તમને તમારી પોતાની કેટલી કદર છે?
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
જિંદગી તન્હા સફર કી રાત હૈ,
અપને અપને હૌંસલે કી બાત હૈ.
-જાંનિસાર અખ્તર
દરેક માણસને પોતાનું નામ થાય એવી ઇચ્છા હોય છે. લોકો કદર કરે, બધાં ઓળખતા હોય, પોતાનું સન્માન થાય એવી તમન્ના દરેકના દિલમાં રમતી હોય છે. આવી મહેચ્છા હોય એમાં કંઈ ખોટું નથી. બલકે દરેક માણસના મનમાં આવી ખ્વાહિશ હોવી જ જોઈએ. સારા અને સન્માનનીય બનવાની ઇચ્છા જ માણસને સારો બનાવતી હોય છે. લોકોમાં પ્રિય બનવાનો સૌથી સરળ ઉપાય શું હોય છે? એ જ કે તમે જે કરો છો એ પૂરી સતર્કતા અને સંનિષ્ઠા સાથે કરતાં રહો. ઘણા લોકો માત્ર પ્રતિષ્ઠા માટે કામ કરતા હોય છે અને અમુક લોકો એવાં કામ કરે છે, જેનાથી પ્રતિષ્ઠા સામે ચાલીને મળે છે. કોઈ સફળતા અચાનક નથી મળતી. બહુ મહેનત પછી સફળતા મળે છે. તમને તમારી મહેનત ઉપર શ્રદ્ધા હોવી જોઈએ. તેના માટે એ જરૂરી છે કે તમને તમારી પોતાની પૂરતી કદર હોવી જોઈએ.
તમે તમારા વિશે શું માનો છો? તમારી પોતાની જાત માટે તમને કેટલી કદર છે? તમારા વિચારો સબળ છે કે નિર્બળ? તમારું ઘડતર, તમે તમારા વિશે શું માનો છો? અને તમારી માન્યતા સાર્થક કરવા કેટલા પ્રયાસો કરો છો? તેના આધારે જ નક્કી થતું હોય છે. એક સાયન્ટિસ્ટ હતો. ત્રણ વર્ષથી એ એક શોધ પાછળ મહેનત કરતો હતો. આખરે એ સફળ થયો. સાયન્ટિસ્ટને ઈનામ મળ્યું. એ વખતે તેમને પૂછવામાં આવ્યું કે તમને ખબર છે કે આ ત્રણ વર્ષ દરમિયાન દુનિયામાં શું બની ગયું? સાયન્ટિસ્ટે કહ્યું કે ના, મને કંઈ જ ખબર નથી. હું તો મારી લેબોરેટરીમાં પુરાયેલો હતો. હું શું કરું છું, શા માટે કરું છું, એની જ મને ખબર હતી. ત્રણ વર્ષમાં શું બન્યું, એની ભલે મને ખબર ન હતી પણ મને એટલી ખબર હતી કે જ્યારે આ મારી શોધ પૂરી થશે ત્યારે આ વર્ષો દરમિયાન શું બન્યું, એની યાદીમાં મારી શોધની પણ નોંધ હશે. કોણ શું કરે છે, એનું જ ધ્યાન રાખ્યું હોત તો હું એ યાદ ન રાખી શકત કે મારે શું કરવાનું છે. હું જ્યારે મારી રીતે કામ કરતો હતો ત્યારે મને મારા કામનું ગૌરવ હતું, મને મારી કદર હતી. સફળતાની કોઈ ગેરંટી ન હતી પણ મને એવો વિશ્વાસ જરૂર હતો કે હું એક દિવસ સફળ થઈશ. તમે જે કામ કરતા હોવ તેને વળગી રહો તો સફળતા મળવાની જ છે.
