જિંદગી નાની નાની ખુશીઓની બનેલી છે
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
સાવ નક્કામી નથી, સારીય છે, એક રેખા હાથમાં તારીય છે,
મેં મને મારા મહીં રહેવા દીધો, ભૂલ એમાં કંઈક તો મારીય છે,
–રજનીકાંત સથવારા.
આનંદ, ખુશી, મજા, ઉત્સાહ અને પ્રેરણા પ્લાનિંગથી નથી મળતાં, એ અચાનક જ આગિયાની જેમ પ્રગટી જતાં હોય છે. અચાનક જ કંઈક એવું બને છે કે આપણો મૂડ ચેન્જ થઈ જાય છે. કોઈ સ્મરણ, કોઈ સ્પર્શ, કોઈ સંવાદ અને કોઈ મુલાકાત અચાનક જ દિલમાં ઊગી નીકળે છે અને ઘડીકમાં પાનખર વસંતમાં ફેરવાઈ જાય છે. અણધારી આવેલી આ ખુશીને આપણે કેટલી ગંભીરતાથી લઈએ છીએ?
આપણે એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે મજાનું પણ પ્લાનિંગ કરવું પડે છે. હવે પછીની રજામાં આમ કરવું છે, થોડુંક વાંચવું છે, એકાદ ગઝલ સાંભળવી છે, સીડી પર આ ફિલ્મ જોવી છે, દરિયાકિનારે જઈ ભીની રેતીમાં ખુલ્લા પગે ચાલવું છે કે બગીચાની લીલી લોનનો સ્પર્શ મહેસૂસ કરવો છે. એકાદ ફૂલની પાંખડીને આંગળીના ટેરવા વચ્ચે રમાડી તેની કુમાશ મહેસૂસ કરવી છે અને કંઈક એવું કરવું છે જેનાથી બે ઘડી એમ થાય કે મજા આવી ગઈ.
બધાંનાં દિલમાં આવી થોડીક તમન્નાઓ કાયમ સળવળતી રહે છે. એવાં ઘણાં સપનાંઓ હોય છે જે સાકાર થવા મથતાં રહે છે. એક માણસ આવા જ વિચાર કરતો કરતો પોતાની કારમાં જતો હતો. ક્યાંય મજા નથી આવતી, ખબર નહીં ક્યારે છુટકારો મળશે. આટલું બધું ટાઇટ શિડયુલ થોડું હોય કે શ્વાસ લેવાની ફુરસદ પણ ન મળે. કેટલા બધા સમયથી અંગત મિત્રોને મળ્યો નથી. એકાદ રજા મળે તો નાનકડું ગેટ ટુ ગેધર કરી બધા મિત્રોને એકઠા કરું. આવા બધા વિચારો ચાલતા હતા ત્યાં જ મોબાઇલ રણક્યો. ઘણા સમય અગાઉ મળેલા એક મિત્રનું નામ મોબાઇલની સ્ક્રીન પર ચમક્યું.
ફોન ઉપાડયો. અચાનક જ મિત્રનો મધુર અવાજ ગુંજ્યો. અરે અરે સાંભળ, ગાડી સાઇડમાં રોક. હમણાં જ તને ક્રોસ થતો જોયો. તું ઊભો રહે, હું આવું છું. ગાડી સાઇડમાં રોકી ત્યાં યુ ટર્ન લઈને પેલો મિત્ર આવી ગયો. હગ કરીને બોલ્યો, યાર તને જોયો તો મજા આવી ગઈ. ચાલ બે ઘડી બેસીએ, કોફી પીએ. નજીકની કોફીશોપ પર જઈ વાતો કરી. હાઉ ઇઝ લાઇફ? હેપી? આવી બધી વાતો કરી. પંદર મિનિટ પછી કહ્યું કે, લેટ્સ ગો નાઉ. જુદા પડતી વખતે પેલો ફ્રેન્ડ બોલ્યો કે તેં અચાનક મને રોકી દીધો. મારી સાથે થોડી વાર બેઠો. તને ક્યાંય જવાનું મોડું નથી થતું? પેલા મિત્રએ કહ્યું, થાય છે. મારે એક જગ્યાએ પહોંચવાનું છે, પણ તને જોયો તો મારાથી ન રહેવાયું. તારી સાથે આટલી વાત કરી તો મજા આવી ગઈ. યાર, આ ક્ષણોનો અફસોસ કરવાનો ન હોય. આ ક્ષણો તો માણવાની હોય. આવી ક્ષણો વારંવાર નથી મળતી અને જ્યારે મળે છે ત્યારે ઓચિંતી જ મળે છે. પ્લાનિંગ કર્યું હોત તો આ પંદર મિનિટ ન જાણે ક્યારે આવત? અને બીજું ગઈ કાલે પંદર મિનિટ ટ્રાફિક જામમાં ફસાઈ ગયો હતો, ત્યારે કેમ ચૂપચાપ બેઠો હતો. એનો અફસોસ નહોતો કર્યો તો આજે તારી સાથે તો બેસ્ટ ટાઇમ ગયો. કદાચ આજના ૨૪ કલાકની બેસ્ટ ક્ષણો આ પંદર મિનિટની જ છે. ઓકે ડીયર, બાય… એમ કહીને એ ચાલ્યો ગયો.
એના ગયા પછી પેલા માણસને વિચાર આવ્યો કે હું આવું જ કંઈક કરવાનો તો પ્લાન કરતો હતો, હું કેમ આવી નાની નાની ખુશીઓને નથી ઓળખતો? મને તો એમ થયું હતું કે આ અચાનક ક્યાં ટપકી પડયો. આનંદની અવધિ નિશ્ચિત હોતી નથી, ઘણી વખત કોઈ એક દૃશ્ય, સંગીતની નાનકડી ધૂન, એકાદ પક્ષીનો મધુર ટહુકો, કોઈની એકાદ નાનકડી વાત મન ઉપર બાઝી ગયેલી ઉદાસીને હટાવીને લીલીછમ હળવાશ પાથરી દે છે. આ ક્ષણને આપણે જીવતી રાખી શકીએ છીએ? કે પછી આપણી ઉદાસીને તેના પર ઓઢાડી દઈને એનેય ખામોશ કરી દઈએ છીએ?
જિંદગી ક્ષણોનો રોમાંચ છે. રોમાંચક ક્ષણોને તમે પકડી શકો છો? આવી ક્ષણોને તો જ સમજી શકાય જો આપણે હળવા હોઈએ. જોકે આપણે હંમેશાં ભારેખમ જ હોઈએ છીએ અને એટલે જ સાવ નજીકથી પસાર થઈ જતી આવી ક્ષણોને આપણે માણી શકતા નથી. ક્યારેય ખુશીઓને પેન્ડિંગ ન રાખો. ચાલને કંઈક પ્લાન કરીએ અને આરામથી મળીએ એવી વાત કરનારને શાંતિનો સમય ક્યારેય મળતો જ નથી. જે સમય ઓચિંતાનો આવે છે એમાં તમે શાંતિ મેળવી શકો છો?
જે ક્ષણે એવું ફિલ થાય કે યાર મજા આવે છે તો એવી ક્ષણોને જીવી લો. જીવવા જેવી ક્ષણોને આપણે ટાળી દેતા હોઈએ છીએ. આખા બગીચાની રાહમાં આપણે એક ફૂલના માધુર્યને માણી શકતા નથી. ખુશીઓનું શિડયુલ ન હોય, આનંદની એપોઇન્ટમેન્ટ ન હોય અને પ્રેમનું પ્લાનિંગ ન હોય. એ તો અણધારી રીતે જ આકાર પામતાં હોય છે. આવી ક્ષણોને ઝીલી લેવાની હોય છે અને જીવી લેવાની હોય છે.
એક સૈનિક હતો. તેની દીકરી સાથે ઘરમાં બેઠો હતો. દીકરી સાંજે બહાર ફરવા લઈ જઈ આઇસક્રીમ ખવડાવવાનું કહેતી હતી. સૈનિકે હા પાડી હતી. એકાદ કલાકમાં કોલ આવ્યો કે ઇમરજન્સી છે, તાત્કાલિક બોર્ડર પર પહોંચવાનું છે. ગાડી આવે છે, તમે તૈયાર થઈ જાવ. બધું જ પડતું મૂકી સૈનિકે ફટાફટ તૈયારી કરી લીધી. જીપ આવી ગઈ. દોડીને જીપ તરફ ગયો. બે મિનિટમાં ઘરની ડોરબેલ રણકી. દીકરીએ દરવાજો ખોલ્યો તો સૈનિક પિતા હાથમાં આઇસક્રીમ લઈને ઊભો હતો. જીપમાં બેસતાં પહેલાં દોડીને સામેની દુકાનેથી આઇસક્રીમ લાવ્યો અને દીકરીને એક બાઇટ ખવડાવીને બાય કહ્યું. વળગી પડેલી દીકરી સાથેની ક્ષણોને આંખો મીંચીને માણી લીધી. આખી સાંજની સંવેદનાઓ થોડીક ક્ષણોમાં સમેટાઈ ગઈ. અનુભૂતિ માટે એક ક્ષણ કાફી હોય છે.
આપણે એક ક્ષણમાં થડકી કે ભડકી જઈએ છીએ, પણ એક ક્ષણમાં મહેકી કે વરસી શકતા નથી. વીતી જતા સમયનો અફસોસ ન થાય તેવું ઇચ્છતા હોવ તો તેને માણતા શીખો. આપણી તકલીફ એ જ હોય છે કે આપણે યોગ્ય સમયની રાહ જોઈને જ બેઠા રહીએ છીએ. ભવ્ય આયોજનો કરતાં રહીએ છીએ અને નાની નાની ખુશીઓને ઇગ્નોર કરીએ છીએ. સાથે હોઈએ ત્યારે સમય આપતા નથી અને પછી એરપોર્ટ ઉપર દેખાય ત્યાં સુધી સામે જોતા રહીએ છીએ.
વાયદાઓ અને પ્રોમિસિસ ક્યારેય પૂરાં થતાં નથી અને ઘણી વખત તો કાયમ અધૂરાં જ રહી જાય છે. ખ્વાહિશ, તમન્ના, ઇચ્છા અને અપેક્ષાઓને અધૂરી ન છોડો. આ ક્ષણે કંઈ થઈ શકતું હોય તો એને મુલતવી ન રાખો, કારણ કે સમય જરાયે ભરોસાપાત્ર ચીજ નથી. સમય સૌથી વધુ દગાબાજ છે. રાહ જોઈને બેસીએ તો એ આવતો જ નથી. એને તો પકડી લેવાનો હોય છે, માણી લેવાનો હોય છે અને તેની સાથે ખેલી લેવાનું હોય છે.
ખુશીઓનું માપ નથી હોતું. નાની ખુશી કે મોટી ખુશીમાં ખુશીઓનું વર્ગીકરણ કરી શકાતું નથી. ખુશી તો એટલી જ હોય છે જેટલી તમે માણી શકો. ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં પણ મજા નથી આવતી અને ઘણી વખત પાંચ સેકન્ડ હાથ પર બેઠેલું પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે. પતંગિયું પૂછીને કે કહીને નથી આવતું, ખુશી અને આનંદનું પણ એવું જ હોય છે. બસ પતંગિયું બેસે ત્યારે તમારું ધ્યાન તેના પર હોવું જોઈએ. કમનસીબે એ સમયે આપણી નજર બીજે ક્યાંક હોય છે. સુખની થોડી ક્ષણો પૂરતી હોય છે, જો એ માણતાં આવડે તો….
છેલ્લો સીન :
આવતી કાલ આજના જેવી જ હશે. આપણે જીવવાની તૈયારી કરતા હોઈએ છીએ ત્યારે જિંદગી વેડફાતી જતી હોય છે. -આર. ડબલ્યુ. એમર્સન.
(‘સંદેશ’. તા.24મી ફેબ્રુઆરી,2012. રવિવાર. સંસ્કાર પૂર્તિ. ‘ચિંતનની પળે’ કોલમ)