તમારા વિશે લોકો શું માને છે?

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
ક્યાં અમે પણ કોઈના ને ક્યાં છે કોઈ આપણું, ટાઢ વધતી જાય, ઠરતું જાય કેવળ તાપણું,
આગ જોઈ કે જરા સળગી ઊઠે ભડ ભડ તરત, મારામાં ને લાકડાંમાં કેટલું સરખાપણું.
-મહેશ શાહ
સબસે બડા રોગ, ક્યા કહેંગે લોગ… એવું ઓશો કહેતા હતા. માણસ જે કાંઈ કરે છે એ મોટા ભાગે બે વસ્તુ માટે કરે છે, એક તો પોતાની ‘છાપ’ પાડવા માટે અને બીજું એ છાપ જાળવવા માટે. આપણાં વર્તન અને આપણી વાતથી લોકો આપણા વિશેની ઇમ્પ્રેશન બાંધે છે. મોટા ભાગે આપણે કેવા છીએ એ લોકો નક્કી કરતા હોય છે. તમને ખબર છે કે લોકો તમારા વિશે શું માને છે?
માણસ નવાં કપડાં પહેરે તોપણ પોતાની નજીકની વ્યક્તિને પૂછે છે કે હું કેવો લાગું છું? કોઈ કાર્યક્રમમાં લેક્ચર કે સ્ટેજ પર્ફોર્મન્સ પછી માણસને એ જાણવાની તાલાવેલી હોય છે કે કેવું રહ્યું? દરેક વ્યક્તિને દરેક વાતમાં એપ્રિસિએશન જોઈતું હોય છે. તાળીઓ એટલે જ દરેક કાર્યક્રમમાં કલાકાર માટે મહત્ત્વની હોય છે. દરેક માણસ એવું ઇચ્છતો હોય છે કે એની કદર થાય. પોતાના પરિવારમાં, પોતાના મિત્રવર્તુળમાં, પોતાના સમાજમાં કે પોતાના શહેરમાં સન્માન મળે એવી દરેકની ઇચ્છા હોય છે.
મહેનત કરવા છતાં પણ એ ન મળે ત્યારે માણસ હતાશ થાય છે. એક માણસ હતો. ઘરના લોકોને રાજી રાખવા એ ખૂબ જ મહેનત કરે. બધાંનો પડયો બોલ ઝીલે. કોઈ નાનકડી ઇચ્છા વ્યક્ત કરે તોપણ એ યાદ રાખીને એને પૂરી કરે. આમ છતાં ઘરના લોકો તરફથી એને ક્યારેય એવા શબ્દો સાંભળવા ન મળે કે તેં સારું કર્યું કે તું બધાંનું કેટલું ધ્યાન રાખે છે. ઘરની કોઈ વ્યક્તિનો બર્થ ડે હોય તો કેક અને પાર્ટીનું આયોજન કરે, કોઈ ઉદાસ ન રહે તેનું ધ્યાન રાખે. બધાં લોકો પછી તો કંઈ પણ હોય એને જ કામ સોંપે. ઘણી વખત કોઈ કામને એની ફરજ સમજીને કરતું હોય ત્યારે આપણે એને આપણો અધિકાર સમજી લેતા હોઈએ છીએ.
એક દિવસ એને ખબર પડી કે આજે તેની કારના ડ્રાઇવરનો બર્થ ડે છે. ઘરના લોકો સાથે રહેવા માટે ડ્રાઇવર અડધા દિવસની રજા લઈને ઘરે ચાલ્યો ગયો હતો. સાંજે ઘરે જતી વખતે એ ભાઈને એક વિચાર આવ્યો. એ કેકશોપ ગયો. કેક અને બુકે લીધાં. થોડો નાસ્તો લીધો અને સીધો ડ્રાઇવરના ઘરે પહોંચી ગયો. હાથ મિલાવીને તેને બર્થ ડે વિશ કરી. ઘરના લોકોની સાથે મળી કેક કાપી. નાનકડી પાર્ટી કરી. એ જતો હતો ત્યાં ડ્રાઇવરે એક મિનિટ એમ કહીને એને રોક્યો. એની આંખોમાં ઝળઝળિયાં હતાં. તેણે કહ્યું કે, થેન્ક યુ, તમે મારો દિવસ સુધારી દીધો. તમે સારા માણસ છો. તમે જે કર્યું એ મને ખૂબ ગમ્યું. પછી એણે જે વાત કરી એ વધુ મહત્ત્વની હતી. ડ્રાઇવરે કહ્યું કે ઘરના કોઈનો પણ બર્થ ડે હોય ત્યારે તમે કેકથી માંડીને પાર્ટીનું પ્લાનિંગ કરો છો. બધું લેવામાં હું તમારી સાથે હોઉં છું.