મોટા ભાગના લોકોનો પ્રોબ્લેમ એ હોય છે કે એને પોતાનું જ ગૌરવ હોતું નથી. પોતે જે કરતા હોય એ કામને જ નાનું અને નકામું ગણતાં હોય છે. એક સોસાયટીમાં એક માણસ વોચમેનનું કામ કરતો હતો. એ પોતાનું કામ એન્જોય કરતો સતત હસતો રહેતો. સોસાયટીના એક સજ્જનને સમજાતું ન હતું કે આ માણસ સાવ સામાન્ય ગણી શકાય એવી વોચમેનની નોકરી કરે છે છતાં આટલો ખુશ કેવી રીતે રહી શકે છે? એક દિવસ એ સજ્જને વોચમેનને પૂછયું કે તું ખુશ છે એની પાછળનું રહસ્ય શું છે?વોચમેને કહ્યું કે આખી સોસાયટીના રક્ષણની જવાબદારી મારી છે. શું આ કામ કંઈ નાનું છે? હું તો મારી જાતને આ સોસાયટીનો સેનાપતિ માનું છું. મને મારા કામનું ગૌરવ છે. તમને ખબર છે, જ્યારથી હું આ સોસાયટીનો વોચમેન બન્યો છું ત્યારથી આ સોસાયટીમાં એકેય ચોરી નથી થઈ. મારા માટે આ નાની વાત નથી. ભલે મને આખું ગામ ઓળખતું નથી, ભલે હું મહાન નથી પણ મારા કામ પૂરતો તો હું મહાન છું જ. એ સજ્જને સોસાયટીના પ્રમુખને વાત કરી વોચમેનનું સન્માન કર્યું. અને બધાંને કહ્યું કે પોતાનું ગૌરવ હોવું એટલે શું એનું ઉદાહરણ આ માણસ છે અને તેની ખુશી અને સુખનું કારણ પણ એ જ છે.
ઘણાં લોકોને પોતાની જ ઈજ્જત નથી હોતી. એવું જ માનતા હોય છે કે હું કંઈ કરી ન શક્યો. બીજાને જોઈને એ જીવ જ બાળતા રહે છે અને દુઃખી થતાં રહે છે. આપણો ફેરો ફોગટ ગયો. જિંદગી નકામી ગઈ. ઘણાં લોકો વળી રૂપિયા અને કમાણીને ધ્યાનમાં રાખીને જ પોતાની સફળતા કે નિષ્ફળતા નક્કી કરતા હોય છે. અમીરી અને રઈસીમાં ફર્ક છે. તમે તમારી સ્થિતિમાં કેવી રીતે રહો છો તેના પરથી રઈસી નક્કી થતી હોય છે. રૂપિયા કે સંપત્તિથી નહીં. રોયલનેસ સ્વભાવમાં હોય છે. સુખ, સગવડ કે સંપન્નતામાં નહીં.
બે મિત્રો હતા. એક અમીર અને બીજો મધ્યમ વર્ગનો હતો. સામાન્ય વર્ગના મિત્રની એક ઇચ્છા હતી કે હું એક દિવસ લકઝરી કાર ખરીદીશ. જોકે એની ક્યારેય એટલી ત્રેવડ ન થઈ કે એ લકઝરી કાર ખરીદી શકે. અમીર મિત્ર માટે લકઝરી કાર ખરીદવી એ મોટી વાત ન હતી. પોતાના મિત્રની લકઝરી કાર ખરીદવાની ઇચ્છા તેને ખબર હતી. એક દિવસ તેણે નક્કી કર્યું કે હું મારા મિત્રની ઇચ્છા પૂરી કરીશ. મિત્રનો બર્થ ડે હતો ત્યારે અમીર મિત્ર તેને લકઝરી કારના શો રૂમમાં લઈ ગયો. મિત્રને જે કાર ગમતી હતી એની ચાવી આપીને કહ્યું કે લે, આ કાર તારી. હું તને બર્થ ડે ગિફ્ટ આપું છું.
કારના શો રૂમનો સેલ્સમેન આ બંને મિત્રને ઓળખતો હતો. અમીર મિત્રની સંપત્તિ અને મધ્યમ વર્ગના મિત્રની લકઝરી કાર ખરીદવાની ઇચ્છા વિશે તેને ખબર હતી. દોસ્તીનો આખો નજારો તે નિહાળતો હતો. અમીર મિત્ર એ સેલ્સમેન પાસે ગયો અને કહ્યું કે “મને ખબર છે કે અત્યારે તારા મનમાં શું ચાલી રહ્યું છે.” સેલ્સમેને પૂછયું કે “તમે જ કહો મારા મનમાં શું ચાલે છે?”
અમીર મિત્રએ સેલ્સમેનને કહ્યું, “તને એમ થતું હશે કે મારે પણ આવો અમીર મિત્ર હોત તો કેવું સારું હતું, મને પણ એ લકઝરી કાર ગિફ્ટમાં આપત.” અમીરની વાત સાંભળી સેલ્સમેને કહ્યું, “આઈ એમ સોરી પણ હું તમે વાત કરો છો એવો વિચાર જરાયે નહોતો કરતો. હું તો એવો વિચાર કરતો હતો કે હું ક્યારે મારા મિત્રને એને મનગમતી અને મોંઘી ગિફ્ટ આપી શકીશ.” સેલ્સમેનની આ વાત સાંભળીને અમીર વ્યક્તિએ કહ્યું કે “દોસ્ત, તું મારા જેટલો જ અમીર છે. તારા વિચારોને હું દાદ આપું છું. ભલે તારી પાસે સંપત્તિ નથી પણ દિલથી તું ધનવાન જ છે.” માણસ પોતાના વિશે જેવું વિચારતો હોય એવો જ એ હોય છે. તમારા કામને, તમારી સ્થિતિને, તમારા સંજોગોને તમે કેવી રીતે લો છો એ જ વસ્તુ નક્કી કરે છે કે તમે કેવા છો.
તમારી જિંદગીને નક્કામી ન ગણો. તમારી પોતાની જાતનું ગૌરવ કરો. તમારી લાઇફનું મહત્ત્વ છે. તમે સૌથી પહેલાં તમારા માટે મહત્ત્વના છો. જો તમે જ તમને મહત્ત્વના ન સમજો તો લોકો તો ક્યાંથી સમજવાના? હા, દરેક માણસ મહાન નથી થઈ શકતો, દરેક માણસ સેલિબ્રિટી નથી બની શકતો પણ તમે તમારી જગ્યાએ તો મહાન રહી શકો. તમારી સરખામણી કોઈની જોડે ન કરો. તમે તમારા કામમાં અને તમારી લાઈફમાં બેસ્ટ રહો. તમારા વિશેની તમારી માન્યતા જ તમને ખુશ અને સુખી રાખી શકશે. કોઈ કામ નાનું કે ઓછું મહત્ત્વનું નથી, આપણે જ આપણા કામને નાનું કે મોટું, ઉપયોગી કે નકામું, વાજબી કે ગેરવાજબી માની લેતા હોઈએ છીએ. વેઠ ત્યારે જ ઊતરતી હોય છે જ્યારે આપણને આપણાં કામમાં રસ ન હોય. રસ ત્યારે જ ન હોય જ્યારે આપણને આપણી જ કદર ન હોય. બધું જ મહત્ત્વનું છે અને તમે પણ મહત્ત્વના છો, જો તમે પોતાને મહત્ત્વના સમજતા હોવ તો. વિચારજો કે મને મારું ગૌરવ છે ખરું?
છેલ્લો સીન :
કોઈ તમારા માટે શું વિચારે છે એના કરતાં તમે તમારા વિશે શું વિચારો છો એ વધુ અગત્યનું છે. -સેનેકા
(‘સંદેશ’, તા. 27 ઓકટોબર,2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com