જિંદગી દરેક સવાલના જવાબ આપે જ છે

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
બંધ થઈ જાઉં આજ શબ્દ બની, એટલો ઊઘડી ગયો છું હું,
મેં મને ખૂબ ખૂબ ઘૂંટયો છે, મને આવડી ગયો છું હું.
– મનહર મોદી
તમને જિંદગી સામે કેટલી ફરિયાદો છે? આપણે જિંદગીને કેવા કેવા સવાલો કરતા રહીએ છીએ? સૌથી મોટો સવાલ તો એ જ હોય છે કે આપણે ધારતાં હોઈએ એવું કેમ નથી થતું? અથવા તો ધાર્યું હોય એનાથી ઊંધું જ કેમ થાય છે? આપણી ગણતરીઓ કેમ ખોટી પડે છે? ક્યારેક આપણને જિંદગી પત્તાંના મહેલ જેવી લાગે છે. માંડ માંડ પત્તાંનો મિનારો ઊભો કરીએ અને હવાની એક લહેરખી આખો મહેલ કડડભૂસ કરી નાખે છે. આપણને વળી એક નવો સવાલ થાય છે કે મારી સાથે જ કેમ આવું થાય છે?
આપણી સાથે ક્યારેક કંઈક ખરાબ થાય ત્યારે ઘણા મિત્રો કે વડીલો એવું કહીને ધરપત આપે છે કે જે થતું હશે એ સારા માટે થતું હશે. ત્યારે તો આપણને એમ જ થાય કે શું ધૂળ સારું થવાનું છે? અત્યારે તો ક્યાંય ધ્યાન નથી પડતું. સમય જાય પછી આપણને પોતાને જ એમ થાય છે કે જે થયું હતું એ સારા માટે જ થયું હતું. જો એ થયું ન હોત તો કદાચ આજે હું જે છું તે ન હોત.
થોડા સમય પહેલાં એક વાર્તા વાંચી હતી. એક છોકરી હતી. તેના ઉપર એક માણસ બહુ અત્યાચારો કરતો હતો. તેનું દરેક રીતે શોષણ કરે. અત્યાચારની હદ આવી ગઈ ત્યારે એ છોકરીએ બળવો કર્યો. નક્કી કર્યું કે હું આખી દુનિયા સાથે લડી લઈશ. પછી એણે પોતાની રીતે જીવવાનું શરૂ કર્યું. ખૂબ આગળ વધી. ઘણો સમય વીતી ગયો. જે માણસે તેના પર અત્યાચાર કર્યો હતો એ મરણપથારીએ હતો. એ છોકરી તેની પાસે ગઈ. મરણપથારીએ પડેલા એ માણસે કહ્યું કે તું તો મને કોસતી જ હશે, એવી જ પ્રાર્થના કરતી હશે કે મને નરકમાં પણ જગ્યા ન મળે. છોકરીએ કહ્યું કે, ના હું તને કોઈ બદદુઆ આપતી નથી. જે સમય હતો એ વીતી ગયો છે. હા, તું નાલાયક હતો. તેં મને ખૂબ હેરાન કરી છે, પણ સાથોસાથ એ વાત પણ સાચી છે કે જો તું ન હોત તો તારા પછી મને જે મારી ઓળખ મળી છે એ ન મળી હોત. હું તો તને એ કહેવા આવી છું કે મેં તને માફ કરી દીધો છે, જેથી તું શાંતિથી મરી શકે.
અંધકારની બહાર એક પ્રકાશ હોય છે. ઘણી વખત અંધકાર એટલો બધો ગાઢ થઈ જાય છે કે એ સહન નથી થતો, ત્યારે જ આપણે એ અંધકારના બંધનોને ફગાવી દઈને પ્રકાશ તરફ ગતિ કરતાં હોઈએ છીએ. પ્રકાશમાં આવીને આપણે અંધકારને કેવી રીતે જોઈએ છીએ એના ઉપર જ જિંદગીની સમજદારીનો આધાર છે.
ઘણી વખત આપણે આપણા ભૂતકાળને એટલો બધો ઓઢી રાખીએ છીએ કે વર્તમાન અથવા ભવિષ્ય નજરે પડતાં જ નથી. દુશ્મની કે વેરઝેર એ મોટાભાગે તો આપણે ખેંચી રાખેલો આપણો ભૂતકાળ જ હોય છે. આપણે આપણી એનર્જીને કઈ તરફ વાળીએ છીએ તેના ઉપરથી જ જિંદગીના વળાંકો કે ચડાવ-ઉતાર નક્કી થઈ શકે છે.
માણસ એકસાથે બે અવસ્થા જીવી શકતો નથી. કાં તો એ ઉદાસ હોય છે અને કાં તો એ ખુશ હોય છે. કાં તો એ ગુસ્સામાં હોય છે અને કાં તો એ શાંત હોય છે. હર્ષનાં આંસુ આવી શકે છે, પણ જ્યારે શોકમાં હોઈએ ત્યારે હર્ષનો વિચાર સુધ્ધાં નથી આવતો. માણસ કોઈ અવસ્થામાં ફટાક દઈને સ્વીચ ઓવર નથી કરી શકતો, પણ જિંદગીમાં કોઈ ક્ષણ એવી આવે છે કે જે માણસને બદલી નાખે છે.
આખી દુનિયા ડિપ્રેશનની વાતો કરે છે. હતાશામાં માણસ સરી જાય છે અને પોતાને પણ શોધી શકતો નથી. ડિપ્રેશનની ખૂબી શું છે?એ જ કે એમાંથી બહાર આવી શકાય છે. મોટીવેશનનાં સૌથી મોટાં ઉદાહરણો હતાશામાંથી બહાર આવેલા હોય એવા લોકો પાસેથી જ મળ્યાં છે. ફરક માત્ર એટલો જ હોય છે કે એ લોકો જ્યારે તેમાંથી પસાર થઈ જાય પછી તેને ભૂલી જાય છે અને નવી શરૂઆત કરે છે.
આપણામાં ઘણું બધું જીવતું હોય છે. કોને જીવવા દેવું અને કોને મારી નાખવું એ આપણે જ નક્કી કરવાનું હોય છે. પથારીમાં પણ આપણને કંઈ ખૂંચતું હોય તો આપણે તેને ઉખેડીને ફેંકી દઈએ છીએ. એક માણસ હતો. તે તેનો ગુસ્સો ભૂલી નહોતો શકતો. જૂની એક વાત યાદ આવે ત્યારે એનું મગજ છટકી જતું. તેના એક મિત્રે કહ્યું કે તું આ બધું મગજમાંથી કાઢ. એ તને જ નુકસાન કરે છે. તેણે કહ્યું કે કાઢવું તો છે પણ નીકળતું નથી. એ જે ખુરશીમાં બેસતો હતો ત્યાં તેના મિત્રએ એક વખત ટાંચણી ખોસી દીધી. જેવો એ માણસ બેસવા ગયો કે ટાંચણી વાગી. તરત જ એણે ટાંચણી કાઢીને ફેંકી દીધી. આ જોઈને મિત્રએ કહ્યું કે, જે ખૂંચતું હોય એ આપણે કેવું કાઢીને ફેંકી દઈએ છીએ? એ જ રીતે જિંદગીમાં જે ખૂંચતું હોય તેને હટાવવું પડે છે. જ્યાં સુધી એને ન કાઢો ત્યાં સુધી એ ખૂંચતું જ રહે છે.
જિંદગીના મોટા ભાગના સવાલોને જિંદગી ઉપર જ છોડી દેવા જોઈએ. વહેલો કે મોડો જિંદગી એનો જવાબ આપતી જ હોય છે. ફરિયાદ અને અફસોસમાં જ આપણે આપણી એનર્જીને વેસ્ટ કરતા હોઈએ છીએ. તમે જે ભગવાનને માનતા હોવ એની જિંદગી પર નજર કરો. કોઈ ભગવાનનું જીવન સરળ ન હતું. કદાચ એના જીવનના પડકારોએ જ એમને ભગવાન બનાવ્યા. માણસને પણ એના પડકારો જ માણસ બનાવતા હોય છે.
દુનિયામાં એક પણ વ્યક્તિ એવી નથી જેને ફરિયાદો, સમસ્યા કે મુશ્કેલી ન હોય. બધાની હાલત એક સરખી જ હોય છે. જુદા એ જ લોકો પડે છે જે તેનાથી ઉપર ઊઠીને જિંદગી જીવે છે. કોઈ માણસ રડતું હોય ત્યારે આપણે એને છાનું રાખીએ છીએ. આપણો ઇરાદો એ જ હોય છે કે એ શાંત થઈ જાય, પણ જે સતત રડતાં જ રહે છે એને છાના રાખવાનું પણ લોકો છોડી દે છે. આપણે ઘણી વખત એવું બોલીએ છીએ કે એને તો બધાએ બહુ સમજાવ્યો પણ એને સમજવું જ નથી. સૌથી મોટી વાત તો સરવાળે એ જ હોય છે કે માણસ પોતે જ સમજી જાય. આપણે આખી દુનિયાને સમજાવતા ફરીએ છીએ, પણ આપણી જાતને જ સમજાવતા હોતા નથી. મુશ્કેલીમાં આવીએ ત્યારે પાણીમાં બેસી જઈએ છીએ. જે માણસ પોતાને ધરપત આપી શકે છે તેને બીજાના આશ્વાસનનો આધાર રાખવો પડતો નથી. માણસ પોતાની શક્તિ કેવી રીતે ઓળખી શકે? સાવ સહેલી રીત એ છે કે જો તમારે તમારી શક્તિને ઓળખવી હોય તો તેને નબળી પડવા ન દો. તમારામાં જ એક ડાહ્યો અને શાણો માણસ જીવે છે, એના ઉપર જ આધાર રાખો. તમારાથી મોટો તમારો મદદગાર અને સલાહકાર કોઈ હોઈ ન શકે. કોઈ પણ સંજોગો અને સમસ્યાઓમાં નબળા ન પડો. અંધકારને પણ તક આપો. એ જ તમને ઉજાસની તરફ લઈ જશે. લોકો પણ એનો જ ભરોસો કરે છે, જેને પોતાની જાત ઉપર વિશ્વાસ છે.
છેલ્લો સીન :
ઉત્તમ માણસની ત્રણ ઓળખઃ સદ્ગુણો હોવાથી તે ચિંતાથી મુક્ત છે. ડાહ્યો હોવાથી તે ગૂંચવાડાથી મુક્ત છે. બહાદુર હોવાથી તે ભયથી મુક્ત છે.  –કન્ફ્યુશિયસ

(‘સંદેશ’, તા. 2-12-2012. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *