું પણ મારી ગેરહાજરીમાં મારા વ્યક્તિને મારો સંતોષ થાય. તમને મમ્મીના જીવનથી સંતોષ છે એ જ એમના જીવનની સાર્થકતા છે અને તમને અમારા બધામાં મમ્મીએ રોપેલા સંસ્કારનાં દર્શન થાય છે એ એટલિસ્ટ આજ પૂરતી મારા માટે સંતોષની વાત છે.
આપણી જિંદગીથી કોઈને સંતોષ ત્યારે જ હોય જો આપણને આપણી જિંદગીથી સંતોષ હોય. આપણે બધા કોઈ ને કોઈ અસંતોષ સાથે જીવીએ છીએ. સતત કોઈ અધૂરપ અનુભવીએ છીએ. બધાને એમ થાય છે કે જિંદગીમાં કશુંક ખૂટે છે. શું ખૂટે છે, એ આપણને ખબર પડતી નથી. ખબર પડે તોપણ એ ખોટ પૂરી કરી શકતા નથી. દરેકને બદલવું છે પણ બદલી શકાતું નથી. એટલા માટે બદલી નથી શકાતું કારણ કે બદલવા માટે ઘણું બધું છોડવું પડે છે. અહમ્, જીદ, ગુસ્સો, નારાજગી, ઉદાસી અને બીજું ઘણું બધું આપણે છોડી શકતા નથી. આપણે આપણાથી જ છૂટી શકતા નથી અને એટલે જ બદલી શકતા નથી.
બદલવું અઘરું નથી, છોડવં અઘરું છે. નવાં વસ્ત્રો પહેરવા માટે જૂનાં વસ્ત્રો ઉતારવાં પડે છે. આપણે જૂનાં ઉતારવાં નથી અને નવાં પહેરવાં છે. નવા વિચારો આવે છેને? સારા થવાની ઇચ્છા થાય છેને? તો જૂનું થોડું ખંખેરી નાખો. માણસ બદલાય છે, પ્રકૃતિ પણ બદલાય છે, સ્વભાવ પણ બદલાય છે, જો આપણી બદલવાની તૈયારી હોય તો! દિવાળી તાજા થવાનો દિવસ છે. તમે કેટલા તાજા થયા છો? જે દિવસો ગયા એ વાસી થઈ ગયા છે. આપણે વાસી કંઈ રાખતા નથી. અરે! કરમાઈ ગયેલાં ફૂલોને પણ ફેંકી દઈએ છીએ. જિંદગીમાં બસ આવું વાસી થઈ ગયેલું થોડુંક ફેંકી દો, તાજાપણું આપોઆપ ફીલ થશે. જિંદગીમાં કંઈક ઉમેરવું છેને? તો થોડાક ખાલી થઈ જાવ, થોડાક હળવા થઈ જાવ. હળવા હોય છે એ જ મળવા જેવા હોય છે. સૌથી પહેલાં તમે તમને જ મળીને જોઈ જુઓ કે તમે જેને મળો છો એ મળવા જેવો હળવો છે કે નહીં? દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ.
છેલ્લો સીન :
એક તો આરંભ ન કરો અને જો આરંભ કરી દીધો હોય તો પૂર્ણ કરીને જ જંપો. -ઓવિદ
(‘સંદેશ’, તા. 3 નવેમ્બર,2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com
 

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *