જિંદગી રમત, વાર્તા કે ફિલ્મ નથી
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
લલાટે રેખાઓને ઘસવી પડી છે, ઘણી વેળાઓને હસવી પડી છે,
ચકાસી છે ઘણી ધીરજ ધરીને, ઘણી આશાઓને કસવી પડી છે.
-સાબિર પટવા
જિંદગીની સૌથી મોટી બે ખાસિયત છે – એક તો અનિશ્ચિતતા અને બીજું પરિવર્તન. જિંદગી વિશે એવું કહેવાય છે કે આવતી કાલે શું થશે, એની કોઈને ખબર નથી પણ એટલી તો ખબર હોય જ છે કે આવતી કાલે કંઈક તો થવાનું જ છે. આ ‘કંઈક’ સારું પણ હોઈ શકે, ખરાબ પણ હોઈ શકે અને રોજેરોજ થતું હોય એવું રૂટિન પણ હોઈ શકે.
અનિશ્ચિતતા જિંદગીનું સૌથી મોટું એક્સાઇટમેન્ટ હોય છે. આવનારી દરેક પળ નવો ચહેરો લઈને આવે છે. દરેક ક્ષણનો એક મૂડ હોય છે, એક મિજાજ હોય છે, એક સસ્પેન્સ હોય છે. સમય રહસ્યમય છે એ સતત રંગ બદલતો રહે છે. સમય ક્યારેક કાળો હોય છે અને ક્યારેક ગુલાબી. સમય આપણને એના રંગે રંગી નાખે છે અને આપણે એ રંગને સારા અથવા ખરાબનું નામ આપી દઈએ છીએ.
સમય ક્યારેય આપણે ઇચ્છીએ એમ વર્તતો નથી. આપણે સમય મુજબ ચાલવું પડે છે. સમય ક્યારેય પોતે અટકતો નથી, પણ આપણને અટકાવી દે છે. સમય ક્યારેક આપણને દોડાવે છે. ક્યારેક હંફાવે છે. ક્યારેક હસાવે છે અને ક્યારેક રડાવે છે. દરેક ક્ષણ પરિવર્તનનો પવન લઈને આવે છે. દરેક પળ સાથે આપણે થોડા થોડા બદલાતા હોઈએ છીએ. જિંદગી એટલે અનિશ્ચિતતા અને પરિવર્તન સાથેનું બેલેન્સ.
દરેક વ્યક્તિની જિંદગી અનોખી છે. આમ તો એવું કહેવાય છે કે દરેક વ્યક્તિની જિંદગી એક નવલકથા છે, પણ દરેક નવલકથા એ જિંદગી નથી. ઘણી વ્યક્તિની વાત સાંભળીએ ત્યારે આપણે એવું બોલી દેતા હોઈએ છીએ કે એની લાઇફ પણ ગજબની ફિલ્મી છે. જિંદગી રમત છે અને આ રમત આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ આપણે રમવી પડતી હોય છે એવું પણ કહેવાય છે.
તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી જિંદગી કેવી છે? વિચારશો તો એવું જ લાગશે કે મારી જિંદગી રસપ્રદ છે, એમાં ઘણા ચડાવ ઉતાર છે, ટ્રેજેડી છે અને કોમેડી પણ છે, સકસેસ પણ છે અને નિષ્ફળતા પણ છે. આમ જુઓ તો બધાની જિંદગીમાં આવાં તત્ત્વો હોય જ છે. તમને લાગે છે કે તમારી જિંદગી પરથી કોઈ નવલકથા લખી શકાય? અથવા તો તમારી જિંદગી પરથી કોઈ ફિલ્મ બનાવી શકાય? હા, દરેકને એવું લાગતું હોય છે અને એ સાચું પણ હોય છે. દરેક જિંદગી પરથી વાર્તા કે ફિલ્મ બની શકે પણ દરેક વાર્તા કે ફિલ્મ જિંદગી નથી. વાર્તા કે ફિલ્મના આધારે આપણે જિંદગી જીવી ન શકીએ. દુનિયા ભલે ગમે તે કહેતી હોય પણ જિંદગી એ જ હોય છે, જેને તમે બનાવો છો. તમારે કેવી જિંદગી બનાવવી છે એ તમારા હાથની વાત છે. લોકો એવું કહેતા હોય છે કે આપણું ક્યાં કંઈ ચાલતું હોય છે. આપણે તો સમયના હાથની કઠપૂતળી છીએ, સમય જેમ નચાવે એમ આપણે નાચવું પડતું હોય છે. આ વાત સાચી પણ છે અને ખોટી પણ છે, કારણ કે સારા કે ખરાબ સમયમાં અંતે તો આપણે જે રીતે વર્તીએ એવું જ થવાનું છે. આપણે જ આપણી જિંદગી બનાવવાની કે બગાડવાની હોય છે.
કોઈ પણ માણસ ન કરવાનું કામ કરતો હોય ત્યારે એને ખબર જ હોય છે કે તે ખોટું કરે છે. પછડાટ ખાય ત્યારે એ પોતાને દોષ દેવાને બદલે સમય અથવા નસીબને દોષ દે છે. કપરા સમયને માણસ ખરાબ નસીબનું નામ આપી દે છે. સમય ખરાબ હોઈ શકે પણ નસીબ તો તમે ઘડો તેવું જ થાય છે. આપણે એક જ વાત માનતા આવીએ છીએ કે અંતે તો જે થવાનું હોય એ જ થાય છે. પણ જે થાય છે એ કરે છે કોણ? એ તો આપણે જ કરતાં હોઈએ છીએ. ટાંચણી લઈને તમે હાથમાં મારો અને પછી કહો કે આ ટાંચણી તો મને વાગવાની જ હતી, તો એમાં કેટલો વાંક નસીબનો અને કેટલો વાંક તમારો?
તમારી જિંદગીનો બધો જ આધાર તમે તેને કેવી રીતે જીવો છો તેના પર છે. આપણી હાર, ખામી, મર્યાદા કે નિષ્ફળતા માટે કોઈને દોષ દેવો એ આપણી જ જિંદગીનું આપણા હાથે જ થતું અપમાન છે. એક સંત હતા. તેમણે પાંચ વ્યક્તિને પાંચ મોટા પથ્થર આપ્યા અને કહ્યું કે આમાંથી તમે ભગવાનની મૂર્તિ બનાવો. પાંચેયે પોતાને આવડે એવી મૂર્તિ બનાવી. સંતે મૂર્તિ જોઈને કહ્યું કે આમાંથી કઈ મૂર્તિ સૌથી સારી છે. સરખામણી કરીને બધાએ ક્રમ આપ્યો કે આ સારી છે અને આ નબળી. પછી સંતે કહ્યું કે બધી જ મૂર્તિ સારી છે. સારી કે નબળી એટલે લાગે છે કે આપણે બધી મૂર્તિ વચ્ચે સરખામણી કરીએ છીએ. દરેકે મહેનત કરી છે અને પોતાની મૂર્તિ સારી બને એવો પ્રયત્ન કર્યો છે. જિંદગીનું પણ એવું જ છે. આપણે સરખામણી કરતાં રહીએ છીએ અને બીજાની સરખામણીમાં આપણી જિંદગીને મૂલવતાં રહીએ છીએ. તમારી જિંદગીની સરખામણી કોઈની સાથે કરવા જશો તો દુઃખી જ થશો,કારણ કે દરેક માણસ પોતાની સરખામણી એ જે કરી શકતો ન હોય એવાં કામો કરનારી વ્યક્તિ સાથે જ કરતો હોય છે. જેને પોતાની જિંદગી સુંદર લાગતી હોય એ જ જિંદગીને માણી શકે છે.
આપણે જિંદગીને કેવી રીતે માપીએ છીએ? કોઈ સેલિબ્રિટી, નેતા, પૈસાદાર વ્યક્તિ કે મહાન માણસને જોઈને આપણે એવું વિચારવા લાગીએ છીએ કે આપણે તો જિંદગીમાં કંઈ ન કરી શક્યા, ન તો નામના મેળવી શકયા કે ન મેળવી શક્યા રૂપિયા. આપણી તો કોઈ ઔકાત જ નથી. આવું વિચારનાર માણસ પોતાની જાતને જ અન્ડરએસ્ટિમેટ કરતો હોય છે. બધા ઓળખતા હોય એ જ મહાનતા નથી. તમે તમારી જિંદગી સારી રીતે જીવો એ જ મહાનતા છે. માળીને બગીચાની બહાર કોઈ ઓળખતું ન હોય તોપણ એ એના બગીચાનો સર્જક છે. મોટા ભાગે તો આપણે પ્રસિદ્ધિને જ મહાનતા માની લેતા હોઈએ છીએ. તમારા લોકો તમને સારા માણસ સમજતાં હોય તો તમે મહાન છો. એક વ્યક્તિની જિંદગી માટે પણ જો તમે પ્રેરણાદાયક બન્યા હોય તો તમે મહાન છો, તમારી હતાશાને તમે હરાવી હોય તો તમે મહાન છો. સંઘર્ષો વચ્ચે નાનકડી સફળતા પણ મેળવી હોય તો તમે મહાન છો. દરેકની જિંદગીમાં ગૌરવ થાય એવું બન્યું જ હોય છે. પણ આપણે એની સરખામણી કરતાં રહીએ છીએ એટલે આપણને આપણી જ મહેનત,આપણો સંઘર્ષ અને આપણાં પ્રયાસો ઓછા અને અધૂરા લાગે છે. તમે તમારી જે જગ્યાએ હોય એ જગ્યાએ શ્રેષ્ઠ રહ્યા છો? જો હા તો તમે મહાન છો. અને હા, મહાન હોવા કરતાં સારા માણસ હોવું એ મોટી વાત છે અને દરેક માણસમાં સારા માણસ બનવાની પૂરેપૂરી ક્ષમતા હોય જ છે.
છેલ્લો સીન :
તે ખરેખર મહાન છે, જેનો પોતાના પર કાબૂ છે.
– વી. પીહાલ
(‘સંદેશ’, તા. 9-12-12. રવિવાર. સંસ્કાર પૂર્તિ. ‘ચિંતનની પળે’ કોલમ)