પાર્ટી પતે પછી કોઈ તમારી કદર ન કરે અને થેન્ક યુ ન કહે ત્યારે મને થતું હતું કે તમે ખોટા ખેંચાવ છો, એ લોકોને તો કંઈ પરવા જ નથી. તમને તમારા લોકોએ શું કહેવું જોઈએ એ હું વિચારતો રહેતો. આજે હું એ જ કહું છું કે તમે સારા માણસ છો. હું નસીબદાર છું કે મને આજે આવું કહેવાનો મોકો મળ્યો છે. હું બીજું એ પણ કહીશ કે, કોઈ કંઈ કહે કે ન કહે, પણ તમે જેવા છો એવા જ રહેજો. પેલો માણસ ડ્રાઇવરની આંખમાં આંખ પરોવીને થોડુંક હસ્યો, તેના ખભે હાથ રાખીને હાથ થપથપાવ્યો. કદાચ એણે મનોમન એને થેન્ક યુ કહી દીધું, કારણ એ હતું કે, બધાં જ તેને એવું કહેતાં હતા કે તું ખોટો બધા પાછળ ખેંચાય છે, જેને પરવા ન હોય એના માટે સારા થવાનો પ્રયત્ન ન કરવો. આ પહેલો માણસ છે જેણે કહ્યું કે તમે જેવા છો એવા જ રહેજો.
આપણે છીએ એવા આપણે રહેતા હોઈએ છીએ? ના. મોટા ભાગે તો આપણે ‘જેવા સાથે તેવા’ રહેવાનો જ પ્રયત્ન કરતા હોઈએ છીએ. કોઈએ અપમાન કર્યું હોય તો આપણે પણ તેનું અપમાન કરવાનો મોકો શોધતા હોઈએ છીએ અને તક મળે ત્યારે તરત જ એને પરખાવી દેતા હોઈએ છીએ. આપણે આપણું બધું જ વર્તન આપણે હોઈએ એવું નહીં, પણ સામેવાળા જેવું કહે એવું જ કરતા હોઈએ છીએ. આપણે તો ગિફ્ટ કે ચાંદલો આપતી વખતે પણ એ જ વિચારીએ છીએ કે એણે આપણા પ્રસંગ વખતે શું કર્યું હતું?
સંબંધને ક્યારેય ફૂટપટ્ટી કે આંકડાથી ન માપો. એવું કરતી વખતે ઘણી વખત આપણે જ મપાઈ જતાં હોઈએ છીએ. તમે જેવા છો એવા જ રહો. કોઈ ગમે તે કહે, પણ મારાથી એવું ન થાય. જેવા સાથે તેવા થવામાં સરવાળે તો આપણે પણ એના જેવા જ થઈ જતાં હોઈએ છીએ. આપણે હોઈએ એવા રહેતા નથી. ઘણી વખત તો સારા હોય એને લોકો મૂરખ પણ કહેતા હોય છે. એ તો મૂરખો છે, કંઈ ખબર નથી પડતી, વધુ પડતો સારો થવા જાય છે. કોઈ ખરાબ અનુભવ થાય ત્યારે લોકો એવું પણ કહેતા હોય છે કે તું બહુ વહાલો થવા જતો હતો, શું પરિણામ આવ્યું? લોકો ગમે તે કહે, પણ તમે જેવા છો એવા રહો. કેટલા લોકો એવું વિચારે છે કે દુનિયા બદલે એટલે મારે પણ બદલી જવાનું?
અને હા, જે માણસ સારો હોય તેને સારો કહેવાની તક જવા ન દેતા. સારા માણસની કદર ન કરીને પણ ઘણી વખત આપણે તેને સારો રહેવા દેતા નથી. સારો ન હોય એને આપણે મોઢામોઢ પરખાવી દેતા હોઈએ છીએ, પણ સારો હોય તેનાં વખાણ કરવામાં આપણે ઊણાં ઊતરીએ છીએ. આપણને એવું થાય છે કે આપણે વખાણ કરીશું તો એ છકી જશે, પોતાને કંઈક સમજવા માંડશે, પણ એવું હોતું નથી. મોટાભાગે તો સારો માણસ વધુ સારો થતો હોય છે.
એક ઓફિસની વાત છે. એ ઓફિસમાં બધા જ કામચોર. પોતાની રીતે જ કામ કરે, કંઈ જ નવું કે વધુ કરવાનો પ્રયત્ન જ ન કરે. ઘડિયાળના કાંટે કામ કરે. ત્યાં એક નવો માણસ આવ્યો. ખૂબ જ ઉત્સાહી અને અત્યંત મહેનતુ. એ દિલ લગાવીને કામ કરે. બોસ ક્યારેય તેને એમ ન કહે કે તું સારું કામ કરે છે. ધીમે ધીમે એને થવા લાગ્યું કે અહીં તો કોઈને કંઈ વેલ્યુ જ નથી. હું શા માટે ઉપાધિ કરું? ધીમે ધીમે એ પણ બધા જેવો થઈ ગયો. ખોટાની બહુમતિ હોય ત્યાં સાચા વ્યક્તિએ વધુ સતર્ક રહેવું પડે છે. તમને નબળાં પાડનારાં પરિબળો તમારી આજુબાજુમાં વધુ હોય ત્યારે તમારે એ સૌથી વધુ ધ્યાન રાખવાનું હોય છે, તમે બદલાઈ ન જાવ અને જેવા છો એવા જ રહો.
આપણે ત્યાં એક એવી પણ મીથ છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. હા, આ વાત સાચી પડે છે, પરંતુ જો આપણે ફર્સ્ટ ઇમ્પ્રેશનમાં નાટક કરીને કે દેખાવો કરીને સારા થઈ જઈએ તો સેકન્ડ ઇમ્પ્રેશનમાં આપણે ઓળખાઈ જતાં હોઈએ છીએ. આપણું એકસરખું વર્તન જ સરવાળે આપણી છાપનું સર્જન કરતી હોય છે.
દરેક વ્યક્તિ પોતાના વિશે એવો જ બચાવ કરતી હોય છે કે, મારી છાપ એવી છે, પણ હું એવો છું નહીં. દરેક વ્યક્તિ પોતે સારી અને સાચી જ લાગતી હોય છે, છતાં કોઈ છાપ એમને એમ બંધાતી નથી. આપણી છાપ એવી જ પડતી હોય છે જેવા આપણે હોઈએ છીએ. દરેક વ્યક્તિ સારી જ હોય છે. તકલીફ ત્યારે થાય છે જ્યારે એ કોઈના વર્તન કે કોઈની વાતથી બદલાય છે. નક્કી કરો કે હું આવો છું અને આવો જ રહીશ. મારા માપદુંડ અને મારું મૂલ્ય હું જ નક્કી કરીશ. તમે ઇચ્છતા હોવ કે તમારી છાપ ન બદલે કે ન બગડે, તો તમે જેવા છો એવા જ સારા રહો. આપણે નક્કી કરવાનું હોય છે કે આપણે કેવા રહેવું છે? લોકો જેવા કે પછી આપણે છીએ એવા?
છેલ્લો સીન :
પ્રેમ શબ્દ ભલેને ગમે તેટલા વિલંબથી અને ગમે તે પ્રકારે વ્યક્ત કરવામાં આવે, પરંતુ તે સદૈવ સર્વશ્રેષ્ઠ હોય છે. જોના વેલી
(‘સંદેશ’. તા. 3જી ફેબ્રુઆરી,2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com
 

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *